મણિપુરમાં સ્થિતિ આખરે આટલી ભયાવહ કઈ રીતે બની ગઈ, રાજ્યમાં શું થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, AVIK
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, બીબીસી હિન્દી માટે, ગુવાહાટીથી
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે પાછલા અઢી મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગત બુધવારે મણિપુમાં બે મહિલા સાથે યૌનઉત્પીડનનો એક ભયાવહ વીડિયો સામે આવ્યો છે. મણિપુર પોલીસે એ વીડિયોની પુષ્ટિ કરતાં કહ્યું છે કે આ મહિલાઓ ગત ચાર મેના રોજ મણિપુરના થોબલ જિલ્લામાં યૌન ઉત્પીડનનાં શિકાર બન્યાં હતાં.
અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા સમાચાર અનુસાર, કુકી-જોમી સમુદાયનાં આ મહિલાઓ સાથે 4 મેના રોજ મૈતેઈ બહુમતીવાળા વિસ્તાર થોબલ જિલ્લામાં યૌનઉત્પીડનની ઘટના ઘટી હતી.
મણિપુરમાં ગત ત્રણ મેના રોજ મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા શરૂ થયા બાદથી અત્યાર સુધી આ હિંસક સંઘર્ષમાં 142 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ સાથે આ સંઘર્ષમાં લગભગ 60 હજાર લોકો બેઘર થઈ ચૂક્યા છે.
રાજ્ય સરકાર પ્રમાણે આ હિંસામાં પાંચ હજાર આગચંપીની ઘટનાઓ બની છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ એક રિપોર્ટમાં મણિપુર સરકારે કહ્યું છે કે હિંસા સંબંધે કુલ 5,995 મામલા દાખલ કરાયા છે અને 6,475 લોકોની ધરપકડ કરાઈ છે.

શું છે વિરોધ અને હિંસાનું કારણ?

ઇમેજ સ્રોત, AVIK
19 એપ્રિલના રોજ મણિપુર ઉચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને ચાર અઠવાડિયાંની અંદર મૈતેઈ સમુદાયને અનુસૂચિત જાતિ (એસટી) શ્રેણીમાં સામેલ કરવાની વિનંતી પર વિચાર કરવા માટે કહ્યું હતું.
કોર્ટે પોતાના આદેશમાં કેન્દ્ર સરકારને પણ વિચાર કરવા માટે ભલામણ મોકલવાની વાત કરી હતી.
આના વિરોધમાં ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર બુધવારે પાટનગર ઇમ્ફાલથી લગભગ 65 કિલોમીટર દૂર ચૂરાચાંદપુર જિલ્લાના તોરબંદ વિસ્તારમાં ‘આદિવાસી એકતા માર્ચ’ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા.
કહેવાઈ રહ્યું હતું કે આ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચુરાચાંદપુર જિલ્લા સિવાય સેનાપતિ, ઉખરૂલ, કાંગપોકપી, તમેંગલોંગ, ચંદેલ અને ટેંગ્નૌપાલ સહિત તમામ પહાડી જિલ્લામાં આ પ્રકારની રેલીઓ કાઢવામાં આવી હતી.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે તોરબંગ વિસ્તારમાં ‘આદિવાસી એકતા માર્ચ’ રેલીમાં હજારો આંદોલનકારીઓએ ભાગ લીધો હતો, જે બાદ જનજાતીય સમૂહો અને બિનઆદિવાસી સમૂહો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું.
સૌથી વ્યાપક પ્રમાણમાં હિંસક ઘટનાઓ વિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લામાં થઈ છે. જ્યારે પાટનગર ઇમ્ફાલથી પણ ગુરુવારે સવારે હિંસાની ઘણી ઘટનાઓ બની હોવાના સમાચાર આવ્યા છે.
મણિપુરમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં હાલની સ્થિતિ પર વાત કરતાં સેનાના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે બીબીસીને કહ્યું, “હવે સ્થિતિ નિયંત્રણમાં છે. આજ (ગુરુવાર) સવાર સુધી હિંસા પર કાબૂ મેળવી લેવાયો હતો. ”
તેમણે કહ્યું, “ત્રણ અને ચાર મેની રાત્રે સેના અને અસમ રાઇફલ્સની માગ કરાઈ હતી જે બાદથી અમારા જવાનો હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં સતત કામ કરી રહ્યા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોથી લગભગ ચાર હજાર ગ્રામીણોને કાઢીને રાજ્ય સરકારના જુદા જુદા પરિસરોમાં આશરો અપાયો છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ફ્લૅગ માર્ચ કરાઈ રહી છે.”
લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવત અનુસાર, ભારતીય સેના અને અસમ રાઇફલ્સે રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પૂર્વવત્ બનાવવા તમામ સમુદાયોના નવ હજાર કરતા વધુ નાગરિકોને કાઢવા માટે રાત્રિ દરમિયાન બચવા અભિયાન ચલાવાયાં છે.

