નરોડા હત્યાકાંડ : '68 લોકો નિર્દોષ છે તો 11 લોકોને કોણે સળગાવી નાખ્યા?'- ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
“આજે પણ રસોઈ બનાવતી વખતે આંગળી દાઝી જાય તો એકવીસ વર્ષ પહેલાંનો 28 ફેબ્રુઆરીનો દિવસ યાદ આવી જાય છે. એ દિવસે ચંપલ પણ પહેર્યા વગર માત્ર પહેરેલ લૂગડે કાખમાં બાળકોને લઈને ભાગ્યાં હતાં. મારું ઘર બળતું હતું. 21 વર્ષે બધા આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે તો એ લોકો કોણ હતા જેમણે અમારા ઘરમાં આગ ચાંપી હતી અને માણસોને ભડકે બાળ્યા હતા? આપણાં કાયદા-વ્યવસ્થા સંભાળતા સત્તાધીશો અને ન્યાયતંત્રને મારો એ સવાલ છે કે આ 21 વર્ષમાં એ ગુનેગારોને પકડીને સજા કેમ આપી શકયા નથી?”
આ શબ્દો અમદાવાદના નરોડા ગામના કુંભારવાસમાં રહેતાં સાયરાબીબીના છે.
તેઓ વર્ષ 2002ના ગોધરાકાંડ બાદ નરોડા ગામમાં ફાટી નીકળેલાં તોફાનો અને સાંપ્રદાયિક હિંસાનાં એક પીડિતા છે.
નોંધનીય છે કે ગત ગુરુવારે 2002ના નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા ગુજરાતનાં ભૂતપૂર્વ મંત્રી અને ભાજપનાં નેતા માયા કોડનાણી, બાબુ બજરંગી, જયદીપ પટેલ અને વલ્લભ પટેલ સહિતનાં 68 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યાં છે.
ગોધરાકાંડ બાદ 28 ફેબ્રુઆરી 2002ના સમગ્ર રાજ્યમાં તોફાનો અને હિંસા ફાટી નીકળ્યાં હતાં. આ પૈકીના જ એક બનાવ એવા નરોડા ગામ ખાતે થયેલા રમખાણમાં 11 મુસ્લિમોને જીવતા સળગાવી દેવાયા હતા.
આ મામલે 86 આરોપીઓ સામે હત્યા, તોફાનો કરાવવાના, ગેરકાયદે ટોળું ભેગું કરવાના અને ગુનાઇત ષડયંત્ર રચવાના આરોપ હતા.

ઇમેજ સ્રોત, BBC/Sairabibi
આ કેસ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલ તોફાનો અને હિંસાના એ નવ કેસો પૈકીનો એક છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા તપાસ કરાવવાનો હુકમ કર્યો હતો.
આ કેસની સુનાવણી 14 વર્ષ પહેલાં જુલાઈ 2009માં શરૂ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બનાવના દિવસે તેમનું જે ઘર સળગાવી નખાયું હતું તેની તસવીરો સાયરાબીબી બતાવે છે.
એ જ ઘર તેમણે ઘટનાના થોડા મહિના પછી સમારકામ કરીને નવું બનાવ્યું હતું.
હાલ તેઓ ત્યાં જ રહે છે.
સામેનું ઘર બતાવતાં તેઓ કહે છે કે, “આ ઘરના ચાર લોકોને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા.”
સાંકડી ગલીઓવાળા નરોડા ગામના કુંભારવાસમાં દાયકાઓથી હિન્દુ–મુસ્લિમો એક સાથે વસે છે.
આ જ મહોલ્લામાં રહેતા ગફારભાઈ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, “ઘટનાના દિવસે રમખાણ થયાં એ પહેલાં અહીં 100 જેટલા મુસ્લિમ પરિવારો રહેતા હતા. હાલ તેની સંખ્યા 35 રહી ગઈ છે. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.”
તેઓ પણ હત્યાકાંડના તમામ આરોપીઓને નિર્દોષ છોડાયા એ મામલે પ્રતિક્રિયા આપતાં સાયરાબીબી જેવો જ પ્રશ્ન ઉઠાવે છે અને કહે છે કે, “જો બધા નિર્દોષ છે તો આરોપીઓ કોણ છે?”
તેઓ કહે છે કે ઘટનાનાં 21 વર્ષ બાદ પણ આ પ્રશ્ન વણઉકલ્યો રહ્યો છે.

