સમાન નાગરિક સંહિતાથી ભાજપ શું હાંસલ કરવા માગે છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, પ્રેરણા
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 1967ની સામાન્ય ચૂંટણી ભારતીય જનસંઘે પોતાના ચૂંટણીઢંઢેરામાં પહેલી વાર 'સમાન નાગરિક સંહિતા'નો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હતો.
ચૂંટણીઢંઢેરામાં આ વાયદો કરવામાં આવ્યો કે જો જનસંઘ સત્તામાં આવશે તો આખા દેશમાં 'યુનિફૉર્મ સિવિલ કોડ' લાગુ કરાશે.
જોકે ચૂંટણીનાં પરિણામ વિપરીત આવ્યાં અને કૉંગ્રેસની સત્તામાં વાપસી થઈ. ત્યાર બાદ વર્ષ 1967-1980 દરમિયાન ભારતીય રાજનીતિમાં એવી ઘટના ઘટી (કૉંગ્રેસના ભાગલા, ભારત-પાકિસ્તાન યુદ્ધ 1971, ઇમરજન્સી), જેના કારણે 'યુનિફૉર્મ સિવિલ કોડ'નો મુદ્દો કેટલીક હદે કોરાણે મુકાઈ ગયો.
વર્ષ 1980માં ભાજપની સ્થાપના બાદ ફરી વાર યુસીસીની માગે પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કર્યું. રામમંદિર નિર્માણ, અનુચ્છેદ 370 અને સમાન નાગરિક સંહિતા ભાજપના ચૂંટણીઢંઢેરામાં આ ત્રણ મુખ્ય બિન્દુ છે. પરંતુ કોઈ પણ ભાજપ સરકારે (એટલે સુધી કે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી સરકાર) પણ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પહેલ ન કરી.
જોકે સમયાંતરે આ મુદ્દે વિવાદ અને નિવેદનબાજી થતી રહી છે. ભાજપ નેતા એ વિશ્વાસ અપાવતા રહ્યા છે કે યુસીસીનો મુદ્દો હજુ પણ તેમની પ્રાથમિકતાઓમાંથી એક છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી આ મામલે ખૂલીને કંઈ કહ્યું નહોતું.
ગત 27 જૂને પહેલી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુસીસી પર આટલી વિસ્તૃત રીતે વાત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ભોપાલમાં એક કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ દેશમાં સમાન નાગરિક સંહિતાની વકાલત કરતા કહ્યું કે "એક જ પરિવારમાં બે લોકો માટે અલગઅલગ નિયમ ન હોઈ શકે. આવી બેધારી વ્યવસ્થાથી ઘર કેવી રીતે ચાલશે?"
પીએમ મોદીએ કહ્યું, "સુપ્રીમ કોર્ટે વારેવારે કહ્યું છે. સુપ્રીમ કોર્ટ ડંડા મારે છે. કહે છે કે કૉમન સિવિલ કોડ લાઓ. પણ આ વોટ બૅન્કના ભૂખ્યા લોકો તેમાં અવરોધ લાવે છે. પરંતુ ભાજપ સબકા સાથ, સબકા વિકાસની ભાવનાથી કામ કરી રહ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાન નાગરિક સંહિતા પર વડા પ્રધાનનું નિવેદન આવ્યા બાદ મોટા ભાગે વિપક્ષ એ આરોપ લગાવી રહ્યો છે કે 2024ની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે યુસીસીનો રાગ છેડ્યો છે અને તેઓ લોકોને ગુમરાહ કરવા માગે છે.
જોકે કેટલાક વિપક્ષ તેના સમર્થનમાં પણ છે.

