જૂનાગઢમાં થયેલી હિંસા મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે એસપીને પત્ર લખ્યો

ઇમેજ સ્રોત, Hanif Khokhar
એક તરફ કચ્છ-સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની ‘આફત’ મુશ્કેલી સર્જી રહી હતી તો બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે મજેવડી દરવાજા વિસ્તારમાં દરગાહનું ‘દબાણ’ દૂર કરવા મામલે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન ‘એક નાગરિકનું પ્રાથમિક દૃષ્ટિએ પથ્થરની ઈજાના કારણે મૃત્યુ’ થયું હતું.
આરોપ છે કે આ ઘટનામાં ‘દરગાહની આસપાસ એકઠું થયેલ’ ટોળું ‘હિંસક’ બનતાં પોલીસ પર ‘પથ્થરમારા’ની ઘટના બાદ કથિતપણે પોલીસકર્મીઓ દ્વારા કેટલાકને ‘જાહેરમાં ઢોર માર મરાયો’ હતો.
આ ઘટનાના વીડિયો સામે આવતાં બનાવ તરત જ સમાચારોમાં છવાઈ ગયો હતો.
જૂનાગઢમાં દરગાહને હઠાવવાના મુદ્દે થયેલી હિંસા બાબતે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે (એનસીપીસીઆર) જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (ડીએસપી)ને પત્ર લખ્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર આ પત્રમાં એનસીપીસીઆરે ડીએસપીને આગ્રહ કર્યો છે કે તેઓ હિંસક પ્રવૃત્તિઓમાં સગીર વયના બાળકોને સામેલ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે અને તેની તપાસ કરે.
પત્રમાં સમાચાર સંસ્થા એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોનો સંદર્ભ આપીને એનસીપીસીઆરે જણાવ્યું છે કે એ વીડિયોમાં સગીરો પથ્થર ફેંકતા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
આયોગે આ વીડિયો બાદ આપમેળે જ કાર્યવાહીની શરૂઆત કરી છે.
આયોગે ડીએસપી કાર્યાલયને આ મામલાની તપાસ કરવાનો આગ્રહ કર્યો છે અને જણાવ્યું છે કે સાત દિવસમાં આ બાબતે કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ પણ રજૂ કરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારે મોડી રાત્રે જૂનાગઢના મજેવડી દરવાજા વિસ્તારમાં એક દરગાહને મામલે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ઇમેજ સ્રોત, ANI
દરગાહ ‘દૂર કરવા’ મામલે ઘર્ષણ બાદ પોલીસે ‘જાહેરમાં માર માર્યા’ની ઘટના શું છે? એસપીએ શું કહ્યું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સમગ્ર મામલે જૂનાગઢના સામાજિક કાર્યકરો અને ઍડ્વોકેટોએ સમગ્ર ઘટનાને ‘વખોડી કાઢી કલેટક્ટરને આવેદન આપી કાર્યવાહીની માગ કરી હતી.’
જૂનાગઢના બીબીસી ગુજરાતીના સહયોગી હનીફ ખોખરે આ મામલે આપેલી વિગતો પ્રમાણે ‘દરગાહ’ને ‘હઠાવવા’ના તંત્રના નિર્ણય સામે મોડી રાત્રે મજેવડી દરવાજા પાસે ભારે સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું હતું.
દરમિયાન થોડી વાર બાદ ટોળું ‘બેકાબૂ’ બનતાં પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હોવાનો દાવો કર્યો હતો.
આક્ષેપો અને ઘટનામાં પોલીસનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ જૂનાગઢના એસ. પી. રવિ તેજાએ જણાવ્યું હતું કે, “હાલ અમારી પહેલી પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં લઈ આવવાની અને આરોપીઓની ધરપકડ કરવાની છે. પોલીસ હાલ તેના પર કામ કરી રહી છે. એના પર પણ (વાઇરલ થયેલા વીડિયો) વિશે પણ એકાદ દિવસમાં વેરિફાય કરવામાં આવશે.”
પોલીસ અને ટોળા વચ્ચે થયેલા આ ઘર્ષણમાં પાંચ પોલીસકર્મી ‘ઈજાગ્રસ્ત’ થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર ‘ટોળામાં સામેલ અસામાજિક તત્ત્વો’એ ‘એસટી બસને આગ ચાંપવાનો પ્રયાસ’ કર્યો હતો, જેમાં ‘બસ ડ્રાઇવર અને કંટક્ટર’ને ઈજા થઈ હતી.
ઘટના બાદ વાઇરલ થયેલા બીજા કેટલાક વીડિયોમાં ‘ઉશ્કેરાયેલી ભીડ’ ‘લાઠી, પથ્થરો વડે પોલીસનાં વાહનો અને પોલીસકર્મીઓ પર હુમલો કરતી’ અને ‘વાહનોમાં તોડફોડ કરતી અને આગચંપી કરતી’ પણ દેખાઈ રહી છે.
બનાવ બાદ પોલીસ પાસેથી મળેલ માહિતી અનુસાર પોલીસે ‘પરિસ્થિતિ થાળે પાડવા’ અને ‘અસામાજિક તત્ત્વો’ને શોધવા માટે ‘આખી રાત કોમ્બિંગ હાથ ધરી 174 શકમંદોને રાઉન્ડ અપ કર્યા હોવાનો દાવો કર્યો છે.
પોલીસે ‘આરોપી’ઓને શોધવા માટે વધુ ટીમો બનાવી ‘અસરગ્રસ્ત વિસ્તારમાં કાર્યવાહી’ શરૂ કરી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, ‘પોલીસ દ્વારા જાહેરમાં નાગરિકોને કથિતપણે માર મરાયા’ના વીડિયો જાહેર થતાં ગત વર્ષે નવરાત્રી સમયે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઊંઢેલા ગામ ખાતે કથિત પથ્થરમારાની ઘટના બાદ ‘પોલીસ દ્વારા આરોપી મુસ્લિમ યુવાનો’ને કથિતપણે ‘થાંભલે બાંધીને માર્યા’ની ઘટનાની યાદ ભયાનક યાદો લોકોનાં મનોમાં ફરી તાજી થાય એ સ્વાભાવિક છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

