ગુજરાત : ગત બે વર્ષમાં પોલીસ સામે જનતાની દરરોજ એક ફરિયાદ, RTIમાં ખુલાસો

ગુજરાતમાં પાછલાં બે વર્ષમાં પોલીસ સામે 777 ફરિયાદો નોંધાઈ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં પાછલાં બે વર્ષમાં પોલીસ સામે 777 ફરિયાદો નોંધાઈ
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી
લાઇન
  • ગુજરાતમાં પાછલાં બે વર્ષમાં પોલીસ સામે 777 ફરિયાદો નોંધાઈ
  • જિલ્લા પોલીસ ફરિયાદ ઑથૉરિટીએ ખૂબ ઓછી મિટિંગો યોજી છતાં ફરિયાદોનો નિકાલ કરી દીધો
  • જિલ્લા પોલીસ ફરિયાદ ઑથૉરિટીમાં પોલીસના ખરાબ વર્તન અને મારઝૂડ અંગે ફરિયાદ કરી શકાય છે
લાઇન

તાજેતરમાં જ સુરતમાં વકીલ અને સામાજિક કાર્યકર મેહુલ બોઘરા પર ટ્રાફિકજવાને હુમલો કર્યો અને વકીલો બોઘરાના સમર્થનમાં ઊમટી પડ્યા.

વકીલોએ પોલીસ અને ટ્રાફિકતંત્રની કથિત ગેરરીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો અને સાથે જ ટ્રાફિકખાતામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ કર્યો.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા લોકો પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા પણ જોવા મળ્યા.

ત્યારે બીબીસી ગુજરાતીએ પોલીસ અને જનતા વચ્ચેના આ ઘર્ષણ અંગેના વલણ અંગે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

બીબીસી ગુજરાતીની એક આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં જુદી-જુદી 'જિલ્લા પોલીસ ફરિયાદ ઑથૉરિટી'માં પાછલાં બે વર્ષોમાં પોલીસની કાર્યવાહી વિરુદ્ધ 777 ફરિયાદો નોંધાઈ હતી.

નોંધનીય છે કે ગુજરાત પોલીસ ઍક્ટ 1951ની કલમ 32H અંતર્ગત દરેક જિલ્લામાં એક પોલીસ ફરિયાદ ઑથૉરિટી બનાવવાની જોગવાઈ કરાઈ છે. આ ઑથૉરિટીમાં પોલીસ દ્વારા કસ્ટોડિયલ હિંસા, ખરાબ વર્તન વગેરેની ફરિયાદો નોંધાવી શકાય છે.

line

ઑથૉરિટીની બેઠક મળ્યા વગર જ ફરિયાદોનો નિકાલ?

જો માહિતી અધિકારની અરજી અંતર્ગત મળેલ માહિતીની છણાવટ અંગે વાત કરીએ તો ગુજરાતમાં જુદા જુદા જિલ્લામાં કુલ 34 ડિસ્ટ્રિક્ટ પોલીસ ફરિયાદ ઑથૉરિટી બનેલ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો માહિતી અધિકારની અરજી અંતર્ગત મળેલ માહિતીની છણાવટ અંગે વાત કરીએ તો ગુજરાતમાં જુદા જુદા જિલ્લામાં કુલ 34 ડિસ્ટ્રિક્ટ પોલીસ ફરિયાદ ઑથૉરિટી બનેલ છે

જો માહિતી અધિકારની અરજી અંતર્ગત મળેલ માહિતીની છણાવટ અંગે વાત કરીએ તો ગુજરાતમાં જુદાજુદા જિલ્લામાં કુલ 34 ડિસ્ટ્રિક્ટ પોલીસ ફરિયાદ ઑથૉરિટી બનેલી છે.

જેમાં વર્ષ 2020 દરમિયાન ડિસ્ટ્રિક્ટ પોલીસ ફરિયાદ ઑથૉરિટીમાં પોલીસની કાર્યવાહી સામે કુલ 381 ફરિયાદો મળી હતી.

જ્યારે 2021માં આ ફરિયાદોની સંખ્યા 396 હતી. આમ, બે વર્ષમાં 777 ફરિયાદો પોલીસની કાર્યવાહી અને પોલીસના વર્તન સામે દાખલ થઈ હતી.

