ઇમરાન ખાન વિરુદ્ધ એફઆઈઆર બાદ ભડક્યા સમર્થકો, પાકિસ્તાનમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, EPA

પાકિસ્તાનમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવાની અટકળો વચ્ચે ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે અને મોટી સંખ્યામાં સમર્થકો તેમના ઘરની બહાર એકઠા થઈ ગયા છે.

ઇમરાન ખાનના ઘરની બહાર પોલીસકર્મીઓ પણ તહેનાત છે, જોકે તેમનું કહેવું છે કે તેઓ તેમની ધરપકડ કરવા માટે નહીં પરંતુ કાયદો-વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે હાજર છે.

હકીકતમાં વાત એમ છે કે પાકિસ્તાનમાં પોલીસે ઇમરાન ખાન વિરુદ્ધ આતંકવાદવિરોધી કાયદા અંતર્ગત કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ઇમરાન ખાન પર શનિવારે એક રેલી દરમિયાન પોલીસ અને ન્યાયપાલિકાને ધમકાવવાનો આરોપ લગાવાયો છે.

પાકિસ્તાનમાં આ ઘટનાને પગલે રવિવારે ટ્વિટર પર 'ઇમરાન ખાન હમારી રેડ લાઇન' ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

ઇસ્લામાબાદમાં બની ગલા વિસ્તારમાં તેમના ઘરની બહાર એકઠા થયેલા સમર્થકોએ ચેતવણી આપી છે કે તેમના નેતાની ધરપકડ 'ઘરનો ઊમરો ઓળંગવા' એટલે કે લક્ષ્મણરેખાને ઓળંગવા જેવું થશે.

સમર્થકોએ એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો તેઓ આખું ઇસ્લામાબાદ પોતાના કબજામાં લઈ લેશે.

પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી અને ઇમરાન ખાનના પક્ષ પીટીઆઈના વરિષ્ઠ નેતા શાહ મહમૂદ કુરૈશીએ એક પત્રકારપરિષદમાં કહ્યું છે, "અમે શાંતિપ્રિય લોકો છીએ. અમે કાયદા અંતર્ગત રાજકીય સંઘર્ષ ચાલુ રાખીશું."

"પણ જો અમારા ઘરનો ઊમરો ઓળંગ્યો તો તેનાં પરિણામો માટે જવાબદાર વડા પ્રધાન શહબાઝ શરીફ સાહેબ આપ હશો. જે નુકસાન પહોંચશે એના જવાબદાર આસિફઅલી ઝરદારી અને શહબાઝ શરીફ સાહેબ આપ હશો."

ઇમરાન ખાન વિરુદ્ધ તપાસનો આ કેસ એવા સમયે કરાયો છે, જ્યારે તેમની અને પાકિસ્તાન સરકાર વચ્ચેનો તણાવ ચરમ પર છે.

ચાલુ વર્ષે એપ્રીલ માસમાં અવિશ્વાસના પ્રસ્તાવ બાદ સત્તામાંથી બહાર થઈ ગયેલા ઇમરાન ખાન સરકાર અને સેનાની સતત ટીકા કરી રહ્યા છે.

તેઓ આક્રમક વલણ અપનાવીને સમગ્ર દેશનો પ્રવાસ ખેડી રહ્યા છે અને જાહેરસભાઓમાં સરકાર તથા સેના પર પ્રહાર કરતાં ફરીથી ચૂંટણીની માગ કરી રહ્યા છે.

line

ભાષણ અને એફઆઈઆર

પાકિસ્તાન પોલીસે ઇમરાન ખાન વિરુદ્ધ તપાસ ત્યારે શરૂ કરી જ્યારે તેમણે અધિકારીઓ પર પોતાના એક અંગત સહયોગી શહબાઝ ગીલને હેરાન કરવાનો આરોપ લગાવ્યો. શહબાઝની ગત સપ્તાહે દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

ઇમરાન ખાને શનિવારે એક રેલીમાં પોતાની પાર્ટીના સહયોગીની અટકાયત અને તેમની સાથે કથિત ગેરવર્તન કરવા બદલ ઇસ્લામાબાદ પોલીસ અને એક મહિલા જજની નિંદા કરી હતી.

તેમણે ટોચના પોલીસ અધિકારીઓ, મહિલા જજ, ચૂંટણીપંચ અને તેમના રાજકીય વિરોધીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની ધમકી પણ આપી હતી.

ઇમરાન ખાન વિશેષ રીતે અતિરિક્ત જિલ્લા અને સત્ર જજ ઝેબા ચૌધરીને નિશાન બનાવ્યાં હતાં. ચૌધરીએ પોલીસના આગ્રહ પર શહબાઝ ગીલના બે દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઇમરાન ખાને રેલીમાં પોલીસવડા અને જજ પર નિશાન તાકતાં કહ્યું હતું, "આપ તૈયાર રહો કેમ કે અમે તમારા વિરુદ્ધ કાર્યવાહી કરીશું."

તપાસકર્તાઓનું કહેવું છે કે સરકારી અધિકારીઓને કથિત રીતે ધમકાવતાં ઇમરાન ખાને આતંકવાદવિરોધી કાયદો તોડ્યો છે.

પાકિસ્તાનના મીડિયા નિયામકે શનિવારે કહ્યું હતું કે ઇમરાન ખાનની રેલીઓના ટીવી પ્રસારણ પર પણ રોક લગાવી દેવાઈ છે કેમ કે તેઓ સરકારી સંસ્થાઓ વિરુદ્ધ નફરતી ભાષણ આપી રહ્યા છે.

ઇમરાન ખાને એ બાદ દાવો કર્યો હતો કે તેમને સેન્સર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન