મલિયાના મુસ્લિમ નરસંહાર : ‘ વિશ્વે ધુમાડો જોયો પણ કોર્ટને કેમ ન દેખાયો?’- ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, MOHD ISMAIL
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા

- 36 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના મેરઠના મલિયાના ગામમાં સાંપ્રદાયિક હિંસામાં 72 મુસ્લિમોનાં મૃત્યુ થયાં હતાં
- આ મામલે નીચલી કોર્ટે તમામ આરોપીઓને છોડી મૂકતાં આ મામલો ફરી એક વાર સમાચારમાં આવ્યો છે
- આ કેસમાં સ્થાનિક સશસ્ત્ર પોલીસના જવાનો અને કેટલાક સ્થાનિક હિંદુઓ પર આરોપ કરાયા હતા
- સશસ્ત્ર પોલીસ પર ધર્મ આધારિત હિંસાનો આરોપ લાગતા આ સમગ્ર ઘટના એટલી વગોવાઈ હતી કે તેને ‘ભારતીય લોકશાહી પર ડાઘ’ ગણાવઆઈ હતી
- શું થયું હતું 23 મે 1987ના એ ‘ગોઝારા દિવસે’?
- આખરે મુસ્લિમોની કથિતપણે સરાજાહેર હત્યા કરાયાના આ મામલામાં પીડિતો અને સંબંધીઓ પોતાને ‘ન્યાયથી વંચિત’ રખાયાની વાત કેમ કરી રહ્યા છે?

મેરઠના સીમાંત વિસ્તારમાં વસેલા મલિયાના ગામમાં 36 વર્ષ પહેલાં થયેલ સાંપ્રદાયિક હિંસાના મામલામાં 41 આરોપીઓને નીચલી અદાલતે નિર્દોષ જાહેર કરી છોડી મૂક્યા.
મુસ્લિમો વિરુદ્ધ હિંસાના આ મામલામાં કોર્ટના નિર્ણયે પીડિત અને તેમના પરિવારોને ઊંડી નિરાશાથી ભરી દીધા છે.
ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના સીમાંત વિસ્તારમાં વસેલા મલિયાના ગામમાં 23 મે 1987ના રોજ 72 મુસ્લિમોને મારી નખાયા હતા.
આરોપ હતો કે તેમની હત્યા સ્થાનિક હિંદુઓ અને રાજ્યના સશસ્ત્ર પોલીસના જવાનોએ સાથે મળીને કરી હતી. આ ઘટનાને ‘ભારતીય લોકશાહી પર ડાઘ’ ગણાવાઈ હતી.

ઇમેજ સ્રોત, RASHID KHAN
શુક્રવારે નીચલી કોર્ટ તરફથી આરોપીઓને છોડી મુકાયા હોવાની વાતને ટીકાકારોએ ‘ન્યાયની મજાક’ ગણાવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
વિભૂતિ નારાયણ રાય અને તોફાનોને વિસ્તારપૂર્વક કવર કરી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર કુર્બાન અલી સહિત અમુક પીડિતોએ 2021માં અલાહાબાદમાં આ મામલાને લઈને અરજી કરી હતી. આ લોકોની ફરિયાદ હતી કે આ મામલાની સુનાવણી ખૂબ ધીમી ઝડપે થઈ રહી છે.
વિભૂતિ નારાયણ રાયે કહ્યું, “તપાસમાં શરૂઆતથી જ ગરબડ થઈ છે. આ કેસ સાડા ત્રણ દાયકાથી પેન્ડિંગ હતો. તેથી અમે હાઇકોર્ટમાં નવેસરથી તપાસ માટે અરજી દાખલ કરી હતી. અમે યોગ્ય રીતે સુનાવણી કરવા માટે અને પીડિતોને વળતર આપવાની માગ કરી હતી.”

સુનાવણી દરમિયાન 23 આરોપીઓનાં મૃત્યુ, 31ના કોઈ સુરાગ નહીં

ઇમેજ સ્રોત, RASHID KHAN
કુર્બાન અલીએ કહ્યું કે તેમની એક માગમાં એ નરસંહારમાં પોલીસની ભૂમિકાની ફરી એક વાર તપાસ કરવાની માગ પણ સામેલ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિંસાના શિકાર લોકોનું કહેવું હતું કે હિંસા પ્રોવિંસિયલ આર્મ્ડ કૉન્સ્ટેબલરી એટલે કે પીએસીએ શરૂ કરી હતી. આ પોલીસબળનું ગઠન તાકતવર અને જાતિસંઘર્ષનો સામનો કરવા માટે કરાયું હતું.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ સહિત ઘણાં માનવાધિકાર સંગઠનોએ મલિયાના રમખાણમાં પોલીસના સામેલ હોવાના પુરાવાનું દસ્તાવેજીકરણ કર્યું હતું.
કુર્બાન અલી કહે છે કે, “કોર્ટમાં જે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જમા કરાવાયો હતો તે અનુસાર ઓછામાં 36 લોકોનાં શરીર પર ગોળીનાં નિશાન હતાં. આ એ સમયની વાત છે જ્યારે મલિયાના ગામમાં રહેનારી કોઈ પણ વ્યક્તિ પાસે બંદૂક નહોતી.”

