એ કાશ્મીરી પંડિત પરિવારની કહાણી જેને મુસલમાનોએ પલાયન ન કરવા દીધું

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી હિંદી માટે, શ્રીનગરથી
કાશ્મીરી પંડિત બદ્રીનાથ ભટ્ટ શ્રીનગરથી લગભગ 30 કિલોમિટર દૂર આવેલા પોતાના ગામ લારમાં ત્રણ માળના મકાનના નીચલા માળે કાશ્મીરી ફિરાન પહેરીને આશા-નિરાશાનું જીવન વિતાવી રહ્યા છે.
હું જ્યારે ત્યાં પહોંચ્યો તો 78 વર્ષીય બદ્રીનાથ મને આવકારવા માટે બહાર આવ્યા અને પ્રેમથી અંદર લઈ ગયા.
તેમના બેઠકખંડમાં અનેક હિંદુ ધાર્મિક પુસ્તકો, હિંદીમાં અનુવાદિત કુરાન અને ભગવાન શિવની તસવીર રાખવામાં આવી હતી.
બદ્રીનાથ એવા કાશ્મીરી પંડિતોમાંના એક છે જેમણે અન્ય કાશ્મીરી પંડિતોની જેમ ક્યારેય કાશ્મીરમાંથી સ્થળાંતર કર્યું નથી.
તેમણે પોતાની કાશ્મીર ન છોડવાની કહાણી જણાવી...
તેઓ કહે છે, "કોઈએ ક્યારેય પોતાનું વતન ન છોડવું જોઈએ. મારા હૃદયે મને ક્યારેય કાશ્મીરમાંથી સ્થળાંતર કરવાને સમર્થન આપ્યું નથી."
"બીજું, બહુમતી સમુદાયનું અમારા પ્રત્યેનું વલણ ઘણું સારું રહ્યું છે. આપણા ધર્મગ્રંથોમાં પણ લખ્યું છે કે કોઈએ પોતાના જન્મસ્થળથી દૂર ન જવું જોઈએ. અમારા કાશ્મીર ન છોડવાના બે મુખ્ય કારણો હતા."
હાલમાં બદ્રીનાથના લાર ગામમાં છ કાશ્મીરી પંડિતો રહે છે. આ તમામ લોકો એકબીજાના સંબંધીઓ અને પાડોશીઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાર ગામમાં કુલ 25 કાશ્મીરી પંડિત પરિવારો રહેતા હતા.
બદ્રીનાથના બે પુત્રો સરકારી નોકરી કરે છે અને તેઓ પોતે નિવૃત્ત સરકારી કર્મચારી છે.
સરકારે તેમની સુરક્ષા માટે કેટલાક પોલીસકર્મીઓ તહેનાત કર્યા છે. રાત્રે તેમના ઘર બહાર કાંટાળા તાર ગોઠવવામાં આવે છે.
અહીં આસપાસ છ કાશ્મીરી પંડિતોના મકાન છે. જેની આસપાસ માત્ર મુસલમાનોની વસતી છે.

ઘણા પરિવારોએ કાશ્મીર છોડ્યું નથી

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1998માં ગાંદરબલના વંધહામા શહેરમાં 23 કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓ માટે ચરમપંથી સંગઠન લશ્કર-એ-તોયબાને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.
1989માં કાશ્મીરમાં ચરમપંથ શરૂ થયા બાદ ઘણા કાશ્મીરી પંડિતોની ચરમપંથીઓએ હત્યા કરી હતી. એ બાદથી કાશ્મીરી પંડિતોનું પલાયન શરૂ થયું હતું.
કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ પ્રમાણે, કાશ્મીરમાં એવા 800 કાશ્મીરી પંડિત પરિવાર છે જે કાશ્મીર છોડીને ગયા ન હતા.
બદ્રીનાથનાં પત્ની લલિતા ભટ્ટ ઘરના રસોડામાં રોજની જેમ કામકાજમાં વ્યસ્ત હતાં. તેઓ વાત કરવામાં ખચકાટ અનુભવી રહ્યાં હતાં.
તેમ છતાં તેમણે કહ્યું, "અમે અહીં અમારા મુસ્લિમ પાડોશીઓ સાથે પ્રેમથી રહીએ છીએ. તેમની માતા, પુત્રીઓ મારી પાસે આવે છે અને હું પણ તેમના ઘરે જાઉં છું. હું હંમેશાં એમ કહું છું કે પહેલા સગા પાડોશી, પછી સગાસંબંધીઓ."
તેઓ જણાવે છે, "થોડા દિવસો પહેલાં જ અમારો તહેવાર હતો. ઘણા પાડોશીઓ અમારા ઘરે આવ્યા. તેઓ ચા પીવા આવ્યા, અખરોટ પણ લઈ ગયા. અમારા પાડોશીઓ વચ્ચે વાટકી વ્યવહાર પણ ચાલતો રહે છે અને વાર-તહેવારે અમે એકબીજાનાં ઘરે પણ આવતા-જતા રહીએ છીએ."
છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને ફરી એક વખત નિશાન બનાવવાના મામલા સામે આવ્યા છે.