પોલીસે ‘જાહેરમાં માર માર્યો’?

ઇમેજ સ્રોત, Hanif Khhokhhar
મજેવડી દરવાજા પાસે રસ્તા પાસે આવેલી એક દરગાહ ‘દૂર કરવા’ માટે સ્થાનિક મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઑફિસર દ્વારા બે દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી.
અને ‘ગેરકાયદેસર બાંધકામ’ દૂર કરવા જણાવાયું હતું.
નોંધનીય છે કે તંત્ર દ્વારા જૂનાગઢ શહેરમાં તાજેતરમાં ‘વિકાસનાં અનેક કામો’ને લઈને નરસિંહ મહેતા સરોવર તેમજ ઉપરકોટ વિસ્તારમાં અનેક ‘દબાણો’ દૂર કરવામાં આવ્યાં છે.
મજેવડી દરવાજા ખાતેની દરગાહ મામલે પાઠવાયેલી નોટિસ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ સ્થળે ‘ટોળું’ ભેગું થયું હતું.
પોલીસના દાવા અનુસાર શરૂઆતમાં ‘સમજાવટના પ્રયાસો’ બાદ ‘ટોળું’ હિંસક બની જતાં પોલીસ કાર્યવાહી કરાઈ હતી.

ઇમેજ સ્રોત, Hanif Khokhar
ઘટનાના તુરંત બાદ જ જેને લઈને વિવાદ શરૂ થયો એ દરગાહની બહાર જ કથિતપણે ‘સાદાં કપડાં’માં પોલીસકર્મીઓએ ‘આરોપીઓને જાહેરમાં લાકડાના હાથા સાથે જોડેલા પટ્ટા વડે ક્રૂર’ માર્યાનો વીડિયો વાઇરલ થયો હતો.
કથિતપણે બનાવ સાથે સંકળાયેલ આ વીડિયોમાં જે દરગાહને મળેલ નોટિસને લઈને ઉશ્કેરાટ અને હિંસાનાં દૃશ્યો જોવા મળ્યાં તેની સામે જ બે પોલીસ બૅરિકેડ મુકાયેલા દેખાય છે અને વચ્ચેની જગ્યામાં સાત લોકોને લગભગ ‘હાથ બાંધેલી અવસ્થામાં’ ઊભા રાખવામાં આવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે.
વીડિયોમાં આ સાત લોકોની કતારના બંને છેડે બે બુકાનીધારી વ્યક્તિઓ લાકડાના હાથા સાથે જડેલા પટ્ટા ઊભેલી દેખાય છે.