“અમે પાછા આવ્યા ત્યારે બધું લૂંટાઇ ગયું હતું”

ઇમેજ સ્રોત, BBC/Milubahen
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુંભારવાસમાં પાછલાં 30 વર્ષથી રહેતાં મિલુબહેન રઝ્ઝાકભાઈ ઘટનાના દિવસે પોતે અને તેમના પરિવારે જે ‘દમન અને આતંક’ સહન કરવાં પડ્યાં હતાં એ અંગે વાત કરતાં કહે છે :
“ઘટના સમયે અમારા પરિવારના પચ્ચીસેક લોકો હતા. જેમાંથી દસ તો બાળક હતાં. રસ્તામાં કાચના ટુકડા પડ્યા હતા અને અમારે ઉઘાડે પગે બાળકોને ખેંચીને ભાગવું પડ્યું હતું.”
માંડ માંડ જીવ બચાવવામાં સફળ રહેલા લોકો માટે મુશ્કેલીનો અંત મહિનાઓ સુધી આવ્યો ન હતો. આ વાતની સાક્ષી પૂરતાં તેઓ કહે છે કે, “દસ મહિના પછી અમે જ્યારે અમારા ઘરે પાછા આવ્યા ત્યારે ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું. અમારો સામાન લૂંટાઈ ગયો હતો. અમારા ઘરમાં સોનું હતું એ પણ ચોરાઈ ગયું હતું. અમારા તૂટેલા ઘરમાં કૂતરાનો ડેરો હતો.”
તેઓ આવા સંકટના સમયે પોતાનો અને પરિવારનો જીવ બચાવનાર વ્યક્તિની ભલમનસાઈને યાદ કરતાં કહે છે કે, “અમને એ દિવસે એક ભરવાડભાઈએ બચાવ્યા હતા, અમને તેમણે પોતાના ઘરે રાખ્યા, પછી પોલીસ સ્ટેશન પણ મૂકી ગયા. અમે તેમને ક્યારેય નહીં ભૂલીએ.”
મિલુબહેન હત્યાકાંડના ચુકાદા બાદ કહે છે કે, “અમારી મિલકતો લૂંટાઈ ગઈ, માણસો જતા રહ્યા અને હજી સુધી એ નક્કી નથી થઈ શક્યું કે એ કોણે કર્યું?”

નિર્દોષ છૂટેલા આરોપીના પરિવારજનોએ કહ્યું કે, “21 વર્ષથી અમે હેરાન થતા હતા”

નરોડા ગામના કુંભારવાસ અને હુસૈની મહોલ્લામાં હજી પણ એવાં એકલદોકલ મકાનો છે જે ખંડેર હાલતમાં છે. આ મકાનોમાં બનાવના દિવસ અગાઉ પરિવારો વસતા હતા.
અમે જ્યારે અહીં રહેતાં હુસૈનાબીબી સાથે વાત કોર્ટના આદેશ અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે વાત કરવાની તૈયારી ન બતાવી.
તેઓ એટલું જ કહે છે કે, “આટલાં વર્ષે ચુકાદો આવ્યો, બધા નિર્દોષ છે. હવે વાત કરવાનો શો ફાયદો?”
અમને પાણીનો પ્યાલો હાથમાં આપ્યાની દસેક મિનિટ સુધી શાંત રહ્યા બાદ આખરે તેઓ એ ઘટનામાં તેમને અને તેમના પરિવારને વેઠવી પડેલી મુશ્કેલીઓ અંગે વાત કરે છે અને કહે છે કે, “અમારું ઘર પણ લૂંટાઈ ગયું હતું. પછી અમારા સમાજની કમિટીએ બનાવી આપ્યું. અમે લોકો ચાર મહિના રાહત કૅમ્પમાં રહ્યાં હતાં. તળાવના કલરવાળા પાણીએ નહાવું પડતું.”
હુસૈની મહોલ્લાને અડીને નાનો ઠાકોરવાસ આવેલો છે.
નરોડા ગામ હત્યાકાંડમાં તાજેતરમાં નિર્દોષ છૂટેલા કેટલાક આરોપીઓ અહીં રહે છે.
મુસ્લિમ મહોલ્લાની જેમ અહીં પણ ઝાઝા લોકો આ વિશે વાત કરવા તૈયાર નથી.
રેખાબહેન નામનાં એક મહિલા વાતચીત કરતી વખતે માત્ર એટલું કહે છે કે, “અદાલતે જે હુકમ કર્યો છે તે બરાબર છે, સાચો જ છે.”
નાના ઠાકોરવાસમાં રહેતાં રમીલાબહેનના પરિવારમાંથી આરોપી નિર્દોષ છૂટ્યા તેનો તેમને હરખ છે.
વાત કરતાં તેઓ કહે છે કે, “21 વર્ષથી અમે હેરાન થતા હતા. બધું સારી રીતે પૂરું થઈ ગયું એટલે બસ. ઘરે છોકરાં, બૈરાં બધાં ખૂબ હેરાન થતાં હતાં. અમે એવા દિવસોય જોયા છે જ્યારે ઘરમાં બિલકુલ પૈસા નહોતા. બાળકોને સ્કૂલે મોકલી શકતા નહોતા. કમાવાવાળા જ નહોતા. કોણ કમાઈ આપે? હવે નિર્દોષ સાબિત થયા છે અને ઘરે આવી ગયા છે એટલે સારું છે.”

