મણિપુર: જાતિવાદી હિંસા ધાર્મિક હુમલામાં કેવી રીતે બદલાઈ?

- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
મણિપુર સળગી રહ્યું છે.
સળગી રહ્યા છે, તેનો સેંકડો વર્ષ જૂનો આંતરિક સદ્ભાવનો પાયો સળગી રહ્યો છે.
અલગ-અલગ સમુદાયો વચ્ચેનો સુખેથી સાથે રહેવાનો તાંતણો પણ સળગી રહ્યો છે. અને સળગીને રાખ થઈ રહ્યું છે, મૈતેઈ, કુકી અને નાગા સમાજના લોકોનું જૂના ઝઘડા ભૂલીને સાથે રહેવાનું સપનું.
એકબીજા પરનો વિશ્વાસ ઓછો થયો છે અને નિરાશા અપાર છે. ત્યારે સત્ય એ છે કે ભારતના પૂર્વોત્તરમાં સ્થિત રાજ્ય મણિપુરમાં જાતિદ્વેષ હિંસા ફાટી નીકળ્યાને દોઢ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે.
મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી આ હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 390 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ હિંસા અટકી રહી નથી અને સ્થાનિક લોકોની ધીરજ ખૂટી રહી છે.

લોકો તેને ગૃહયુદ્ધ કેમ કહે છે?

મણિપુરનો મૈતેઈ સમુદાય પોતાને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માગ કરી રહ્યો છે અને આ જ માગણી આગળ જઈને સમગ્ર વિવાદનું કારણ બની હતી.
3મે થી 6મે સુધી પ્રદેશમાં જબરદસ્ત હિંસા થઈ, જેમાં મૈતેઈ લોકોએ કુકી પર અને કુકી લોકોએ મૈતેઈનાં સ્થળોને નિશાન બનાવ્યા હતા.
રાજધાની ઇમ્ફાલથી બે કલાકના અંતરે આવેલા કુકી વસતી ધરાવતા ચુરાચાંદપુર જિલ્લામાં જ્યારે બંને જૂથો વચ્ચે હુમલા ચાલુ હતા, ત્યારે 23 વર્ષીય ઍલેક્સ જમકોથાંગ પણ આ ભીડનો ભાગ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અચાનક ઉપરની ઇમારત પરથી આવેલી ગોળી તેમની છાતીમાં વાગી હતી. તેમને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધી તેમનું મોત થયું હતું.
ઍલેક્સ જમકોથાંગનાં માતા ત્યારથી ઊંઘી શક્યા નથી અને હંમેશાં રડતાં રહે છે.
ઍલેક્સના પિતા આર્મીમાં હતા અને ભાઈ આઈટીબીપીમાં છે, પરંતુ તેમણે કહ્યું કે માર્યા ગયેલા નાના ભાઈનો અંતિમસંસ્કાર તેમની માગણી પૂરી થયા પછી જ કરશે.
જમકોથાંગે કહ્યું કે, “અહીં અમારું જીવન જોખમમાં છે. ક્યારે શું થશે, કોણ મરશે. કેન્દ્ર સરકાર આદિવાસી લોકો માટે સુવિધા નહીં આપે, તો અમે પણ નહીં માનીએ અને મૈતેઈ લોકો પણ સંમત થાય નહીં, કારણ કે હવે આ શરૂ થઈ ગયું છે. આ ગૃહયુદ્ધ પણ છે અને સરકાર સાથે પણ છે. માગણીઓ પૂરી નહીં થાય તો શબગૃહથી શબ પણ નહીં નીકળે.”

સ્પષ્ટ વિભાજન રેખા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલ મણિપુર બે ભાગોમાં વહેંચાઈ ગયું છે.
એક ભાગ મૈતેઈ લોકો પાસે છે, બીજો કુકી લોકો પાસે છે.
જે પ્રકારે હિંસાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે, તે એક-બે કે ચાર દિવસ નહીં, પરંતુ અઠવાડિયા સુધી ચાલેલી હિંસા છે, જેમાં ઘર બરબાદ થઈ ગયાં, લોકો તબાહ થઈ ગયા છે અને ગામેગામ ઉજ્જડ થઈ ગયાં છે.
જે પ્રકારની ફૉલ્ટલાઇન્સ અહીં જોવા મળી રહી છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે આ તિરાડ ઘણા સમયથી પડી છે.
આઝાદી પછી ઈસાઈ ધર્મ પાળનારા કુકી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે, જ્યારે મૈતેઈ હિન્દુ સમુદાયમાં કેટલાકને અનામત મળી નથી, જ્યારે કેટલાક અનુસૂચિત જાતિ અને કેટલાકને ઓબીસીનો દરજ્જો મળ્યો છે.
ઝઘડાનું કારણ આજ છે, કારણ કે મૈતેઈ લોકો કુકી વિસ્તારમાં જમીન ખરીદી શકતા નથી અને હવે તેઓ પણ જનજાતિનો દરજ્જો મેળવવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે જમીન પરના અધિકારોનો આ મુદ્દો છે. 28 લાખની મોટા ભાગના મૈતેઈ લોકો ખીણમાં રહે છે, જ્યારે કુકી વસતી ચાર પહાડી જિલ્લાઓમાં વસે છે.
આ હિંસામાં એકબીજાના ત્યાં વસી ગયેલા બંને સમુદાયના લોકો ભોગ બન્યા છે. જોકે રાજ્યમાં મૈતઈ મુસલમાન અને નાગા પણ છે, જે આ હિંસાથી દૂર રહ્યા છે.

