મણિપુરમાં હિંસા મુદ્દે ઘેરાયેલા મુખ્ય મંત્રી બિરેનસિંહ કોણ છે?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, બીબીસી માટે, ગૌહાટીથી
ઈશાન ભારતનું મણિપુર રાજ્ય હાલ હિંસાને કારણે સમાચારમાં ચમકી રહ્યું છે. આ પ્રદેશની સુંદરતાનું મુખ્ય કારણ અહીંના પહાડો છે, પરંતુ હવે તેના વિશે અન્ય કારણસર ચર્ચા થઈ રહી છે.
અહીં બે સમુદાય- કુકી અને મૈતેઈ વચ્ચે છેલ્લા કેટલાક દિવસો પહેલાં હિંસા ફાટી નીકળી હતી.
આ દરમિયાન વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે વડા પ્રધાન આ મુદ્દે મૌન છે. વિપક્ષ મુખ્ય મંત્રી એન. બિરેનસિંહનું રાજીનામું માગી રહ્યો છે.
શુક્રવારે મુખ્ય મંત્રીના રાજીનામાને મુદ્દે ચાલેલા નાટકીય ઘટનાક્રમ બાદ તેમણે પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો છે.
શુક્રવારે સમાચાર આવ્યા હતા કે બિરેનસિંહ બપોરે ત્રણ વાગ્યા સુધી રાજભવન જઈને રાજીનામું આપવાના છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેઓ પોતાનું રાજીનામું આપવા નીકળ્યા હતા, પણ કેટલાક સમર્થકોએ તેમનો રસ્તો રોકી લીધો.આ દરમિયાન બિરેનસિંહના નામે એક કથિત ત્યાગપત્રની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં રાજીનામાનો પત્ર ફાટેલો જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ એક વીડિયોમાં તેમના સમર્થકોએ બિરેનસિંહનો રાજીનામાપત્ર ફાડતા જોઈ શકાય છે. બાદમાં બિરેનસિંહે ટ્વિટર પર લખ્યું, "આ નાજુક ક્ષણે હું એ સ્પષ્ટ કરવા માગું છું કે હું મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપવા નથી જઈ રહ્યો."

કુકી અને મૈતેઈ વચ્ચે તણાવ

ઇમેજ સ્રોત, ARUN SANKAR
નાગાલૅન્ડ, મિઝોરમ, આસામની સાથે-સાથે પાડોશી દેશ મ્યાનમાર વચ્ચે ઘેરાયેલા આ પહાડો પર રાજ્યના કુલ પૈકીના 40 ટકા નાગરિકો વસવાટ કરે છે, જે અહીંની પ્રમાણિત જનજાતિઓ છે.
આ પહાડોમાં વસતા કુકી જનજાતિ અને મૈતેઈ સમુદાય વચ્ચે પાછલા દિવસોમાં હિંસા ભડકી ઊઠી હતી. આગચંપી થઈ હતી અને એકમેક પર હુમલા કરવામાં આવ્યા હતા. તેને લીધે સમગ્ર પ્રદેશ હિંસાગ્રસ્ત ક્ષેત્ર બની ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગત દિવસોમાં થયેલી વ્યાપક હિંસામાં 60થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 20,000થી વધુ લોકોએ પોતાનાં ઘરબાર છોડીને રાહત છાવણીમાં રહેવા જવું પડ્યું હતું.
વાસ્તવમાં મણિપુરનો બહુમતી મૈતેઈ સમુદાયક પોતાના માટે અનુસૂચિત જનજાતિના દરજ્જાની માગણી કરી રહ્યો છે, પરંતુ કુકી તથા નાગા જનજાતિના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
મૈતેઈ ટ્રાઇબ યુનિયનની એક અરજીની સુનાવણી કર્યા બાદ મણિપુર હાઈકોર્ટે આ બાબતે વિચાર કરવા રાજ્ય સરકારને જણાવ્યું હતું.
તેના વિરોધમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયને ચુરાચાંદપુરમાં આદિવાસી એકતા કૂચ નામે ત્રીજી મેએ એક રેલીનું આયોજન કર્યું હતું અને તેના અનુસંધાને હિંસા ફાટી નીકળી હતી.
મણિપુરના લોકો જણાવે છે કે અહીં આટલી વ્યાપક હિંસા અગાઉ ક્યારેય થઈ નથી.
હિંસાનાં નિશાન રાજધાની ઇમ્ફાલથી માંડીને પહાડી જિલ્લાઓ ચુરાચાંદપુર, બિષ્ણુપુર, ટેંગ્નોપાલ અને કાંગપોકસીમાં જોવાં મળ્યાં હતાં.
અહીં રસ્તામાં પડેલા સેંકડો બળેલાં વાહનો, રાખ થઈ ગયેલાં સેંકડો મકાન, સળગાવી દેવાયેલાં ધાર્મિક સ્થળો અને સરકારી રાહત શિબિરમાં રહેતા લોકોની જે તસવીરો હિંસાની ભયાનકતા દર્શાવતી હતી.

