ગુજરાત કસ્ટોડિયલ ડેથમાં દેશમાં મોખરે, પોલીસને સજા થવાના કેસ કેમ ઓછા?

- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
આરોપી પોલીસની હિરાસતમાં હોય ત્યારે તેનું મૃત્યુ થવાના (કસ્ટોડિયલ ડેથ) કેસની બાબતે છેલ્લાં પાંચ વર્ષના આંકડા જોઈએ તો ગુજરાત સમગ્ર દેશમાં ટોચ પર છે. એટલું જ નહીં, કસ્ટોડિયલ ડેથના છેલ્લાં એક વર્ષના આંકડા ચકાસતા તેમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
આ વિગતો રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય દ્વારા આપવામાં આવી છે.
આ વિગતો અનુસાર, વર્ષ 2021-2022માં ગુજરાતમાં કુલ 24 કસ્ટોડિયલ ડેથ થયાં છે, જ્યારે કે મહારાષ્ટ્રમાં કુલ 30 કસ્ટોડિયલ ડેથ થયાં છે. આમ વર્ષ 2021-22માં ગુજરાત કસ્ટોડિયલ ડેથ મામલે દેશમાં મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમાંકે છે.
માનવાધિકાર સાથે જોડાયેલા કર્મશીલોનું કહેવું છે કે ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ ચિંતાજનક છે. જ્યારે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે પોલીસકર્મી ગેરકાયદે કામ કરે છે, તેની સામે ખાતાકીય તપાસ થાય છે અને ગુજરાતમાં પોલીસ રિફોર્મનું કામ પણ ચાલુ છે.
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે મૂકેલા આંકડાને જો ધ્યાને લઈએ તો વર્ષ 2021-22માં ગુજરાતમાં કુલ 24 કસ્ટોડિયલ ડેથ થયાં હતાં. જ્યારે કે મહારાષ્ટ્રમાં કુલ 30 કસ્ટોડિયલ ડેથ થયાં હતાં. આમ ગત વર્ષના સમયગાળામાં ગુજરાત કસ્ટોડિયલ ડેથ મામલે દેશભરમાં બીજા નંબરે છે.
જો છેલ્લાં પાંચ વર્ષમાં થએલા કુલ કસ્ટોડિયલ ડેથની વાત કરીએ તો ગુજરાત 80 કસ્ટોડિયલ ડેથ સાથે પહેલા નંબરે છે. જ્યારે પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં કુલ 76 કસ્ટોડિયલ ડેથ થયાં છે. આમ પાંચ વર્ષના આંકડાની સરખામણી કરીએ તો મહારાષ્ટ્રનો નંબર દેશમાં બીજો છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના આંકડા તપાસીએ તો નીચે મુજબના કસ્ટોડિયલ ડેથ નોંધાયા હતા.
- વર્ષ 2017-18માં 14
- વર્ષ 2018-19માં 13
- વર્ષ 2019-20માં 12
- વર્ષ 2020-21માં 14 અને
- વર્ષ 2021-22માં 24

