અમેરિકામાં થયેલો એ ભીષણ નરસંહાર, જેમાં 300 લોકોને મારીને દફનાવી દેવાયા હતા

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, બીટ્રીઝ ડિઝ
- પદ, બીબીસી સંવાદદાતા
તે અમેરિકામાં અશ્વેત લોકોના સૌથી ભૂંડા નરસંહારો પૈકીનો એક હતો, પરંતુ બહુ ઓછા લોકો તેના વિશે જાણે છે.
અમેરિકામાં પોલીસની બર્બરતાની અનેક ઘટનાઓનો વિરોધ થતો આવ્યો છે,આ કહાણી ઓક્લાહામાના ટુલસા શહેરના ઇતિહાસના સૌથી ખરાબ દૌરની છે.
આ 1921ની વાત છે. એ વખતે શહેરમાં બ્લૅક વૉલ સ્ટ્રીટ નામે વિખ્યાત, ઊભરી રહેલા અશ્વેત લોકોના વિસ્તારમાં મોત તથા વિનાશનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
વિધિની વક્રતા એ છે કે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દેશના મધ્ય-પશ્ચિમમાં આવેલા આ શહેરમાંથી જ, તેમણે ગત રાષ્ટ્રપતિ ચૂંટણી વખતે ત્રીજી નવેમ્બરથી શરૂ થયેલી પ્રમુખપદની ચૂંટણી માટેની પોતાની પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો.

કેવી રીતે થયો હતો નરસંહાર?

ઇમેજ સ્રોત, AFP
એક અશ્વેત યુવકે ડાઉનટાઉન ટુલ્સા હોટેલમાં એક શ્વેત છોકરી પર હુમલો કર્યાની અફવાને પગલે આ બધું શરૂ થયું હતું.
આ ઘટના 1921ની 30 મેએ બની હતી. એ દિવસે ડિક રોલેન્ડની મુલાકાત સારા પેજ નામની એક મહિલા સાથે લિફ્ટમાં થઈ હતી. એ પછી શું થયું હતું તે બાબતે દરેક વ્યક્તિ પાસે પોતાની આગવી કથા છે.
એ ઘટનાના સમાચાર શ્વેત સમુદાયમાં પહોંચ્યા હતા અને તેમાં મરી-મસાલો ભભરાવીને વાતો કરવામાં આવતી હતી. ટુલ્સા પોલીસે બીજા દિવસે ડિક રોલેન્ડની ધરપકડ કરી હતી અને તપાસ શરૂ કરી હતી.
ટુલ્સા ટ્રિબ્યુન નામના અખબારમાં 31 મેના રોજ પ્રકાશિત એક સમાચારમાં શ્વેત અને અશ્વેત લોકોને અદાલત પાસે એકમેકની સામે બાખડવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. શેરીફ તથા તેમના લોકોએ ટૉપ ફ્લોર બંધ કરી દીધો હતો, જેથી ડિક રોલૅન્ડને સંભવિત હત્યામાંથી બચાવી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ દરમિયાન ગોળીબાર થયો હતો અને લઘુમતી આફ્રિકન-અમેરિકન લોકો ગ્રીનવૂડ જિલ્લામાં સ્થળાંતર કરવા લાગ્યા હતા. એ સ્થળ બ્લૅક વૉલ સ્ટ્રીટ નામે વિખ્યાત છે. તે વ્યાપારી અને આર્થિક સમૃદ્ધિ માટે પણ મશહૂર હતું.
હુલ્લડખોરોએ પહેલી જૂનની સવારે ગ્રીનવૂડમાં લૂંટફાટ કરી હતી અને આગચંપી કરી હતી. એ પછી ઓક્લાહામાના તત્કાલીન ગવર્નર જેમ્સ રૉબર્ટસને માર્શલ લૉ લાદવાની જાહેરાત કરી હતી.
હુલ્લડ દરમિયાન 33 બ્લૉકનો સફાયો કરી નાખવામાં આવ્યો હતો. તેનો અર્થ એ કે 1,200થી વધુ ઘરનો નાશ કરવામાં આવ્યો હતો.
800થી વધુ ઘાયલ લોકોની સારવાર કરવામાં આવી હતી. શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનામાં 39 લોકો માર્યા ગયા છે, પરંતુ ઇતિહાસકારો જણાવે છે કે કમસેકમ 300 લોકો માર્યા ગયા હતા.
6,000થી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એ પૈકીના મોટાભાગના આફ્રિકન-અમેરિકન સમુદાયના લોકો હતા.