બિરેનસિંહ સામે સવાલ

ઇમેજ સ્રોત, DILEEP SHARMA
મણિપુરમાં સતત બીજી વખત મુખ્ય મંત્રી બનેલા એન. બિરેનસિંહે રાજ્યની હિંસામાં લગભગ 60 લોકો માર્યા ગયા હોવાનું જણાવ્યું હતું. 231 લોકો ઘાયલ થયા છે અને 1,700 ઘરને આગ ચાંપવામાં આવી હતી.
બિરેનસિંહના નેતૃત્વ હેઠળની ભાજપની રાજ્ય સરકારનો આ સતત બીજો કાર્યકાળ છે, પરંતુ રાજ્યમાં થયેલી વ્યાપક હિંસાએ તેમને આરોપીના પંજરમાં ઊભા કરી દીધા છે.
તેમણે હિંસા પર કાબૂ મેળવવામાં વિલંબ કર્યો હોવા બાબતે ઘણા લોકો તેમની સામે આંગળી ચીંધી રહ્યા છે.
'ઇમ્ફાલ રિવ્યૂ ઓફ આર્ટ ઍન્ડ પૉલિટિક્સ'ના તંત્રી પ્રદીપ કંબોજમ, બિરેનસિંહને રાજ્યના કુશળ રાજનેતા માને છે, પરંતુ મણિપુરમાં થયેલી હિંસા પર સમયસર નિયંત્રણ ન મેળવવા બદલ તેમની સામે અનેક સવાલ પણ કરી રહ્યા છે.
પ્રદીપ કંબોજમે કહ્યું હતું, “તેઓ અનુભવી રાજનેતા છે અને કોઈ પણ સમસ્યા સામે કેવી રીતે કામ પાર પાડવું તે જાણે છે. તેઓ મણિપુરની વાસ્તવિક સમસ્યાઓને સારી રીતે સમજે છે એટલું જ નહીં, તેમનામાં વાતચીત કરવાની પણ ગજબની ક્ષમતા છે, પરંતુ તાજેતરમાં થયેલી હિંસા પર સમયસર નિયંત્રણ મેળવવામાં તેમની સરકાર નિષ્ફળ રહી છે. તેમની પાસે સંપૂર્ણ બહુમતી છે. તેથી તેમના પર કોઈ દબાણ હશે એવું ધારી ન શકાય.”
પત્રકાર રૂપચંદ્રસિંહ પણ આવા સવાલ ઉઠાવે છે. તેમણે કહ્યું હતું, “હિંસા આટલી ફેલાઈ તે પહેલાં જ તેને રોકવાના પ્રયાસ બિરેનસિંહ સરકારે કરવા જોઈતા હતા. ત્રણ દિવસ પછી કેન્દ્ર સરકાર મેદાનમાં આવી, પરંતુ બધું પહેલા જ દિવસે નિયંત્રણમાં આવી જવું જોઈતું હતું.”