રવિ જાદવ અને સુનીલ પવાર પોલીસ કસ્ટડીમાં મૃત મળ્યા

ગત વર્ષ જુલાઈની વાત કરીએ તો ડાંગના બે યુવાનોની નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં કથિત કસ્ટોડિયલ ડેથની ઘટનાએ ઘણી ચર્ચા જગાવી હતી. પોલીસે તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વઘઈના સુનીલ પવાર અને રવિ જાદવ નામના બે યુવકોનાં મોત થયાં હતાં.
પોલીસનું કહેવું હતું કે તેમને બાઇક ચોરીની શંકાના આધારે 20 જુલાઈ 2022ના રોજ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા અને સવારે તેઓ કમ્પ્યુટર રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે તેમણે બંનેએ આત્મહત્યા કરી લીધી છે.
તેમના અકુદરતી મોતને 6 મહિના વીતી ગયા. આજે પણ આ બે યુવકો પૈકીના એક રવિ જાદવના ભાઈ મીતેશ જાદવ ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યા છે.
મીતેશ જાદવે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરોપ લગાવતા કહ્યું કે જે પોલીસકર્મીઓ તેમના ભાઈ રવિના મોત માટે જવાબદાર હતા તેઓ ધરકપડ બાદ છૂટી ગયા છે એટલું જ નહીં તેમણે ડ્યૂટી પણ જોઇન કરી લીધી છે.
મીતેશ જાદવે વધુમાં જણાવ્યું કે, "સરકારે અમને 8 લાખની સહાય આપી પણ અમને તો ન્યાય જોઈએ છે. એટલે અમે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કર્યો છે." મીતેશ જાદવ વધુમાં ઉમેરે છે કે, "જ્યારે અમે રવિના મૃતદેહને જોયો ત્યારે તેના ગુપ્ત ભાગમાં લોહીના ડાઘ હતા. પણ પોલીસ માનવા જ તૈયાર નથી કે તેનું મોત પોલીસના મારને કારણે થયું છે."
રવિ જાદવનાં માતા નીરુબહેન પણ માનવા તૈયાર નથી કે તેમના પુત્રએ આત્મહત્યા કરી હોય. તેઓ પણ ઇચ્છે છે કે તેમના પુત્રના મોત માટે જે જવાબદાર હોય તેને કડક સજા મળે.
મીતેશ જાદવ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "જો આત્મહત્યા કરે તો માણસ અંદરથી રૂમ બંધ કરે પણ તેમના ભાઈનો જ્યાંથી મૃતદેહ મળ્યો તે કમ્પ્યુટરનો રૂમ બહારથી બંધ હતો."

ઇમેજ સ્રોત, Getty Images
આવા જ હાલ અન્ય એક યુવક સુનીલ પવારના પરિવારના છે. સુનીલનું મોત પણ પોલીસ કસ્ટડી દરમિયાન થયું હતું.
પોલીસ કહે છે કે કમ્પ્યુટરના કૅબલની મદદથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પણ સુનીલના પરિવારજનો કહે છે કે સુનીલ આત્યહત્યા કરે તેવો નહોતો.
સુનીલના ભાભી સપના પવાર બીબીસી ગુજરાતી સાથેની વાતમાં કહ્યું કે, "તેને ચોરીના ખોટા કેસમાં પોલીસ પકડી ગઈ હતી ત્યારબાદ પોલીસે ખબર આપ્યા કે સુનીલે ગળે ફાંસો ખાધો અને તેનું મોત થયું. અમને તો માનવામાં જ નથી આવતું."
સુનીલના માતા-પિતા નથી. તે તેના ભાઈ-ભાભી સાથે જ રહેતો હતો. સુનીલના ભાઈ મહેશને પણ વસવસો છે કે આજે તેનો નાનો ભાઈ નથી રહ્યો. સુનીલના પરિવારજનો પણ ઇચ્છે છે કે તેમને ન્યાય મળે.
તેઓ પોલીસને સવાલ પૂછે છે કે રૂપિયાની સહાય તો મળી પણ તેનાથી તેમનો માણસ જતો રહ્યો તે પરત આવશે?

પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો

ઇમેજ સ્રોત, Getty Images
આ કેસમાં સુનીલ અને રવિના પરિવારજનો વતી લડતા વકીલ અમિત કચવેએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે જે પોલીસ જવાબદાર છે તેની સામે મર્ડરનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કર્યો છે.
અમિતે વધુમાં જણાવ્યું કે તેમણે આ મામલે હાઇકોર્ટમાં ચીખલીની નીચલી કોર્ટ દ્વારા જવાબદાર પોલીસકર્મીઓને નિર્દોષ છોડી દેવાયા હતા તેના ચુકાદાને પણ પકડાર્યો છે.
અમિત કચવે બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "અમે સવાલ કર્યો છે કે એક સાથે બે વ્યક્તિ કેવી રીતે આત્મહત્યા કરી શકે. જ્યારે કે હકીકતમાં એકનું મોત પોલીસના અત્યાચારને કારણે થયું હોય તેવું લાગે છે અને આ ગુનાને છુપાવવા માટે બીજાની પણ હત્યા કરી નાખી હોય તેવું પ્રતીત થાય છે."
આ મામલાને લઈને વાંસદાના કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આંદોલન પણ ચલાવ્યું હતું.
અનંત પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "સુરત, ડાંગ, નવસારી, વલસાડના આદિવાસીઓને પોલીસ ઘણી વાર ગમે તે ગુનામાં ઉપાડી જાય છે અને તેની સામે અત્યાચાર કરે છે. અમે જ્યારે આંદોલન કર્યું ત્યારે આ કેસમાં જવાબદાર પોલીસ અધિકારી પકડાયા હતા. પણ જો અમે આંદોલન ન કરત તો આ મામલો પ્રકાશમાં જ ન આવ્યો હોત."
અનંત પટેલ વધુમાં ઉમેરે છે કે 6 પોલીસકર્મીની ધરપકડ થઈ હતી પણ તેઓ છૂટી ગયા છે તેથી મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે આરોપીના અધિકારો

ઇમેજ સ્રોત, Getty Images
માનવાધિકાર સાથે સંકળાયેલા કર્મશીલો માને છે કે પોલીસ જ્યારે કોઈને કોઈ ગુના હેઠળ પકડે છે ત્યારે તે તહોમતદાર છે. કોર્ટ જ્યાં સુધી તેને દોષિત ગણતી નથી ત્યાં સુધી તે ભારતનો સામાન્ય નાગરિક જ છે અને તેને પણ એ જ અધિકારો મળવા જોઇએ જે સામાન્ય નાગરિકોને મળે છે.
આવા જ એક કર્મશીલ અને વકીલ મનોજ શ્રીમાળી કહે છે કે ઘણી વાર તહોમતદારને પકડવા મામલે પોલીસ મેન્યુઅલ કે પોલીસ ઍક્ટનું પાલન થતું નથી તેને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે.
મનોજ શ્રીમાળીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "પૂછપરછ કરવાનો અને તહોમતદારને રિમાન્ડ પર લેવાનો પોલીસને અધિકાર છે પણ જાણે અજાણે પોલીસ તેને મારે છે અને તેમાં કેટલીક વાર તહોમતદારનું મોત થતું હોય છે."
