પ્રશાંત કિશોરે કહ્યું ભાજપ ઇચ્છે છે કે લોકો સ્વીકારી લે કે 2024ની ચૂંટણી પછી કંઈ નથી

પ્રશાંત કિશોર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રશાંત કિશોર
    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, (સહરસા, બિહાર)

રાજકીય વ્યૂહરચનાકાર અને જન સુરાજ અભિયાનના સંયોજક પ્રશાંત કિશોરે કહ્યું છે કે ભાજપ ઇચ્છે છે કે લોકો સ્વીકારે કે 2024ની ચૂંટણી પછી આગળ કંઈ નથી.

બીબીસી સાથે ખાસ વાતચીતમાં પ્રશાંત કિશોરે વિપક્ષની રણનીતિ સામે સવાલો ઊભા કર્યા અને કહ્યું કે આ લોકસભા ચૂંટણીઓને 'ડૂ ઑર ડાઈ' કહેવું વિપક્ષની સૌથી મોટી રાજકીય ભૂલ છે.

પ્રશાંત કિશોરે કહ્યું, "વિપક્ષ વધુ એક મોટી ભૂલ કરી રહ્યો છે. આ એક મોટી વ્યૂહાત્મક ભૂલ છે જે વિપક્ષ કરી રહ્યો છે. જો કોઈ કહેતું હોય કે આના પછી કંઈ નહીં થાય. ભાજપ એ જ તો ઇચ્છે છે કે તમે અને હું એમ માનીએ કે 2024ની ચૂંટણી પછી આગળ કંઈ નથી. જાણે કે આ પહેલી અને છેલ્લી ચૂંટણી છે અને એકવાર જનતા ભાજપની તરફેણમાં જનાદેશ આપી દે, તો પછી કોઈ સવાલ ના પૂછો."

તેમણે કહ્યું કે 2024 કોઈ જીતે, કોઈ હારે તેનો મતલબ એ નથી કે આ દેશમાં વિપક્ષ નહીં રહે, અસંમતિ નહીં રહે, આ દેશની સમસ્યા નહીં રહે, દેશમાં આંદોલન ન થવાં જોઈએ, દેશમાં પ્રયાસ ન થવા જોઈએ, જે ભાજપ સાથે સંબંધ નથી ધરાવતા.

તેમણે કહ્યું, "જો વિપક્ષ એમ કહી રહ્યો છે તો એમને લાગે છે કે તેઓ લોકોને ડરાવી રહ્યા છે, જેથી અમે કહી શકીએ કે ભાઈ, 2024 પછી કશું નહીં બચે, તેથી વોટ આપો અમને. મને લાગે છે કે વ્યૂહરચનાની દૃષ્ટિએ તેઓ આ ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છે. આમ ન કહેવું જોઈએ. એ સચ્ચાઈ પણ નથી."

પ્રશાંત કિશોરે કહ્યું કે જો હું તે જગ્યાએ હોત તો હું કહેત કે 2024માં લડીશું, પૂરી તાકાતથી લડીશું, પણ જો 2024માં જીત ન પણ થાય, તો એના પછી પણ સમય આવશે.

તેમણે કહ્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ કહીને એજન્ડા સેટ કરી દીધો છે કે અમે 400 સીટ જીતી રહ્યા છીએ. આ કહેવાનો શો અર્થ છે? એ કહેવાનો અર્થ માત્ર એ છે કે તેઓ પાર્ટી માટે માત્ર ગોલ સેટિંગ નથી કરી રહ્યા, તેઓ કહી રહ્યા છે કે હવે જીત–હારની કોઈ ચર્ચાઓ જ નથી કરતું. લોકો એમ પૂછી રહ્યા છે કે 400 આવશે કે નહીં આવે.

લોકસભા ચૂંટણી અને વિપક્ષી એકતાનો પ્રયાસ

પ્રશાંત કિશોર

ઇમેજ સ્રોત, JANSURAAJ.ORG

ઇમેજ કૅપ્શન, પ્રશાંત કિશોર

આવા સમયે લોકસભાની ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી છે તેવા સમયે વિપક્ષની તૈયારીઓ કેવી છે અને વિપક્ષ ક્યાં ઊભો છે?

આ પ્રશ્નના જવાબમાં પ્રશાંત કિશોર કહે છે કે વિપક્ષે બહુ મોડું કરી દીધું છે.