ઇમેજ સ્રોત, Hanif Khhokhhar
23 સેકંડના વીડિયોમાં આ બંને બુકાનીધારી વ્યક્તિઓ કતારમાં દરગાહની સામે ઊભી રખાયેલી વ્યક્તિઓને કમરના નીચેના ભાગે ‘ક્રૂરતાપૂર્વક’ પટ્ટા વડે માર મારતા દેખાઈ રહી છે.
બે-ત્રણ-ચાર બંને હાથોના સંપૂર્ણ સ્વિંગ સાથે શરીરનું આખું જોર લગાવી આ બંને વ્યક્તિઓ જાણે ‘હાથ બાંધેલી’ અવસ્થામાં કતારમાં ઊભેલી વ્યક્તિઓ પર પટ્ટાનો વરસાદ કરી રહી હતી.
દરેક ફટકા સાથે માર ખાનાર વ્યક્તિની ચીસો સ્પષ્ટ સાંભળી શકાય છે. વીડિયોમાં માર ખાનાર વ્યક્તિ ‘નિ:સહાયપણે સાહેબ, સાહેબ કરીને મારથી બચવા’ શરીર હલાવવાનો પ્રયત્ન કરતી દેખાય છે.
એક વ્યક્તિને ઓછામાં ઓછા ત્રણ પટ્ટા મારી બુકાનીધારી વ્યક્તિઓ આગળ વધે છે. પછી બીજી વ્યક્તિને ‘ક્રૂર માર’ મારે છે. વીડિયોમાં જમણી તરફની બુકાનીધારી વ્યક્તિ પેલી તરફ કતારમાં ઊભેલી પ્રથમ વ્યક્તિને એક સાથે ‘કેટલાય’ પટ્ટાના ફટકા મારે છે. ‘દર્દથી કણસી ઊઠેલી પેલી વ્યક્તિ’ના મોઢેથી ‘મેં ગુનો નથી કર્યો સાહેબ, ગુનો નથી કર્યો મેં’ એવું સંભળાય છે.
અંતે માર ‘સહન ન થતાં’ જમણી તરફની એ વ્યક્તિ જમીન પર જ ફસડાઈ પડી હતી.
બીજી તરફ જ્યારે આ બંને બુકાનીધારી વ્યક્તિઓ કતારમાં ઊભી રખાયેલી આ વ્યક્તિઓને જાહેરમાં માર મારી રહી હોય છે ત્યારે વીડિયોમાં પાછળથી કેટલાક લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે. આ વ્યક્તિઓ પૈકી જ કોઈ એકે આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હોય એવું સમજાય છે.
ઘર્ષણના સમગ્ર બનાવ અંગે વિગતો આપતાં મીડિયા સાથેની વાતચીતમાં જૂનાગઢના એસ. પી. રવિ તેજાએ જણાવ્યું હતું કે, “ગત 14 જૂને જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી મજેવડી દરવાજા પાસે આવેલી ગેબનશાહ દરગાહને બાંધકામ અને માલિકીના પુરાવા રજૂ કરવા માટે પાંચ દિવસની નોટિસ પાઠવાઈ હતી. પરંતુ શુક્રવારે આ વિસ્તારની આસપાસ લોકોનું મોટું ટોળું એકઠું થયું હતું.”
“ટોળામાં લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પોલીસનો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડીવાયએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 45 મિનિટ સુધી સમજાવટની પ્રક્રિયા ચાલી, પોલીસ લોકોને રસ્તો બ્લૉક કરતાં રોકવાનો પ્રયાસ કરી રહી હતી એ દરમિયાન ટોળામાથી પોલીસ પર બે-ચાર પથ્થરો આવ્યા. જે બાદ પોલીસે ટોળાને વેરવિખેર કરવા કાર્યવાહી કરી.”
ટોળું ‘બેકાબૂ’ બનતાં મજેવડી પોલીસ ચોકી ઉપર અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો શરૂ કરાયાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસ વિશે જૂનાગઢના સિનિયર ટાઉન પ્લાનર બિપિન ગામિતે કહ્યું, "હનુમાનજી મંદિર- સાંતેશ્વર, જોશીપુરા, જુડવા હનુમાનજી મંદિર- વાંઝરાવાડ, રોશનપીર દરગાહ- ત્રિમૂર્તિ હોસ્પિટલની બાજુમાં, હઝરત જમીરશાહ અને હઝરત ગેબનશાની દરગાહો- દાણાપીઠ, હઝરત પીરદરગાહ- મજેવડી ગેટ, દાતારપીર દરગાહ- સાંભલપુર બસ-સ્ટેન્ડ, જલારામ મંદિર- તળાવ ફાટક એમ કુલ આઠ ધાર્મિક સ્થળોને મિલકતના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ જીપીએમસી એક્ટ 949 (કલમ 210,266) હેઠળ આપવામાં આવી હતી. હાલમાં ડિમોલેશન કરવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. આ દસ્તાવેજોની પહેલા ચકાસણી થશે."
હનુમાનજી મંદિર- સાંતેશ્વર, જોશીપુરા, જુડવા હનુમાનજી મંદિર- વાંઝરાવાડ, રોશનપીર દરગાહ- ત્રિમૂર્તિ હોસ્પિટલની બાજુમાં, હઝરત જમીરશાહ અને હઝરત ગેબનશાની દરગાહો- દાણાપીઠ, હઝરત પીરદરગાહ- મજેવડી ગેટ, દાતારપીર દરગાહ- સાંભલપુર બસ-સ્ટેન્ડ, જલારામ મંદિર- તળાવ ફાટક એમ કુલ આઠ ધાર્મિક સ્થળોને મિલકતના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ જીપીએમસી એક્ટ 949 (કલમ 210,266) હેઠળ આપવામાં આવી હતી. હાલમાં ડિમોલેશન કરવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. આ દસ્તાવેજોની પહેલા ચકાસણી થશે.
આ સમગ્ર ઘટના મામલે સામાજિક કાર્યકર અને ઍડ્વોકેટ જિસાન આલેપોત્રા અને વકીલોના જૂથે જૂનાગઢના કલેક્ટરને આવેદન આપ્યું હતું.
જેમાં તેમણે માગણી કરી હતી કે, “જૂનાગઢ શહેર મ્યુનિસિપલ કૉર્પોરેશને નવાબી સમયની ગેબનશાહ પીરની દરગાહના દસ્તાવેજો રજૂ કરવા માટે શોર્ટ ટર્મની નોટિસ આપી હતી. તે બાદ કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો તેની અમે વખોડીએ છીએ. બાદમાં પોલીસ દ્વારા સામાન્ય લોકો પર જાહેરમાં જે રીતે દમન ગુજારાયો છે તેનો અમે સખત વિરોધ વ્યક્ત કરીએ છીએ.”
તેમણે આ અંગે વધુ વાત કરતાં કહ્યું હતું કે, “દરગાહના દસ્તાવેજ રજૂ કરવા માટે ખૂબ ઓછો સમય અપાયો છે. તેથી અમે આવેદન કરીને માગ કરી છે કે અમને દસ દિવસનો વધારાનો સમય અપાય. સાથે જ અમે માગ કરીએ છીએ કે પોલીસે જેમને પકડ્યા છે તેમના પર પૂરતી તપાસ બાદ જ ગુના નોંધાવા જોઈએ. કોઈ ગુનેગારને છોડવા ન જોઈએ અને તેમજ કોઈ નિર્દોષ પર કાર્યવાહી ન થવી જોઈએ.”
“જૂનાગઢ એક શાંતિપૂર્ણ શહેર છે, અમારી માગણી છે કે તાજેતરમાં તંત્ર દ્વારા ધાર્મિક સ્થળોને દબાણ ગણાવી દૂર કરવા માટે જેટલી નોટિસ કાઢવામાં આવી છે તે તાત્કાલિક અસરથી રદ કરાય. આ સંદર્ભે અમે આવેદનપત્ર આપી શાંતિપૂર્ણ શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી સામે માગણી કરી છે.”