માનવાધિકાર સાથે સંકળાએલા કર્મશીલો કહે છે કે જ્યારે આરોપીને પકડવામાં આવે ત્યારે તેની શારીરિક સ્થિતિનું પણ પંચનામું કરવાનું હોય છે. જરૂર લાગે તો પોલીસે તેની તબીબી તપાસ કરાવવી જોઇએ અને તેની સારવાર પણ.
જો આરોપી ન કહે તો પણ જરૂર લાગે તો તેની સારવાર પોલીસે કરાવવી પડે. જ્યારે તહોમતદાર રિમાન્ડ પર હોય ત્યારે દર 48 કલાકે તેની શારીરિક તપાસ કરાવવી અનિવાર્ય છે.
જ્યારે તહોમતદાર પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી તપાસકર્તા અધિકારીની રહે છે. માનવમૂલ્યોની જાળવણી થવી જોઈએ અને થર્ડ ડીગ્રીનો દુરુપયોગ બંધ થવો જોઈએ.
આરોપીને સમય થાય ત્યારે પાણી અને ભોજન પૂરૂ પાડવું જોઈએ. શૌચક્રિયા માટે જવાનો પણ તેનો અધિકાર છે અને તેનું પાલન થવું જોઈએ.
ધરપકડ થયાના 24 કલાક દરમિયાન તહોમતદારના નજીકના સબંધીને પોલીસે જાણ કરવાની રહે છે. તેની સામેના આરોપો તેને સમજાય તે ભાષામાં અને સરળ ભાષામાં આપવાના રહે છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે માનવાધિકાર સાથે સંકળાએલા કર્મશીલો માને છે કે પોલીસ આ બધા નિયમોનું પાલન કરતી નથી.
જાણીતા કાયદાવિદ્દ રાજેન્દ્ર શુક્લ બીબીસી ગુજરાતી સાથેની વાતમાં જણાવે છે કે, "ડી. કે. બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્યના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આ અંગે પોલીસ માટે ગાઇડલાઈન જાહેર કરી છે. પણ તેનું આંશિક પાલન જ થાય છે પૂર્ણપણે પાલન થતું નથી પરિણામે તહોમતદારના હકોની જાળવણી થતી નથી."
રાજેન્દ્ર શુક્લ બીબીસી સાથેની વાતચીતમાં ઉમેરે છે કે, "પોલીસને દંડો મારવાની વાત તો દૂર પણ પોલીસને ગાળો બોલવાનો પણ હક કે અધિકાર નથી."
8 વર્ષ પહેલાં અમદાવાદના સોલામાં નોંધાયેલી એક ઘટના મામલે રાજેન્દ્ર શુક્લ કહે છે કે, "સોલામાં કથિત રીતે પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું અને પોલીસે કારણ આપ્યું કે તહોમતદારે ઝેર ખાધું. પણ ઝેર આવે ક્યાંથી? જ્યારે તહોમતદારને પકડવામાં આવે છે ત્યારે તેની અંગજડતી લેવાય છે. તેની પાસે વીંટી, પાકિટ કે મોબાઇલ લઈ લેવામાં આવે છે. ત્યાં સુધી કે ચપ્પલ અને જૂતાં પણ. તો પછી તેની પાસે ઝેર આવે ક્યાંથી?"
માનવાધિકાર સાથે સંકળાયેલા કર્મશીલો આરોપ પણ લગાવે છે કે જો કસ્ટોડિયલ ડેથ થાય તો પણ ઘણા કેસોમાં જવાબદાર પોલીસને સજા થતી નથી.