સમર્થન અને વિરોધમાં ઊભેલી પાર્ટીઓ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોટા ભાગનો વિપક્ષ સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરે છે. આ પાર્ટીઓનું માનવું છે કે યુસીસી અલ્પસંખ્યક સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરશે અને યુસીસી જરૂરી નથી, કેમ કે વ્યક્તિગત કાયદાની વર્તમાન પ્રણાલિ સારી રીતે કામ કરી રહી છે.
વિપક્ષનો આરોપ છે કે યુસીસીનો ઉપયોગ સત્તારૂઢ ભાજપ દેશમાં હિન્દુ બહુસંખ્યકવાદને થોપવા માટે કરશે.
કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ, જેડીયુ, સીપીઆઈ, આરજેડી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ (એમ)એ તેનો ખૂલીને વિરોધ કર્યો છે.
તો આમ આદમી પાર્ટીએ 'સૈદ્ધાંતિક રીતે તેનું સમર્થન કર્યું છે. પાર્ટી નેતા અને સાંસદ સંદીપ પાઠકે કહ્યું છે, "અમારી પાર્ટી સૈદ્ધાંતિક રીતે તેનું સમર્થન કરે છે. આર્ટિકલ 44 પણ તેનું સમર્થન કરે છે. જોકે આ બધા ધર્મો સાથે જોડાયેલો મામલો છે, આથી તેને ત્યારે જ લાગુ કરવો જોઈએ, જ્યારે તેના પર સર્વસંમતિ હોય."
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નું પણ કંઈક આવું જ વલણ છે.
એનસીપીએ ન તો સમર્થન કર્યું, ન તો વિરોધ. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલનું કહેવું છે, "અમે માત્ર એટલું કહીએ છીએ કે આટલો મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો જોઈએ. અચાનક સાડા નવ વર્ષ બાદ સરકાર હવે યુસીસીની વાત કરી રહી છે. આ આગામી ચૂંટણીની એક રાજકીય ચાલ છે."

વડા પ્રધાન મોદીએ યુસીસીની વાત કેમ કરી?

ઇમેજ સ્રોત, ANI
તેનો સીધેસીધો જવાબ એ હોઈ શકે કે 'સમાન નાગરિક સંહિતા' લાગુ કરવો એ ભાજપના ચૂંટણીઢંઢેરાનો ભાગ છે, પરંતુ અત્યારે કેમ?
આ સવાલ પર વરિષ્ઠ પત્રકાર વીર સંઘવી ન્યૂઝ વેબસાઇટ 'ધ પ્રિન્ટ' માટે લખેલા પોતાના લેખ 'યુસીસી ઈઝ મોદીઝ ન્યૂક્લિયર બટન'માં લખે છે, "આખરે 9 વર્ષથી સત્તામાં રહ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે આ મુદ્દો કેમ ઉઠાવી રહ્યા છે, કેમ કે તેઓ નવ વર્ષ દરમિયાન સરળતાથી આ મુદ્દે એક ગંભીર ચર્ચાને આગળ વધારી શકતા હતા અને મુસલમાનોને ભરોસો અપાવી શકતા હતા કે આ સમાન, ન્યાયસંગત કાયદાથી ઇસ્લામને કોઈ ખતરો નહીં થાય?"
"જવાબ છે કે ભાજપ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. મેં થોડા દિવસો પહેલાં લખ્યું હતું કે મોદી હિન્દુત્વને પોતાના ચૂંટણીમંચનો એક મોટો હિસ્સો બનાવશે અને યુસીસી ભાજપનું ન્યૂક્લિયર બટન છે."
વરિષ્ઠ પત્રકાર પ્રદીપસિંહ તેની પાછળ બે મુખ્ય કારણ જણાવે છે. પહેલું કે યુસીસી જનસંઘના જમાનાથી ભાજપના ત્રણ મુખ્ય ઍજન્ડામાં સામેલ રહ્યો છે.
અનુચ્છેદ 370 અને રામમંદિર, એ બે મુદ્દા લાગુ થઈ ગયા છે, માત્ર એક ઍજન્ડા બાકી છે. એવામાં ભાજપના કોર મતદારમાં એ બેચેની હતી કે યુસીસી ક્યારે લાગુ થશે? આથી ભાજપ માટે આ કોઈ નવી વાત કે કોઈ અચાનક આવેલો મુદ્દો નથી.
અન્ય કારણ અંગે વાત કરતા તેઓ કહે છે, "વિપક્ષોની ગત 23 જૂને એક બેઠક થઈ હતી. આ બેઠકમાં એ વાત પર તો સહમતિ થઈ ગઈ કે બધા પાર્ટીઓ સાથે ચૂંટણી લડશે, પણ કયા મુદ્દા પર લડશે એ નક્કી ન થઈ શક્યું. તો વિપક્ષો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુસીસી પર બોલીને ઍજન્ડા સેટ કરી દીધો. હવે કૉંગ્રેસ તરફથી એ નિવેદન આવી રહ્યું છે કે આગામી બેઠક એટલે કે 13-14 જુલાઈએ તે જવાબ આપશે. એટલે કે વિપક્ષ પ્રો-ઍક્ટિવ હોવાની જગ્યાએ રિઍક્ટિવ થઈ ગયો."
પ્રદીપસિંહ વર્ષ 1977 અને 1989નું લોકસભા ચૂંટણીમાં વિપક્ષનું ઉદાહરણ આપતા કહે છે કે આ બે માત્ર એવી ચૂંટણી હતી, જેમાં ભારતીય રાજનીતિમાં વિપક્ષી પાર્ટીઓ એક હતી. તેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચારના આરોપ અને ઇમજન્સી હતું. વર્ષ 1977માં પહેલા ભ્રષ્ટાચાર અને પછી ઇમરજન્સી, તો વર્ષ 1989માં બોફોર્સનો મુદ્દો.
"આવો કોઈ મોટો મુદ્દો જે લોકોને ખાસ પ્રભાવિત કરે એવો વિષય વિપક્ષને મળ્યો નથી. તેનાથી ઊલટું હવે યુસીસીનો મુદ્દો છેડીને વડા પ્રધાને વિપક્ષમાં ફાડ પાડી દીધી છે. આમ આદમી પાર્ટી, શિવસેના, એનસીપી બધા અલગઅલગ મત છે. એટલે કે જે વિપક્ષી એકતાની વાત થતી હતી, એ આ મુદ્દા પર વિખેરાયેલા છે."

