કાશ્મીરની મસ્જિદમાં નમાજીઓ પાસે ‘જય શ્રી રામ’ બોલાવવાના આરોપની હકીકત શું છે?

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
- લેેખક, માજીદ જહાઁગીર
- પદ, શ્રીનગરથી, બીબીસી હિન્દી માટે
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના જાડોરા ગામની મસ્જિદમાં ભારતીય સેનાની એક ટુકડી પર નમાજીઓ પાસે બળજબરીથી 'જય શ્રી રામ' ના સૂત્રોચ્ચાર કરાવાયો હોવાનો આરોપ લાગ્યો છે.
જમ્મુ કાશ્મીરનાં ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓ ઉમર અબ્દુલ્લાહ, ગુલામ નબી આઝાદ અને મહેબૂબા મુફ્તીએ આ મામલાની સખત નિંદા કરી છે અને તપાસની માંગ કરી છે.
જોકે આ મામલે ભારતીય સેના અને સ્થાનિક પોલીસ પ્રશાસનની તરફથી કોઇ અધિકૃત નિવેદન આવ્યું નથી.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના જાડોરા ગામના મુખ્ય માર્ગ પર સોમવારે લગભગ 12.30 વાગ્યે પોલીસની ત્રણ ગાડીઓ ઊભી હતી.
પોલીસકર્મીઓની સાથે ગામના લોકો પણ હાજર હતા. પરિસ્થિતિ તંગ લાગતી હતી.
અમે પોલીસની કારની નજીક ગામની અંદર જતા રસ્તા તરફ જોયું ત્યારે અમે મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને કેટલાક પુરુષો પણ જોયા.
જમ્મુ-કાશ્મીર પોલીસના બે અધિકારીઓ મહિલાઓની ભીડને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
એ ભીડ પાસે અમે ગયા ત્યારે તે મહિલાએ કહ્યું, "કાલે આ લોકો એવું પણ કહેશે કે તમે લોકો હવે કપાળ પર ચાંદલો પણ કરો. અમે આ સહન નહીં કરી શકીએ." આટલું કહીને મહિલા ત્યાંથી આગળ જતી રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ડર અને તણાવનો માહોલ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છે.
જાડોરા ગામમાં રહેતા મોહમ્મદ અલ્તાફ ભટ્ટ બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે તેઓ આ સમગ્ર મામલાના પ્રત્યક્ષદર્શી છે.
તે દાવો કરે છે કે, "ગયા શુક્રવાર (16 જૂન)ની મધ્યરાત્રિની વાત છે. મારા ભાભીએ મને કહ્યું કે જાવેદને સેના ઉપાડી ગઈ છે. જાવેદ મારો નાનો ભાઈ છે. ભાભીએ કહ્યું હતું કે સેનાના લોકો અમારા ગામમાં જાડોરા કૅમ્પથી આવ્યા હતા. સેનાએ તેને લગભગ બે કલાક સુધી પોતાની સાથે રાખ્યો હતો. અમે જાવેદની ચીસો સાંભળી રહ્યા હતા. અવાજો એ રીતે આવી રહ્યા હતા જાણે કે તેને મારવામાં આવી રહ્યો હોય.”
“જ્યારે અમે અમારા ભાઈ પાસે જવાનો પ્રયાસ કર્યો, ત્યારે સેનાએ અમને ત્યાં જવા ન દીધા. સેનાએ અમારા દરવાજા બંધ કરી દીધા હતા. આ દરમિયાન અમારી મસ્જિદના મોઅઝ્ઝિન (મસ્જિદનામાં અજાન આપવાવાળા) મસ્જિદમાં અઝાન આપી રહ્યા હતા. જ્યારે તે અઝાન પૂરી કરીને મસ્જિદમાંથી બહાર આવ્યા ત્યારે સેનાના જવાનોએ તેને મસ્જિદની બહાર પકડી લીધા અને તેને "જય શ્રી રામ"નો સૂત્રોચ્ચાર કરવા કહ્યું.”
“જ્યારે તેણે ના પાડી તો તેમણે તેને થપ્પડ પણ મારી. ત્યારબાદ તેણે બે-ત્રણ વાર "જય શ્રી રામ" કહ્યું. પછી તેને મસ્જિદના માઈક પર આ શબ્દ બોલવાનું કહેવામાં આવ્યું. જ્યારે તે મસ્જિદના ગેટ પાસે પહોંચ્યા ત્યારે ત્યાંથી જ તેઓ ભાગી નીકળ્યા."

અઠવાડિયા પછી ફરીથી બની ઘટના

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
મોહમ્મદ અલ્તાફનું કહેવું છે કે આ ઘટનાના એક અઠવાડિયા બાદ તેના ગામમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે.
તે દાવો કરે છે કે, "બે દિવસ પહેલાની વાત છે. એ પણ શુક્રવારની જ રાત હતી. હું ઊંઘી રહ્યો હતો. તે દરમિયાન એક છોકરો મને કહેવા આવ્યો કે કેટલાક લોકો તમને શોધી રહ્યા છે. જ્યારે હું બહાર આવ્યો, ત્યારે 50 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR)ના કેટલાક જવાનો ત્યાં ઊભા હતા."
"ત્યારબાદ તેઓ મારા ભાઈ જાવેદને શોધતા હતા. મેં જાવેદને બહાર કાઢ્યો અને તેને સેનાના હવાલે કર્યો. આ દરમિયાન ગામનો એક અન્ય છોકરો પણ આવ્યો જેને સેનાએ બોલાવ્યો હતો. એટલી વારમાં ગામનાં એક બીજા યુવાન કામરાનને તેઓ અર્ધનગ્ન હાલતમાં લાવ્યા. જે છાવણીમાંથી સેના આવી હતી તેના મેજર કારમાં બેઠા હતા. જ્યારે મેં વાહનની નજીક જવાનો પ્રયાસ કર્યો ત્યારે મને અટકાવવામાં આવ્યો હતો.”
"આ દરમિયાન તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. તે સમયે રાતના 3:30 વાગ્યા હતા. ગામનો અન્ય એક છોકરો આરિફ જે મસ્જિદ પાસે રહે છે. તે મસ્જિદમાં અઝાન પઢવા ગયો હતો. તેને ખબર ન હતી કે સેના ગામમાં છે. તેણે મસ્જિદમાં અઝાન આપવાનું શરૂ કર્યું. જ્યારે તે અઝાન પૂરી કરવા જતો હતો અને અઝાન હજુ પૂરી થઈ ન હતી ત્યાં જ એકદમ સન્નાટો ફેલાઈ ગયો.”