- આરોપી પોલીસની હિરાસતમાં હોય ત્યારે તેનું મૃત્યુ થવાના (કસ્ટોડિયલ ડેથ) કેસની બાબતે છેલ્લાં પાંચ વર્ષના આંકડા જોઈએ તો ગુજરાત સમગ્ર દેશમાં ટોચ પર છે
- માનવાધિકાર સાથે જોડાયેલા કર્મશીલોનું કહેવું છે કે ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ ચિંતાજનક છે
- પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે પોલીસકર્મી ગેરકાયદે કામ કરે છે, તેની સામે ખાતાકીય તપાસ થાય છે અને ગુજરાતમાં પોલીસ રિફોર્મનું કામ પણ ચાલુ છે
- કાયદા વિશેષજ્ઞોના મતે દંડો મારવાની વાત તો દૂર પણ પોલીસને ગાળો બોલવાનો પણ હક કે અધિકાર નથી
- કસ્ટોડિયલ ડેથની તપાસ તો થાય છે પણ કેટલા કિસ્સામાં પોલીસને સજા થઈ તેની વિગતો આંગળીના વેઢે ગણાય એટલી ઓછી છે

કસ્ટોડીયલ ડેથના કેસમાં તપાસ એસડીએમ કક્ષાએ કરાવવી જોઈએ અને મરણજનારનું પોસ્ટમોર્ટમ કરાવીને તેનું કોઝ ઑફ ડેથ જાણવું જોઈએ. જ્યારે તેનું પીએમ થતું હોય ત્યારે ચાર કેમેરાથી તેનું શૂટિંગ કરવું જોઈએ.
જોકે રાજેન્દ્ર શુક્લ કહે છે કે તપાસ તો થાય છે પણ કેટલા કિસ્સામાં પોલીસને સજા થઈ તેની વિગતો આંગળીના વેઢે ગણાય એટલી ઓછી છે.
રાજેન્દ્ર શુક્લ આરોપ લગાવતા કહે છે કે, "સંજીવ ભટ્ટને આ મામલે સજા થઈ પણ તેના કારણો બીજા અને સમજી શકાય તેવા છે. બાકીના ઘણા કેસોમાં પોલીસ છૂટી જાય છે."
જાણકારોનું કહેવું છે કે ઘણી વાર પોલીસ તહોમતદારને પકડે ત્યારે તેની એરેસ્ટ બતાવતા નથી. પોલીસ તેમને મેથીપાક આપે પછી તેની કબૂલાત થાય પછી એરેસ્ટ બતાવે છે.
દરમિયાન આવી કોઈ ઘટના થાય તો પોલીસ પછી તેને છૂપાવવનાનો પ્રયાસ કરે છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ અને તેનું રેકોર્ડિંગ 24 કલાક સતત થવું જોઈએ.
પણ જ્યારે કોઈ આવી ઘટના બને છે કે કૅમેરાના ફૂટેજ મળતા નથી અને મળે છે તો બહાનું કે તકનીકી કારણસર આ કેમેરા ચાલતા નહોતા.
રાજેન્દ્ર શુક્લ કહે છે કે ઘણી વાર સીસીટીવી ચાલતા હોય છે પરંતુ પોલીસ તહોમતદારને મારકૂટ કરવા માટે અન્ય જગ્યાએ લઈ જાય છે એટલે પુરાવા મળતા જ નથી.

'ગુજરાત પોલીસમાં રિફોર્મ થઈ રહ્યા છે'

ઇમેજ સ્રોત, Getty Images
જોકે ગુજરાત પોલીસનું કહેવું છે કે કસ્ટોડિયલ ડેથના મામલે રાજ્યમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ થાય છે અને કાયદાકીય તપાસ પણ. ગુજરાત પોલીસે તમામ પોલીસકર્મીઓને તપાસ માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિને ધ્યાનમાં રાખીને અને ફોરેન્સિક પદ્ધતિથી કરવાના નિર્દેશ આપ્યા છે. સાથે માનવમૂલ્યોની જાળવણી પર પણ ભાર મૂક્યો છે.
ગુજરાતમાં પોલીસ તાલીમ વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અનિલ પ્રથમ બીબીસી ગુજરાતી સાથે વાતચીત દરમિયાન કહે છે કે, "સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને રાજ્યસરકાર દ્વારા જે પણ પોલીસ માટે ગાઇડલાઇન્સ બનાવવામાં આવી છે તે અંગે અમે પોલીસને સતત વાકેફ કરાવતા રહીએ છીએ. થર્ડ ડિગ્રીના પ્રયોગની અમે સદંતર મનાઈ ફરમાવી છે. પણ ક્યાંક જો ખોટું થતું હોય અને અમારા ધ્યાને આવે તો અમે તરત જ પગલાં ભરીએ છીએ."
એડીજી અનિલ પ્રથમ વધુમાં જણાવે છે કે, "ઘણી વાર પોલીસ પાસે વર્કલોડ વધારે હોય છે અને તેને કારણે તે સતત દબાણમાં રહે છે. તેથી અમે તેમના સ્ટ્રેસ મેનેજમેન્ટ પર પણ કામ કરી રહ્યા છીએ."
અનિલ પ્રથમ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "એક સૂચન મૂકવામાં આવ્યું છે કે ઇન્વેસ્ટિગેશન કરતા પોલીસકર્મી અલગ હોય અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના પોલીસકર્મી અલગ હોય. જેથી તેમના પર વધુ કામનું દબાણ ન આવે. જોકે આ મામલે કામ થઈ રહ્યું છે.
અનિલ પ્રથમ બીબીસી ગુજરાતીને વધુમાં જણાવે છે કે પબ્લિક-પોલીસ પાર્ટિશિપેશન પર પણ ગુજરાતમાં કામ થઈ રહ્યું છે જેથી લોકો પોલીસને જાણે અને પોલીસ પણ લોકોને સમજે તથા બંને વચ્ચે સંવાદ વધે.

