ખેડૂતો જેને ફેંકી દેતા એ ટામેટાંનો ભાવ કિલોએ 100 રૂપિયાથી વધુ કેમ થઈ ગયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
“આજે જે ટામેટાંનો ભાવ મળી રહ્યો છે તે જોઈને અમને આઘાત લાગે છે. અમને ટામેટાંના ભાવ નહોતા મળતા એટલે અમારે તેને ફેંકી દેવાનો વારો આવ્યો હતો, અને આજે તે જ ટામેટાંના જથ્થાબંધ બજારમાં ભાવો આસમાને છે. અમને અફસોસ થાય છે પણ સાથે ધરપત છે કે જેણે ટામેટાં ઉગાડ્યા તે ખેડૂતોને તેની મહેનતનું ફળ મળી રહ્યું છે.”
આ શબ્દો છે સાણંદ તાલુકાના અણદેજ ગામના ટામેટાં પકવતા ખેડૂત પરષોત્તમભાઈ રાજપૂતના. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા પરષોત્તમભાઈ ગળગળા થઈ ગયા હતા. તેમને એક સમયે ભાવો ન મળતા ટામેટાં ફેંકી દેવાની ફરજ પડી હતી.
15 દિવસ પહેલાં છૂટક માર્કેટમાં જે ટામેટાંના ભાવ 30-40 રૂપિયા પ્રતિ કિલો હતા, તે અચાનક વધીને 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. નવાઈની વાત એ છે કે માર્કેટમાં ટામેટાંના ભાવો આસમાને છે, પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી.
મે મહિનામાં જથ્થાબંધ બજારમાં ટામેટાંની કિંમત 3થી 5 રૂપિયા હતી અને છૂટક બજારમાં તેની કિંમત 20 રૂપિયા કિલોની આસપાસ હતી.
થોડા મહિના પહેલા કેટલાક ખેડૂતોએ યોગ્ય ભાવો ન મળતા, ટામેટાંના પાકને રસ્તા પર ફેંકી દેવાની ફરજ પડી હતી તે જ ટામેટાંના ભાવો આજે આસમાને છે.
તો, એવું તો શું થયું કે અચાનક 15 દિવસમાં ટામેટાંના ભાવ અચાનક વધી ગયા, ટામેટાંમાં ભાવવધારાનાં કારણો શું છે? ટામેટાં મોઘાં થતાં ગૃહિણીઓ કેમ પરેશાન છે? શાકભાજી બજાર સાથે જોડાયેલા નિષ્ણાતોનું શું કહેવું છે? સરકાર શું કહી રહી છે અને ટામેટાં ઉગાડતા ખેડૂતોનું શું માનવું છે? આ વિશે બીબીસી ગુજરાતીએ વિવિધ તજજ્ઞો અને લોકો સાથે વાત કરી.

કયા શહેરમાં કેટલાં મોંઘા થયાં ટામેટાં?

ઇમેજ સ્રોત, Getty Images
છૂટક બજારમાં દિલ્હીમાં ટામેટાંનો ભાવ પ્રતિ કિલો 80થી 100 રૂપિયા પહોંચી ગયો છે. મુંબઈમાં તેનો ભાવ 80થી 90 રૂપિયા છે. લખનૌમાં તેની કિંમત 120 રૂપિયાને વટાવી ગઈ છે. ચેન્નઈ અને બેંગલુરુમાં પણ ટામેટાંનો ભાવ 100 રૂપિયાને આંબી ગયો છે.
એક કિલો ટામેટાંમાં દસ નંગ ઊતરે છે. એટલે જો કિલોનો ભાવ 100 રૂપિયા હોય તો એક ટામેટાની કિંમત દસ રૂપિયા થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં જથ્થાબંધ બજારમાં ટામેટાંનો ભાવ પ્રતિ કિલો 55 રૂપિયાની આસપાસ છે જ્યારે કે રિટેલ માર્કેટમાં તેની કિંમત 100 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.
રાજકોટની વાત કરીએ તો જથ્થાબંધ બજારમાં ટામેટાંની કિંમત પ્રતિ કિલો 50થી 65 રૂપિયા જ્યારે કે છૂટક બજારમાં તેની કિંમત 90થી 110 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે.
વડોદરામાં જથ્થાબંધ બજારમાં ટામેટાંની કિંમત પ્રતિ કિલો 55થી 75 રૂપિયા જ્યારે કે રિટેલ માર્કેટમાં 90થી 100ની આસપાસ છે.
સુરતમાં જથ્થાબંધ બજારમાં ટામેટાંની કિંમત પ્રતિ કિલો 50થી 70 રૂપિયા જ્યારે છૂટક બજારમાં તેની કિંમત 80થી 100 રૂપિયા થઈ ગઈ છે.

