પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષના મહિલાઓની જાતીય સતામણીના આરોપી શાહજહાં શેખની ધરપકડ થઈ એ કોણ છે?

ઇમેજ સ્રોત, SANJAY DAS
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, બીબીસી હિન્દી માટે કલકત્તાથી
પશ્ચિમ બંગાળ પોલીસે ગુરૂવારે ટીએમસી નેતા શાહજહાં શેખની સંદેશખાલી યૌન ઉત્પીડન કેસમાં ધરપકડ કરી છે.
શેખ પર ઉત્તર 24 પરગણામાં આવેલા સંદેશખાલી ગામની મહિલાઓની જાતીય સતામણી અને ગામના લોકોની જમીન કબજે કરવાના આરોપો છે.
શેખની ધરપકડ ઉત્તર 24 પરગણા જિલ્લાના મિનાંખામાંથી કરવામાં આવી છે.
મિનાંખા પોસીલ સ્ટેશનનાં એક અધિકારીએ નામ ન છાપવાની શરતે બીબીસીને આ ધરપકડની પુષ્ટિ આપી છે.
પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે શાહજહાં શેખને બશીરહાટ કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે.
દક્ષિણ બંગાળના એડીજી સુપ્રતિમ સરકાર આ મામલે સવારે નવ વાગ્યે એક પત્રકાર પરિષદ સંબોધશે.
આ અઠવાડિયે જ કલકત્તા હાઈકોર્ટે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ પોલીસ શાહજહાં શેખની ધરપકડ કરે. આ પહેલા ટીએમસીની દલીલ હતી કે કોર્ટના જૂનાં આદેશોને કારણે તેમના હાથ બંધાયેલા છે અને તે શેખની ધરપકડ નથી કરી શકતા.
જોકે, કોર્ટનાં આ નિર્ણય પછી ટીએમસીએ કહ્યું હતું કે સાત દિવસની અંદર શેખની ધરપકડ થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્યમાં ભાજપનાં નેતા શુભેંદુ અધિકારીએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ અને શાહજહાં શેખ વચ્ચે ડિલ થઈ ગઈ છે અને તેને પોલીસની અટકાયતમાં પણ ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “શાહજહાં શેખ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી મમતા પોલીસની સુરક્ષિત અટકાયતમાં છે. મમતા બેનર્જીની પોલીસ અને તેમની વચ્ચે એક કરાર થયો છે કે પોલીસ અટકાયત દરમિયાન તેમની સારસંભાળ રાખશે. જેલમાં રહેવા દરમિયાન શેખને ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા એક મોબાઈલ ફોન પણ આપવામાં આવશે.”
"જો તે થોડો સમય ત્યાં રહેવા માંગતો હોય તો વુડબર્ન હોસ્પિટલમાં તેના માટે એક બેડ પણ તૈયાર હશે"
સંદેશખાલીની ઘટના પર રાજકીય વિવાદ ચરમ પર છે. ટીએમસી નેતાની ચર્ચિત ત્રિપુટી શાહજહાં, શિબુ હાઝરા અને ઉત્તમ સરદારનાં કથિત અત્યાચારો અને જાતીય સતામણી વિરુદ્ધ મહિલાઓએ બળવો કર્યો છે.
આ કારણે લોકસભાની ચૂંટણી પહેલા મુખ્ય મંત્રી મમતા બેનર્જીની સરકારની સાથે-સાથે તેમની પાર્ટી તૃણમુલ કૉંગ્રેસને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે. જોકે, સંદેશખાલીના ત્રણેય નેતાઓમાંથી સૌથી વધારે ચર્ચા ટીએમસી નેતા શાહજહાં શેખની થઈ રહી છે.
આખરે આ શાહજહાં શેખ છે કોણ?
શાહજહાં શેખના નામની ચર્ચા ક્યારે શરૂ થઈ?

ઇમેજ સ્રોત, SANJAY DAS
શાહજહાં શેખનું નામ પાંચ જાન્યુઆરીએ એ સમયે સામે આવ્યું જ્યારે બંગાળના કથિત રૅશન ગોટાળાની તપાસ કરી રહેલી ઈડીની ટીમ તપાસ માટે તેમના ઘરે પહોંચી.
આ સૂચના મળતાની સાથે જ શાહજહાંના સમર્થકોએ (મહિલાઓ સમેત) ઈડીની ટીમ અને તેમની સાથે ગયેલા કેન્દ્રીય દળો અને પત્રકારોને ઘેરી લીધા.
