ઉદયપુર : 'ભૂખ્યાં-તરસ્યાં બેઠાં છીએ, બીજાને કેમ સજા આપો છો', કેટલાક મુસ્લિમોનો મત
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, ઉદયપુરથી
બે વિશાળકાય દરવાજાની આસપાસ રાજસ્થાન પોલીસના ડઝનબંધ પોલીસકર્મીઓ ઊભા છે. એક નાનકડા, સાંકળા રસ્તા પર તમામ લોકોનું ધ્યાન છે, કારણ કે છેલ્લા ત્રણ દિવસથી ત્યાં એક માણસ સુધ્ધાં જોવા મળતો નથી.
ઉદયપુરના આ વિસ્તારને હાથીપોલ કહે છે અને આ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંની એક ગલીમાં કનૈયાલાલ 'દરજી'ની બે મુસ્લિમ યુવકોએ ક્રૂર હત્યા કરી દીધી છે.

વિસ્તારમાં કર્ફ્યૂ લાગુ છે. નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી એટલે કે એનઆઈએ કનૈયાલાલની હત્યા કરનારા બંને મુસ્લિમ યુવકોની પૂછપરછ કરી રહી છે.
ઉદયપુરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ છે અને રસ્તા સૂમસામ છે. ઘરોમાં બળજબરીથી પૂરાયેલા લોકો આજે પણ આ ઘટનાથી ડઘાયેલા છે.
હત્યા કરનારા બંને યુવકો મુસ્લિમ હતા અને તેમણે હત્યાનો વીડિયો બનાવીને તેને ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મહમદ પર વિવાદાસ્પદ ટિપ્પણીનો બદલો ગણાવ્યો હતો.

ઉદયપુરના મુસલમાનો

આ વિસ્તારના મુસ્લિમ સમુદાયમાં એ વાતને લઇને ઘણી બેચેની છે.
જૂના શહેરમાં રહેનારા રિયાઝ હુસૈને તે રાત્રે કનૈયાલાલની હત્યા બાદ જમા થયેલી ભીડ અને એ ગુસ્સાને જોયો હતો.
તેમણે જણાવ્યું, "તમે ઊભા છો મારા ઘરની બહાર, પરમ દિવસે રાત્રે એક જબરદસ્ત રીતે તોડફોડ કરવામાં આવી, મારી ગાડીઓ તોડી નાખી, પાડોશીઓની ત્રણ ગાડીઓ સળગાવી દીધી. આ મુલ્ક ગંગા-જમની તહઝીબ છે, તેને ધક્કો લાગ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો 2011ની વસતીગણતરીને માનવામાં આવે તો ઉદયપુરમાં પણ રાજસ્થાનની જેમ 10 ટકા મુસ્લિમ વસતી છે.
પરંતુ આ ઘટના બાદ બીબીસીની ટીમ જેટલા પણ મુસ્લિમ વિસ્તારોમાં ગઈ, ત્યાં પહેલાં તો લોકો ખૂલીને વાત કરતા ન હતા, બીજું કે તેઓ કૅમેરા સામે આવવા માગતા ન હતા. લોકો બારી-બારણાં બંધ કરી દેતા હતા.
શહેરના ગીચ કહરવાડી વિસ્તારમાં પોતાના ઘર બહાર ચબૂતરામાં બેસેલા મહમદ ફિરોઝ મંસૂર સાથે મુલાકાત થઈ.
તેમણે કહ્યું, "સામાન્ય વ્યક્તિને રોજિંદા જીવનમાં આ બધાથી કોઈ સંબંધ ન હતો. કેટલાક ગાંડા લોકોના કારણે આ ઘટના થઈ અને તેનું પરિણામ દરેક વ્યક્તિને ભોગવવું પડી રહ્યું છે. મજબૂરી છે કે અમે એટલા સક્ષમ નથી કે અચાનકથી આ બધું છોડી દઈએ. અહીં ઘણો ભય છે."

એક વર્ષમાં કેટલું બદલાયું રાજસ્થાન?