મૈતેઈ સમુદાય અને પહાડી જનજાતિઓનો શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, AVIK
મણિપુરની વસતિ લગભગ 28 લાખ છે. તેમાં મૈતેઈ સમુદાયના લોકોની સંખ્યા લગભગ 53 ટકા છે. આ લોકો મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં વસેલા છે.
મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવાનો વિરોધ કરી રહેલ જનજાતિઓમાં પૈકી એક કુકી જનજાતીય સમૂહ છે. જેમાં ઘણી જનજાતિઓ સામેલ છે.
મણિપુરમાં મુખ્યત્વે પહાડો પર રહેનારા વિભિન્ન કુકી જનજાતિના લોકોની સંખ્યા રાજ્યની કુલ વસતિના 30 ટકા જેટલી છે.
પહાડી વિસ્તારોમાં વસેલી આ જનજાતિઓનું કહેવું છે કે મૈતેઈ સમુદાયને અનામત આપવાથી તેઓ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઍડમિશનથી વંચિત થઈ રહેશે, કારણ કે તેમની માન્યતા અનુસાર મૈતેઈ લોકો મોટા ભાગે આરક્ષણ પર કબજો કરી લેશે.
મણિપુરમાં હાલમાં થઈ રહેલી હિંસક ઘટનાઓએ રાજ્યમાં મેદાની વિસ્તારોમાં રહેતા મૈતેઈ સમુદાય અને પહાડી જનજાતિઓ વચ્ચેની જૂની તિરાડ ફરીથી સામે લાવી દીધી છે.
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ ફંજોબમ જણાવે છે કે, “પ્રદેશમાં આ હિંસા એક દિવસમાં જ નથી ફાટી નીકળી. પરંતુ પહેલાંથી ઘણા મુદ્દાને લઈને જનજાતિઓમાં નારાજગી હતી. મણિપુર સરકારે ડ્રગ્સ વિરુદ્ધ વ્યાપક અભિયાન શરૂ કર્યું છે.”
તેમના અનુસાર, “આ સિવાય વનાંચલોમાં ઘણી જનજાતિઓ દ્વારા કબજો કરી લેવાયેલ જમીન પણ ખાલી કરાવાઈ રહી છે. આ કાર્યવાહીમાં સૌથી વધુ કુકી સમુદાયના લોકો પ્રભાવિત થઈ રહ્યા હતા. જે જગ્યાએથી હિંસા ફાટી નીકળી છે, એ ચુરાચંદપુર વિસ્તારમાં કુકી સમુદાયની બહુમતી છે. આ તમામ વાતોને કારણે ત્યાં તણાવ સર્જાયું છે.”

મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની માગ પર વિવાદ

પ્રદીપ ફંજોબમ જણાવે છે કે, “કોર્ટે રાજ્ય સરકારને માત્ર એક ઑબ્ઝર્વેશન કર્યું હતું, કારણ કે મણિપુરમાં મૈતેઈ સમુદાયનું એક સમૂહ ઘણા સમયથી એસટીનો દરજ્જો આપવાની માગ કરી રહ્યું છે. આ માગને લઈને પણ મૈતેઈ સમુદાયમાં અંદરોઅંદર ફાટ જોવા મળી છે. અમુક લોકો આ માગના સમર્થનમાં છે અને અમુક તેનો વિરોધ કરી રહ્યા છે.”
તેમણે કહ્યું, “અનુસૂચિત જનજાતિ માગ સમિતિ મણિપુર પાછલાં દસ વર્ષોથી રાજ્ય સરકાર પાસેથી આ માગ કરી રહી છે. પરંતુ કોઈ પણ સરકારે આ માગને લઈને અત્યાર સુધી કંઈ નથી કર્યું. તેથી મૈતેઈ જનજાતિ કમિટી કોર્ટની શરણે ગઈ. કોર્ટે આ માગને લઈને રાજ્ય સરકારને કેન્દ્ર સમક્ષ ભલામણ કરવાનું કહ્યું છે. પરંતુ આને લઈને ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુરે વિરોધપ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું.”
વિરોધ કરનારી જનજાતિઓનું કહેવું છે કે મૈતેઈ સમુદાયને પહેલાંથી જ એસસી અને ઓબીસી સહિત આર્થિક પછાત માટેનું આરક્ષણ પ્રાપ્ત છે. આવી સ્થિતિમાં મૈતેઈ બધું એકલા હાંસલ ન કરી શકે. મૈતેઈ આદિવાસી નથી. તેઓ એસસી, ઓબીસી અને બ્રાહ્મણ છે.
વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપી દેવાયો તો તેમની જમીનો માટે કોઈ સુરક્ષા નહીં રહે અને તેથી તેઓ પોતાના અસ્તિત્વ માટે છઠ્ઠી અનુસૂચિ ઇચ્છીએ છીએ.
મૈતેઈ સમુદાય સાથે જોડાયેલી એક વ્યક્તિએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે મૈતેઈ સમુદાયના લોકો પોતના જ રાજ્યના પહાડી વિસ્તારોમાં જઈને વસી શકતા નથી. જ્યારે કુકી અને એસટી દરજ્જો પ્રાપ્ત જનજાતિઓ ઇમ્ફાલ ખીણમાં આવીને વસી શકે છે.

જૂનો સંવેદનશીલ મામલો
મણિપુરના વિરષ્ઠ પત્રકાર યુમનામ રૂપચંદ્રસિંહ કહે છે કે, “મણિપુરમાં હાલની વ્યવસ્થા અંતર્ગત હાલ મૈતેઈ સમુદાયના લોકો પહાડી જિલ્લાં જઈને વસવાટ કરી શકતા નથી. મણિપુરના 22 હજાર 300 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં માત્ર આઠથી દસ ટકા જ મેદાની વિસ્તારો છે.”
“મૈતેઈ સમુદાયની સૌથી મોટી ફરિયાદ એ જ છે કે પહાડી વિસ્તારોમાં વસેલા લોકો મેદાની વિસ્તારોમાં વસવાટ કરી શકે છે, પરંતુ મૈતેઈ લોકો ત્યાં જઈને વસવાટ કરી શકતા નથી. કૃષિસંબંધી જમીનો પર જનજાતીય લોકોનો દબદબો વધતો જઈ રહ્યો છે. તેથી આ પ્રકારની ઘણી વાતોને લઈને આ ઘર્ષણ જોવા મળી રહ્યું છે.”
વરિષ્ઠ પત્રકાર યુમનામ રૂપચંદ્ર કહે છે કે, “એસટીનો દરજ્જો આપવાની વાતને લઈને હાઇકોર્ટના ઑબ્ઝર્વેશનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. અદાલતે એવો કોઈ આદેશ નથી આપ્યો કે મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપી દેવાય. ખરેખર પહાડી અને ખીણના લોકો વચ્ચેનો આ વિવાદ ઘણો જૂનો અને સંવેદનશીલ છે. આ હિંસા ખોટી માહિતી ફેલાવવાને પરિણામે થઈ હોવાનું લાગી રહ્યું છે.”
મૈતેઈ લોકો માટે એસટીના દરજ્જાની માગને લઈને હાઈકોર્ટ જનારા અનુસૂચિત જનજાતિ માગ સમિતિ મણિપુરનું કહેવું છે કે એસટી શ્રેણીમાં મૈતેઈને સામેલ કરવાની માગ માત્ર નોકરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને કરરાહતમાં આરક્ષણ માટે નથી કરાઈ રહી, પરંતુ આ માગ તેમની વારસાગત જમીન, સંસ્કૃતિ અને ઓળખના રક્ષણ માટે કરાઈ રહી છે.