ઇમેજ સ્રોત, MOHD ISMAIL
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીએ મલિયાના કાંડમાં પીએસીની કથિત ભૂમિકા પર વાત કરવા માટે સંગઠનનો સંપર્ક કર્યો. પરંતુ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમની પાસે આ મામલાને લઈને વાત કરવાનો અધિકાર નથી. પીએસીના પ્રમુખને બીબીસી તરફથી ઇમેઇલ પણ કરાયો હતો.
આ હત્યાકાંડ બાદ પોલીસે જે ફરિયાદ દાખલ કરી હતી, તેમાં માત્ર 93 હિંદુઓનાં નામ આરોપી તરીકે નોંધાયાં હતાં. પરંતુ કેસની સુનાવણી દરમિયાન 23 આરોપીનાં મૃત્યુ થઈ ગયાં અને 31 ‘લોકોના કોઈ સુરાગ’ ન મળી શક્યા.
આ મામલામાં બચાવ પક્ષના વકીલ છોટેલાલ બંસલે બીબીસીને કહ્યું કે કેસ એટલા માટે પડી ભાંગ્યો કારણ કે હિંસાના આ મામલામાં મુખ્ય સાક્ષીએ કહ્યું કે તેમણે પોલીસના દબાણમાં આરોપીઓનાં નામ લીધાં છે.
બંસલ પ્રમાણે, “પોલીસે ચાર એવા લોકોનાં નામ આપ્યાં હતાં જે આ નરસંહારનાં સાત-આઠ વર્ષ પહેલાં જ મૃત્યુ પામી ચૂક્યા હતા. એક વ્યક્તિ તો એ સમયે ખૂબ ગંભીરપણે બીમાર હતી અને હૉસ્પિટલમાં દાખલ હતી.”
બંસલે કહ્યું, “મલિયાનાના મુસ્લિમો સાથે જે થયું એ ખૂબ જ દર્દનાક છે. તે ખૂબ જ નિંદાપાત્ર છે. પરંતુ મારા અસીલ પણ પીડિત હતા. 36 વર્ષ સુધી ચાલેલા કેસમાં સુનાવણી દરમિયાન મારા અસીલ પણ ધમકીના ઓછાયા હેઠળ રહ્યા છે.”

હિંસાના હૃદયદ્રાવક કિસ્સા

જોકે, હિંસાની આવી હૃદયદ્રાવક ઘટનાઓ છતાં કોર્ટ દ્વારા આરોપીઓને છોડી મુકાવાનો નિર્ણય પીડિતો અને તેમના પરિવારના લોકો માટે આઘાતજનક સાબિત થયો છે.
વકીલ અહમદ સિદ્દિકીના શરીર પર ગોળીનાં બે નિશાન છે. તેઓ કહે છે કે, “મલિયાનામાં તેમના સમુદાયના લોકો નિરાશ છે.”
તેમણે મને કહ્યું, “જેમનાં મૃત્યુ થયાં અને જેમણે માર્યા, એ બધાને હું ઓળખું છું.”
સિદ્દિકી કહે છે કે જ્યારે જ્યારે તેઓ 23 મે 1987ની વાત કરે છે, ત્યાં તેમની આંખોમાં આંસુ આવી જાય છે.
તેઓ કહે છે કે પાછલા અમુક દિવસોથી તેમના ગામના મુસ્લિમો વિરુદ્ધ અફવા ફેલાઈ રહી છે. અહીં બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાની કોશિશ કરાઈ રહી છે.
તેઓ કહે છે કે, “મેરઠમાં વર્ષોથી પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી છે અને શહેરે ઘણાં રમખાણો જોયાં છે. પરંતુ અમે એવું ક્યારે નહોતું વિચાર્યું કે અમારા ગામમાં પણ હિંસા થશે. પરંતુ એ દિવસે ત્રણ ગાડી ભરીને પીએસીના જવાન આવ્યા અને મુસ્લિમ વિસ્તારોને ઘેરી લીધા. અમારા નીકળવાના તમામ રસ્તા બંધ કરી દેવાયા.”
તેઓ કહે છે કે, “પીએસીના કેટલાક જવાન હિંદુઓનાં ઘરોમાં ઘૂસી ગયા અને તેમનાં ઘરોની છત પર પૉઝિશન લઈ લીધી. ચારેકોરથી ગોળીઓનો વરસાદ થઈ રહ્યો હતો.”
સિદ્દિકી એવા અમુક સાક્ષીઓમાં સામેલ હતા જેમને સાક્ષી પૂરવા બોલાવાયા હતા.
તેઓ કહે છે કે, “મેં એક વર્ષ સુધી નિવેદન આપ્યાં. મેં પીએસીની ભૂમિકા વિશે જણાવ્યું, લોકોની ઓળખ અને એ હથિયારોને પણ ઓળખ્યાં જે લઈને તેઓ ત્યાં આવ્યા હતા.”
તેઓ કહે છે કે, “મારું માનવું છે કે દોષિતોને સજા આપવા માટે પૂરતા પુરાવા હતા. અમારે એ જોવું પડશે કે અમારાથી ક્યાં ભૂલ થઈ. જ્યારે મલિયાના સળગી રહ્યું હતું ત્યારે આખી દુનિયાએ ધુમાડો જોયો. કોર્ટને તે કેમ ન દેખાયો?”