રાજસ્થાનમાં સાંપ્રદાયિક હિંસાનો ઇતિહાસ એટલો બહુ ઊંડો નથી.
જોકે, ગયા વર્ષે કરોલી, જોધપુર, અલવર અને હવે ઉદયપુરમાં બનેલી ઘટનાઓએ સામાન્ય લોકોના મનમાં બેચેની વધારી દીધી છે. સ્વાભાવિક છે કે લઘુમતી સમુદાયના લોકો પણ આવું અનુભવતા જ હશે.
ઉદયપુરની જૂની વસતીમાં રહેનારાં એક માતા પોતાના બાળકોના ભવિષ્ય અને આ પ્રકારના તણાવની તેમના પર પડનારી અસરની ચિંતા કરી રહ્યાં છે.
ગુલાબબાનોએ કૅમરે પર મુક્ત મને વાત કરતા કહ્યું, "અમે અહીં જ ભણ્યાં-ગણ્યાં છીએ પણ આવું ક્યારેય નથી જોયું. અમને ખુદને ચિંતા થાય છે. ઘરમાં લોકો છે, એ લોકો પણ ડરી રહ્યા છે. સ્કૂલો પણ બંધ છે. હમણાં તો કોરોનામાંથી ઊઠ્યા હતા અને પાછી સ્કૂલો બંધ થઈ ગઈ. આવા સમયે તેઓ કઈ રીતે અભ્યાસ કરી શકશે."

બદલો લેવાશે તેવો ડર

કનૈયાલાલની ક્રૂર હત્યા પર ગુસ્સો યથાવત્ છે. આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને તપાસ ચાલુ છે પણ લાગે છે કે બદલો લેવાની ભાવના ઘણી વધી રહી છે. કર્ફ્યૂ હોવા છતાં બુધવારે તેમના અંતિમસંસ્કારમાં હજારો લોકો ઊમટી પડ્યા હતા.
હત્યાના વિરોધમાં શુક્રવારે ઉદયપુરમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે આઠ હજાર લોકો કલૅક્ટર કચેરી બહાર એકઠા થયા હતા. સૂત્રોચ્ચાર કર્યો અને મીડિયાના માધ્યમથી સંદેશ પણ આપ્યો.
ઉદયપુર હિંદુ જાગરણ મંચ યુવા એકમના પૂર્વ પ્રમુખ શક્તિસિંહે કહ્યું, "હિંદુ સમાજે ડરવાનો નથી, કોઈ પણ ગેરસમજ ન રહે. ભારત સેક્યુલર હોવાની સજા હવે નહીં ભોગવે. ઉદયપુરનો જે હિંદુ સમાજ છે તેણે હંમેશાં બીજા ધર્મોનો સાથ આપ્યો છે પણ તેનો અર્થ એ નથી કે તમે આવીને અમારા જ લોકોને ધોળા દિવસે મારી નાખો."
કારણ કે રમખાણો કે હિંસાનો એક અવકાશ હોતો નથી, તો સ્વાભાવિક છે કે તેનો ભોગ બનનારા સામાન્ય લોકો જ હશે. જે વિસ્તારમાં કનૈયાલાલની હત્યા થઈ ત્યાં જ મોટા થયેલા વૃદ્ધો હવે ડરવા લાગ્યા છે.
57 વર્ષીય રશીદા બેગમ શાકભાજીની લારી ચલાવે છે. તેમણે જણાવ્યું, "ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ, હવે શું કરશું? જેણે કર્યું તેને સજા મળી રહી છે. એક હાથે તો તાળી વાગતી નથી, બીજાને કેમ સજા આપી રહ્યા છો."
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં સાંપ્રદાયિક હિંસાના મામલા વધી રહ્યા છે.

ઘણા લોકો તેને હેટ-સ્પીચ અને સોશિયલ મીડિયા પર ભડકાવે તેવાં નિવેદનો સાથે જોડીને જુએ છે. ઉદયપુરમાં પણ આવો તણાવ પહેલાં ક્યારેય જોયો નથી.
રાજસ્થાન સરકારમાં કાર્યરત રિટાયર્ડ એન્જિનિયર હાજી મહમદ બખ્શ આજે પણ આ વાત પર ગર્વ અનુભવે છે કે ઉદયપુર શહેર એક શાંત શહેર છે, જેનું દુનિયાભરમાં નામ છે.
તેમના કહેવા પ્રમાણે, "અહીં બધા જ ઘણા પ્રેમથી રહેતા આવે છે. આજથી નહીં, મહારાણા પ્રતાપના સમયથી, જ્યારે હકીમખાન સૂરી તેમના સેનાપતિ હતા. પણ કેટલાક સમયથી જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે, કેટલાક રાજનૈતિક લોકો પોતાના સ્વાર્થ માટે અશાંતિ ફેલાવે છે અને દરેક કૉમ્યુનિટીની અંદર કોઈને કોઈ અશાંત લોકો હોય છે જ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













