મણિપુર : "હું મારા પુત્રનાં ચંપલ પણ ન લાવી શક્યો. પહેરેલાં કપડે ભાગવું પડ્યું." હિંસાનો ભોગ બનેલાં સામાન્ય લોકોની કહાણી

મણિપુર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ARUN SANKAR

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા, મણિપુર

ઘર હોવા છતાં બેઘર થવાનું દુ:ખ શું હોય એ બસંતાસિંહની આંખમાં દેખાઈ આવે છે.

બસંતા પોતાનાં પત્ની અને બે બાળકો સાથે મણિપુરના સાઇકુલ વિસ્તારમાં ઘણાં વર્ષોથી રહી રહ્યા હતા. ત્યાં તેઓ એક કિરાણા સ્ટોર ચલાવતા હતા.

તાજેતરમાં રાજ્યમાં ફાટી નીકળેલી હિંસાને કારણે તેમણે પોતાના પરિવાર અને પોતાનો જીવ બચવવા માટે ઘર છોડીને ભાગી જવું પડ્યું.

પાછલા અમુક દિવસથી રાજ્યના પાટનગર ઇમ્ફાલના પંગેઈ વિસ્તારમાં બનાવાયેલ આ રાહત શિબિરનો એક ખૂણો તેમના માટે ઘર બની ગયું છે.

પરિવાર પાસે મૂડીના નામે હવે ઘરેથી નાસતી વખતે પહેરેલાં કપડાં અને અમુક દાગીના જ રહી ગયાં છે.

સારી રીતે ચાલતું પોતાનું જીવન વિખેરાઈ જવાનું દુ:ખ પરિવારના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

બસંતાસિંહ કહે છે કે, “જ્યારે અમે સાઇકુલમાં રહેતાં ત્યારે અમારાં બાળકો પાસે બધું હતું. તેમની પાસે સાઇકલ હતી, રમકડાં હતાં, પુસ્તકો હતાં. અહીં આવ્યા એ સમયથી મારો દીકરો મને પૂછે રહ્યો છે કે એના જૂતાં ક્યાં છે. એ કહે છે કે એને ફૂટબૉલ રમવા જવું છે. એ પોતાની નાની ગાડી વિશે પૂછે છે. વારંવાર પૂછે છે. આ વાતથી મારું મન દુભાય છે.”

ગ્રે લાઇન

‘આ સિવિલ વૉર છે’

બસંતા મૈતેઈ સમુદાયના છે. સાઇકુલમાં જ્યાં તેઓ રહેતા હતા એ વિસ્તારમાં કુકી સમુદાયના લોકો સંખ્યા ઝાઝી છે.

તેઓ કહે છે કે, “નાસી જ છૂટવું પડે ને. ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. અમે કોઈ સામાન સાથે ન લાવી શક્યાં. હું મારા પુત્રનાં ચંપલ પણ ન લાવી શક્યો. પહેરેલાં કપડે ભાગવું પડ્યું.”

બસંતાસિંહ દુ:ખ અને ચિંતામાં ઘેરાયેલા છે.

તેઓ કહે છે કે, “મારાં બન્ને બાળકોને હું કેવી રીતે ભણાવીશ. કમાવાનો કોઈ માર્ગ નથી. ઘર-પૈસા પણ નથી. અહીં પણ કેટલા દિવસ સુધી રહીશું. જો અહીં નહીં રહીએ તો ક્યાં જઈશું, આખો દિવસ બસ આ જ વિચાર કરતો રહું છું.”

બસંતા જણાવે છે કે હિંસા શરૂ થયા બાદ તેમણે પોતાની દુકાને તાળું મારી દીધું હતું, પરંતુ ગુસ્સે ભરાયેલ ભીડે તાળું તોડીને તેમની દુકાન લૂંટી લીધી.

બસંતાસિંહ જે રાહત શિબિરમાં પોતાના પરિવાર સાથે રહી રહ્યા છે તેમાં લગભગ 200 પરિવારો છે. જેમાં મોટા ભાગનાં મહિલા અને બાળકો છે.

આ લોકોને સરકાર તરફથી ચટાઈ, શેતરંજી અને કપડાં સિવાય ખાવા-પીવાનો સામાન તેમજ દવા પૂરી પાડવામાં આવી રહી છે.

બસંતાસિંહ કહે છે કે, “અમને બંદૂકની લડાઈ નથી જોઈતી. અમારા જીવનમાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે. અત્યંત દુ:ખ છે.”

ગ્રે લાઇન

‘અમારું ગામ બાળી નાખ્યું’

મણિપુર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ARUN SANKAR

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બસંતાસિંહ જ્યાંથી જીવ બચાવીને ભાગ્યા એ જ સાઇકુલ વિસ્તારના એક ગિરજાઘરમાં બનાવાયેલ રાહત શિબિરમાં પી. ગિનલાલે પોતાના પરિવાર સાથે શરણ લીધી છે.