પરંતુ માહિતીની છણાવટ દ્વારા એવું સામે આવ્યું છે કે આ ઑથૉરિટીની મિટિંગ ઘણા જિલ્લાઓમાં માંડ એક વાર થઈ છે. તેમજ અમુક જિલ્લાઓમાં મિટિંગ વગર જ અરજીઓના નિકાલ કરી દીધા હોવાનું સામે આવ્યું છે.

જે-તે ડિસ્ટ્રિક્ટ પોલીસ ફરિયાદ ઑથૉરિટીના વડા તરીકે જિલ્લાના પોલીસ અધીક્ષક હોય છે. તેમજ તેના અન્ય સભ્યો તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને જે-તે જિલ્લાના ધારાસભ્ય હોય છે.

આ માહિતીની છણાવટની કરતાં વર્ષ 2021માં જે-તે જિલ્લા પોલીસ ફરિયાદ ઑથૉરિટીની કુલ 18 જ મિટિંગ થઈ હતી. જ્યારે વર્ષ 2020માં કુલ 34 જિલ્લા પોલીસ ફરિયાદ ઑથૉરિટીની કુલ 15 જ મિટિંગ મળવા પામી હતી.

નોંધનીય છે કે ગુજરાત પોલીસ ઍક્ટની જોગવાઈ અનુસાર જે-તે પોલીસ ફરિયાદ ઑથૉરિટીની મિટિંગ દર ત્રણ મહિને મળવી જોઈએ.

જોકે ઑથૉરિટીની મિટિંગ ન મળ્યાનો ફરિયાદોના નિકાલના દર પર કોઈ અસર થઈ નથી. મિટિંગ મળ્યા વગર કે ઓછી મિટિંગો છતાં મોટા ભાગની ફરિયાદોના નિકાલ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ આશિષ ભાટિયાએ આ અંગે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ રૉક્સી ગાગડેકર છારા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "જે-તે જિલ્લા પોલીસ ફરિયાદ ઑથૉરિટીમાં મોટા ભાગની ફરિયાદો અતિ ગંભીર મુદ્દાઓ સંદર્ભે નથી હોતી. મોટા ભાગે એફઆઈઆર નોંધવામાં મોડું જેવા મુદ્દાઓને લઈને નાગરિકો ડિસ્ટ્રિક્ટ પોલીસ ફરિયાદ ઑથૉરિટી સમક્ષ જાય છે."

ગુજરાત પોલીસ ઍક્ટની જોગવાઈઓ અનુસાર અણછાજતું વર્તન કે એફઆઇઆરની નોંધણીમાં મોડું જેવા મામલા માટે ઑથૉરિટીએ જે-તે સત્તામંડળને જવાબદાર પોલીસ અધિકારી સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ભલામણ કરવાની હોય છે.

જ્યારે આવી ભલામણો અંગે અમે ડીજીપી આશિષ ભાટિયાને વાત કરી તો તેમણે આગળ જણાવ્યું હતું કે, "કારણ કે મોટા ભાગના મામલાઓ ગંભીર નથી હોતા, પોલીસ અધિકારીઓ સામે જવલ્લે જ આવી કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે."

line

'ઑથૉરિટી માત્ર કાગળનો વાઘ'

માહિતીની છણાવટ દ્વારા એવું સામે આવ્યું છે કે આ ઑથૉરિટીની મિટિંગ ઘણા જિલ્લાઓમાં માંડ એક વાર થઈ છે. તેમજ ઘણા જિલ્લાઓમાં મિટિંગ વગર જ અરજીઓના નિકાલ કરી દીધા હોવાનું સામે આવ્યું છે

ઇમેજ સ્રોત, Arjun Parmar

ઇમેજ કૅપ્શન, માહિતીની છણાવટ દ્વારા એવું સામે આવ્યું છે કે આ ઑથૉરિટીની મિટિંગ ઘણા જિલ્લાઓમાં માંડ એક વાર થઈ છે. તેમજ અમુક જિલ્લાઓમાં મિટિંગ વગર જ અરજીઓના નિકાલ કરી દીધા હોવાનું સામે આવ્યું છે

ગુજરાત પોલીસના નિવૃત્ત IGP રમેશ સવાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બે વર્ષમાં પોલીસ ફરિયાદ ઑથૉરિટીમાં માત્ર 777 ફરિયાદો એ બીજું કંઈ નહીં પણ હિમશિલાની ટોચ જ છે. ખરો આંકડો તો ખૂબ મોટો હોવાનો તેમણે અનુમાન વ્યક્ત કર્યું હતું.

