મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામનવમી પર પ્રથમ વખત હિંસા થઈ, શું છે કારણ?

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
- લેેખક, શ્રીકાંત બંગાળે
- પદ, બીબીસી મરાઠી, છત્રપતિ સંભાજીનગરથી
રામનવમીના એક દિવસ બાદ જ્યારે સવારે આઠ વાગ્યે હું છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં પહોંચ્યો ત્યારે ત્યાં નગરનિગમના કર્મચારીઓ રસ્તાની સફાઈ કરી રહ્યા હતા.
તેઓ રસ્તા પર પડેલા પથ્થરો અને કાંચના ટુકડા ઉઠાવવાની સાથેસાથે પાણી પણ છાંટી રહ્યા હતા.
આ રસ્તો શહેરમાં અડધી રાત્રે બનેલી ઘટનાનો સાક્ષી છે.
રસ્તાની બંને બાજુ ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત છે. રસ્તાના કિનારે મોટી સંખ્યામાં મુસ્લિમ યુવકો ઊભા હતા જે રસ્તો સાફ થતો જોઈ રહ્યા હતા.
રસ્તા પર બંને બાજુ દુકાનો પર તાળાં લટકેલાં હતાં. અહીં ઊભા રહીને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઘટના સમયે રસ્તા પર લાગેલી સ્ટ્રીટ લાઇટોને પણ નિશાન બનાવવામાં આવી હતી.

શું હતી ઘટના?

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં 29 માર્ચની અડધી રાત્રે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ. આ બોલાચાલી ઉગ્ર થતા ગણતરીના સમયમાં બંને જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી. આ દરમિયાન લોકોએ આગ લગાડી હતી.
આખરે ત્યાં થયું શું હતું? આ વિશે હાલ ત્યાં હાજર એક પોલીસકર્મીએ જણાવ્યું, "29 માર્ચની અડધી રાત્રે અહીં કેટલાક યુવકો રામનવમીની તૈયારી કરવા માટે ભેગા થયાં. તેમણે ફટકાડા ફોડ્યા અને 'જય શ્રીરામ'ના નારા પોકાર્યા."
"તે સમયે અન્ય યુવકોનું એક જૂથ આવ્યું અને 'અલ્લાહ હૂ અકબર'ના નારા લગાવ્યા. ધીરેધીરે લોકોની સંખ્યા વધવા લાગી અને પથ્થરમારો શરૂ થયો અને મામલો ઉગ્ર થઈ ગયો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસકર્મીએ એમ પણ કહ્યું કે ટોળાએ પોલીસનાં 10થી વધુ વાહનોને પણ સળગાવી દીધાં હતાં.
સવારે અંદાજે નવ વાગ્યે કેટલાંક સળગેલાં વાહનોને રામમંદિર વિસ્તારમાંથી ઉઠાવીને લઈ જવાઈ રહ્યાં હતાં.
વિસ્તારમાં થોડીવાર ફર્યા પછી હું રામમંદિર પહોંચ્યોં. ત્યાં ઘણા લોકો દર્શન માટે આવ્યા હતા. મંદિરમાં ભજન-કીર્તન ચાલી રહ્યાં હતાં. ત્યાં મારી મુલાકાત સ્થાનિક પત્રકારો સાથે થઈ.
એક સ્થાનિક પત્રકારે જણાવ્યું, "આ વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. રામનવમીના દિવસે મુસ્લિમ ભાઈઓ મંદિર બહાર શરબત પીવે છે."
"જે ઘટના ઘટી છે, એ બે-ચાર ઉપદ્રવીઓના લીધે ઘટી છે. આ પ્રકારની ઘટના આ વિસ્તારમાં પહેલાં ક્યારેય બની નથી."
તેમની સાથે વાત કર્યા પછી હું મંદિરની બહાર આવ્યો અને સ્થાનિક લોકો સાથે વાત કરવા લાગ્યો.