બ્લૅક વૉલ સ્ટ્રીટ

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1900ના દાયકાની શરૂઆતમાં ગ્રીનવૂડ જિલ્લો એક ઊભરતું શહેર હતો. ત્યાં મૂવી થિયેટર્સ, રેસ્ટોરાં, દુકાનો અને ફોટોગ્રાફી સ્ટુડિયો હતા.
બ્લેક વોલ સ્ટ્રીટ નામ તેના આર્થિક દરજ્જાને દર્શાવે છે. તેને અમેરિકામાં અશ્વેત સમુદાય માટે સૌથી બહેતર શહેર ગણવામાં આવતું હતું, પરંતુ હુલ્લડ આગચંપી અને હિંસાએ આ શહેરને બરબાદ કરી નાખ્યું હતું.
ટુલ્સા વંશીય નરસંહાર કોઈ છૂટીછવાઈ કે અનપેક્ષિત ઘટના ન હતો.
સમગ્ર ઘટનાને સમજવા માટે બે વર્ષ પાછળ જવું પડશે. એ સમયે અમેરિકન સૈન્ય પ્રથમ વિશ્વયુદ્ધમાંથી પાછું ફર્યું હતું. એ સમયે અનેક અશ્વેક સૈનિકોની તેમના યુનિફૉર્મમાં જ હત્યા કરવામાં આવી હતી.
1919ના ઉનાળામાં અમેરિકામાં વિવિધ સ્થળોએ આફ્રિકન-અમેરિકન સમુદાયના લોકોની હત્યા તથા બીજા ગુનાઓના પ્રમાણમાં જંગી વધારો થયો હતો.
ઑક્લાહામા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર બેન કેપલ કહે છે, "ટુલ્સા નરસંહારને પણ આ સંદર્ભમાં જ જોવો જોઈએ. આ શહેર સમૃદ્ધ આર્થિક કેન્દ્ર હતું અને તેને લીધે અન્યોને ઈર્ષ્યા થતી હતી, તેના પૂરતા પુરાવા છે."
બેન કેપલના કહેવા મુજબ, વંશીય ભેદભાવના સમયે વૉલ સ્ટ્રીટનું અસ્તિત્વ શ્વેત શ્રેષ્ઠતાવાદીઓને ખટકતું હતું. તેથી તેઓ એવું માનતા હતા કે તેને સળગાવી દેવું જોઈએ.
બેન કેપલ કહે છે, "યુદ્ધ પછી અમેરિકન અર્થતંત્ર ગંભીર મંદીમાં સપડાયું હતું. તેને કારણે ઑઇલ ઉદ્યોગ પર માઠી અસર થઈ હતી."