યુસીસીથી ધ્રુવીકરણને વધુ એક તક

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર સ્મિતા ગુપ્તા માને છે કે સમાન નાગરિક સંહિતા પર બોલવું એ ભાજપની મજબૂરી છે.
તેઓ કહે છે, "જોકે રામમંદિર અને અનુચ્છેદ 370ના મુદ્દાનો ભાજપે ચૂંટણીઓમાં ભરપૂર ઉપયોગ કરી લીધો છે, એવામાં પાર્ટીને એક એવો મુદ્દો જોઈતો હતો, જેના પર ધ્રુવીકરણ કરી શકાય. કર્ણાટક ચૂંટણીમાં મળેલી હાર બાદ ભાજપ હવે કોઈ જોખમ લેવા માગતો નથી. ત્રણ રાજ્યોની ચૂંટણી માથે છે અને 2024ની લોકસભા પણ નજીક છે. એવામાં કોઈ મોડું કર્યા વિના ભાજપે પોતાનો ચૂંટણી ઍજન્ડા સેટ કરી લીધો છે."

ભાજપ શું વિચારે છે?
ભાજપના પ્રવક્તા અમિતાભ સિન્હા કહે છે કે 'પાર્ટી હંમેશાં એક દેશ, એક વિધાન અને એક નિશાનની વાત કરે છે. જ્યારે સમાન આપરાધિક સંહિતા બધા માટે સમાન છે, તો ભારતીય નાગરિક સંહિતા કેમ અલગઅલગ હશે?'
વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા તેઓ કહે છે, "વિપક્ષી પાર્ટીઓ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. તેઓ પહેલા મુસલમાનોને ડરાવે છે અને પછી ખુદને તેમના હિતેચ્છુ બતાવે છે. જોકે મુસલમાનોમાં મહિલાઓની સ્થિતિ બદતર છે. તેમને બાળકો પેદા કરવાનું મશીન બનાવી દીધી છે."
"મુસલમાન ચાર-પાંચ લગ્ન કરે છે, દરેક લગ્નથી પાંચ-છ બાળકો પેદા કરે છે અને પોતાની વસતી વધારે છે. જ્યારે ભારત આઝાદ થયો ત્યારે મુસલમાનોની વસતી ત્રણ કરોડ હતી અને હવે વસતી આઠ ટકા વધી છે. તો આ બધી બાબતોથી મુસલમાન મહિલાઓને બચાવવી છે."