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC

'બંને સમુદાયો માટે નુકસાનકારક'
મંદિરથી માત્ર બે મિનિટના અંતરે શફુઉદ્દીન અને નવાબ ખાન અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા હતા.
60 વર્ષીય મોહમ્મદ શફુઉદ્દીનને જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "જે કંઈ થયું, એ ખોટું થયું. આ પ્રકારની ઘટનાઓ બંને સમુદાયના લોકો માટે નુકસાનકારક છે. લૉકડાઉનના કારણે પહેલેથી દુકાનો બંધ કરવી પડી હતી. એવામાં ગઈકાલની ઘટના બાદ ફરીથી દુકાનો બંધ કરવી પડી છે."
રામમંદિર લેનમાં જ શફુઉદ્દીનની ફૅબ્રિકેશનની દુકાન છે. 29 માર્ચની રાતની ઘટનાને કારણે તેમણે બીજા દિવસે દુકાન બંધ કરવી પડી હતી. તેઓ પોતાની બંધ દુકાન બહાર ઊભા રહીને અમારી સાથે વાત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું, "હિંદુ, મારવાડી, ગુજરાતી જેવા તમામ સમુદાયના લોકો અમારા ગ્રાહક છે. મને લાગે છે કે યુવાનોએ કોઈનાં ભાષણો અને ઉશ્કેરણીનો શિકાર ન બનવું જોઈએ."

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
'દુકાનો બંધ, કામ બંધ'
શફુઉદ્દીને કહ્યું, "હિંસા બાદ જ્યારે હું ઘરેથી દુકાને જઈ રહ્યો હતો તો મારી દીકરીએ ના પાડી. કારણ કે તેને ડર લાગી રહ્યો હતો."
તેમનો દીકરો એ જોવા માટે આવ્યો હતો કે દુકાનમાં સામાન ઠીક છે કે નહીં.
બીબીસી સાથે વાત કરતાં તેમના દીકરાએ કહ્યું, "હું 31 વર્ષનો છું. મેં બાળપણથી લઈને અત્યાર સુધી આવું કંઈ જોયું નથી. આ પહેલી વખત થયું છે."
મોહમ્મદ શફુઉદ્દીન સાથે 75 વર્ષીય નવાબ ખાન પણ હતા. તેઓ આ વિસ્તારમાં રેતી-કપચીની દુકાન ધરાવે છે.
નવાબ ખાને કહ્યું, "કોઈ પણ સમાજે આમ ન કરવું જોઈએ. તેનાંથી બંને સમાજને નુકસાન છે. આજે જો દુકાન ખૂલી હોત તો 1500 રૂપિયાનું કામ કરી લેત પણ આ હિંસાના કારણે હવે એ નહીં થાય."

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC

યુવકો પોકારી રહ્યા હતા 'જય શ્રી રામ'ના નારા
જ્યારે હું રામમંદિરમાં પાછો આવ્યો તો મેં જોયું કે પ્રકાશ કથાર નામક વ્યક્તિ મંદિર પાસે બેસીને ફૂલ વેચી રહી હતી. તેઓ આશરે 30 વર્ષથી રોજ આ જગ્યાએ ફૂલ વેચે છે.
ઘટના વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, "મને તો વૉટ્સઍપ પરથી આ ઘટનાની જાણ થઈ હતી. જોકે, ફૂલોના વેચાણ પર તેની કોઈ અસર પડી નથી. હવે કેટલાક લોકો મંદિરે દર્શન કરવા માટે પાછા આવી રહ્યા છે."
આ વચ્ચે જ્યારે ઘડિયાળ તરફ ધ્યાન ગયું તો ખ્યાલ આવ્યો કે 11 વાગી ગયા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવકો બાઇક પર સવાર થઈને આવ્યાં.
તેઓ 'જય શ્રીરામ', 'સંભાજી મહારાજની જય' એવા નારા પોકારી રહ્યા હતા. તેઓ જોરજોરથી હૉર્ન વગાડી રહ્યા હતા. જેના કારણે તેમનાં પર ધ્યાન આકર્ષિત થઈ રહ્યું હતું.
તેમના નારા સાંભળીને બીજી ગલીમાંથી મુસ્લિમ યુવકો પણ એકઠા થઈ ગયા.