કેમ વધી કિંમત, શું છે કારણો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બટાકા, કાંદા અને ટામેટાં. આ ત્રણ ઘરમાં બનતી રસોઈની મુખ્ય જરૂરિયાત છે. આ ત્રણ પૈકી એક પણ જો આપણા રસોડામાં હોય તો તે આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે.
આ ત્રણેય શાકભાજી બારમાસી છે.
પણ શું કારણ છે કે મે મહિનામાં જે ટામેટાંની કિંમત પ્રતિ કિલો 20થી 30 રૂપિયાની આસપાસ હતી તે જૂનના અંતમાં અચાનક વધીને 100 રૂપિયાની આસપાસ કેમ પહોંચી ગઈ.
જાણકારો તેની પાછળ ઘણાં કારણો જવાબદાર ગણાવે છે.
અમદાવાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારી પ્રતિનિધિ અહેમદ પટેલ ટામેટાંના ભાવ વધવાનાં કારણોની બીબીસી ગુજરાતી સાથે ચર્ચા કરતા જણાવે છે, “ટામેટાંના માલની માગ વધારે છે અને સપ્લાય ઓછો. ગુજરાતમાં આ સિઝનમાં માલ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આન્ધ્ર પ્રદેશમાંથી આવે છે. ત્રણેય રાજ્યમાં વરસાદ છે તેથી 70 ટકા માલની ઘટ છે. ખેતરોમાં પાણી ભરાયેલાં છે અને માલ માર્કેટમાં પહોંચતો નથી.”
રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચૅરમૅન જયેશ બોઘરા બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે, “જેટલી માગ છે તેટલું ઉત્પાદન નથી.”
“રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થોડા દિવસો પહેલાં ટામેટાં ભરેલી 20-25 ગાડીઓ આવતી હતી જે હવે ઘટીને 10 થઈ ગઈ છે.”
રાજકોટ APMCના ઇન્સ્પેક્ટર રાજુભાઈ ગજેરા કહે છે, “દક્ષિણના રાજ્યોમાંથી માલ આવે છે. હાલ વરસાદ છે એટલે માલનો બગાડ પણ વધારે હોય છે. વરસાદને કારણે ટામેટાંના માલની ગુણવત્તા પણ સારી હોતી નથી.”
તો કેટલાક જાણકાર કહે છે કે આ સિઝનમાં ખેડૂતોએ ટામેટાંના પાકનું વાવેતર જ ઓછું કર્યું હતું કારણકે ગત સિઝનમાં તેમને યોગ્ય ભાવો નહોતા મળ્યા.
સુરત APMCના ડિરેક્ટર બાબુભાઈ શેખ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “ગત સિઝનમાં કેટલાક ખેડૂતોને ક્યાંક તો પાક ઢોરોને ખવડાવી દેવો પડ્યો હતો અથવા તો ફેંકી દેવો પડ્યો હતો. બજાર ડાઉન હોવાને કારણે ખેડૂતોએ ટામેટાંનું વાવેતર જ ન કર્યું.”
બાબુભાઈ જળવાયુ પરિવર્તનની અસરને પણ આ ભાવવધારા પાછળનું કારણ ગણાવે છે.
તેઓ કહે છે, “હવામાનની અનિયમિતતાને કારણે ટામેટાં પકવતા ખેડૂતોના પાકની ક્વોલિટી અને ક્વોન્ટિટી બગડી છે.”
ટામેટાં જલ્દી બગડી જાય તેવો પાક છે. તેનું સ્ટોરેજ કરવું અઘરું છે. જો ચાર-પાંચ દિવસ સતત જોરદાર વરસાદ આવ્યો તો તેનો પાક બગડી જાય છે. પરિવહન દરમિયાન પણ તેના નુકસાનની સંભાવના વધારે છે.
આમ બગાડને કારણે પણ ઘણીવાર ખેડૂતોને તેના માલની કિંમત નથી મળતી.
રાજુભાઈ ગજેરા જણાવે છે, “દૂરથી માલ આવતો હોય તો એક ટ્રકમાં દોઢ ટન માલ બગડી જવાની પૂરેપૂરી સંભાવના છે.”