20 વર્ષ સુધી ભારતીય સૈન્યમાં નોકરી કર્યા બાદ ગિનલાલ હવે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

તેઓ કહે છે કે તેમનું ગામ બાળી દેવાયું અને આ કારણે જે તેમણે રાહત શિબિરમાં રહેવું પડી રહ્યું છે.

પી. ગિનલાલ કહે છે કે, “અમે ગામડેથી નીકળ્યા એની 20 મિનિટમાં જ એ લોકો ત્યાં પહોંચી ગયા. એ બાદ ગામને બાળવાની શરૂઆત કરી દીધી.”

ગામડેથી નીકળ્યા બાદ ગિનલાલ અને તેમનો પરિવાર એક દિવસ સુધી જંગલમાં છુપાઈ રહ્યા.

તેઓ કહે છે કે, “ઘર બળી ગયા બાદ અમારી પાસે કોઈ આશરો નહોતો. તે બાદ સેના અમને અહીં લઈ આવી.”

બસંતાસિંહના પરિવારની જેમ જ પી. ગિનલાલના પરિવારના લોકો પણ ઘરેથી નાસતી વખતે પોતાની સાથે કોઈ સામાન નહોતા લાવી શક્યા.

ગિનલાલ કહે છે કે, “પહેરેલ લૂગડે અમે જંગલમાં ભાગી છૂટ્યા.”

તેઓ કહે છે કે, “અહીં સૂવાની-ખાવાની તકલીફ છે. બાળકો રડી રહ્યાં છે. મા બીમાર છે. તેમને આપવા માટે દવા પણ નથી. ખબર નહીં ક્યારે મા કે કોઈ બાળકનો જીવ જતો રહેશે આ પરિસ્થિતિમાં. સરકાર શું જોઈ રહી છે. શું અમે કોઈ વિદેશી છીએ?”

ગિનલાલ કુકી જનજાતિના છે અને તેમનું કહેવું છે કે મૈતેઈ સમુદાયના લોકોએ તેમનું ઘર બાળી નાખ્યું.

તેઓ કહે છે કે, “સરકાર અમારાં માબાપ છે. સરકારે આમાં કોની ભૂલ છે એ અને આ ઝઘડાની શરૂઆત શા કારણે થઈ એ વાત જોવી જોઈએ. ઘર શા માટે બાળવામાં આવ્યું. ગામ શા માટે બાળી નખાયું. સરકારે પગલાં લેવાં જોઈએ. આમાં સામાન્ય માણસને તકલીફ નહોતી થવી જોઈતી.”

ગિનલાલ કહે છે કે જો સરકાર પોતાના લોકોની સંભાળ નહીં લે અને લોકોને મરવા માટે છૂટા મૂકી દેશે તો શાંતિ કેવી રીતે સ્થપાશે.

ગિનલાલ કહે છે કે, “લોકોના મનમાં બદલાની ભાવના પેદા થશે.”

બીબીસી ગુજરાતી

કેમ ફાટી નીકળી હિંસા?

મણિપુર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AVIK

મણિપુરમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 60 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે.

રાજ્યના પ્રભાવશાળી મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માગને આ હિંસાનું મુખ્ય કારણ મનાઈ રહ્યું છે.

મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની વાતનો વિરોધ મણિપુરના પહાડી વિસ્તારમાં રહેતી જનજાતિઓ દ્વારા કરાઈ રહ્યો છે. તેમાં મુખ્ય કુકી સમુદાય છે.

જનજાતીય લોકોનું કહેવું છે કે મૈતેઈ પહેલાંથી જ સાધનસંપન્ન અને પ્રભાવશાળી વર્ગ છે અને જો તેમને જનજાતિનો દરજ્જો અપાયો તો જનજાતીય લોકોને મળતા આરક્ષણના લાભો જ નહીં ઘટે બલકે જનજાતીય લોકોની જમીનો પર પણ ધીમે ધીમે તેમનો કબજો થઈ જશે.

આ વાતને લઈને ઉગ્ર બની રહેલ વિવાદ 3 મેના રોજ હિંસક ઘર્ષણમાં ત્યારે ફેરવાઈ ગયો જ્યારે ચુરાચાંદપુરમાં મૈતેઈ સમુદાયને જનજાતિ તરીકેનો દરજ્જો આપવાની વાતનો વિરોધ કરવા માટે એક પદયાત્રા કાઢવામાં આવી હતી.