રાહતશિબિરોમાં 50 હજાર લોકો

મણિપુર યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા પ્રિયોરંજનસિંહ કહે છે કે, આ વિસ્તારમાં આ પ્રકારની હિંસાનો કોઈ નક્કર ઇતિહાસ પણ રહ્યો નથી.
તેમણે કહ્યું કે, “ઇતિહાસ એ છે કે મૈતેઈએ નાગા અને કુકી સમુદાયને એક કર્યા હતા અને તેમને વહીવટમાં સ્થાન આપ્યું હતું. અહીં લોકોનો હિન્દુ હોવાનો ઇતિહાસ પણ ઘણો અલગ છે. મણિપુરી લોકો ક્યારેય પણ કોઈ ધર્મને લઈને કટ્ટરવાદી રહ્યા નથી. હા, 19મી સદીમાં એક સમયગાળો હતો, જ્યારે અહીં રાજાશાહી સમયે હિન્દુ ધર્મ થોપવામાં આવ્યો હતો, પરંતુ તે લાંબા સમય સુધી ચાલ્યો નહોતો.”
પરંતુ હકીકત એ છે કે હિંસાના આ સમયમાં બંને પક્ષમાં મૃત્યુ અને નુકસાન થયાં છે.
હાલ 50 હજારથી પણ વધુ લોકોએ રાહતશિબિરોમાં આશરો લીધો છે, જેમાં કુકી અને મૈતેઈ બંને સામેલ છે.
રાજધાની ઇમ્ફાલમાં સ્ટેડિયમ પાસે એક યૂથ હૉસ્ટેલ છે, જેને હાલ એક રાહતશિબિરમાં બદલી દેવામાં આવી છે.
ખાસ વાત એ છે કે અહીં 40 એવી મહિલાઓ છે, જે હિંસા શરૂ થઈ એ સમયે ગર્ભવતી હતી.
છેલ્લા એક મહિનામાં અહીં ચાર બાળકોનાં જન્મ થયાં છે અને આ માતાઓએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમનાં બાળકો એક રિલીફ કૅમ્પમાં જન્મ લેશે, જેને ‘કૉન્ફ્લિક્ટ ચિલ્ડ્રન’ કહેવાશે.

અહીં અમારી મુલાકાત 27 વર્ષીય મરીના સાથે થઈ હતી, જેમણે તેમની બાળકીને જન્મ આપ્યો અને હાલ તે તેમના પતિથી અલગ છે. મરીનાને એટલો ગુસ્સો છે કે તેમણે તેમની પુત્રીનું નામ ‘જીત’ રાખી દીધું છે.
કાંગપોકપીના રહેવાસી મરીના સોરામે કહ્યું કે, “જ્યારે ગામ પર હુમલો થયો, ત્યારે અમે રાત્રે જમવા જઈ રહ્યાં હતાં. અમે ઘરબાર છોડીને નદી તરફ ભાગ્યાં, ત્યાં અમને ઘણાં બાળકો પાણીમાં તણાતાં જોવા મળ્યાં. તેના બીજા દિવસે અમને તેમના મૃતદેહ મળ્યા હતા.”

પૂર્વ મૈતેઈ હિન્દુ રાજઘરાના

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજ્યના રાજકારણમાં પૂર્વ મૈતેઈ હિન્દુ રાજઘરાનાની વધતી લોકપ્રિયતા જોવા મળી છે. પૂર્વ રાજઘરાનાના મહારાજા લીશેમ્બા સંજાઓબા હાલ ભાજપના રાજ્યસભા સાંસદ છે.
જોકે બીબીસીના તમામ પ્રયાસો છતાં તેઓ ઇન્ટરવ્યૂ માટે સંમત થયા ન હતા, પરંતુ આ દરમિયાન તેમણે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “હિંસા ખૂબ નિંદનીય છે અને વાતચીત જ દરેક મુદ્દાનો ઉકેલ છે.”
જોકે ખાસ વાત એ છે કે મણિપુરના ઇતિહાસમાં ધાર્મિકસ્થળ પહેલી વાર જાતિગત હિંસાના નિશાના બન્યાં છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ શારદાદેવીએ પણ માન્યું હતું કે મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે થનારી વ્યાપક હિંસા યોગ્ય નથી.