શું છે ડી. કે. બસુ દિશાનિર્દેશ અને સંવિધાનની કલમ 22 તથા ફોજદારી કાયદામાં નાગરિકને પ્રાપ્ત મૌલિક અધિકાર

ઇમેજ સ્રોત, Getty Images
- ધરપકડ કે પૂછપરછ સમયે તપાસકર્તા પોલીસ અધિકારીની ઓળખ અને નામનું ટેગ હોવું જોઈએ અને તે પોતાના ગણવેશમાં હોવા જોઈએ. ઉપરાંત તેમણે જે તેમની ધરપકડ કરી છે તેને રેકૉર્ડ પર લેવી જોઈએ.
- ધરપકડ થાય તે સમયે એક સાક્ષી તથા ધરપકડ કરાયેલા તહોમતદારની સહી લેવી જોઈએ. તથા ધરપકડ સમયે તહોમતદારને તેમના એક મિત્ર કે સબંધી સાથે વાતચીતની તક મળવી જોઇએ.
- ધરપકડ કરાયેલી વ્યક્તિને તેના અધિકારો અંગેની સૂચના મળવી જોઈએ.
- ધરપકડ કરાયેલી વ્યક્તિની તબીબી તપાસ થવી જોઈએ અને આ તપાસના રિપોર્ટ પર તપાસકર્તા તબીબ અને તહોમતદારની સહી હોવી જોઈએ. તહોમતદારને તેના વકીલો સાથે મુલાકાત કરવા દેવી જોઈએ. તહોમતદારની પોલીસ તપાસ બાદ પણ તહોમતદારને તેના વકીલોને મળવાનો અધિકાર છે. જોકે તપાસ દરમિયાન નહીં.
- જો ધરપકડ કરાયેલી વ્યક્તિનો સબંધી કે દોસ્ત કે જેનો તે સંપર્ક સાધવા માગે છે તે જિલ્લાની બહાર રહેતા હોય તો ધરપકડ કર્યાના 8થી 12 કલાકની અંદર તેની ધરપકડની જગ્યા, કારણો અને અન્ય માહિતી તેના સબંધીને મોકલવી.
- ધરપકડ સમયે તહોમતદારને એ જાણકારી હોવી જોઈએ કે તેમની ધરપકડ કયાં કારણોને લઈને થઈ રહી છે.
- ધરપકડના 24 કલાકમાં પોલીસે તહોમતદારને મેજિસ્ટ્રેટ સમક્ષ પેશ કરવો જોઈએ. તેની ધરપકડ મામલાના તમામ દસ્તાવેજો તપાસકર્તા પોલીસ અધિકારીએ મેજિસ્ટ્રેટને મોકલવાના રહેશે.
- પોલીસ સમક્ષ આપેલા નિવેદનને આરોપી સામેના પુરાવા તરીકે માન્ય ન રાખી શકાય.
- ધરપકડ કરાએલી વ્યક્તિને પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ દ્વારા કોઈ દુર્વ્યવહાર કે યાતનાથી બચવાનો અધિકાર છે.
- 15 વર્ષથી ઓછી ઉંમરના બાળક કે કોઈ પણ મહિલાને માત્ર સવાલ પૂછવાના બહાને પોલીસ સ્ટેશનમાં ન બોલાવી શકાય.
- તહોમતદારની ધરપકડ બાદ તપાસકર્તા પોલીસ અધિકારીએ તેની જાણ જિલ્લાના પોલીસ કંટ્રોલને કરવાની રહેશે જેથી તેની વિગતો પોલીસ કંટ્રોલ રૂમના નોટિસબોર્ડ પર અને રેકૉર્ડમાં પણ રહે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