મણિપુરના પહાડી વિસ્તારોમાં કુકી સમુદાયના લોકોની સંખ્યા વધુ છે, ત્યાં મૈતેઈ સમુદાયના લોકો ઓછા પ્રમાણમાં રહે છે. આવી જ રીતે ઇમ્ફાલની ખીણમાં મૈતેઈ સમુદાયના લોકોની સંખ્યા કુકી સમુદાયની સરખામણીએ ઘણી વધુ છે.

ઘણા એવા પણ વિસ્તારો છે જ્યાં કુકી અને મૈતેઈ સમુદાયના લોકોનાં ગામ એકબીજાથી અમુક અંતરે આવેલાં છે.

હિંસા શરૂ થતાં જ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં જે સમુદાયની જે-તે સ્થળે વધુ વસતિ હતી તેણે બીજા સમુદાયના લોકોને નિશાન બનાવ્યા.

આનું પરિણામ એ આવ્યું કે મૈતેઈ અને કુકી બંને સમુદાયના લોકોનાં સેંકડો ઘરો બાળી દેવાયાં.

હિંસા વધતાં જે વિસ્તારોમાં મૈતેઈ સમુદાયની બહુમતી હતી ત્યાંથી કુકી જનજાતિના લોકો અને જ્યાં કુકી સમુદાયની બહુમતી હતી ત્યાંથી મૈતેઈ સમુદાયના લોકોએ પોતાનાં ઘર છોડીને નાસી છૂટવું પડ્યું.

સ્થિતિ ખરાબ થતાં જ્યારે સૈન્ય અને અર્ધ-સૈનિક બળોને તહેનાત કરાયાં ત્યારે તેમણે બંને તરફના હજારો લોકોને રાહત શિબિરમાં ખસેડ્યા.

હવે આ હજારો લોકોને ફરી તેમના ઘરે પહોંચાડવાનું કાર્ય સરકાર માટે મોટો પડકાર છે.

સેંકડો લોકોને ગાડીમાં ભરીને તેમના ઘરે પહોંચાડવાનાં દૃશ્યો રાજ્યમાં હવે સામાન્ય બની ગયાં છે.

બીબીસી ગુજરાતી

ચુરાચાંદપુરની સ્થિતિ

મણિપુર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AVIK

હિંસાની જ્યાંથી શરૂઆત થઈ એ ચુરાચાંદપુરની સ્થિતિ હજુ પણ તાણભરી છે.

ચુરાચાંદપુરમાં ફાટી નીકળેલ હિંસાનો શિકાર 26 વર્ષીય ચિન્લિયાંમોઈ પણ થયાં હતાં. તેમના પગે ગોળી વાગી હતી.

તેઓ કહે છે કે, “મને એ વાતની ખબર નથી કે શું થઈ રહ્યું છે, પરંતુ મણિપુરમાં પરિસ્થિતિ ઠીક નથી. અહીં અમને પ્રવાસી ગણાવાઈ રહ્યા છે, જ્યારે અમે પ્રવાસી નથી. અમારા પૂર્વજો વર્ષોથી અહીં વસતા હતા. જનજાતિઓ સાથે વર્ષોથી ભેદભાવ થતા રહ્યા છે, હવે માત્ર તેમાં વધારો થયો છે.”

ચુરાચાંદપુરની જિલ્લા હૉસ્પિટલમાં મૃતદેહ આવવાનું સતત ચાલુ છે.

ત્યાંના ડૉક્ટરો પ્રમાણે હૉસ્પિટલમાં દાખલ કરાયેલ લોકો પૈકી 40ને ગોળી વાગી હતી. તેમજ મૃતકો પૈકી મોટા ભાગના લોકોનાં મૃત્યુ પણ ગોળી વાગવાને કારણે જ થયાં.

હૉસ્પિટલેથી પોતાનું કામ ખતમ કરીને ઘરે પહોંચવાની કોશિશ કરી રહેલાં આ હૉસ્પિટલનાં નર્સ નિયાંગહોઇહચિંગનું મૃત્યુ પણ ગોળી લાગવાના કારણે થયું હતું.

નર્સ નિયાંગહોઇચિનના ભાઈ પોતાના બહેનને ગુમાવી દેવાના દુ:ખ સામે ઝઝૂમી રહ્યા છે.

તેઓ કહે છે કે, “રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર છે. આ હિંસા શરૂઆતમાં જ રોકી શકાઈ હોત. આ નરસંહાર એક દિવસમાં જ રોકી શકાયો હોત.”