85 વર્ષના વૃદ્ધથી માંડીને ઘૂંટણિયે ચાલતા બાળકની હત્યા

ઇમેજ સ્રોત, RASHID KHAN
મલિયાના નરસંહારમાં મોહમ્મદ ઇસ્માઇલે પોતાના પરિવારના 11 સભ્યો ગુમાવ્યા. તેમનાં દાદા-દાદી, માતા-પિતા અને સાત ભાઈ-બહેન અને સંબંધમાં એક ભાઈ આ ઘટનામાં ભોગ બની ગયાં. ભોગ બનનાર લોકોમાં સૌથી મોટી ઉંમરની વ્યક્તિ તેમના 85 વર્ષીય દાદા હતા અને ભોગ બનનાર સૌથી નાની વયની વ્યક્તિ ઘૂંટણિયે ચાલતી તેમની બહેન હતી. તેઓ બહારગામ ગયેલા હોઈ બચી ગયા હતા.
ઇસ્માઇલ સુધી આ સમાચાર એક દિવસ બાદ પહોંચ્યા. પરંતુ તેઓ પોતાના ગામ ચાર-પાંચ દિવસ બાદ જ પહોંચી શક્યા કારણ કે એ સમયે આખું મેરઠ સીલ હતું અને ત્યાં કર્ફ્યુ લાગેલો હતો. પાછા ફરીને તેમણે જે દૃશ્ય જોયું એ યાદ કરતાં તેમને આજે પણ બીકના કારણે તેમની કંપારી છૂટી જાય છે.
તેઓ કહે છે કે, “અમારું ઘર બળી ચૂક્યું હતું. દીવાલો પર ખૂનના ડાઘ હતા. અમારા જે મુસ્લિમ પાડોશીઓ બચી ગયા હતા તેમણે નજીકની એક મદરેસામાં શરણ લઈ લીધી હતી.”
મોહમ્મદ ઇસ્માઇલ કહે છે કે તોફાનોમાં જ્યારે મેઠના બીજા વિસ્તારોથી હિંસાના સમાચાર આવી રહ્યા હતા ત્યારે પણ તેમના પરિવારે એવું નહોતું વિચાર્યું કે તેઓ પણ કદાચ આવી કોઈ ઘટનાના શિકાર થશે.
તેઓ કહે છે કે, “અમારી કોઈની સાથે કોઈ દુશ્મનાવટ નહોતી, તેથી અમે ચિંતાતુર પણ નહોતા.”
કુર્બાન અલીએ મને કહ્યું કે જ્યારે તેમણે નરસંહારના બે દિવસ બાદ મલિયાના ગામની સફર કરી તો જોયું કે સમગ્ર ગામ ઉજ્જડ બની ગયું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે અમે કોઈ ભૂતાવળની જગ્યાએ પહોંચી ગયા છીએ.
તેમણે કહ્યું, “ગામના મોટા ભાગના મુસ્લિમ નિવાસી કાં તો મૃત્યુ પામ્યા હતા અથવા તો હૉસ્પિટલમાં હતા. તેમનાં શરીર પર ગોળીના ઘા હતા.”
એ વર્ષે ઉનાળામાં મલિયાનામાં જે થયું, એ હિંસાની છૂટીછવાઈ કે એકલ ઘટના નહોતી. 14 એપ્રિલના રોજ એક ધાર્મિક જુલૂસમાં તોફાન ફાટી નીકળ્યા બાદ જ મેરઠમાં સાંપ્રદાયિક તણાવ શરૂ થઈ ગયો હતો.
સાંપ્રદાયિક હિંસામાં હિંદુ-મુસ્લિમ બંને સમુદાયોના એક ડઝન જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં. કર્ફ્યુ લાદી દેવાયો હતો, પરંતુ તણાવ ચાલુ રહ્યો અને આગામી અમુક અઠવાડિયાં દરમિયાન થોડી-થોડી વારે તોફાનો થતાં રહ્યાં.
આધિકારિક આંકડામાં તોફાનોમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 174 ગણાવાઈ. પરંતુ બિનઆધિકારિક રિપોર્ટોમાં આ સંખ્યા 350 કરતાં વધુ હતી. આ સાથે જ અબજો રૂપિયાની સંપત્તિ નષ્ટ થયાનો પણ રિપોર્ટ આવ્યો હતો.
વિભૂતિ નારાયણ રાય કહે છે કે, “શરૂઆતમાં તો બંને તરફના લોકોનાં મૃત્યુ થયાં. પરંતુ બાદમાં પોલીસ અને પીએસીના લોકો મુસ્લિમો વિરુદ્ધ સંગઠિત હિંસા કરવા લાગ્યા.”