સેનાનો જવાન અને ‘જય શ્રી રામ’નો સૂત્રોચ્ચાર

ઇમેજ સ્રોત, Getty Images
"તે દરમિયાન સેનાનો જવાન મસ્જિદમાં પ્રવેશ્યો અને આરિફને "જય શ્રી રામ" બોલવા કહ્યું. કદાચ તેણે વાત માની નહીં અને માઇક બંધ કરી દીધું. સેનાએ ફરીથી માઇક શરુ કર્યું અને "જય શ્રી રામ" બોલવાનું કહ્યું. આ બધું અમે સાંભળી રહ્યા હતા. સેનાનો જવાન તેને કહી રહ્યો હતો કે તમે અઝાન આપો છો તેવી જ રીતે "જય શ્રી રામ" બોલો.
તેઓ કહે છે, “જે મસ્જિદમાં “જય શ્રી રામ” ના નારા લાગ્યા હતા, એ મસ્જિદથી લગભગ ચારસો મીટર દૂર બીજી મસ્જિદ છે. ત્યાંથી પણ પાંચ-સાત વાર “જય શ્રી રામ” ના નારા લાગ્યા હતા. અમારા ગામના એક શિક્ષક પાસે એ નારા લગાવડાવવામાં આવ્યા હતા. આ મસ્જિદ ગામની જામા મસ્જિદ છે."

ગામનાં લોકોને કઈ વાતનો ડર છે?

ઇમેજ સ્રોત, Getty Images
અલ્તાફ કહે છે કે આ દરમિયાન મારી બહેને મને ફોન કર્યો કે જાવેદને છોડી દેવામાં આવ્યો છે તેને માર મારવામાં આવ્યો છે.
અલ્તાફે એમ પણ કહ્યું કે 'જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે જાવેદે હાથ જોડીને વિનંતી કરી કે આ ઘટના વિશે કોઈને ન કહેવું.'
જાવેદ અહમદ સાથે વાત કરવાનો અમે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ વાત કરવા માટે તૈયાર ન થયા.
ગામના અન્ય એક યુવકે જણાવ્યું કે તે દિવસે ગામના એક વ્યક્તિએ અમને સવારની નમાજ પઢાવી હતી, સેનાએ તેને પહેલાથી જ કહી રાખ્યું હતું કે મસ્જિદમાં "જય શ્રી રામ" ના નારા લગાવવાના છે.
તેણે કહ્યું કે તે દિવસે મસ્જિદમાં અમે માત્ર પાંચ જ લોકો હતા અને જ્યારે નમાજ પૂરી થઈ ત્યારે તે વ્યક્તિએ માઈક પર "જય શ્રી રામ" ના નારા લગાવ્યા.
તેણે કહ્યું કે અમે ડરના કારણે લાંબા સમય સુધી મસ્જિદમાંથી બહાર ન આવ્યા.

સેના તરફથી કોઈ જવાબ મળ્યો નથી

ઇમેજ સ્રોત, Getty Images
મોહમ્મદ અલ્તાફે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસના કેટલાક અધિકારીઓ સોમવારે અહીં આવ્યા હતા અને તેમણે અમને ખાતરી આપી છે કે ભવિષ્યમાં ગામમાં આવી ઘટનાઓ નહીં બને.
સોમવારે જાડોરા ગામમાં હાજર એક પોલીસ અધિકારીએ 'ઑફ ધ રેકોર્ડ' જણાવ્યું કે હવે મામલો ઉકેલાઈ ગયો છે.
મોહમ્મદ અલ્તાફે એ પણ જણાવ્યું કે સેનાના કમાન્ડન્ટે તેમને કૅમ્પમાં બોલાવ્યા અને ઘટના માટે માફી માંગી.
તેણે એમ પણ કહ્યું કે કમાન્ડન્ટે તેને કહ્યું કે આરોપી મેજરને તેની ફરજ પરથી હઠાવી દેવામાં આવ્યા છે.
શ્રીનગરમાં સેનાના પ્રવક્તા ઈમરાન મોસ્વીએ બીબીસીને જણાવ્યું કે તેમની પાસે આ ઘટના અંગે કે મેજરને હઠાવવા અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.
આ મામલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહ અને એડીજીપી વિજય કુમારનો વારંવારના પ્રયાસો પછી પણ સંપર્ક થઈ શક્યો ન હતો.
જમ્મુ અને કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લાહ, ગુલામ નબી આઝાદ અને મહેબૂબા મુફ્તીએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને આ મામલે કડક તપાસની માંગ કરી છે. કાશ્મીરના અન્ય રાજકીય પક્ષોએ પણ આ ઘટના પર ભારે અફસોસ વ્યક્ત કર્યો છે.