પોલીસ પથ્થરમારો અને વાહનોમાં તોડફોડના આરોપ

ઇમેજ સ્રોત, Hanif Khokhar
ઘટનામાં અમુક ‘અસામાજિક તત્ત્વો’ દ્વારા ‘પોલીસ ઉપર હુમલો કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ’ કરાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ઘટનામાં ‘અસામાજિક તત્વો’એ કથિતપણે પથ્થરમારો કરીને પોલીસ ઉપર હુમલો કર્યો હતો તેમજ પોલીસના વાહનોમાં તોડફોડ કરીને એક બાઇક સળગાવી દીધું હતું.
આ ઘટનાના અન્ય પણ કેટલાક વીડિયો પણ વાઇરલ થયા હતા.
જેમાં જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ દેખાઈ રહી છે. જેનાં ઘુંમટ, દીવાલો, આસપાસ અને અંદરની બાજુએ રંગબેરંગી રોશનીઓ દેખાઈ રહી છે.
આ દરગાહ પર લાગેલાં બૉર્ડ પર ‘યા હજરત ખીજનીશાહ પીર’ અને ‘યા હજરત ગેબનશાહ પીર’ લખેલું વાંચી શકાય છે.
મજેવડી દરવાજાની આસપાસ ઘણા વીડિયોમાં ભારે સંખ્યામાં લોકો નારા પોકારતા જોવા મળી રહ્યા છે. વીડિયો પૈકી કેટલાકમાં પોલીસ દ્વારા ભીડ પર લાઠીચાર્જ કરાઈ રહ્યો હોવાનું દેખાય છે.