નિવેદન બાબતે વિવાદ

ઇમેજ સ્રોત, ARUN SANKAR
ત્રીજી મેએ હિંસા ભડકી તેના એક દિવસ પહેલાં બિરેનસિંહે કરેલું એક નિવેદન બહુ ચર્ચાયું હતું. મુખ્ય મંત્રીએ બીજી મેએ જણાવ્યું હતું કે મણિપુર મ્યાનમારથી લોકોના મોટા પ્રમાણમાં ગેરકાયદે સ્થળાંતરની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદે સ્થળાંતરકર્તાઓની તપાસ માટે રચવામાં આવેલી સમિતિએ મ્યાનમારના 2,000થી વધુ લોકોને ઓળખી કાઢ્યા છે. એ લોકો તેમના દેશમાં સંઘર્ષને કારણે મણિપુર આવી ગયા છે.
કાયદેસરના દસ્તાવેજો વિના મણિપુરમાં રહેતા મ્યાનમારના 410 લોકોની ધરપકડની વાત પણ કરાઈ હતી.
પહાડી જિલ્લાઓમાં ખાસ કરીને સંરક્ષિત વનાંચલમાં સરકારની હકાલપટ્ટી ઝુંબેશ અને મુખ્ય મંત્રીના આ નિવેદનને કુકી જનજાતિ પોતાની સતામણી ગણી રહી હોવાનું કહેવાય છે.
વાસ્તવમાં મ્યાનમારની ચીન અને મિઝોરમની મિઝો જનજાતિઓને કુકી જનજાતિ સમાન ગણવામાં આવે છે. આ તમામ પહાડી જનજાતિઓને સામૂહિક રીતે ઝો કહેવામાં આવે છે.
સરકાર સમર્થક લોકોનું કહેવું છે કે મ્યાનમારથી ભાગીને આવેલા લોકો ભલે કુકી જનજાતિના સંબંધી હોય, પરંતુ તેમને રાજ્યમાં વસવાટની છૂટ આપી શકાય નહીં.
મણિપુરના પહાડી આરક્ષિત અને સંરક્ષિત વન વિસ્તારમાં અતિક્રમણ સામેના મુખ્ય મંત્રીના આકરા વલણનું મુખ્ય કારણ આ જ હોવાનું માનવામાં આવે છે.
એ સિવાય પહાડી વિસ્તારમાં અનેક એકર જમીનનો ઉપયોગ અફીણની ખેતી માટે કરવામાં આવે છે. તેથી સરકાર વનવિસ્તારમાંની પોતાની કાર્યવાહીને ડ્રગ્ઝ વિરુદ્ધનું એક મોટું યુદ્ધ ગણે છે, જ્યારે ડ્રગ લૉર્ડ્ઝ જેવા વ્યાપક અર્થવાળા શબ્દનો ઉપયોગ તમામ કુકી લોકો માટે કરવામાં આવતો હોવાથી તેઓ નારાજ છે.

ફૂટબૉલના ખેલાડીથી મુખ્ય મંત્રીપદ સુધી

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA
એક જમાનામાં મણિપુરના ફૂટબૉલ ખેલાડી તરીકે રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલા નોંગથોમ્બમ બિરેનસિંહ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં 2017માં બનેલી રાજ્ય સરકારના પહેલા મુખ્ય મંત્રી હતા.
60 બેઠકોવાળી મણિપુર વિધાનસભામાં ભાજપને 2017માં માત્ર 21 બેઠકો મળી હતી, પરંતુ બિરેનસિંહે 28 બેઠકો જીતેલી કૉંગ્રેસને પાછળ છોડીને રાજ્યમાં સરકાર બનાવી હતી.
મણિપુરમાં 1963 પછી 12 નેતાઓ મુખ્ય મંત્રી બન્યા છે. તેમાં સૌથી લાંબો એટલે કે સતત 15 વર્ષ સુધીનો શાસનકાળ કૉંગ્રેસના ઓકરામ ઇબોબીસિંહનો રહ્યો છે.
આ એ જ ઓકરામ ઇબોબીસિંહ છે, જેમની સાથે રહીને બિરેનસિંહ રાજકારણના દાવપેચ શીખ્યા હતા. એટલું જ નહીં, મુખ્ય મંત્રીની ખુરશી સુધી પહોંચવા માટે તેમણે પોતાના નેતા તથા પક્ષ બન્ને સામે બળવો કર્યો હતો.
બિરેનસિંહ વિશે કહેવાય છે કે ફૂટબૉલ અને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમણે જે પ્રદર્શન કર્યુ હતું, એ જ જુસ્સો તેમને મુખ્ય મંત્રીની ખુરશી સુધી લઈ ગયો છે.
મૈતેઇ સમુદાયના બિરેનસિંહે મણિપુર યુનિવર્સિટીમાંથી આર્ટ્સના સ્નાતકની ડિગ્રી મેળવી પછી પત્રકારત્વમાં ડિપ્લોમા પણ કર્યું છે.
ઇમ્ફાલ ઇસ્ટ જિલ્લાના લુવાંગસાંગબામ મમાંગ લઇકૈ ગામમાં 1961ની પહેલી જાન્યુઆરીએ જન્મેલા બિરેનસિંહ રાજકારણમાં પ્રવેશતા પહેલાં દેશની બહાર રમેલા મણિપુરના એકમાત્ર ચર્ચિત ફૂટબૉલ ખેલાડી છે.
લેફટ બેક પૉઝિશન પર રમતા બિરેનસિંહનું ડિફેન્સ કમાલનું હતું. 1981માં ડૂરંડ કપ જીતેલી સીમા સુરક્ષા દળની ટીમના તેઓ સભ્ય હતા તેનું કારણ એ જ છે.
એ પછી તેમણે તંત્રી તરીકે 'નાહોરોલગી થુઆદંગ' નામના એક અખબારમાં કામ શરૂ કર્યું હતું. એ સમયે મણિપુરમાં સરકાર અને ઉગ્રવાદી સંગઠનોના દબાણ વચ્ચે એક પત્રકાર તરીકે કામ કરવું આસાન ન હતું.