ખેડૂતોને યોગ્ય ભાવ કેમ નથી મળતા?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો કહે છે કે ટામેટાંનો પાક જલ્દી બગડી જાય તેવો હોવાથી ખેડૂતોએ માલને જેમ બને તેમ જલદી કાઢી જ નાખવો પડે છે.
માલ લઈ જવા પરિવહનનો ખર્ચ પણ વધારે છે. જેની સામે ખેડૂતોને ઓછો ભાવ મળે તો તેમનો ખર્ચો પણ નીકળતો નથી.
ખેડૂતોની માગ છે કે સરકાર ટામેટાં જેવી શાકભાજીના ભાવ પર નિયંત્રણ મૂકે.
જોકે ટામેટાંનો પાક જલદી બગડી જાય તેવો હોવાથી અને તેનું સ્ટોરેજ મુશ્કેલ હોવાથી તેની એમએસપી નક્કી નથી.
જોકે ખેડૂતો કહે છે કે સરકારે કંઈક તો રાહત આપવી જોઈએ.
ટામેટાં પકવતા ખેડૂત પરષોત્તમભાઈ રાજપૂત કહે છે, “એક તો ખેડૂતોની આવક ઓછી છે. ખર્ચો વધતો જાય છે. પાકમાં નુકસાની જાય તો દેવું વધી જાય છે. આવામાં પાકનો ભાવ ન મળે તો ખેડૂતોની હાલત કફોડી થાય છે.”
“જો ખેડૂતોને નુકસાન થતું હોય તો સરકાર તેનો ખર્ચો નીકળે તેટલી સહાય આપે તો પણ ઘણું.”
અહેમદ પટેલ પોતે પણ ટામેટાં પકવતા ખેડૂત છે. તેઓ કહે છે, “એક વિઘાની જમીનમાં ટામેટાં ઉગાડવાનો ખર્ચ અંદાજીત 37થી 40 હજાર રૂપિયા આવે છે. તેમાં ખેડૂતની મહેનત તો ગણી જ નથી. જો તેને પ્રતિ કિલો દસ રૂપિયા પણ ન મળે તો તેનો ખર્ચો પણ નીકળતો નથી.”
જોકે જાણકારો કહે છે કે ખેડૂતોને ભાવો નથી મળતા અને બીજી તરફ ટામેટાંના ભાવો આસમાને છે. એનો અર્થ એ છે કે વચેટીયાઓ મલાઈ ખાઈ જાય છે.

સરકાર શું કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
સરકારનું કહેવું છે કે આ ભાવવધારો અસ્થાયી છે. તેનું કહેવું છે કે થોડા સમય બાદ આ ભાવો નીચે આવશે. સરકારી અધિકારીનું કહેવું છે કે દેશના ટામેટાં પકવતા પ્રદેશોમાં ભારે વરસાદને કારણે પરિવહનને અસર પહોંચી છે તેથી માલની અછત છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે ટામેટાંની કિંમતમાં ઉતાર-ચઢાવને નિયંત્રણમાં લાવવા માટે 'ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ' શરૂ કરી છે. જે અંતર્ગત તેના ઉત્પાદન, સંસ્કરણ અને સ્ટોરેજમાં સુધાર લાવવા નવા વિચારોનો આમંત્રિત કરાશે. સરકારને આશા છે કે નવા વિચારોથી જે પ્રોટોટાઇપ બનશે તેનાથી નવી દિશા મળશે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના પ્રાઈઝ મોનિટરિંગ વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર એસ. રેન્થલઈએ બીબીસી ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું, “આ સિઝનમાં ટામેટાંના ભાવ વધે જ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પેટર્ન જોવા મળી છે. ઉત્પાદનમાં કોઈ કમી નથી. નવો પાક બજારમાં આવશે એટલે કિંમતો ઘટી જશે. વરસાદને કારણે તથા ભેજવાળા વાતાવરણને કારણે ટામેટાંના પાકનો બગાડ વધારે થાય છે. તેથી સપ્લાયમાં ઘટ છે. આ નૈસર્ગિક અસર છે.”
સરકારનું કહેવું છે કે ટામેટાં બહુ જલ્દી ખરાબ થાય તેવો પાક છે. વધારે કે અચાનક વરસાદ થવાથી તેના પરિવહનને અસર પહોંચે છે.
તો બીજી તરફ તામિલનાડુ સરકારે લોકોને યોગ્ય ભાવે ટામેટાં મળે તે માટે રાજ્યભરમાં ફાર્મ ફ્રેશ આઉટલેટ્સ ખોલવાનો નિર્ણય કર્યો છે. જ્યાં ગરીબ અને મધ્યમવર્ગને 60 રૂપિયા પ્રતિ કિલો ટામેટાં મળી શકશે.

