નરોડા ગામ હત્યાકાંડ કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ, શું થયું હતું એ સમયે?

નરોડા હત્યાકાંડ મામલે ચુકાદો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરોડા ગામ હત્યાકાંડના પીડિત ઇમ્તિયાઝ કુરેશી
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

"એ દિવસો મને આજે પણ યાદ છે. અમારી નજર સામે પાડોશીઓની સંપત્તિ સળગાવી દીધી, લોકોને જીવતા સળગાવ્યા હતા. પોલીસ જ્યારે અમને પંચનામા માટે લઈ જતી હતી ત્યારે અમારા ઘર પાસે જતા પણ ડર લાગતો હતો. 2002નાં રમખાણો બાદ મેં નરોડા ગામ છોડી દીધું અને હવે અમદાવાદમાં રિલીફ રોડ પાસે રહું છું. ફરીથી નરોડા જવાની હિંમત થતી નથી."

28 ફેબ્રુઆરી, 2002ના રોજ નરોડામાં થયેલા હત્યાકાંડના એક પીડિત અને સાક્ષી એવા ઇમ્તિયાઝ કુરેશીએ પોતાની વેદના ઠાલવી.

નરોડા ગામમાં થયેલી હિંસાના કેસનો જ્યારે આજે ચુકાદો આવવાનો છે ત્યારે ઇમ્તિયાઝ કુરેશીને આશા છે કે લાંબી લડત બાદ તેમને ન્યાય મળશે.

ઇમ્તિયાઝ કુરેશીની માફક જ 2002 સુધી નરોડામાં રહેતા શરીફ મલિક પણ ડરના માર્યા નરોડા છોડીને રામોલ ખાતેની વિસ્થાપિતોની કૉલોનીમાં રહેવા જતા રહ્યા છે.

શરીફ મલિક બીબીસી ગુજરાતી સમક્ષ પોતાનું દુખ વ્યક્ત કરતા કહે છે, “હવે નરોડા જવામાં દિલ નથી માનતું. વર્ષોથી નરોડા ગામમાં અમારાં સગાં-સબંધીઓ રહેતાં હતાં. આજે બધાં વેરવિખેર થઈ ગયાં છે. અમારી સાથે થયેલા આ કાંડ સામે ન્યાય મેળવવા અમે 21 વર્ષ સંઘર્ષ કર્યો છે. હવે જ્યારે ચુકાદો આવવાનો છે ત્યારે અમને આશા છે કે અમને ન્યાય મળશે.”

નરોડા હત્યાકાંડ મામલે ચુકાદો

શું છે નરોડા ગામ હત્યાકાંડ કેસ?

નરોડા હત્યાકાંડ મામલે ચુકાદો

ઇમેજ સ્રોત, IMTIAZ/SHARIF

ઇમેજ કૅપ્શન, નરોડા ગામ હત્યાકાંડના પીડિતો ઇમ્તિયાઝ કુરેશી ( ડાબે ) અને શરીફ મલિક ( જમણે ) નજરે પડે છે.

નરોડા ગામ કેસ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલ તોફાનો અને હિંસાના એ નવ કેસો પૈકીનો એક છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા તપાસ કરાવવાનો હુકમ કર્યો હતો. આ કેસની સુનાવણી 14 વર્ષ પહેલાં જુલાઈ 2009માં શરૂ કરવામાં આવી હતી.

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં સાબરમતી ઍક્સપ્રેસ ટ્રેનમાં એસ-6 અને એસ-7 કોચને સળગાવવામાં આવ્યા હતા. જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ ગુજરાતમાં જે તોફાનો ફાટી નીકળ્યાં તેમાં 28 ફેબ્રુઆરી, 2002ના રોજ નરોડા ગામમાં 11 મુસ્લિમોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

આ કેસ અંગે સ્પેશિયલ એસઆઇટી કોર્ટ આજે ચુકાદો આપશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નરોડા ગામ કેસના 68 આરોપીઓમાં ભાજપ સરકારનાં પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જનરલ સેક્રેટરી જયદીપ પટેલ, ભાજપના નેતા વલ્લભ પટેલ વગેરેનાં નામો મુખ્ય છે. તેમની સામે હત્યા, તોફાનો કરાવવાનો, ગેરકાયદે ટોળું ભેગું કરવાનો અને ગુનાઇત ષડ્યંત્ર રચવાનો આરોપ છે.