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC

'આ ઘટના અહેવાલોથી દૂર'
સવારે નવ વાગ્યાથી 12 વાગ્યા સુધી તમામ પાર્ટીઓના નેતા મંદિરમાં આવવા લાગ્યા. તમામે મીડિયા સાથે વાત કરી અને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી.
નેતાઓની ગાડી જ્યારે પણ રસ્તા પર આવી તો લોકો તેમને જોવા માટે ઉત્સુક દેખાતા હતા.
આ વચ્ચે મંદિર બહાર મારી મુલાકાત નારાયણ દલવે સાથે થઈ. તેમણે કહ્યું, "આ આખા વિસ્તારમાં માત્ર એક જ રામમંદિર છે. અહીં કોઈ હિંદુ નથી, તમામ મુસ્લિમ છે. દરેક વર્ષે રામનવમી પર મુસ્લિમ ભાઈઓ અહીં શરબતનો આનંદ લે છે."
"તેઓ યાત્રામાં સામેલ થાય છે અને પાણી પીવે છે. હિંદુ અને મુસ્લિમ સાથે મળીને રહે છે, પણ આ વર્ષે આમ કેવી રીતે બન્યું?"
બપોરે આશરે દોઢ વાગ્યે બાજુમાં આવેલી મસ્જિદમાંથી નમાજનો અવાજ સંભળાયો. તે જ સમયે બીજી બાજુ કેટલાક લોકો રામમંદિરમાં દર્શન માટે જઈ રહ્યા હતા.

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC
'ગુંડાગર્દીનો કોઈ ધર્મ નથી'
તે સમયે સ્નેલતા ખરાત મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળ્યાં. તેઓ શહેરના બીડ બાયપાસ વિસ્તારમાં રહે છે. તેઓ છેલ્લાં 15 વર્ષથી આ મંદિરમાં કીર્તન કરવા માટે આવે છે.
તેમણે કહ્યું, "જે કંઈ પણ થયું એ ભૂલ હતી. કેટલાક માનસિક બીમાર લોકો આવું કરે છે. તેના લીધે આજે તેમના (મુસ્લિમ) વિસ્તારમાં તણાવ છે. કોઈ પણ સમુદાય આ પ્રકારની વસ્તુ પસંદ કરતો નથી."
એ પૂછવા પર કે શું આ શહેરનું નામ બદલવા પર થયું છે? તેમણે કહ્યું, "બની શકે છે કે એમ હોય પણ આતંકવાદ અને ગુંડાગર્દીનો કોઈ ધર્મ હોતો નથી."
તેમની સાથે ઊભેલા અન્ય એક મહિલાએ કહ્યું, "ડર કઈ વાતનો? અમારા પણ પગમાં ચપ્પલ છે. અમારાં બાળકોએ કહ્યું કે કોઈનાથી પણ ડર્યા વગર દર્શન કરવા જાઓ."
બપોરના સમયે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શન કરવા આવ્યા. મંદિરની બહાર લોકોમાં ઉદાસીનતા હતી.

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC

બીજા દિવસે પાછી નીકળી શોભાયાત્રા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાંજે અંદાજે પાંચ વાગ્યે આ રામમંદિરથી શોભાયાત્રા નીકળવાની હતી. શોભાયાત્રામાં મુસ્લિમ લોકો પણ સામેલ થયા.
શોભાયાત્રામાં ભારે પોલીસકાફલો જોડાયો હતો. તમામ લોકોનું કહેવું હતું કે જે કંઈ પણ થયું એ એક ભૂલ હતી.
સાંજે અંદાજે સાડા સાત વાગ્યે શોભાયાત્રા પાછી રામમંદિર પહોંચી. આ યાત્રા એ કિરાડપુરા વિસ્તારમાંથી પણ પસાર થઈ જ્યાં રામનવમીની રાત્રે પથ્થરમારો થયો હતો. તે સમયે રસ્તા પર કોઈ મુસ્લિમ વ્યક્તિ જોવા ન મળી.
એ વિસ્તારના મુસ્લિમ લોકો પોતપોતાનાં ઘરોની છત પરથી શોભાયાત્રા જોઈ રહ્યા હતા. જ્યારે કેટલાક લોકો ગલીઓમાં એકઠા થયા હતા.અંતે જ્યારે શોભાયાત્રા મંદિર પહોંચી તો પત્રકારોએ પણ રાહતનો શ્વાસ લીધો.
મંદિરથી નીકળતી વખતે એક પત્રકાર મિત્ર સાથે વાત થઈ. તેમણે કહ્યું, "સવાલ એ છે કે શું આ હિંસા પૂર્વાયોજિત હતી?"
મેં તેમને આમ વિચારવા પાછળનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું, "મંદિરના પરિસરમાં અત્યારે પણ પથ્થર જોઈ શકાય છે."
તેમણે આગળ કહ્યું, "નગરનિગમના કર્મચારી જ્યારે સવારે સફાઈ કરવા આવ્યા તો ટ્રેક્ટરમાંથી પથ્થર ફેંકવામાં આવ્યા. આટલા બધા પથ્થર અહીં આવ્યા ક્યાંથી? નજીકમાં ક્યાંય કોઈ નિર્માણકાર્ય થઈ રહ્યું નથી."