ઇમેજ સ્રોત, Hanif Khokhar
અમુક વીડિયોમાં ઉશ્કેરાયેલી ભીડ હાથમાં પથ્થર, લાકડી વગેરે લઈને આગળ વધી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભીડ અંધાધૂંધ પથ્થરમારો પણ કરી રહેલ દેખાઈ રહી છે. એક વીડિયોમાં પોલીસનાં વાહનો પર ગુસ્સે ભરાયેલી ભીડ મોટા મોટા પથ્થર ફેંકતી દેખાઈ રહી છે. સામેની બાજુએ પોલીસની ગાડીઓ તીવ્ર ગતિથી ભીડથી દૂર જવા માટે દોડાવાઈ રહી હોય તેવો આભાસ થઈ રહ્યો છે. એક વીડિયોમાં પોલીસના જવાનો તરફ પથ્થર ફેંકાઈ રહ્યા હોવાનું અને તેનાથી બચવા માટે પોલીસજવાનો દૂર ખસી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
કેટલાક વીડિયોમાં ટોળું સળગી રહેલી બાઇકની આસપાસ હાથમાં લાકડી, પથ્થર લઈને સૂત્રોચ્ચાર કરતું અને બૂમો પાડતું દેખાઈ રહ્યું છે. તેમજ એક વીડિયોમાં કેટલાક લોકોનું ટોળું મળીને એક સફેદ રંગની કારને નુકસાન પહોંચાડતું દેખાઈ રહ્યું છે.
એસ. પી. રવિ તેજાએ બનાવ અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું, “ઘર્ષણમાં ડીવાયએસપી, ત્રણ પીએસઆઇ અને એક પોલીસ સ્ટાફને ઈજા થઈ છે. બધાં હવે ઠીક છે.”
એસ. પી.એ આપેલી વિગતો અનુસાર બનાવમાં ‘પ્રાથમિક દૃષ્ટિએ એક વ્યક્તિનું પથ્થરની ઈજા’ના કારણે મૃત્યુ નીપજ્યું છે, તેમણે કહ્યું હતું કે, “આ અંગે વધુ હકીકતો પોસ્ટમૉર્ટમ બાદ બહાર આવી શકશે.”
‘ટોળાને કાબૂ કરવા’ પોલીસે કરેલ ‘કાર્યવાહી’ અંગે તેમણે કહ્યું હતું કે, “પોલીસે ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો, તેમજ પાંચ ટિયરગેસ સેલ છોડાયા હતા.”
એસ. પી. રવિ તેજાએ આપેલી માહિતી અનુસાર પોલીસે સમગ્ર ઘટના બાદ ‘આખી રાત કોમ્બિંગ’ કરીને ‘શકમંદો’ને રાઉન્ડ અપ કર્યા હતા.

શું ઘટના ‘પૂર્વાયોજિત કાવતરું’ હતી?
આગળની કાર્યવાહીમાં ‘વધુ આરોપીઓની શોધ માટે એલસીબી, એસઓજી સહિતની છ પોલીસ ટીમો બનાવાઈ છે’, રવિ તેજાએ જણાવ્યું હતું કે ઘટનામાં સામેલ તમામ આરોપીઓને ધરપકડ કરાશે.
પોલીસ ઉપર કથિત હુમલો કરનાર ‘અસામાજિક તત્ત્વો’ની વીડિયો, સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે ઓળખ કરીને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર ઘટના ‘પૂર્વાયોજિત કાવતરું’ હતી કે કેમ એ દિશામાં પણ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હોવાનું જણાવાયું હતું. આ માટે પોલીસે ‘કૉલ ડિટેલ્સ મેળવવાની પ્રકિયા હાથ ધરી છે.’
પોલીસ ઉપર હુમલો થયા બાદ સ્થળે પોલીસ ફોર્સ પણ વધારી દેવાયો હતો.
અહીં નોંધનીય છે કે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ‘વિકાસનાં કામો’ અંગે ‘દબાણ’ દૂર કરવા માટેની નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષની લાગી જોવા મળી રહી છે.
શહેરમાં અગાઉ પણ તળાવ દરવાજા, ઉપરકોટ જિલ્લામાં અનેક ‘ધાર્મિક સ્થળો’ તંત્ર દ્વારા ‘તોડી પડાયાં’ છે અને હજુ અનેક ‘ધાર્મિક સ્થળોને નોટિસો અપાતાં’ લઘુમતી સમુદાયમાં ‘રોષની લાગણી’ ફેલાઈ છે.