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનું ઉદાહરણ આપતા તેઓ કહે છે કે તેની તૈયારીઓ ઘણાં વર્ષોથી કરવામાં આવી રહી હતી. બધાને ખબર હતી કે ચૂંટણીના થોડા મહિના પહેલાં તેનું ઉદ્ઘાટન થઈ જશે.

તેમણે કહ્યું કે એ જ રીતે બધા જાણે છે કે એપ્રિલ-મે 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં, શું ચૂંટણીના થોડા મહિના પહેલાં રચાયેલ વિપક્ષનું 'ઇન્ડિયા' ગઠબંધન બે-ત્રણ વર્ષ અગાઉ ન બની શક્યું હોત?

તેમનું કહેવું છે કે વિપક્ષી પાર્ટીઓને ગઠબંધન કરતા કોણે રોક્યા હતા?

પ્રશાંત કિશોરે કહ્યું કે, "તેઓ ત્રણ વર્ષ પહેલાં પણ ખેડૂતોનો મુદ્દો ઉઠાવી શક્યા હોત, તેઓ બે-ત્રણ વર્ષ પહેલાં બેઠકોની વહેંચણી કરી શક્યા હોત. તેઓ ત્રણ વર્ષ પહેલાં ગઠબંધનને 'ઇન્ડિયા' નામ આપી શક્યા હોત. જો ત્રણ વર્ષ પહેલાં જ જો ભારત ગઠબંધન થયું હોત તો આજે લોકોને તેના વિશે વધુ સમજ પડી હોત."

બિહારમાં પરિવર્તનની આશા

પ્રશાંત કિશોર

ઇમેજ સ્રોત, JANSURAAJ.ORG

ઇમેજ કૅપ્શન, પ્રશાંત કિશોર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાદમાં બીબીસી સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ એકતા માટે જે પ્રયાસો કરી રહ્યો છે તે બે-ત્રણ વર્ષ પહેલાં થવા જોઈતા હતા.

તેમણે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના વધુ સારા પ્રદર્શનની આશા પણ વ્યક્ત કરી છે.

છેલ્લી લોકસભા ચૂંટણીમાં, ભાજપે પશ્ચિમ બંગાળમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તે સારું પ્રદર્શન કરી શકી નહોતી.

બિહારને લઈને પ્રશાંત કિશોરે કહ્યું કે હવે તેઓ બિહારમાં કંઈક એવું કરવા ઇચ્છે છે જેનાથી બિહારના લોકોનું જીવન પણ બદલાય, નહીં કે માત્ર સત્તાનું જ પરિવર્તન થયા કરે.

તેમણે કહ્યું કે આજ સુધીના તેમના અનુભવના આધારે તેમને લાગે છે કે મહાત્મા ગાંધીનો માર્ગ આજે સૌથી વધુ સુસંગત અને પ્રાસંગિક છે.

તેમણે કહ્યું કે, "જ્યાં સુધી સમાજમાં જઈને જનચેતનાને બદલવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ મોટા પરિવર્તનની આશા અર્થહીન છે."

પ્રશાંત કિશોરે કહ્યું, જ્યારે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેઓએ નક્કી કર્યું કે તેઓ લોકોને નહીં કહે કે કોને મત આપવો અને કોને નહીં. તેઓ લોકોને કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓએ મત આપતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મત આપવો જોઈએ.

ભારતમાં મહાત્મા ગાંધીની પ્રાસંગિકતા

પ્રશાંત કિશોર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની પ્રાસંગિકતા આજના સમયમાં અન્ય કોઈપણ સમયગાળા કરતાં વધુ છે.

તેમણે કહ્યું કે આજે શહેરી ભારતમાં એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મહાત્મા ગાંધી હવે પ્રાસંગિક નથી રહ્યા અથવા તેમને માનનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે.

પ્રશાંત કિશોરે કહ્યું, "2018-19 દરમિયાન, મેં દેશની લગભગ 2,500 કૉલેજોમાં એક સર્વે કર્યો હતો. સર્વેનાં પરિણામો દર્શાવે છે કે મહાત્મા ગાંધી હજુ પણ આ દેશમાં સૌથી વધુ પસંદ કરાયેલા સામાજિક-રાજકીય વ્યક્તિત્વ છે."

આગામી કેટલાક મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 'જન સુરાજ'ની ભૂમિકા અંગેના સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યું કે, હાલ તેઓ જનતાને જાગૃત કરવાની ભૂમિકા ભજવતા રહેશે.