જોકે શારદાદેવીના ઘરને પણ કેટલાક હુમલાખોરોએ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષાદળોએ નિષ્ફળ કરી દીધો.
તેમણે કહ્યું કે, “ચર્ચ અને મંદિર પણ બાળી નાખ્યાં. ખાસ કરીને ચર્ચ જ્યાં કુકી લોકો પ્રાર્થના કરે છે અને મૈતેઈ સમુદાયનાં ઘરોમાં પૂજા કરવા માટે મંદિર હોય છે, ત્યારે બંને સમુદાયનાં જે સ્થળો સળગાવી રહ્યાં છે, બંનેને જે નુકસાન થયું છે, તે આપણા માટે દુખની વાત છે.”
બીબીસીને મળેલા સરકારી આંકડા મુજબ, જૂનના પહેલા અઠવાડિયા સુધી પ્રદેશમાં 250થી વધુ ચર્ચ અને અંદાજે 2000 કુકી ઘર નિશાન બન્યાં હતાં.

‘સરકાર પર વિશ્વાસ નથી’

ચુરાચાંદપુરમાં કુકી ક્રિશ્ચિયન લીડર્સ ફૅલોશિપના પ્રમુખ પાદરી હાઓકિપ થોંગખોસે સાથે મુલાકાત થઈ, જે પ્રદેશના ચર્ચોની સુરક્ષાને લઈને ઘણા ચિંતિત જોવા મળ્યા હતા.
હાઓકિપ થોંગખોસે કહ્યું કે, “કુકી સમુદાય ખૂબ હેરાન છે અને અમને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી કારણ કે રાજ્ય સરકારે ચર્ચ, મનુષ્ય અને તેમની સંપત્તિ પર હુમલો કરી રહેલી ભીડને પણ અટકાવી ન હતી. તેથી તે અમારા માટે ખૂબ મુશ્કેલ સમય હતો. મને લાગે છે કે આ જાતીય હિંસા જ છે, પરંતુ ભારતીય હિન્દુઓને ખુશ કરવા માટે જ ચર્ચ પર હુમલા થયા.”
જોકે હાલ ઇમ્ફાલમાં ચર્ચની ફિલ્મ બનાવવી કે તેની સામે ઊભા રહીને કામ કરવું મીડિયા માટે સૌથી વધુ ખતરનાક ગણાય છે, કારણ કે સ્થાનિક લોકો આવીને કેટલાય પ્રકારના સવાલો પૂછે છે.
જો તમે તૂટેલાં ચર્ચ કે મંદિરોની ફિલ્મ અથવા તસવીરો લો, એ વાત પર પણ તેઓએ નારાજગી વ્યક્ત કરી છે.

અહીં ગુસ્સો બરાબરીનો છે. સરકારી આંકડા મુજબ 100 મંદિરો સિવાય 2000 મૈતેઈ ઘરો પર પણ હુમલા થયા છે.
જોકે મૈતેઈ સમાજના હિત માટે બનેલા સમૂહને કોમી પ્રવક્તાના ઓથાબાય એ વાત પર ભાર મૂકે છે કે, “મણિપુરના મામલા ધાર્મિક નથી હોતા અને આ વખતે પણ વાત આગળ વધતા અટકાવી દેવામાં આવી.”
તેમના મુજબ, “200 ચર્ચને નુકસાન થયું છે, પરંતુ તમને એ ખબર હોવી જોઈએ કે અહીં વધુ 400 ચર્ચ છે, જે હજુ પણ જેમનાં તેમ છે. જો ધાર્મિક હિંસા થાય તો શું તેઓ આ રીતે જ ઊભા રહેતાં? હા વાત એ છે કે પહાડી વિસ્તારમાં હવે તમને એક પણ મંદિર નહીં મળે.”
વર્તમાન સંકટને જોતા પડોશી મ્યાનમારના ચીન પ્રાંતથી ભાગીને આવેલા કુકી ઉગ્રવાદીઓની પરિસ્થિતિ બતાવવામાં આવી રહી છે, જેમની પાસે આધુનિક હથિયારોની અછત નથી.
જોકે મણિપુરના અલ્પસંખ્યક કુકી તેમના વિસ્તાર માટે અલગ પ્રશાસનની માગ કરી રહ્યા છે, જેને કેન્દ્ર સરકારે નકારી દીધી છે.