ભારતમાં ટામેટાંનું ઉત્પાદન કેટલું થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વમાં ટામેટાંનું સૌથી વધુ ઉત્પાદન ચીન કરે છે. કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં આશરે વર્ષે દહાડે 1.8થી 2 કરોડ ટન ટામેટાંનું ઉત્પાદન થાય છે.
વિશ્વમાં ઉત્પાદન થતા કુલ ટામેટાંના 11 ટકા ટામેટાં ભારતમાં પાકે છે.
ભારત વિશ્વનો 26માં નંબરનો સૌથી વધુ ટામેટાંની નિકાસ કરતો દેશ છે.
સરકારી આંકડા મુજબ ભારતે ગત વર્ષે 89 હજાર મેટ્રિક ટન ટામેટાંની નિકાસ કરી છે. તે અંતર્ગત ભારતને 28.7 મિલિયન ડૉલરનું વિદેશી હુંડિયામણ મળ્યું હતું.
જોકે ભારત ટામેટાંની આયાત પણ કરે છે.
જોકે આ વર્ષે ટામેટાં અને કાંદાનું ઉત્પાદન ઘટવાની સંભાવના કૃષિ મંત્રાલયે વ્યક્ત કરી છે. આ વર્ષે ટામેટાંનું 20.62 મિલિયન ટન ઉત્પાદન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે ગત વર્ષે 21.18 મિલિયન ટન હતું.
ભારતમાં ક્યાં ક્યાં થાય છે ટામેટાંની ખેતી?
ભારતમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ ટામેટાં પાકે છે. અહીં શાહદોલ, જબૂવા, રતલામ, સાગર એ ટામેટાં પકવતા વિસ્તારો છે.
આન્ધ્ર પ્રદેશ બીજા ક્રમે છે. અહીં કૂર્નૂલ, ચિત્તૂર, વિશાખાપટ્ટનમ અને પ્રકાશમ જિલ્લામાં ટામેટાંનું મબલક ઉત્પાદન થાય છે.
કર્ણાટક એ ભારતનું ત્રીજું સૌથી વધુ ટામેટાંનું ઉત્પાદન કરતું રાજ્ય છે. અહીં કોલાર, ચિક્કાબેલ્લાપુર, બેલગામ, તૂમકૂર, હસન એ મુખ્ય ટામેટાંપકવતા વિસ્તારો છે.
પછી તામિલનાડુ, ઓડિશા અને ગુજરાતનો નંબર છે.
ગુજરાતમાં ભારતમાં પાકતા કુલ ટામેટાંના સાત ટકા ટામેટાં પાકે છે. વર્ષ 2021-22માં ગુજરાતમાં 13.95 લાખ ટન ટામેટાંનું ઉત્પાદન થયું હતું.

ગુજરાતમાં ઠંડીની સિઝનમાં જ થાય છે ટામેટાં

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ઠંડીની સિઝનમાં જ ટામેટાં પાકે છે. બાકીની સિઝનમાં રાજ્યમાં દક્ષિણનાં રાજ્યોમાંથી ટામેટાં મંગાવવામાં આવે છે. ગુજરાતમાં મહદંશે ટામેટાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આન્ધ્ર પ્રદેશમાંથી આવે છે. મધ્ય પ્રદેશમાંથી પણ ટામેટાં મંગાવવામાં આવે છે.
રાજકોટ ખાતેના ટામેટાંના વ્યાપારી રાજાભાઈ બાબૂતર બીબીસી ગુજરાતી સાથે ખાત વાતચીતમાં જણાવે છે, “રાજકોટમાં ટામેટાંનો માલ કોલાર, દાવણગીરી, ઓસૂર, મૈસૂર, નારણગાંવ, સંગમનેર, ચિકમંગલૂરથી આવે છે.
અમદાવાદના ટામેટાંના વેપારી અહેમદ પટેલ કહે છે, “ગુજરાતમાં કર્ણાટકના કોલાર અને મહારાષ્ટ્રના સંગમનેરથી ટામેટાં આવે છે.”
તેઓ કહે છે કે ગુજરાતનો ટામેટાંનો પાક દિવાળી બાદ માર્કેટમાં આવે છે.
અહેમદ પટેલ કહે છે, “સાણંદ, ઇડર, છોટા ઉદેપુર, ખેડા-નડિયાદમાં કે દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે ટામેટાંનો પાક લેવામાં આવે છે.”
“ગુજરાતના ટામેટાંની માગ બ્રિટન, દુબઈ, મલેશિયા જેવા દેશોમાં પણ છે. પહેલાં જ્યારે પાકિસ્તાન સાથે વ્યાપાર ચાલતો હતો ત્યારે પાકિસ્તાન આપણા ટામેટાંનું સૌથી મોટું ખરીદાર હતું. પણ હવે તેની સાથે વ્યાપાર બંધ છે.”