ગામલોકોના હુમલામાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા. એ સમયે શાહજહાં તેના ઘર પર જ હતા. જોકે, આ દુર્ઘટના પછી તે તરત જ ફરાર થઈ ગયા. ત્યારબાદ અત્યાર સુધી તેમની કોઈ ખબર નથી.
આ ઘટના પછી ઈડી તેમને સમન મોકલતી રહી. જોકે, તે ક્યારેય પણ હાજર ન થયા.
આ દરમિયાન તેમણે તેના વકીલ દ્વારા કલકત્તા હાઈકોર્ટમાં આગોતરા જામિન માટે અરજી પણ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે જો ઈડી તેમની ધરપકડ ન કરવાનો ભરોસો આપે તો તેઓ તેમની સમક્ષ હાજર રહેવા માટે તૈયાર છે. જોકે, તેમની આ અરજી પર હજી સુધી કોઈ નિર્ણય થયો નથી.
આ મહિનાની શરૂઆતમાં અચાનક ગામની ડઝનેક મહિલાઓએ શાહજહાં અને બે સાથીઓ શિવ પ્રસાદ ઉર્ફે શિબૂ હાઝરા અને ઉત્તમ સરદારની વિરુદ્ધ અનેક પ્રકારના આરોપ મૂક્યા અને તેમની ધરપકડની માંગણી સાથે રસ્તાઓ પર ઊતરી આવ્યાં.
મહિલાઓએ તૃણમૂલ નેતાઓનાં મરઘાં ઉછેર કેન્દ્રો અને ઘરોમાં પણ આગ ચાંપી દીધી.
આ મહિલાઓએ શાહજહાં શેખ અને તેમના સાથીઓ વિરુદ્ધ જમીન પર બળજબરીથી કબજો કરવા અને મબિલાઓ સાથે જાતીય શોષણ અને બળાત્કાર જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.
આ વિસ્તારમાં પરિસ્થિતિ ખરાબ થવાને કારણે મોટી સંખ્યામાં પોલીસની ટુકડીઓ મોકલવામાં આવી અને કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
મહિલાઓના ગુસ્સાને ધ્યાનમાં રાખતા પોલીસે પહેલા ઉત્તમ સરદાર અને પછી શિબૂ હાઝરાની ધરપકડ કરી હતી. જોકે, શાહજહાં શેખ હજુ પણ ફરાર છે. શાહજહાં સરહદ પાર કરીને બાંગ્લાદેશ જતા રહ્યા હોય તેવી આશંકાઓ છે.
માછીમારમાંથી રાજકારણી બનવાની કહાણી

ઇમેજ સ્રોત, SANJAY DAS
આ જાણીને આશ્ચર્ય થશે કે ગયા મહિનાથી સતત ચર્ચામાં રહેનાર શાહજહાં શેખે એક માછીમાર તરીકે પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી.
સંદેશખાલીના લોકો શાહજહાંની માછીમારથી નેતા બનવા સુધીની યાત્રાના સાક્ષી છે. આ વિસ્તારમાં તે કહાણી દરેક વ્યક્તિના મોઢે સાંભળવા મળે છે.
ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા 42 વર્ષીય શેખની દબંગઈ અને સત્તાધારી પાર્ટી તરફથી મળતા કથિત સંરક્ષણને કારણે આ વિસ્તારમાં તેમને “ભાઈ”ના નામથી ઓળખવામાં આવતા.
શેખે પછી ઈંટોના ભઠ્ઠામાં પણ કામ કર્યું. ઈંટ ભઠ્ઠામાં કામ કરતી વખતે વર્ષ 2004માં તે યુનિયનનો નેતા બન્યા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષ 2000 સુધી તેઓ ક્યારેક બસ કંડક્ટર તરીકે કામ કરતા તો ક્યારેક ઘરે-ઘરે જઈને શાકભાજી વેચતા હતા.
સંદેશખાલી વિસ્તારમાં શાહજહાં જ્યારે રાજકારણનો કક્કો શીખી રહ્યા હતા, ત્યારે રાજ્યમાં બુદ્ધદેવ ભટ્ટાચાર્યનાં નેતૃત્વમાં ડાબેરી મોરચાની સરકાર હતી.