ઇમેજ સ્રોત, SHRIKANT BANGALE/BBC

શું નામ બદલવાનાં કારણે ભડકી હિંસા?
તમામ લોકો એ જ વાત કરી રહ્યા હતા કે સંભાજીનગરના ઇતિહાસમાં રામનવમીના દિવસે જે હિંસા થઈ, એવી અગાઉ ક્યારેય થઈ નથી.
સવાલ એ છે કે આ ઘટના અત્યારે કેમ થઈ? આ સવાલનો જવાબ જાણવા માટે એ જોવાનું રહેશે કે પાછલા કેટલાક દિવસોમાં શહેરનો માહોલ કેવો રહ્યો છે.
કેન્દ્ર સરકારે જ્યારે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ત્યારે મુસ્લિમ સમુદાયે નારાજગી વ્યક્ત કરી હતી.
ઔરંગાબાદનું નામ બદલવાના વિરોધમાં સાંસદ ઇમ્તિયાઝ જલીલે ધરણાં કર્યાં હતાં. તેમનાં નેતૃત્વમાં હજારો મુસ્લિમ લોકોએ કૅન્ડલ માર્ચ યોજી હતી. પ્રદર્શનકારીઓની માગ હતી કે શહેરનું નામ ઔરંગાબાદ જ રહેવું જોઈએ.
શહેરનું નામ બદલવાનો મામલો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે. સોમવાર, 27 માર્ચ નામપરિવર્તન પર વાંધો ઉઠાવવાનો અંતિમ દિવસ હતો.
છત્રપતિ સંભાજીનગરના સમર્થનમાં કુલ અરજીની સંખ્યા 4 લાખ ત્રણ હજાર 15 છે. જ્યારે વિરોધમાં બે લાખ 73 હજાર 210 અરજીઓ મળી છે.
શહેરમાં એક તરફ હિંદુ પાર્ટીઓ સમર્થનમાં તો બીજી તરફ એમઆઈએમ વિરોધમાં લોકોને અરજી કરાવવાના કામમાં લાગી છે.

ઇમેજ સ્રોત, AAI

શું કહે છે જાણકારો?
એ માટે સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું નામ બદલવાથી વિવાદ ભડક્યો છે અને ત્યાર પછી જ હિંસા થઈ છે.
તેનો જવાબ આપતા સંભાજીનગરના વરિષ્ઠ પત્રકાર સંજીવ કહે છે, "શહેરના ઇતિહાસમાં રામનવમીને લઈને આવી હિંસા ક્યારેય થઈ નથી. શહેરનું નામ બદલવાની કોઈ માગ ઊઠી નથી અને તેના માટે કોઈ આંદોલન પણ થયાં નથી."
"લોકપ્રિયતા મેળવવા માટે શહેરનું નામ બદલવામાં આવ્યું અને તેનાંથી શહેરના શાંત લોકો પણ નારાજ થઈ ગયા અને ત્યાર પછી આ પ્રકારની ઘટના ઘટી."
વરિષ્ઠ રાજનૈતિક વિશ્લેષક જયદેવ અજે અનુસાર, "જ્યારે શહેરનું નામ ઔરંગાબાદ હતું, ત્યારે પણ છેલ્લાં 30-35 વર્ષથી લોકો તેને સંભાજીનગર તરીકે જ જોતા હતા."
"એ માટે શહેરનું સત્તાવાર નામ બદલ્યા બાદ પણ લોકોમાં એવો કોઈ ઉત્સાહ ન હતો. તેથી હું જોઈ રહ્યો છું કે આ સ્થિતિ લોકસભા અને નગરનિગમની ચૂંટણીને ધ્યાને રાખીને થઈ રહી છે."