તેમણે કહ્યું કે તેમણે બિહારની જનતાને વચન આપ્યું છે કે પહેલા તેઓ આખા બિહારમાં પદયાત્રા કરશે, ત્યારબાદ તેઓ સંમેલન અને પરિષદ કરશે અને ચર્ચા કરશે કે તેઓ પાર્ટી બનાવી રહ્યા છે કે નહીં અને પછી જ પાર્ટીની રચના થશે.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય પક્ષ બનાવવાના સવાલ પર તેમનું કહેવું છે કે તેમણે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યાત્રા શરૂ કરી નથી.

પરંતુ તેમણે બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા 'જન સુરાજ' યાત્રા પૂર્ણ કરવાની અને નવો રાજકીય પક્ષ બનાવવાની આશા વ્યક્ત કરી હતી.

કોણ આપી રહ્યું છે 'જન સુરાજ' યાત્રાનો ખર્ચો?

સ્થાનિકો

ઇમેજ સ્રોત, JANSURAAJ.ORG

ઇમેજ કૅપ્શન, બિહારના એક ગામના લોકો

'જન સુરાજ' યાત્રાને લઈને ઊઠી રહેલા સવાલોના જવાબમાં પ્રશાંત કિશોર કહે છે કે સવાલો ઊઠતા રહેશે, જેમનું કામ પ્રશ્નો ઉઠાવવાનું છે તેઓ સવાલો ઉઠાવતા રહેશે. તેમનું કામ પ્રમાણિકતા અને ચોકસાઈથી કામ છે.

પ્રશાંત કિશોરે કહ્યું, "સફર દરમિયાન હું લોકોને કહું છું કે પ્રશાંત કિશોર શું કહે છે તે તમારે ન જોવું જોઈએ, તમારે હું શું કરી રહ્યો છું તે જોવું જોઈએ. તમે તમારા અનુભવના આધારે મારા કામની ચકાસણી કરો, જો તમને તે ગમે છે તો મારી સાથે જોડાઓ."

પ્રશાંત કિશોર કહે છે કે તેમની પાસે એક જ ફૉર્મ્યુલા છે કે લોકોને કેવી રીતે સંગઠિત કરવા અને લોકોને સંગઠિત કરીને રાજકીય પક્ષ કેવી રીતે બનાવવો. જો કોઈ રાજકીય પક્ષ બને તો તે ચૂંટણી કેવી રીતે લડશે અને કેવી રીતે જીતશે?

'જન સુરાજ' યાત્રા માટે પૈસાના સ્રોતના પ્રશ્ન પર પ્રશાંત કિશોર કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે ઘણા લોકોને અને ઘણા રાજકીય પક્ષોને ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતવામાં મદદ કરી છે. પરંતુ કોઈ રાજકીય પક્ષ તેમને પૈસા નથી આપી રહ્યો.

તેમણે કહ્યું કે, "જન સુરાજ યાત્રાના પૈસા એ લોકો આપી રહ્યા છે જેમની ચૂંટણીમાં મેં મદદ કરી છે. એ લોકો સાધનસંપન્ન છે અને તેઓ જ યાત્રા માટે પૈસા આપી રહ્યા છે. આ લોકોને મારામાં વિશ્વાસ છે કે જો પ્રશાંત કિશોર પ્રયાસ કરે છે, તો ચોક્કસપણે કંઈક સારું થઈ શકે છે. તેથી જ તેઓ મને મદદ કરી રહ્યા છે."

તેજસ્વી યાદવ બિહારના યૂથ આઈકોન છે?

તેજસ્વી યાદવ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, તેજસ્વી યાદવ

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવના ઉદય અને યુવા આઇકોન તરીકે વર્ણવવામાં આવતા પ્રશ્ન પર પ્રશાંત કિશોર કહે છે કે લોકશાહીમાં લાકડાની હાંડી વારંવાર ન ચઢાવી શકાય.

તેમનું કહેવું છે કે જેમણે આરજેડીના 15 વર્ષના જંગલરાજને જોયું છે, તેઓ આરજેડી કે તેની સાથે જોડાયેલા લોકોને આગળની સીટ પર બેઠેલા જોવા નથી માગતા.

ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની ચૂંટણી પર શું અસર પડશે?