પોતાના કામકાજમાં સરળતા રહે તે માટે શેખ 2006માં સીપીએમ સાથે જોડાયા.
વર્ષ 2011માં ડાબેરી પક્ષનું શાસન ખતમ થતા ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ રૉય અને ઉત્તર-24 પરગણા જિલ્લાનાં પાર્ટી અધ્યક્ષ જ્યોતિપ્રિય મલ્લિક દ્વારા તૃણમૂલ કૉંગ્રેસ સાથે જોડાયા.
ત્યાર પછી શેખે પાછુ ફરીને ન જોયું નથી. ગત પંચાયત ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં મળેલી જોરદાર જીત બાદ પાર્ટીએ શાહજહાંને જિલ્લા પરિષદના સભ્ય બનાવ્યા.
સીપીએમના નિષ્ણાતોનું કહેવું છે કે સીપીએમના પગ નીચેથી સતત જમીન સરકી રહી હતી અને તેને ધ્યાનમાં રાખીને શાહજહાંએ વર્ષ 2008-09થી પાર્ટીથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું.
સંદેશખાલીના રહેવાસી બિજન કુમાર (નામ બદલ્યું છે.) જણાવે છે કે શાહજહાં રાજકારણ અને સત્તાની દિશા જાણવામાં પારંગત છે.
વિસ્તારમાં દાદાગીરી અને ટીએમસીનું સંરક્ષણ

ઇમેજ સ્રોત, SANJAY DAS
સંદેશખાલીના એક સીપીએમના નેતાએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે પાર્ટીમાં રહ્યા ત્યાં સુધી શાહજહાંનો વ્યવહાર સારો હતો. જોકે, ટીએમસીમાં સામેલ થયા અને જિલ્લાના નેતાઓના આશીર્વાદ મળ્યા પછી તેઓ ખુલ્લેઆમ ગુંડાગીરી કરવા લાગ્યા.
આ વિસ્તારનાં રાજકીય અને ચૂંટણીલક્ષી સમીકરણોને ધ્યાનમાં રાખીને શીર્ષ નેતાઓએ તેમને આ બાબતે છૂટછાટ આપી.
તેઓ જણાવે છે કે શાહજહાંનો વિસ્તારમાં એટલો આતંક હતો કે કોઈપણ તેમની વિરુદ્ધ મોઢું ખોલવાની હિમ્મત ન હતી.
ટૂંક સમયમાં જ શાહજહાં સંદેશખાલી બ્લોક નંબર એકના તૃણમૂલ વડા અને પછી આગાપુર સરબેડિયા ગ્રામ પંચાયતના પ્રમુખ બન્યા.
વર્ષ 2023માં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં જીત્યા પછી તે 24-પરગણા જિલ્લા પરિષદના સભ્ય અને મત્સ્ય અને પશુ સંસાધન વિભાગના પ્રમુખ બન્યા.
ઈડીને જે રૅશન ગોટાળામાં શાહજહાંની તલાશ છે, તે જ મામલામાં પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિ પ્રિય મલ્લિક પણ જેલમાં છે. જોકે, તે ગયા મહિનાથી જ ફરાર છે. શાહજહાંને મલ્લિકના ખૂબ જ અંગત માનવામાં આવે છે.
આ જ કારણે ઈડી જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ એકસાથે મળીને ઈડીની ટીમ પર હુમલો કર્યો હતો.
સ્થાનિક લોકોનો દાવો છે કે શાહજહાંની દાદાગીરીનો ડર દેખાડીને તેના બન્ને સાથી શિવ પ્રસાદ ઉર્ફે શિબૂ હાઝરા અને ઉત્તમ સરદાર ગામનાં લોકો પર અત્યાચાર કરતા હતા.
ભાજપનો દાવો

ઇમેજ સ્રોત, SANJAY DAS
કલકત્તામાં ભાજપ નેતાઓનો દાવો છે કે ત્રણ વર્ષ પહેલા સંદેશખાલીના ભાંગીપાડા વિસ્તારમાં ટીએમસી અને ભાજપ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ત્રણ લોકોનાં મૃત્યુંના મામલામાં પણ શાહજહાંનુ નામ સામે આવ્યું હતું.