હાશિમપુરા નરસંહાર અને પીએસી

22 મે એટલે કે મલિયાના નરસંહારના એક દિવસ પહેલાં પીએસીના લોકો હાશિમપુરામાં ઘૂસી ગયા હતા. હાશિમપુરા મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે અને મલિયાનાથી માત્ર છ કિલોમિટરના અંતરે છે.
પીએસીના જવાનોએ અહીંથી 48 પુરુષોને બહાર કાઢ્યા અને તેમાંથી 42ને ગોળી મારી દીધી. તે બાદ તેમના મૃતદેહ નદી અને નહેરમાં ફેંકી દેવાયા. છ લોકો બચી ગયા હતા જેમણે એ દિવસે શું થયું હતું એ અંગે સંપૂર્ણ વિગતો જણાવી.
ફોટો જર્નાલિસ્ટ પ્રવીણ જૈન જ્યારે આ ઘટનાને કવર કરવા પહોંચ્યા ત્યારે તેમની સાથે મારઝૂડ કરાઈ. પોલીસે તેમને જગ્યા છોડી દેવા કહ્યું. જૈને ઝાડીઓમાં સંતાઈને તસવીરો લીધી. તેમની તસવીરોમાં મુસ્લિમો સાથે મારઝૂડ થતી જોવા મળી રહી હતી. તેમને ગલીઓમાંથી માર્ચ કરાવીને લઈ જવાઈ રહ્યા હતા.
તેમણે બીબીસીને કહ્યું, “જ્યારે હું ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે મને એ વાતનો અંદાજ નહોતો કે આ લોકોને મારી નાખવા માટે ગલીઓમાંથી લઈ જવાઈ રહ્યા છે.”
વર્ષ 2018માં દિલ્હી હાઇકોર્ટે હાશિમપુરામાં મુસ્લિમોની હત્યાના આરોપમાં પીએસીના 26 પૂર્વ જવાનોને આજીવન કેદની સજા કરી હતી.
લખનૌમાં રહેતા વરિષ્ઠ પત્રકાર શરતપ્રધાન જ્યારે પીએસીને સાંપ્રદાયિક અને મુસ્લિમવિરોધી ગણાવાયું અને તેની ભરપેટ નિંદા થઈ હતી, એ સમયને યાદ કરે છે.
તેમણે કહ્યું, “પીએસીના મોટા ભાગના લોકો હિંદુ પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. પરંતુ સેનાની જેમ તેમને ધર્મનિરપેક્ષતાની ટ્રેનિંગ નહોતી અપાઈ.”
શરત પ્રધાન કહે છે કે, “એ વાત સત્ય છે કે હાશિમપુરા નરસંહારમાં ન્યાય થયો. પરંતુ આવું વિભૂતિ નારાયણ રાયના પ્રયત્નોને કારણે શક્ય બન્યું. રાય 1987માં ગાઝિયાબાદમાં એસપી હતા. હાશિમપુરામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ અને એક જીવિત શખ્સ ત્યાં જ પહોંચ્યો હતો.”
કુર્બાન અલી કહે છે કે મલિયાના કેસમાં પણ ક્યારેક તો ન્યાય થશે જ.














