ઇતિહાસમાં ભૂલાયેલો હત્યાકાંડ જેમાં નાઝીઓએ ભારતીય મૂળના 50 લાખ રોમા સમુદાયનો કત્લેઆમ કર્યો

ઇમેજ સ્રોત, DELFIN LAKATOSZ
- લેેખક, સ્વામીનાથન નટરાજન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

રોમા હોલકાસ્ટમાંથી બચી ગયેલા 83 વર્ષના હિન્તા ઘેઓર્ઘે સવાલ કરે છે કે “તેઓ શા માટે અમને મારી નાખવા ઇચ્છતા હતા? તેમણે અમારી હત્યા શા માટે કરી?”
બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ બે વર્ષના હતા ત્યારે 1941 અને 1944 દરમિયાન તેમને રોમન સામ્રાજ્ય દ્વારા પ્રશાસિત ડેનિસ્ટર તથા બગ નદીઓ વચ્ચેના ટ્રાન્સનિસ્ટ્રિયાની એક શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા.
ઘેઓર્ઘેએ તેમની પૌત્રી ઇઝાબેલા ટિબેરાઇડ મારફત બીબીસીને કહ્યું હતું કે “એ ઘટના બાબતે મને અત્યારે ખાસ કશું યાદ નથી, પણ તેણે મારા અસ્તિત્વ પર અનેક ઉઝરડા પાડ્યા હતા.”
નાઝીઓની નરસંહાર નીતિને કારણે અંદાજે 1.1 કરોડ લોકોની હત્યા કરવામાં આવી હતી અને તેમાં 50 લાખ લોકો બિન-યહૂદી હતા.
ઇતિહાસકારોના અંદાજ મુજબ, કતલેઆમ દરમિયાન રોમા અને સિન્ટી સમુદાયના 2,50,000થી 5,00,000 લોકોની હત્યા કરવામાં આવી હતી, પરંતુ આ પીડિતોને મોટાભાગે ભૂલી જવામાં આવ્યા છે.
નાઝીઓ માનતા હતા કે જર્મનો આર્ય કુળના હોવાથી તેમનો વંશ ‘સર્વશ્રેષ્ઠ’ છે. નાઝી ધારાધોરણ મુજબ ઓળખ, આનુવાંશિક કે સાંસ્કૃતિક ઉત્પત્તિ કે સ્વાસ્થ્યના કારણોસર કેટલાક લોકો અનિચ્છનીય હતા. એવા લોકોમાં યહૂદીઓ, વિચરતી જાતિઓ, પોલ્સ અને ગુલામો તેમજ શારીરિક અથવા માનસિક વિકલાંગ લોકોનો સમાવેશ થતો હતો.
અન્ય પીડિતોમાં જેહોવાના સાક્ષીઓ, સમલૈંગિકો, ભિન્નમત ધરાવતા પાદરીઓ, સામ્યવાદીઓ, સમાજવાદીઓ, અસોસિયલ્સ (નાઝીઓ દ્વારા તેમના સામાજિક ધોરણને અનુરૂપ ન હોય તેવા લોકોના જૂથને વર્ગીકૃત કરવા માટે વપરાતો શબ્દ) અને અન્ય રાજકીય દુશ્મનોનો સમાવેશ થતો હતો.