વર્ષ 2023ની પંચાયત ચૂંટણીના સમયે તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવામાં આવ્યું હતું કે તેમની પાસે 17 ગાડીઓ અને 14 એકર જમીન છે. જેની કિંમત ચાર કરોડ બતાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમની પાસે અઢી કરોડનાં સોનાનાં ઘરેણાં અને બૅન્કમાં 1.92 કરોડની રોકડ હતી. તેમણે પોતાની વાર્ષિક આવક 20 લાખ રૂપિયા દેખાડી હતી.
તેમની વિરુદ્ધ સરકારી અધિકારીઓ સાથે મારપીટ કરવાનો પણ આરોપ છે. તેમની આ ગતિવિધિઓને કારણે તૃણમૂલ કૉંગ્રેસમાં પણ તેમના પર સવાલો થઈ રહ્યા હતા.
ભાજપ નેતા શુભેંદુ અધિકારીએ દાવો કરતા કહ્યું, “શાહજહાં પાસે સેંકડો માછલી ઉછેર કેન્દ્રો અને ઈંટના ભઠ્ઠા સિવાય શૉપિંગ કૉમ્પ્લેક્સ પણ છે. તેમણે કલકત્તાના પાર્ક સર્કસમાં કરોડોની કિંમતનું મકાન પણ બનાવ્યું છે.”
ભાજપનો આરોપ છે કે શાહજહાંને પહેલા સીપીએમએ સંરક્ષણ આપ્યું અને પછી તૃણમૂલ કૉંગ્રેસના શાસનમાં ઝડપથી આગળ વધ્યા. જોકે, સીપીએમનો દાવો છે કે ડાબેરી પક્ષની સરકાર દરમિયાન તે એક સામાન્ય વ્ચક્તિ હતા.
સીપીએમ પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે કહ્યું, “તમને એ સમયે ક્યાંય પણ શાહજહાંનુ નામ સાંભળવા નહીં મળ્યું હોય. તૃણમૂલ સરકારના સંરક્ષણમાં જ તે આ મુકામે પહોંચ્યો છે.”
શાહજહાં રાજકારણમાં અપવાદ નથી

ઇમેજ સ્રોત, SANJAY DAS
મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ અત્યાર સૂધી શાહજહાંનુ નામ લઈને તેના પર કોઈ ટિપ્પણી કરી નથી.
આ મામલાએ વિવાદનું સ્વરૂપ લીધા પછી તેમણે વિધાનસભામાં પોતાનું નિવેદન આપ્યું.
તેમણે કહ્યું, “સંદેશખાલી વિસ્તાર આરએસએસનો ગઢ છે. આ કારણે જ ત્યાં દરેક પ્રકારની ગરબડ થઈ રહી છે. જોકે, પોલીસે આ મામલે કાર્યવાહી કરી રહી છે અને દોષીઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે.”
હાલમાં તૃણમૂલ કૉંગ્રેસનાં કોઈપણ નેતા શાહજહાં શેખ પર ઑન રેકર્ડ બોલવા તૈયાર નથી. નેતાઓનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે તેથી આ વિશે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
તૃણમૂલ કૉંગ્રેસના પ્રવક્તા કુણાલ ધોષે કહ્યું, “પોલીસ દરેક આરોપોની તપાસ કરી રહી છે. આ મામલે આરોપીઓને છોડવામાં નહીં આવે. સંદેશખાલીના બે નેતાઓ શિબૂ હાઝરા અને ઉત્તમ સરદારની પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે.”
સંદેશખાલીની મુલાકાતે આવેલા પોલીસ મહાનિદેશક રાજીવ કુમારે પત્રકારોને કહ્યું, “દરેક આરોપોની તપાસ થઈ રહી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.”
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે શાહજહાં શેખ જેવા નેતાઓ રાજનીતિમાં અપવાદ નથી.
રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓ બદલતી રહે છે પરંતુ શાહજહાં જેવા લોકોનો સ્થાનિક સ્તરે દબદબો યથાવત્ રહે છે.
રાજનીતિ વિજ્ઞાનનાં પ્રોફેસર સુકુમાર સેને કહ્યું, “શાહજહાં શેખ જેવા નેતાઓ રાજકીય પાર્ટીઓની જરૂરત છે. શેખ જેવા લોકો પોતાના વિસ્તારમાં જે તે પાર્ટીના રાજકીય હિતનું ધ્યાન રાખે છે અને બદલામાં રાજકીય પક્ષના નેતાઓ તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરી લે છે.”