કૉંગ્રેસી નેતા ઇબોબીસિંહના સૌથી પ્રિય

ઇમેજ સ્રોત, AFP
બિરેનસિંહને મણિપુરના તત્કાલીન મુખ્ય મંત્રી ઓકરામ ઇબોબીસિંહના સૌથી ખાસ માણસ ગણવામાં આવતા હતા.
2002માં મુખ્ય મંત્રી બન્યા બાદ ઇબોબીસિંહ સામે સ્થિર સરકાર ચલાવવાનો પડકાર હતો. મણિપુરને 1972માં રાજ્યનો દરજ્જો મળ્યા પછીથી ત્યાં રાજકીય ઊથલપાથલને લીધે 18 વખત સરકાર રચાઈ હતી.
એવા સમયમાં ઇબોબીસિંહને એક એવી ટીમની જરૂર હતી, જેની મદદ વડે તેમની યુતિ સરકાર કાર્યકાળ પૂર્ણ કરી શકે અને તેમની એ શોધ 2003માં બિરેનસિંહના સ્વરૂપમાં પૂર્ણ થઈ હતી.
ઇબોબીસિંહે બિરેનસિંહને કૉંગ્રેસમાં સામેલ કર્યા અને તેમને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું હતું. આ રીતે બિરેનસિંહ ઇબોબી સરકારમાં પહેલી વાર સતર્કતા વિભાગના રાજ્યમંત્રી બન્યા હતા.
બિરેનસિંહ 2002માં જ રાજકારણમાં આવી ગયા હતા. મણિપુરના લોકોમાં તેઓ એક ફૂટબૉલ ખેલાડી અને બાદમાં પત્રકાર તરીકે બહુ જાણીતા હતા. તેનો લાભ તેમને રાજકારણમાં પ્રવેશતી વખતે થયો હતો.
તેઓ ડેમૉક્રેટિક રિવોલ્યૂશનરી પીપલ્સ પાર્ટીના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પહેલી વાર લડ્યા હતા અને હિગાંગ બેઠક પરથી વિજેતા બન્યા હતા.

પત્રકારત્વ માટે જેલમાં પણ ગયેલા

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA
મણિપુરના વરિષ્ઠ પત્રકાર અને બિરેનસિંહના પત્રકારત્વના દિવસોમાંના તેમના સાથી યુમનામ રૂપચંદ્રસિંહે કહ્યુ હતું, “બિરેનસિંહ સીમા સુરક્ષા દળના એક અચ્છા ફૂટબૉલ ખેલાડી હતી, પરંતુ એ સમયે મણિપુરમાં તેમને બહુ ઓછા લોકો ઓળખતા હતા. તેઓ પત્રકારત્વમાં આવ્યા પછી તેમની આગવી ઓળખ બની હતી. તેઓ ઓલ મણિપુર વર્કિંગ જર્નલિસ્ટ યુનિયનના પ્રમુખ પણ બન્યા હતા. તેથી રાજ્યમાં માત્ર પત્રકારો સાથે જ નહીં, પરંતુ અગ્રણી સંગઠનોના અનેક પદાધિકારીઓ સાથે ગાઢ પરિચયને લીધે રાજકારણમાં તેમનો પ્રવેશ આસાન બની ગયો હતો.”
પત્રકારત્વમાં હતા ત્યારે તેમના અખબારમાં પ્રકાશિત એક સમાચાર બદલ બિરેનસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલી દેવાયા હતા.
એ ઘટનાની વાત કરતાં રૂપચંદ્રસિંહે કહ્યું હતું, “બિરેનસિંહ તંત્રી હતા ત્યારે તેમના અખબારમાં પ્રકાશિત એક સમાચારને કથિત રીતે દેશદ્રોહી લેખ ગણાવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું હતું.”
આસામમાં કૉંગ્રેસ છોડીને ભાજપ સરકારમાં મુખ્ય મંત્રી બનેલા હિમંત બિસ્વા સરમા જેવી જ રાજકીય કારકિર્દી બિરેનસિંહની છે.
રાજકારણમાં અનેક લોકો બિરેનસિંહને મણિપુરના હિમંત બિસ્વા સરમા કહે છે. એ બન્ને પોતપોતાના મુખ્ય મંત્રીના ખાસમખાસ માણસ અને સંકટમોચક હતા. પછી મતભેદ એટલા ઘેરા બન્યા કે તેમણે પક્ષ છોડવો પડ્યો હતો.
બિરેનસિંહે અનેક વખત જણાવ્યું છે કે ઇબોબી સરકારને વિકટ પરિસ્થિતીમાંથી ઉગારવામાં તેમણે મદદ ન કરી હોત તો ઇબોબી એક પછી એક સતત ત્રણ વખત કાર્યકાળ પૂર્ણ કરવાનો ઇતિહાસ રચી શક્યા ન હોત.
જોકે, ઇબોબી મુખ્ય મંત્રી તરીકેના તેમના ત્રીજા કાર્યકાળમાં બિરેનસિંહથી દૂર થઈ ગયા હતા. બિરેનસિંહ કૉંગ્રેસમાં એક એવા નેતા ગણાવા લાગ્યા હતા, જે ઇબોબી પાસેથી કોઈ પણ સમયે સત્તા છીનવી શકે.
એ દરમિયાન ઇબોબીની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવનાર તેઓ એકમાત્ર કૉંગ્રેસી નેતા હતા. પછી બન્ને વચ્ચે મતભેદ વધવા લાગ્યા ત્યારે બિરેનસિંહને શાંત કરવા માટે મણિપુર કૉંગ્રેસના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ઇબોબીસિંહ સાથે ટક્કર