ચુરાચાંદપુરમાં મોટા ભાગે કુકી જનજાતિના લોકો રહે છે. તેમનો આરોપ છે કે આ હિંસા માટે મૈતેઈ સમુદાયના લોકો જવાબદાર છે. તેમજ સામેની બાજુએ મૈતેઈ સમુદાયના લોકો પણ કુકી જનજાતિ પર આવા જ આરોપો મૂકી રહ્યા છે. આરોપ-પ્રત્યારોપના આ સિલસિલામાં સત્ય જાણ ક્યાંક છુપાઈ ગયું છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે, જનજાતીય સમુદાયો અને બિનજનજાતીય સમુદાયો વચ્ચે દાયકાઓથી રહેલી અવિશ્વાસની ખાઈ વધુ ઊંડી થઈ ગઈ છે.

બીબીસી ગુજરાતી

ભયનો માહોલ

મણિપુર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AVIK

રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભયનો મામલો છે. લોકો એકબીજાને શંકાની નજરે જોઈ રહ્યા છે અને વિશ્વાસનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

ઇમ્ફાલના લાંગોલ વિસ્તારમાં કેટલાય સમુદાય અને જનજાતિના લાકો એકસાથે રહે છે. આજે ત્યાં શૂનકાર ભાસે છે. આ વિસ્તારમાં એક શાળા સળગાવી દેવાઈ છે અને કેટલાંય ઘરો પર હુમલાઓ થયા છે.

આ વિસ્તારમાં હિંસા કેમ થઈ એ આ લોકો સમજી નથી રહ્યા. એમને ડર છે કે એમનાં ઘરોને પણ નિશાન બનાવાઈ શકાય છે.

લોકો ઘરમાંથી બહાર નીકળતા ડરી રહ્યા છે. આ વિસ્તારમાં લોકોએ પોતાની જાતિ કે સમુદાયનું નામ કાગળ પર લખીને ઘરના દરવાજા પર લગાડી દીધું છે.

એમનું કહેવું છે કે પોતાની જાતિને આ રીતે જાહેર કરવાથી કદાચ એ પોતાનાં ઘરોને બચાવી શકશે અને ભીડે હુમલો કર્યો તો કદાચ એમની જાતિનું નામ વાંચીને તેમને છોડી દે.

બીબીસી ગુજરાતી

'દોષિતનો સજા મળવી જોઈએ'

મણિપુર સરકારે રાજ્યમાં થયેલી હિંસાનું સત્ય જાણવા માટે એક ઉચ્ચ-સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. સરકારે એ પણ કહ્યું છે કે દોષિતોને છોડવામાં નહીં આવે. હિંસાથી પ્રભાવિત લોકો માટે સરકારે વળતરની પણ જાહેરાત કરી છે.

ચુરાદાપુરમાં કુકી સ્ટુડન્ટ ઑર્ગેનાઇઝેશનના અધ્યક્ષ સસાંગ વૈફાઈ કહે છે, "કોઈ પણ યુદ્ધ કે સંઘર્ષ નથી ઇચ્છતું. અમે જે સહન કર્યું છે જે જરૂર કરતાં વધારે છે. બન્ને તરફથી લોકોનો જીવ ગયો છે. બન્ને તરફના લોકોની સંપત્તિ મોટા પ્રમાણમાં નષ્ટ થઈ ગઈ છે."

આવામાં વર્તમાન ઘટનાક્રમથી જનજાતિ સમુદાયોમાં રોષ વધી રહ્યો છે.

રિસર્ચ ઍન્ડ પ્રિઝર્વેશન ઑફ ઝો આઇડેન્ટિટીઝના અધ્યક્ષ ગિઝા વુઆલઝોંગ કહે છે, "મુખ્ય મુદ્દો જમીનનો છે. આ ઉપરાંત મણિપુરમાં જનજાતિઓ સાથે થનારા ભેદભાવની વાત પણ મહત્ત્વની છે. અમને લાગે છે કે અમને પ્રભાવશાળી મૈતેઈ સમુદાયથી પૂર્ણ રીતે અલગ કરી દેવા જોઈએ. જેથી અમારું પોતાનું અલગ તંત્ર હોય."

આ વચ્ચે બસંતાસિંહ અને પી. ગિનલાલ જેવા હજારો લોકો એ નથી સમજી રહ્યા છે કે એમની સાથે આખરે આવું થયું કેમ?

બસંતાસિંહ કહે છે, "અમારી શી ભૂલ હતી. અમે કોઈનું કંઈ નહોતું બગાડ્યું. વહેલાસર પૂરી કરો આ લડાઈ. અમારા જેવા લોકો એમના પક્ષે પણ હશે જ!" તો પી. ગિનલાલ કહે છે, "બન્ને તરફ જેની પણ ભૂલ હોય એમને સજા મળવી જોઈએ."

અનિશ્ચિતતાથી ભરેલું ભવિષ્ય અને ન્યાય... કદાચ આ એ જ વિચાર છે જે આ લોકોનાં મનમાં વારેઘડીએ ઝળકી રહ્યો છે.

રેડ લાઇન
રેડ લાઇન