દુર્ઘટના છૂપાવવાના પ્રયાસ

ઇમેજ સ્રોત, Reuters
ઑક્લાહામા યુનિવર્સિટીમાં આવ્યા તે પહેલાં સુધી બેન કેપલ ટુલ્સા વંશીય નરસંહાર બાબતે કશું જાણતા ન હતા. તે 1994ની વાત છે. તેમણે સ્કૂલ કે યુનિવર્સિટીમાં પણ એ ઘટના બાબતે કશું સાંભળ્યું ન હતું.
ગ્રીનવૂડ કલ્ચરલ સેન્ટરનાં પ્રોગ્રામ કો-ઑર્ડિનેટર મિશેલ બ્રાઉન એ સ્મૃતિને જાળવી રાખવાના પ્રયાસ કરે છે. તે ઉપરાંત, કેટલાક જીવંત લોકોના અનુભવોને પણ તેઓ યાદ કરે છે.
મિશેલ બ્રાઉન કહે છે, "નરસંહાર પછી શ્વેત અને અશ્વેત એમ બન્ને સમુદાયે આ ઘટનાને છૂપાવવાના પ્રયાસ કર્યા હતા."
લગભગ 300 લોકોના મૃતદેહ કબરમાં દફનાવી દેવામાં આવ્યા હતા અને તેમના મૃતદેહ ક્યારેય મળ્યા ન હતા.

કોને થઈ સજા?

ઇમેજ સ્રોત, Reuters
બચી ગયેલા પીડિતોને 1990ના દાયકામાં કાયદાકીય કાર્યવાહી મારફત ન્યાય અપાવવાના પ્રયાસ થયા હતા, પણ તેમાં ખાસ કશું થયું ન હતું.
ટુલ્સાના અધિકારીઓએ 2019માં એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તે પ્રોજેક્ટ હેઠળ અન્ડરગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર મારફત કબરોની ભાળ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેથી પીડિતોની ઓળખ થઈ શકે.
મિશેલ બ્રાઉનના કહેવા મુજબ, "આપણે એક સમુદાય તરીકે આ બાબતે ચર્ચા કરવી જોઈએ કેમ કે શહેર ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. શહેર વિભાજિત છે, કારણ કે આપણે ઇતિહાસની સમસ્યાઓના નિરાકરણના પ્રયાસ કર્યા નથી."
પરિસ્થિતિ ઠેકાણે પાડવાનું કામ મુશ્કેલ હોય છે. ટ્રેન ટ્રેક હજુ પણ ગ્રીનવૂડને બાકીના શહેરથી અલગ રાખે છે. કેટલાક ઐતિહાસિક બિંદુઓ સિવાય ટુલ્સામાં બ્લૅક વૉલ સ્ટ્રીટનું અસ્તિત્વ પણ દેખાતું નથી.
થેરેસી અડુની કહે છે, "અહીં 1921માં મારો પરિવાર રહેતો હતો. હવે અહીં કશું જ નથી."
થેરેસી અડુનીના દાદા ઘડિયાળો બનાવતા હતા અને તેમના પિતાનો જન્મ નરસંહારના થોડા મહિના બાદ જ થયો હતો.
થેરેસ અડુની કહે છે, "તેમણે નરસંહાર શબ્દને સ્વીકારી લીધો હતો. ઘણાં વર્ષો સુધી તેઓ તેને હુલ્લડ ગણાવતા રહ્યા હતા. તેમાં જે લોકોનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું એમને વીમા કંપનીઓએ કોઈ વળતર પણ ચૂકવ્યું ન હતું."
ડૉક્યુમેન્ટરી ફિલ્મો, પુસ્તકો અને અહેવાલો દ્વારા ટુલસા નરસંહાર બાબતે 100 વર્ષ પછી મોટા પ્રમાણમાં વાત કરવામાં આવી રહી છે તેનાથી બેન કેપલ સંતુષ્ટ છે.
બેન કેપલ કહે છે, "આવી ગંભીર ઘટનાની ચર્ચાની ચર્ચા કરીએ ત્યારે સવાલ થાય છે કે આપણે શું કરી રહ્યા છીએ?, આપણી સાર્વજનિક સંસ્થાઓ પર તેની શું અસર થઈ છે?"
બેન કેપલ ઉમેરે છે, "અમેરિકામાં જે થઈ રહ્યું છે તેનો પાયો બહુ પહેલેથી નાખવામાં આવી રહ્યો હતો. ગત 10 વર્ષમાં પોલીસે સમગ્ર દેશમાં દુર્વ્યવહાર કર્યો છે અને લોકો તેનાથી દુઃખી હતા."