આ સવાલ પર તેમણે કહ્યું કે તેમને નથી લાગતું કે ચૂંટણી પર તેની કોઈ અસર પડશે. આનાથી ગામડાંના લોકોનાં મતદાન પર કોઈ અસર નહીં થાય.

બંગાળમાં સંદેશખાલીથી ફાયદો કોને થશે?

સંદેશખાલીમાં પ્રદર્શન કરી રહેલાં મહિલાઓ

ઇમેજ સ્રોત, SHIB SHANKAR CHATTERJEE / BBC

ઇમેજ કૅપ્શન, સંદેશખાલીમાં પ્રદર્શન કરી રહેલાં મહિલાઓ

પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીના મુદ્દે સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેની તકરારના મુદ્દે પ્રશાંત કિશોરે કહ્યું કે આવા મુદ્દા સાચા છે કે ખોટા તે તપાસનો વિષય છે, પરંતુ જ્યારે આ મુદ્દો જાહેર જનતાની વચ્ચે આવે છે, તો શાસક પક્ષને તેનું નુકસાન વેઠવું પડે છે.

તેમણે કહ્યું કે, "પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી પછી ભાજપ નબળું પડી ગયું છે તેવું કહેવું યોગ્ય નથી. તૃણમૂલે ખૂબ જ મહેનત કરીને વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યું હતું."

"જો આ પ્રકારની મહેનત લોકસભાની ચૂંટણીમાં કરવામાં નહીં આવે, તો ભાજપ માટે ચૂંટણી પરિણામો લગભગ 2019 જેવાં જ અથવા તેનાથી પણ સારાં હોઈ શકે છે."

તેમનું કહેવું છે કે 2021ની વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળમાં બીજેપીના સમર્થનમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં જો તૃણમૂલ પોતાનો આધાર બચાવવા માંગે છે તો તેમણે ઘણી મહેનત કરવી પડશે.

લોકોમાં પ્રશાંત કિશોરની છબી કેવી છે?

બિહારમાં જન સુરાજ અભિયાન શરૂ કરનાર પ્રશાંત કિશોર છેલ્લાં દોઢ વર્ષથી રાજ્યમાં પદયાત્રા પર છે અને અત્યાર સુધીમાં 14 જિલ્લાઓની મુલાકાત લઈ ચૂક્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણી, ભાજપ, રામ મંદિર, તેજસ્વી યાદવ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકાર અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.

જ્યારે બીબીસીની ટીમ તેમને મળવા બિહારના સહરસા જિલ્લાના દેહદ ગામમાં પહોંચી ત્યારે રસ્તામાં વિવિધ સ્થળોએ પ્રશાંત કિશોરની તસવીર સાથેનાં સ્વાગત દ્વાર બનેલાં જોવા મળ્યાં હતાં.

ઘણી જગ્યાએ રસ્તાની બંને બાજુ દુકાનો અને થાંભલાઓ પર જન સુરાજ અને જય શ્રીરામના પીળા ધ્વજ જોવા મળ્યા હતા.

શું તમે પ્રશાંત કિશોરને ઓળખો છો, નામ સાંભળ્યું છે કે જોયું છે? આ પ્રશ્નના જવાબમાં કેટલાક લોકોએ કહ્યું કે તેઓ પ્રશાંત કિશોર વિશે જાણતા નથી અને જ્યારે તેઓ તેમને સાંભળશે ત્યારે તેઓ તેમના વિશે મન બનાવી લેશે. કેટલાકે કહ્યું કે તેમણે પ્રશાંત કિશોરના વીડિયો જોયા છે.

પ્રશાંત કિશોરે લગભગ અડધો કલાક ગ્રામજનો સાથે વાત કરી હતી. ત્યાં ઊભા રહેલા ઝહુર આલમે કહ્યું કે તે મોબાઇલ પર પ્રશાંત કિશોરની વાત સાંભળી રહ્યા છે અને પ્રશાંત કિશોરે ઘણી સારી વાતો કહી.

રણજીત કુમાર સિંહે કહ્યું કે પ્રશાંત સારી વાતો લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

પ્રશાંત કિશોરને સાંભળવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઊમટી પડ્યાં હતાં. પ્રશાંત લોકોને તેમનાં વિચારો વ્યક્ત કરવા અને તેમને પ્રશ્નો પૂછવાનું કહેતા હતા.

બીબીસી
બીબીસી