એસઆઈટી દ્વારા તપાસવામાં આવ્યા હોય તેવા અન્ય મુખ્ય કેસોમાં નરોડા પાટિયા, ગુલબર્ગ સોસાયટી કેસ, ઓડ, સરદારપુરા કેસનો સમાવેશ થાય છે.

પ્રિન્સિપાલ સેશન્સ જજ એસ. કે. બક્ષીએ ગત સપ્તાહે ટ્રાયલ પૂર્ણ થયેલી જાહેર કરીને તેમનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

સરકારી વકીલ ગૌરાંગ વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, “અમે તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. આ કેસમાં કુલ 86 આરોપીઓ છે જે પૈકી 17નાં મોત થઈ ચૂક્યાં છે અને એક ડિસ્ચાર્જ થયા છે. બાકીના 68 આરોપીઓ સામે કોર્ટ ચુકાદો સંભળાવશે. અમે કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓને દોષિત ઠેરવવાની રજૂઆત કરી છે.”

ગૌરાંગ વ્યાસ વધુમાં જણાવે છે કે, “આ આરોપીઓએ લઘુમતી સમુદાયના ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડ્યું હતું, તેમની દુકાનોમાં લૂંટ મચાવીને આગચંપી કરી હતી.”

બાબુ બજરંગી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરોડા ગામ કેસમાં તમામ આરોપીઓ જામીન પર છે. બાબુ બજરંગીની આંખની દૃષ્ટિ જતી રહી હોવાથી તેમને સારવાર માટે જામીન આપવામાં આવ્યા છે

માયાબહેન કોડનાની અને બાબુ બજરંગી સહિતના 6 લોકો જે આ કેસમાં પણ આરોપી છે, તેઓ પહેલાં નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં દોષિત ઠેરવાયાં હતાં.

નરોડા પાટિયાકાંડમાં 97 મુસ્લિમ લોકોને સળગાવી દેવામાં આવ્યા હતા. માયા કોડનાનીને આ કેસમાં જનમટીપની સજા થઈ હતી.

બાદમાં ગુજરાત હાઇકોર્ટે તેમને છોડી મૂક્યાં હતાં. જોકે બાબુ બજરંગીની સજા યથાવત્ રહી હતી.

નરોડા ગામ કેસમાં તમામ આરોપીઓ જામીન પર છે. બાબુ બજરંગીની આંખની દૃષ્ટિ જતી રહી હતી તેથી તેમને સારવાર માટે જામીન આપવામાં આવ્યા હતા.

આ કેસમાં નરોડા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ વી. એસ. ગોહિલ પણ એક આરોપી છે. તેમની સામે પણ પીડિતોને બચાવવાની ફરજમાં બેદરકારીનો આરોપ છે.

તેમની સામે એ પણ આરોપ છે કે તેમણે ઉશ્કેરાયેલા ટોળાને ન તો સમજાવવાનો કે વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની નજર સામે હત્યાકાંડ અને લૂંટફાટ થતી હતી છતાં તેમણે કોઈ કાર્યવાહી ન કર્યાનો પણ આરોપ છે.

નરોડા હત્યાકાંડ મામલે ચુકાદો

શું છે બચાવ પક્ષની દલીલ?

નરોડા હત્યાકાંડ મામલે ચુકાદો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની નરોડા ગામ હત્યાકાંડ કેસના આરોપી છે.

માયાબહેન કોડનાની તરફથી દલીલો કરવામાં આવી હતી કે તેઓ નરોડા ગામ અને નરોડા પાટિયા હત્યાકાંડ સમયે ઘટનાસ્થળે હાજર નહોતા.

તેમણે કહ્યું હતું કે તેઓ ગુજરાત વિધાનસભામાં હાજર હતા અને બાદમાં તેઓ સોલા સિવિલ હૉસ્પિટલમાં ગયા અને પછી તેમણે અસારવામાં તેમના મૅટર્નિટી હૉમની મુલાકાત લીધી. ત્યારબાદ તેઓ અસારવામાં સિવિલ હૉસ્પિટલની મુલાકાત લઈને ઘરે ગયા હતા.

બચાવપક્ષના વકીલ કેતન શાહ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “અમે 57 સાક્ષીઓને રજૂ કર્યા હતા. આ કેસ ખોટી રીતે ઊભો કરવામાં આવ્યો છે, કારણ કે જે લોકોનાં મૃત્યુ થયાં હતાં, તેમના મૃતદેહો ઓળખી શકાયા નથી.”