શું મુસલમાનોની વસતી વધી રહી છે?

ઇમેજ સ્રોત, ANI
ભારતમાં મુસલમાનોની સંખ્યા વધી રહી છે એ સાચું તો છે, પરંતુ આખા ભારતની જનસંખ્યા વધી રહી છે, જેમાં અન્ય ધર્મો પણ સામેલ છે.
જોકે તમે જો કેટલાક દશકમાં ભારતના મુસલમાનોની વસતીવૃદ્ધિના આંકડા જોશો તો જોવા મળશે કે 1991 બાદ ભારતની જનસંખ્યામાં મુસલમાનોનો વૃદ્ધિદર ઓછો થયો છે. સામાન્ય વસતીનો વૃદ્ધિદર પણ 1991 પછી ઓછો થયો છે.
2019ના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના સત્તાવાર આંકડા અનુસાર, મુખ્ય ધાર્મિક સમૂહોમાં મુસ્લિમ વસતીનો પ્રજનનદર સૌથી વધુ છે, પરંતુ ડેટા અનુસાર, ગત બે દશકમાં તેમાં પણ ભારે ઘટાડો થયો છે.
વાસ્તવમાં મહિલાદીઠ જન્મદરનો ઘટાડો મુસલમાનોમાં હિન્દુ કરતાં વધુ છે. આ 1992માં 4.4 હતો, જે 2019માં ઘટીને 2.4 થઈ ગયો છે.

યુસીસીથી ભાજપને કેટલો અને શો ફાયદો?

ઇમેજ સ્રોત, ANI
વરિષ્ઠ પત્રકાર પ્રદીપસિંહ અનુસાર, ભાજપે તેનાથી ફાયદો એ છે કે તેનો ઍજન્ડા સેટ થઈ ગયો છે.
તેઓ કહે છે, "એટલે કે હવે મોંઘવારી, બેરોજગારી... જેવા મુદ્દા પર (જેના પર સરકારનો પક્ષ નબળો દેખાઈ રહ્યો છે) ચર્ચા થવાને બદલે એ મુદ્દાઓ પર વાત થશે જે ભાજપ ઇચ્છે છે. એટલે કે વિપક્ષ ભાજપની બનાવેલી પીચ પર રમવા મજબૂર થશે અને ભાજપ આ મુદ્દાઓ પર હંમશાં મજબૂત રહે છે, આથી તેને ફાયદો થશે. સૌથી વધુ ફાયદો ધ્રુવીકરણથી થશે."

યુસીસી શું છે અને અત્યાર સુધીમાં શું-શું થયું?
સમાન નાગરિક સંહિતા મુદ્દે સાંસદોના અભિપ્રાય માટે સંસદીય સ્થાયી સમિતિની બેઠક ત્રણ જુલાઈએ બોલાવાઈ છે.
ભારતના 22મા કાયદાપંચે ગત 14 જૂને સમાન નાગરિક સંહિતા મુદ્દે ધાર્મિક સંગઠનો અને સામાન્ય લોકોના મત માગ્યા હતા. પંચે તેના માટે એક મહિનાનો સમય આપ્યો છે.
અગાઉ વર્ષ 2018માં 21મા કાયદાપંચે કહ્યું હતું, "આ સ્તર પર સમાન નાગરિક સંહિતા ન તો જરૂરી છે અને ન તો વાંછનીય."
જોકે ગોવા હાલમાં દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ છે. તો ઉત્તરાખંડ સરકારે પણ યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે.
કયા દેશોમાં લાગુ છે સમાન નાગરિક સંહિતા?
દુનિયાના ઘણા આધુનિક અને વિકસિત દેશોમાં સમાન નાગરિક સંહિતા લાગુ છે. જેવા કે- અમેરિકા, ઇઝરાયલ, જાપાન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને યુરોપના ઘણા દેશો સામેલ છે.