મોતની શિબિરો

ઇમેજ સ્રોત, DELFIN LAKATOSZ
ઘેઓર્ઘેએ ઉમેર્યું હતું કે “પશુઓના પરિવહન માટેની નાનકડી ટ્રેનમાં પ્રવાસ દરમિયાન મારાં માતાએ તેમનાં સંતાન ગૂમાવ્યાં હતાં અને મને લાગે છે કે વર્ષો પછી એ બધું માત્ર સ્મૃતિ બનીને રહી ગયું ત્યારે પણ મારાં માતાના અસ્તિત્વનો એક હિસ્સો કાયમ માટે ત્યાં જ રહી ગયો હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“અમે એ શિબિરમાં પહોંચ્યા તે પહેલાં જ સમજી ગયા હતા કે ત્યાં શું થઈ રહ્યું છે. ઘણા લોકો રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. ઢોરના પરિવહન માટેની નાનકડી ટ્રેનોમાં સંખ્યાબંધ લોકો હતા.”
નાઝીઓ દ્વારા ‘જિપ્સી ઉપદ્રવ સામે લડત’ માટે જૂન, 1936માં કેન્દ્રીય કચેરીની સ્થાપના કરવામાં આવી હતી. મ્યુનિકમાં આવેલી આ ઓફિસને સિન્ટી તથા રોમા લોકો વિશેના ‘વંશીય-જૈવિક સંશોધનના તારણના મૂલ્યાંકન’નું કામ સોંપવામાં આવ્યું હતું. 1938 સુધીમાં સિન્ટી અને રોમા લોકોને અત્યાચાર શિબિરોમાં મોકલી આપવામાં આવ્યા હતા.
યહૂદીઓની માફક તેમને પણ તેમના નાગરિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. રોમા અને સિન્ટી બાળકોના સરકારી સ્કૂલોમાં ભણવા પર પ્રતિબંધ હતો તથા પુખ્ત વયના લોકો માટે રોજગાર મેળવવાનું કે જાળવી રાખવાનું વધારેને વધારે મુશ્કેલ બની રહ્યું હતું.
વિચરતી જાતિ રોમા, જે મૂળ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી આવી હોવાનું માનવામાં આવે છે અને તેમાં અનેક જાતિનો સમાવેશ થાય છે.
જર્મનીમાં સ્થાયી થયેલા મોટાભાગના રોમા લોકો સિન્ટી રાષ્ટ્રના હતા. તેમના પર સદીઓ સુધી દમન કરવામાં આવ્યું હતું. રોમાને અસોસિઅલ અને જર્મનો કરતાં વંશીય રીતે ઊતરતા ગણીને નાઝી સરકારે પણ તેમનું દમન ચાલુ રાખ્યું હતું.
ઘેઓર્ધેએ કહ્યું હતું કે “અમારી કોઈને પરવા ન હતી. એ ઉપરાંત તેઓ અમને પારાવાર ધિક્કારતા હતા.”

ઓશવિત્ઝમાંની જિપ્સી શિબિર

ઇમેજ સ્રોત, Getty Images
1943 સુધીમાં ઑશ્વિત્ઝ -બિર્કેનાઉ શિબિરનો મોટો વિસ્તાર દેશનિકાલ કરાયેલા સિન્ટી તથા રોમા લોકો માટે ફાળવવામાં આવ્યો હતો.
તેમાં 23 હજાર કેદીઓ હોવાનો અંદાજ છે. એ પૈકીના ઘણા તબીબી પ્રયોગોનો શિકાર બન્યા હતા, અન્ય થાકને કારણે મૃત્યુ પામ્યા હતા અથવા તેમને ગેસ ચેમ્બરમાં ઠાંસીને મારી નાખવામાં આવ્યા હતા.
ઓગસ્ટ, 1944માં આ શિબિરનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેના ઘણા કેદીઓની હત્યા કરવામાં આવી હતી અથવા તો તેમને અન્ય કેમ્પોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. આખરે કમસેકમ 21 હજાર પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવામાં આવી હતી.
મોતની શિબિરમાં યાતનાભર્યા ત્રણ વર્ષ વિતાવ્યા પછી હિન્તા ઘેઓર્ઘે અને તેમના પરિવારના બચી ગયેલા સભ્યો પાછા ફર્યા ત્યારે જોયું તો રોમાનિયામાંના તેમના ઘરનો નાશ કરવામાં આવ્યો હતો અથવા તો તે અન્ય લોકોએ પચાવી પાડ્યા હતાં.
ઘેઓર્ઘેએ કહ્યું હતું કે “તેમણે અમને જંગલી બનાવી દીધા હતા અને સૌથી વધારે ખરાબ બાબત એ છે કે તેમણે અમને આજે પણ અમારા ઇતિહાસથી વંચિત રાખ્યા છે. શું થયું હતું તેની અમારા મોટાભાગના બાળકોને ખબર નથી. તેઓ સ્મૃતિ સંભારીને રડતી, ગાતી દાદીઓના ગીતો જ સાંભળે છે.”
“અમારાં ગીતોમાં યાતના શિબિરમાં ભોગવેલી વેદના, અસહ્ય, વિનાશક પરિસ્થિતિની વ્યથા કહે છે. ગંદકી, દુકાળ, ઠંડી અને ધીમા પરંતુ પીડાદાયક મોત ભણી દોરી જતા રોગોથી ગ્રસ્ત સંખ્યાબંધ લોકોની ભીડની કથા કહે છે.”