“ઉપરાંત જે જગ્યાએ ટોળું આવ્યું હોવાના અને તોફાન થયું હોવાનું કહેવાય છે તે જગ્યાએ આટલી બધી સંખ્યામાં લોકો ભેગા થઈ શકે તેટલી જગ્યા જ નથી.”

કેતન શાહ તમામ આરોપીઓ નિર્દોષ હોવાની દલીલ કરતા કહે છે કે, “માયાબહેન કોડનાની, બાબુ બજરંગી અને જયદીપ પટેલ સહિતના ઘણા લોકો જ્યારે આ બનાવ બન્યો ત્યારે ત્યાં હાજર હોવાના કોઈ પુરાવા નથી. ઉપરાંત પોલીસના સાક્ષીઓએ તહોમતદારોને ઓળખી બતાવ્યાં નથી. એટલે લાગે છે કે બધું ઉપજાવી કાઢેલું છે.”

નરોડા હત્યાકાંડ મામલે ચુકાદો

એસઆઈટીનો શું છે દાવો અને શું કહેવું છે પીડિતોના વકીલનું?

નરોડા હત્યાકાંડ મામલે ચુકાદો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે દાવો કર્યો હતો કે માયાબહેન કોડનાનીએ નરોડા પાટિયા હત્યાકાંડની જેમ આ કાંડમાં પણ ટોળાને ઉશ્કેરીને તેનું નેતૃત્વ કર્યું હતું અને આ ટોળાએ લઘુમતીઓની હત્યા કરી નાખી હતી.

એસઆઈટીએ 187 સાક્ષીઓની ઊલટતપાસ કરી હતી. જે પૈકી 113 પીડિતો અને તેમના સંબંધીઓ હતા. 24 પંચના સાક્ષીઓ, 26 પોલીસ સાક્ષીઓ તથા 12 ડૉક્ટરો અને અન્ય સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

પીડિતોના વકીલ શમશાદખાન પઠાણ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં કહે છે, “28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં આયોજન કરીને વિશેષ સમુદાયને લક્ષ્યાંક બનાવવામાં આવ્યો હતો.”

તેમણે આગળ કહ્યું, “તેમની મિલકતો લૂંટીને, તેમના ઘરમાં ઘૂસીને મારી નાખવામાં આવ્યા. એક વ્યક્તિને તો ઘરમાંથી ખેંચીને બહાર લઈ જઈ પોલીસ સ્ટેશનની સામે તલવારથી કાપી નાખવામાં આવી હતી.”

શમશાદખાન પઠાણે કોર્ટ સમક્ષ માગ કરી છે કે વિશેષ સમુદાયના લોકોની ષડયંત્ર કરીને હત્યા કરનારા સામે કડક સજા થવી જોઈએ.

પઠાણ વધુમાં કહે છે કે, “અમે મૃત્યુદંડની સજાની માગ નથી કરતા પરંતુ આરોપીઓને મૃત્યુપર્યંત કેદની સજાની માગ કરીએ છીએ, જેથી સમાજમાં એક સંદેશ જાય અને ફરી કોઈ આ પ્રકારનું જઘન્ય કૃત્ય ન કરે.”

શમશાદખાન પઠાણ આ કેસ લાંબો ચાલ્યો તેના કારણો જણાવતા કહે છે કે, “આમ તો આ હત્યાકાંડ 2002માં થયો હતો અને એસઆઈટીની રચના 2009માં થઈ હતી. આ પહેલાં એસઆઈટી દ્વારા તપાસવામાં આવેલા અન્ય 8 કેસોના ચુકાદા ઝડપથી આવી ગયા પરંતુ આ કેસમાં સુનાવણી કરતા જજોનાં પ્રમોશન અને તેમની બદલીના બનાવોને કારણે કેસ લાંબો ચાલ્યો.”

અંતે તેઓ કહે છે, “આ કેસની સુનાવણી કુલ 6 જજો સમક્ષ થઈ. વચ્ચે કોરોના મહામારી અને લૉકડાઉન આવ્યું તેથી પણ આ કેસ લંબાયો.”

નરોડા હત્યાકાંડ મામલે ચુકાદો
બીબીસી