તેમણે આ ફરિયાદોના સ્વરૂપ વિશે વાત કરતાં એ વાત સાથે સંમતિ વ્યક્ત કરવા ઇનકાર કર્યો હતો કે આ ફરિયાદો માત્ર પોલીસ દ્વારા એફઆઇઆરની મોડી નોંધણી અંગેની છે.

અહીં નોંધનીય છે કે બીબીસી ગુજરાતીએ પોતાની માહિતી અધિકાર માટેની અરજીમાં પોલીસ ફરિયાદ ઑથૉરિટીને મળેલ ફરિયાદોની વિગતો જણાવવા પણ વિનંતી કરાઈ હતી. પરંતુ જવાબમાં આ માહિતી આપવામાં આવી નહોતી.

નિવૃત્ત પોલીસ અધિકારી રમેશ સવાણીએ કહ્યું હતું કે, "આ માત્ર કાગળ પર રચેલી ઑથૉરિટી છે, જે સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરવા માટે બનાવવામાં આવી છે. બાકી તેના અસરકારક અમલીકરણમાં કોઈ ધ્યાન આપતું નથી. તેમજ ઘણા નાગરિકોને તો ગુજરાતમાં કે તેના પોતાના જિલ્લામાં આવી કોઈ ઑથૉરિટી કાર્યરત્ હોવાની ખબર હોય એવું પણ જવલ્લે જ બને છે. આ માત્ર કાગળનો વાઘ છે."

line

પોલીસ સામે કયા આ ઑથૉરિટીમાં મુદ્દે ફરિયાદ કરી શકાય?

ગુજરાત પોલીસ ઍક્ટ 1951ની જોગવાઈ 32H(3)(a) અંતર્ગત પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં વિલંબ, કસ્ટોડિયલ હિંસા, ફરિયાદી કે પીડિતો પાસેથી પૈસાની વસૂલી, નશાકારક દ્રવ્યોની અસરમાં કરેલ વ્યવહાર અને જનતા સાથે ખરાબ વર્તન વગેરેના મામલા આ ઑથૉરિટી સમક્ષ જાહેર જનતા ઉઠાવી શકે છે.

આ મામલા દાખલ કરાયા બાદ જે-તે જિલ્લા પોલીસ ફરિયાદ ઑથૉરિટી દ્વારા ગંભીર મામલા અને સત્તાના દુરુપયોગ સંબંધિત ફરિયાદોની તપાસ કરવાની સત્તા પણ ઑથૉરિટીને અપાઈ છે.

જો નાયબ પોલીસ અધીક્ષક કરતાં ઊંચા હોદ્દા પર રહેલી વ્યક્તિ સામેની ફરિયાદ મળી હોય તો તે રાજ્ય પોલીસ ફરિયાદ ઑથૉરિટીને ફૉરવર્ડ કરવાની જવાબદારી પણ ઑથૉરિટીની છે.

આ સિવાય એફઆઇઆરની તાત્કાલિક નોંધણી ન થઈ હોવા સંબંધી ફરિયાદો મેળવવી અને તેના યોગ્ય નિકાલ માટેની સત્તા પણ ઑથૉરિટી પાસે છે.

પોલીસ સામે કરાયેલ ગંભીર ફરિયાદના કિસ્સામાં જો ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા હોય તો તેની કાર્યવાહી પર નજર રાખવાની જવાબદારી પણ ઑથૉરિટીની છે.

જો શિસ્તભંગ અંગેના પુરાવા મળે તો તેવા કિસ્સામાં જે-તે ઑથૉરિટીને આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ શિસ્તભંગનાં પગલાં લેવા માટે ભલામણ કરવાની જોગવાઈ પણ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