કટ્ટર પૂર્વગ્રહ
લંડનસ્થિત વિનર હોલોકાસ્ટ લાયબ્રેરીના વરિષ્ઠ સંગ્રાહક બાર્બરા વોર્નોકે જણાવ્યું હતું કે જર્મન સમાજમાંના સામાજિક નિષેધ તથા કાયદેસરના ભેદભાવને કારણે નાઝીઓ માટે રોમા સમુદાયને નિશાન બનાવવાનું વધુ સરળ બન્યું હતું.
ડો. બાર્બરા વોર્નોકે કહ્યું હતું કે “તેનો પ્રારંભ પ્રવર્તમાન પૂર્વગ્રહયુક્ત પગલાં તથા વલણને ચાલુ રાખવા સ્વરૂપે થયો હતો. નાઝીઓ તત્કાલીન કાયદાઓને આકરા બનાવી રહ્યા હતા. રોમા જર્મનીમાં હાંસિયા પર ધકેલાઈ ગયેલા લોકોનું એક નાનકડું જૂથ હતું.”
ડો. બાર્બરા વોર્નોકના જણાવ્યા મુજબ, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાનનો રોમા લોકોનો કોઈ સત્તાવાર રેકોર્ડ પણ નથી.
તેમણે કહ્યું હતું કે “રોમા લોકોની સંખ્યા વિશે નિશ્ચિત માહિતી નથી. કેટલાક લોકો યાતના શિબિરોમાં માર્યા ગયા હતા. ઘણા ખાસ કરીને સોવિયત પ્રદેશોમાં સામૂહિક ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા.જર્મન સૈન્ય પછી આઈન્સાત્ઝ ગ્રુપેન (નાઝી જર્મનીની અર્ધલશ્કરી ડેથ સ્વોડ્ઝ) અને તેમના સ્થાનિક મળતિયાઓ સામૂહિક ગોળીબારનો હિસ્સો બન્યા હતા.”
વિશ્વયુદ્ધ પુરું થયું પછી તરત જ ટોચના નાઝી નેતાઓને પકડી પાડવામાં આવ્યા હતા અને લશ્કરી અદાલતમાં તથા ન્યૂરેમબર્ગ ટ્રિબ્યુનલમાં તેમની સામે કેસ ચલાવવામાં આવ્યા હતા. એ દરમિયાન એક પણ નાઝી નેતા પર રોમા લોકોની હત્યા બદલ કાર્યવાહી કરવામાં આવી ન હતી. નાઝીઓએ વારંવાર દાવો કર્યો હતો કે “તેમણે જે રોમા લોકોની ધરપકડ કરી હતી તેઓ ગુનેગાર હતા.”

ભયનું નવસર્જન

ઇમેજ સ્રોત, Getty Images
ઘેઓર્ઘે માને છે કે તેમણે અને તેમના સમુદાયે ‘વિદેશી’ તરીકે દેશમાં જે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો તે નાઝી શાસન સુધી મર્યાદિત ન હતો. સોવિયત સામ્યવાદના પતન પછી ઘેઆર્ધે જર્મની જવા માટે રોમાનિયા છોડ્યું હતું, પરંતુ ત્યાં પહોંચ્યાના થોડા મહિનામાં જ તેઓ ઘાતક ઝેનોફોબિક હુમલામાં ફસાઈ ગયા હતા. ઓગસ્ટ, 1992માં બનેલી એ ઘટના રોસ્ટોક-લિક્ટેનહેગન રમખાણ તરીકે ઓળખાય છે.
તે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીમાં થયેલી સૌથી ખરાબ જમણેરી હિંસા હતી. ઉગ્રવાદીઓએ સ્થળાંતર કરીને આવેલા લોકોને રમખાણ દરમિયાન નિશાન બનાવ્યા હતા અને આશ્રય ઇચ્છુકો રહેતા હતા તે એપાર્ટમેન્ટ બ્લૉક પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા.
હિન્તા ઘેઓર્ઘેએ કહ્યું હતું કે “જેમણે પારાવાર યાતના આપી હતી તેમના અનુગામીઓએ પણ એ જ વારસો આગળ ધપાવ્યો તે બહુ દુઃખદ છે. અમારાં સંતાનો ધિક્કાર અને રોષને બદલે પ્રેમને લાયક છે.”

નવી પેઢી

ઇમેજ સ્રોત, WIENER HOLOCAUST LIBRARY COLLECTIONS
હોલોકાસ્ટના ભૂલાઈ ગયેલા પીડિતોના વંશજોનો, તેમના પૂર્વજોની વેદના જાણવામાં રસ વધ્યો છે.
નવી નાઝી વિચારધારાથી પ્રેરિત હુમલાઓ સામનો પરિવારે કરવો પડ્યો ત્યારે હિન્તા ઘેઓર્ઘેનાં પૌત્રી ઇઝાબેલા ટિબેરાઇડનો જન્મ પણ થયો ન હતો.
ઇઝાબેલાએ શાળામાં બીજા વિશ્વયુદ્ધ તથા હોલોકાસ્ટ વિશે અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમાંથી રોમા લોકોને આપવામાં આવેલી યાતનાની વિગત બાકાત રાખવામાં આવી હતી. ઇઝાબેલાએ રોમાનિયામાંના પોતાના ઘરમાં વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ન્યાય મેળવવાના દૃઢ નિશ્ચય સાથે તેણે માનવાધિકાર તથા આંતરરાષ્ટ્રીય કાયદાનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.
ઇઝાબેલાએ બીબીસીને કહ્યું હતું કે “અમારી નવી પેઢી સમજી ન શકે તેવી વાર્તાઓ તેઓ અમને કહેતા હતા. મારા દાદા-દાદી, કાકા-કાકી અને ઘણા અન્ય લોકોનો અનુભવ સમાન હોવાનું મને જાણવા મળ્યું હતું. તેઓ રોમા વંશના હોવાથી જ તેમને યાતના શિબિરમાં મોકલવામાં આવ્યા હતા.”
ઇઝાબેલાએ ઉમેર્યું હતું કે “નવી પેઢી પાસે આ માહિતી નથી. તેમનો કોઈ પ્રતિનિધિ નથી અને યુવા લોકો ભાગ્યે જ તેમના ભૂતકાળ સાથે સંધાન કરતા હોય છે. કેટલાક તો એવું પણ માને છે કે રોમા હોવું અયોગ્ય છે.”

ઇમેજ સ્રોત, DOLPHIN LAKATOSZ
ઇઝાબેલા દિખ હે ના બિસ્ટેર નામના રોમા યુવાઓના એક સંગઠન માટે કામ કરે છે. આ સંગઠનનો ઉદ્દેશ હોલકાસ્ટ દરમિયાન રોમા સમુદાયના લોકો સાથે શું થયું હતું તેના વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
ઇઝાબેલા ઇચ્છે છે કે રોમા યુવાઓ તેમજ અન્ય લોકો હોલકાસ્ટ વિશે વધુ જાણે. તેનાથી અન્ય લોકો રોમા સમુદાય પરત્વે વધારે સહાનુભૂતિ દાખવશે, એવી ઇઝાબેલાને આશા છે.
આ સંદર્ભે આંતરરાષ્ટ્રીય પ્રયાસો પણ કરવામાં આવ્યા છે.
રોમા લોકોના અધિકારોનું ઉલ્લંઘન કરતા પક્ષપાત તથા ભેદભાવ સામે લડવા માટે મજબૂત અને નક્કર રાજકીય પ્રતિબદ્ધતા દાખવવાની હાકલ સંયુક્ત રાષ્ટ્રસંઘના 2015ના એક અહેવાલમાં કરવામાં આવી હતી.
દર વર્ષે બીજી ઓગસ્ટે યુરોપિયન હોલોકાસ્ટ મેમોરિયલ ડે મનાવવાની મંજૂરી યુરોપની સંસદે 2015માં આપી હતી. હોલોકાસ્ટ મેમોરિયલ ડે દરમિયાન રોમા લોકોની સાથે અન્ય પીડિતોને પણ યાદ કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, DOLPHIN LAKATOSZ
ઇઝાબેલાએ કહ્યું હતું કે “આપણે રાતોરાત બધું બદલી ન શકીએ. તે માટે સમય, દૃઢનિશ્ચય અને ઘણા પ્રયત્નોની જરૂર પડે છે. આપણને સ્વીકૃતિ તથા સહનશીલતાની જરૂર છે.”
ઇઝાબેલાએ ઉમેર્યું હતું કે “આપણે આપણી સંસ્કૃતિ તથા ઇતિહાસની સહિયારી ઉજવણી કરવી જોઈએ. આપણે એકબીજા વિશે વાત કરવાને બદલે એકમેકની સાથે વાત કરવાની જરૂર છે.”
હોલકાસ્ટમાંથી બચી ગયેલા ઇઝાબેલાના દાદા હવે રોમાનિયાના ક્રેયોવામાં રહે છે. તેમના સમુદાય માટે તેમની એક જ ઇચ્છા છે કે “તમામ રોમા યુવાઓ શાળામાં અભ્યાસ કરે, શીખે અને અમે જે હાંસલ કરી શક્યા ન હતા એ બધું હાંસલ કરે.”

















