તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને નોટિસ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુચિત્ર મોહંતી
- પદ, બીબીસી માટે
તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. તિસ્તા સેતલવાડની 2002માં ગુજરાતમાં થયેલાં રમખાણોના મામલે ગુનાહિત કાવતરું ઘડવા અને છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરાઈ છે.
જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના નેતૃત્વવાળી ખંડપીઠે આ અરજીની સુનાવણી હાથ ધરી હતી અને ગુજરાત સરકારને આ અંગે નોટિસ આપવામાં આવી છે.
આ અરજી ઉપર વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરવામાં આવશે, એટલે ત્યાર સુધી સેતલવાડે જેલમાં જ રહેવું પડશે.
માનવ અધિકાર કાર્યકર્તા તિસ્તા સેતલવાડે ગુજરાત હુલ્લડના પીડિતો ઉપરાંત સોહરાબુદ્દીન શેખ નકલી ઍન્કાઉન્ટર કેસમાં માનવ અધિકારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એ કેસના આરોપીઓ વતી જસ્ટિસ યુયુ લલિત વકીલ તરીકે હાજર રહ્યા હતા, એટલે તેમણે સુનાવણીમાંથી ખસી જવાની તૈયારી દાખવી હતી.
પરંતુ અરજદાર તિસ્તા સેતલવાડ વતી હાજર રહેલા વકીલ કપીલ સિબ્બલે જસ્ટિસ યુયુ લલિત જો ખંડપીઠમાં બેસે તો વાંધો ન હોવાનું જણાવ્યું હતું, એ પછી તેમણે સુનાવણી હાથ ધરી હતી.
ખંડપીઠે નોંધ્યું હતું, "જ્યારથી અરજદારને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં, ત્યારથી તેઓ કસ્ટડીમાં જ છે. તેમની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. આથી નીચલી અદાલતના ચુકાદા સામે રાહત મેળવવા માટે સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જ્યાં આ કેસની સુનાવણી 19 સપ્ટેમ્બર પર નિર્ધારવામાં આવી છે, એટલે આ અપીલ દાખલ કરવામાં આવી છે. ગુજરાત સરકારને નોટિસ કાઢવામાં આવે અને આ અંગે વધુ સુનાવણી 25 ઑગસ્ટના (ગુરુવાર) રોજ હાથ ધરવામાં આવશે."
સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં તિસ્તા સેતલવાડે અપીલ કરી હતી કે સ્પેશિલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) આ કેસમાં તેમને આરોપી નથી બનાવ્યાં.
આ સિવાય પ્રત્યક્ષદર્શીઓના નિવેદન સાથે ચેડાં કરવા સંબંધિત કોઈ પુરાવા એસઆઈટીને નથી મળ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2002નાં રમખાણ કેસોના પીડિતોને બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોવાનો આરોપ તિસ્તાએ જામીન અરજીમાં મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે સિટના રિપોર્ટમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તિસ્તા સેતલવાડે શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે મળીને "નિર્દોષ લોકોને હાનિ પહોંચાડવા માટે ખોટી અને દુષ્ટતાપૂર્ણ ગુનાહિત કાર્યવાહી કરી હતી."
26 જૂનના રોજ તિસ્તા ઉપરાંત આરબી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કસ્ટોડિયલ ડૅથના અન્ય એક કેસમાં સંજીવ ભટ્ટ અગાઉથી જ જેલમાં છે.

તિસ્તા સેતલવાડ વિરુદ્ધનો કેસ શું છે?

ઇમેજ સ્રોત, Sam Panthaky
ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચે પાછલી 26 જૂનના રોજ તિસ્તા સેતલવાડની વર્ષ 2002નાં ગુજરાત રમખાણ મામલે ધરપકડ કરી હતી. સેતલવાડની એનજીઓ પર રમખાણ અંગે ભ્રામક જાણકારીઓ આપવાનો આરોપ છે.
એસઆઈટીએ તિસ્તા, શ્રીકુમાર અને સંજવ ભટ્ટ વિરુદ્ધ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય લોકોને બદનામ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
એસઆઈટીએ પોતાના એક રિપોર્ટ દ્વારા એવો દાવો કર્યો હતો કે તિસ્તા, શ્રીકુમાર ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અહમદ પટેલ પાસેથી ગુજરાત સરકારને અસ્થિર કરવા અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રીને બદનામ કરવા માટે 30 લાખ રૂપિયા લીધા હતા.
અમદાવાદની સેશન્સ કોર્ટે પાછલી બીજી જુલાઈએ સેતલવાડ અને શ્રીકુમારને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં હતાં. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી.
તિસ્તા સેતલવાડ ગુજરાતનાં રમખાણોમાં સરકાર સામે ઊભાં રહે છે અને એટલે જ તેમને હેરાન કરવામાં આવતા હોવાનું તેમના મિત્રોનું માનવું છે. તિસ્તાએ લગભગ એક દાયકા સુધી પત્રકારત્વ કર્યું છે. તેમણે વિવિધ અખબારો માટે 1984નાં હુલ્લડો, બાબરી મસ્જિદના ધ્વંસ પછીનાં રમખાણોનું કવરેજ કર્યું છે.
તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદે સાથે મળીને 'કમ્યુનલ કૉમ્બેટ' નામે મૅગેઝિન શરુ કર્યું હતું. માનવાધિકાર માટે કામ કરનારા લોકો સાથે તેમણે કામ કર્યું છે.
ગુજરાતનાં રમખાણો સંદર્ભે તેમણે અનેક વખત લખ્યું છે. છેક સંયુક્ત રાષ્ટ્ર સુધી તેમણે ગુજરાતનાં રમખાણોની વાત કરી છે.
કૉંગ્રેસના દિવંગત નેતા અહેસાન જાફરીનાં પત્ની સાથે મળીને તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી કેટલીય વખત સરકારી અધિકારીઓને પડકાર્યા હતા.
તેમની બિનસરકારી સંસ્થા 'સિટીઝન ફૉર જસ્ટીસ ઍન્ડ પીસ'માં ગુજરાતનાં રમખાણોનો ભોગ બનેલા લોકોના નામે ભેગા થયેલા કરોડો રૂપિયાના ફંડનો અંગત ઉપયોગ કરવાનો પણ આરોપ છે.
ગૃહમંત્રી અમિત શાહે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કેટલાય લોકો પર નરેન્દ્ર મોદી અને તેમની સરકારને બદનામ કરવા આરોપ લગાવ્યો હતો.
તેમને ઇશારો તિસ્તા સેતલવાડ અને તેમની સાથે કામ કરનારા બીજા લોકો તરફ હોવાનું કેટલાક લોકો માને છે.
તેમની ધરપકડ બાદ સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારના રક્ષણની બાબતનાં વિશેષ દૂત મૅરી લૉવલોરે તિસ્તાને 'નફરત અને ભેદભાવ વિરુદ્ધનો મજબૂત અવાજ' ગણાવ્યાં હતાં.
આવી જ રીતે ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ પણ તેમની ધરપકડની ઘટનાને વખોડી કાઢી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