“જે 11 લોકો મર્યા તેમણે આત્મહત્યા તો નહોતી કરી, તેમને કોઈકે તો માર્યા જ છે”

નરોડા ગામમાં થયેલા હત્યાકાંડના એક પીડિત અને આ મામલામાં સાક્ષી એવા ઇમ્તિયાઝ કુરેશીએ સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટના 20 એપ્રિલના ચુકાદાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “ત્યાં જે 11 લોકો મર્યા તેમણે આત્મહત્યા તો નહોતી કરી, તેમને કોઈકે તો માર્યા જ છે ને! અમારા ઘર અમે જાતે તો લૂંટ્યાં ન જ હોય, અન્ય કોઈકે જ લૂંટ્યાં છે. આટલી મોટી ઘટનાના કોઈ તો ગુનેગારો છે જ.”
તેઓ આ ચુકાદા અંગે અસંતોષ વ્યક્ત કરતાં કહે છે કે, “જે લોકો નિર્દોષ જાહેર થયા છે તેમાંથી 17 જણાને મેં કોર્ટમાં ઓળખી બતાવ્યા હતા. મેં જે વાત એફઆઇઆરમાં લખાવેલી અને જે વ્યક્તિઓ અંગે લખાવેલી તેની તપાસ એસઆઇટીએ કરી હતી. જે ઘણા મહિના સુધી ચાલી હતી. મેં ફરિયાદમાં જે લખાવ્યું હતું એ તપાસમાં પણ મૅચ થતું હોવાનું સામે આવ્યું હતું. એ લોકોના મોબાઇલ લૉકેશન મારા બતાવેલા સ્થળના બતાવતા હતા. આટલા પુરાવા હોય છતાં પણ તેઓ નિર્દોષ છૂટી જતા હોય તો ન્યાયવ્યવસ્થા પર અમારો જે ભરોસો હતો તે ઢીલો પડી ગયો છે.”

ઇમ્તિયાઝ કુરેશી નરોડામાં રહેતા હતા. 28 ફેબ્રુઆરીએ તેમના અને તેમની આસપાસના રહેઠાણો પર પથ્થરમારો થયો હતો.
તેમનો દાવો છે કે તેમણે નજરોનજર હત્યાકાંડના દિવસે લોકોની હત્યા થતી જોઈ છે.
એ દિવસે પોતે જોયેલાં દૃશ્યો અંગે જણાવતાં તેઓ કહે છે કે, “ટોળેટોળાં હથિયારો લઈને આવી ગયાં હતાં. અમે જીવ બચાવવા ભાગી છૂટ્યા હતા. મારી નજર સામે લોકો માલસામાન લૂંટતા હતા. બચવા માટે હું કુંભારવાસમાં થઈને પોલીસ સ્ટેશન તરફ જવા નીકળ્યો ત્યારે મારી આંખોની સામે ત્રણ લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. મેં કુંભારવાસની બહારના નાકે બાપદીકરાને શરીર પર ટાયરો પહેરાવીને સળગાવતા જોયા હતા. આ બધું મેં નજરે જોયું હતું અને એફઆઇઆરમાં લખાવ્યું હતું. એના પુરાવા પણ એસઆઈટીએ ભેગા કરેલા છે.”

- ગુજરાતમાં વર્ષ 2002ના ગોધરાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસા અને સાંપ્રદાયિક તોફાનો થયાં હતાં
- આ પૈકીના એક કેસ એવા નરોડા ગામ હત્યાકાંડ મામલામાં સ્પેશિયલ કોર્ટે ગુરુવારે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા
- તમામ આરોપીઓનો છૂટકારો થતાં નરોડા ગામ હત્યાકાંડના પીડિતો અને એ દિવસે ‘દમન’નો સામનો કરનારા પરિવારોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો
- નોંધનીય છે કે આ સમગ્ર હત્યાકાંડમાં 11 મુસ્લિમોને જીવતા સળગાવી નખાયા હતા, મામલાને લઈને 86 આરોપીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી
- બીબીસી ગુજરાતીએ ચુકાદા બાદ નરોડા ગામ કેસના પક્ષકારોની પ્રતિક્રિયા મેળવવાનો અને વિસ્તારનો માહોલ તપાસવાનો પ્રયાસ કર્યો હતો

“ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવો જ પડશે”

આ મામલામાં બચાવપક્ષના વકીલ રાજેશ મોદીએ કોર્ટમાં રજૂ કરાયેલી હકીકતો અને ફરિયાદ પક્ષની જુબાનીઓ અંગે વાત કરી હતી.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “ફરિયાદ પક્ષ દ્વારા 187 સાહેદો તપાસવામાં આવ્યા. તમામ સાહેદોનો પુરાવો એકબીજાથી વિરોધાભાસી હતો. તમામ પુરાવા વિસંવાદિતાથી ભરપૂર હતા. સાહેદોની સોગંધ પરની જુબાની સત્યથી વેગળી હોવાની સાબિત કરવામાં બચાવપક્ષ સફળ રહ્યો હતો.”
ફરિયાદ પક્ષના વકીલ શમસાદ પઠાણે આ મામલે પ્રતિક્રિયા આપતાં બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે, “ચોક્કસપણે આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવો જ પડશે. 11 લોકોને જીવતા બાળી નાખવામાં આવ્યા, કોઈને ઘરમાં તો કોઈને રોડ ઉપર તો કોઈને પોલીસ સ્ટેશન પાસે જીવતા સળગાવી દેવાયા. એ પછી નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી એન.ટી. વાળાએ એફઆઇઆર કરી અને પાંચ લોકોનાં નામ લખ્યાં હતાં અને હુમલામાં પાંચ હજારનું ટોળું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એ પછી આ તપાસ નરોડા પોલીસ સ્ટેશનથી લઈને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. તો શું ક્રાઇમ બ્રાન્ચ અને નરોડા પોલીસ સ્ટેશને જે લોકોને આરોપી બનાવીને પકડ્યા એ લોકોનો પણ કોઈ રોલ નહોતો?”

“હું એક તબક્કે માની લઉં કે ફરિયાદી, સાહેદો બધા ખોટું બોલતા હતા. તો શું ગુજરાત પોલીસના અધિકારીઓ પણ ખોટું બોલતા હતા? કોર્ટે એમની તપાસને પણ માની નથી?”
તો રાજેશ મોદીનું કહેવું છે કે, “અગાઉ નરોડા પાટિયા કેસમાં નામદાર ડેઝિગ્નેટેડ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો એના કરતાં હાઇકોર્ટે વિપરીત ચુકાદો આપ્યો હતો. હાલના કિસ્સામાં હાઇકોર્ટનો ચુકાદો રેફર થયેલો છે. હાઇકોર્ટે પાટિયા કેસમાં ગુનાહિત ષડ્યંત્ર માન્યું નથી. જે વાત અહીં પણ ધ્યાને લેવાઈ છે. તપાસ કરનાર અધિકારીઓ પ્રમાણે આ મામલામાં ગુનાહિત ષડ્યંત્રને લગતો કોઈ પુરાવો મળી આવેલો નથી.”
કૉંગ્રેસનાં સાંસદ જયરામ રમેશે નરોડા ગામ હત્યાકાંડ મામલે આવેલા ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતું એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, “એ વાત સ્પષ્ટ છે કે પૉસિક્યૂશન દ્વારા પોતાની ભૂમિકા નિભાવવામાં સ્પષ્ટ રીતે ચૂક રહી ગઈ છે.”

શમસાદ પઠાણ જયરામ રમેશના નિવેદન પર કહે છે કે, “પ્રૉસિક્યૂશન એટલે સરકાર, એસઆઇટી. હું પણ કહું છું કે તેમની પાસેથી જવાબ માગવો જોઈએ કે તેમનાથી કેસની હકીકતો રજૂ કરવામાં ક્યાં ભૂલ રહી ગઈ છે? એસઆઇટીની ભૂમિકા ક્યાં ઓછી પડી? ક્યાં તેમનાથી ચૂક રહી ગઈ? તે સવાલ તો બને જ છે.”
શમસાદ પઠાણ કહે છે કે, “એક વકીલ તરીકે હું પણ એમ માનું છું કે મારો પણ અદાલતોમાંથી ભરોસો ઓછો થઈ રહ્યો છે. અમે ચુકાદાનો અભ્યાસ કરીશું કે કોર્ટે કયા પુરાવાને કઈ રીતે મૂલવ્યો છે, એમાં અમારી શું ખામી કે ભૂલ રહી ગઈ છે એ પણ અમારે જોવું છે.”