ઇમેજ સ્રોત, DILIP KUMAR SHARMA
તેમ છતાં ઇબોબીસિંહ સાથેની તેમની ટક્કર યથાવત્ રહી હતી. ઇબોબીસિંહે 2012માં ત્રીજી વખત સરકાર રચી ત્યારે બિરેનસિંહનો પ્રધાનમંડળમાં સમાવેશ કર્યો ન હતો. બિરેનસિંહના પુત્ર અજય મૈતેઈ 2011ના એક હત્યાકાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. તેમને પ્રધાનમંડળમાં સ્થાન ન મળવાનું એક કારણ આ પણ હતું.
2016માં પહેલાં આસામ અને પછી અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવ્યા પછી ભાજપની નજર મણિપુર પર હતી. ઇબોબીસિંહને હરાવી શકે તેવા એક નેતાને ભાજપ મણિપુરમાં શોધી રહ્યો હતો.
ભાજપ બિરેનસિંહને એવા નેતા માનતો હતો. તેઓ ઇબોબીસિંહના રાજકીય દાવપેચને બરાબર જાણતા હતા. ઑક્ટોબર-2016માં બિરેનસિંહને પક્ષમાં સામેલ કરવામાં ભાજપ સફળ થયો હતો.
બિરેનસિંહને ભાજપમાં લાવવાનું શ્રેય હેમંત બિસ્વા સરમાને આપવામાં આવે છે, કારણ કે એ બન્ને કૉંગ્રેસમાં હતા ત્યારથી સારા દોસ્ત છે.
એક પિતા તરીકે બિરેનસિંહ તેમના પુત્રને લીધે બહુ ચિંતિત રહેતા હતા. તેમના 38 વર્ષના પુત્ર અજયને ઇમ્ફાલની એક અદાલતે એ યુવા વિદ્યાર્થીની હત્યામાં સામેલ હોવા બદલ દોષી ઠેરવ્યો હતો.
એ વર્ષે પોતાના પુત્ર સંબંધે કરેલી એક ટ્વીટમાં બિરેનસિંહે લખ્યું હતું, “મેં મારા દીકરાને સીબીઆઈના હવાલે કર્યો હતો. તે પહેલાંથી જ જેલમાં છે. મદદની કોઈ જરૂર નથી. ધમકીનો આ મામલો ગંભીર છે અને તેની તપાસ એનઆઈએને સોંપવામાં આવશે.”
હાલ મણિપુરના લોકો હિંસામાંથી બહાર આવવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અહીં વસતા કુકી જનજાતિ અને મૈતેઇ સમુદાય વચ્ચેની ટક્કરને કારણે જે ભરોસો તૂટ્યો છે, તેનાં જખમ રુઝાતાં વર્ષો લાગશે.