‘હકની લડાઈની જગ્યા ધાર્મિક હિંસાએ લીધી’

કુકી સ્ટુડન્ટ્સ ઑર્ગેનાઇઝેશનમાં હોમ સૅક્રેટરી માંગ ખોનસાયની નારાજગી એ છે કે, “કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર કોઈએ પણ તેમની યોગ્ય રીતે નોંધ લીધી નથી.”
તેમણે કહ્યું કે, “તમામ લોકો ક્યાંકને ક્યાંક અલ્પસંખ્યક હોય છે. આજે માત્ર મણિપુરમાં હોવાને કારણે જો તમે મોટી સંખ્યામાં છો તો શું તમે માત્ર મણિપુરમાં જ સીમિત રહેશો. ઘણી બધી બીજી જગ્યાઓ છે, જ્યાં તેમને પણ અમારા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.”
આ હિંસામાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં, એ વાતનો તમને કે કુકી સમાજને અફસોસ છે, એ અંગે માંગ ખોનસાયે કહ્યું કે, “હું પણ ભ્રમિત થઈ જાઉં છું કે આખરે આપણે કઈ વસ્તુ માટે લડી રહ્યા છે. આ હિંસા અધિકારોની માગ સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ તે શિફ્ટ થઈને ધર્મ પર આવી ગઈ હતી. જોકે કેન્દ્ર સરકારને હવે તેને ખતમ કરવા માટે ઝડપથી કામ કરવું પડશે, નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જશે.”

ગ્રાઉન્ડ પર એ પરિસ્થિતિ છે કે રાજધાની ઇમ્ફાલથી કોઈ પહાડી કુકી વસતી ધરાવતા વિસ્તારમાં જવા માટે પ્રશાસન નહીં, કુકી ગાર્ડ પાસે આજ્ઞા લેવી પડે છે. સરહદ પર બપોરે મહિલાઓ અને રાત્રે પુરુષ ગાર્ડ તહેનાત રહે છે.
બંને સમુદાયના ગામ વચ્ચે અંદરોઅંદર હુમલા પણ જારી છે અને એક કુકી ગામમાં સ્થાનિક લોકોએ અમને ગ્રેનેડ્સ અને આરપીજીથી ફેંકવામાં આવેલા દારૂગોળા પણ બતાવ્યા.
કેટલાંક ગામોના ગાર્ડ્સ પાસે વૉકી-ટૉકી પણ છે, જેનાથી તેઓ એકબીજા સાથે વાત કરતા રહે છે.
કેટલાક દિવસ પહેલા તેમની પાસે લાયસન્સવાળી બંદૂકો પણ હતી, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ હવે ચારેબાજુ તેમની છાવણી બનાવી દીધી છે અને ગ્રામજનોને તેનો ઉપયોગ ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

‘પક્ષપાતપૂર્ણ રાજનીતિ ગુનેગાર’

રાજધાની ઇમ્ફાલની બહાર અમે એક સિક્રૅટ લોકેશન પર જઈને દાયકાઓ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા અને સ્વતંત્ર મણિપુરની માગ કરતા લોકો અને યુએનએલએફના પૂર્વ ચૅરમૅન રાજકુમાર મેઘન સાથે વાત કરી હતી.
તેમના મુજબ, “મને માત્ર આઘાત જ નહીં પણ દુખ પણ થયું હતું, કારણ કે જૂના જમાનામાં આ પ્રકારનો હુમલો ક્યારેય થયો નહોતો. હું ચર્ચ કે ધાર્મિકસ્થળોને સળગાવવાનું સમર્થન કરતો નથી. આ બંને માટે હું એ જ કહીશ કે પક્ષપાતપૂર્ણ રાજનીતિ તેનું પ્રમુખ કારણ રહી, જેને સામાન્ય મૈતેઈ અને કુકી લોકોને ભોગવવું પડ્યું હતું.”
હકીકત એ પણ છે કે આટલા લાંબા સમય સુધી ચાલેલી હિંસા બાદનો મુદ્દો વધુ બિહામણો છે, કારણ કે એક સમુદાયની જેમ સેંકડો વર્ષોથી સાથે રહેતા લોકોમાં એકબીજા પ્રત્યેનો વિશ્વાસ પૂરો થઈ ગયો છે.
મણિપુર કૉંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ દેવવ્રતસિંહે સ્થિતિનું થોડા શબ્દોમાં નિવેદન આપતા કહ્યું કે, “મણિપુરમાં ક્યારેય પણ ધર્મના નામે હુમલા થયા ન હતા. જે પણ થઈ રહ્યું છે તે પહેલી વખત થઈ રહ્યું છે, તે પણ કોઈએ ડાઇવર્ટ કરવાના પ્રયાસ કર્યા હશે જેનાથી આ ધાર્મિક હિંસા લાગે.”