'મુસ્લિમોએ અમને જવા ન દીધા'

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
તાજેતરમાં જ દક્ષિણ કાશ્મીરમાં એક કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યા કરવામાં આવી હતી. સંજય શર્મા એ કાશ્મીરી પંડિતોમાંથી એક હતા જેમણે કાશ્મીરમાંથી પલાયન કર્યું ન હતું.
આ હત્યાઓ બાદ અત્યાર સુધી પલાયન ન કરાનારા કાશ્મીરી પંડિત પરિવારોમાં ભયનો માહોલ ઊભો થયો.
બદ્રીનાથ કહે છે, "આ જે કાશ્મીરી પંડિતોની હત્યા થઈ રહી છે, તેનાંથી ડર તો છે જ. વિચારીએ છીએ કે ખબર નહીં, કોણ આવશે, શું થશે અને કોણ ક્યારે મરી જશે? પણ અત્યાર સુધી કંઈ વિચાર્યું નથી કે પોતાનું ગામ છોડીને જઈએ કે નહીં. અત્યારે તો અમે બેઠા છીએ. જોઈએ, આગળ ભગવાનને શું મંજૂર છે!"
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ડર કોનાથી લાગે છે? તો બદ્રીનાથે જવાબ આપ્યો, "અહીંના મુસલમાનો ખુદ ડરમાં છે. તેમને એ વાતનો ડર છે કે જો કોઈ આવશે તો અમને બધાને નુકસાન થશે."
બદ્રીનાથના ઘરની બાજુમાં જ તેમના મોટા ભાઈ પંડિત સોમનાથ ભટ્ટ રહે છે. સોમનાથ એ સમયને યાદ કરે છે જ્યારે કાશ્મીરી પંડિતોએ પલાયન શરૂ કર્યું હતું, પણ તેમણે ખુદ પલાયન કર્યું ન હતું.
એ સમયને યાદ કરતા તેઓ કહે છે, "અમે પણ ઘણી વખત કાશ્મીરમાંથી પલાયન કરવાનો પ્રયત્ન કર્યો પણ મુસલમાન સમાજે અમને જવા ન દીધા. તેમણે કહ્યું કે જો અમે કાશ્મીર છોડીને જઈશું તો તેઓ પણ અમારી સાથે નીકળી જશે."
તેઓ કહે છે, "મુસ્લિમ સમાજના લોકોએ કહ્યું કે જો ક્યારેય કોઈ પણ તમને નુકસાન પહોંચાડવા આવશે તો અમે તમારી સાથે ખડેપગે ઊભા રહીશું. આ જોઈને અમે બધું સહન કરી લીધું અને ખુશીથી અહીં રહેવા લાગ્યા."
ગત વર્ષે 'પ્રધાનમંત્રી પૅકેજ' અંતર્ગત કામ કરનારા એક કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની શકમંદ ચરમપંથીઓએ બડગામમાં તેમની સરકારી ઑફિસમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
એ પછી કાશ્મીરમાં પીએમ પૅકેજ અંતર્ગત કામ કરનારા કાશ્મીરી પંડિતોને ધરણા-પ્રદર્શન શરૂ કર્યું અને સરકાર પાસે માગ કરી કે તેમને કાશ્મીર બહાર તહેનાત કરવામાં આવે.
અંદાજે છ મહિના સુધી પ્રદર્શન કર્યા બાદ આ પંડિત કર્મચારીઓએ પોતાની હડતાળ પાછી ઠેલવી હતી.
પીએમ પૅકેજ અંતર્ગત કામ કરનારા કાશ્મીરી પંડિતોની સંખ્યા ચાર હજારથી વધુ છે અને તેમને ઘણા જિલ્લામાં ટ્રાન્ઝિટ કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા.

ક્યા પ્રકારની મુશ્કેલીઓ હોય છે?

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
લગ્ન અને ધાર્મિક વિધિઓ પૂરી કરવી બદ્રીનાથ જેવા પંડિતો માટે સરળ નથી.
બદ્રીનાથ કહે છે કે મુસ્લિમોના પ્રેમ અને ધર્મની સ્વતંત્રતા હોવા છતા કેટલીક બાબતો ખૂટે છે.
તેઓ કહે છે, "જો કોઈનું મૃત્યુ થાય છે તો અંતિમ સંસ્કાર કરવા માટે જમ્મુના બદરવાહ લઈ જવા પડે છે. લગ્ન માટે છોકરો કે છોકરી શોધવી પણ મુશ્કેલ પડે છે. શોધવા માટે જમ્મુ જવું પડે છે."
સોમનાથ કહે છે કે જ્યારે અમારા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે તો અમારા પાડોશી મુસ્લિમો ખુદ તમામ કામ હાથમાં ઉપાડી લે છે અને અમારી મદદ કરે છે.
તેઓ કહે છે, "આવા કિસ્સામાં મુસ્લિમ ભાઈઓ એક રીતે તમામ જવાબદારીઓ ઉપાડી લે છે."
જોકે, બદ્રીનાથ અન્ય એક ફરિયાદ કરે છે કે આજ સુધી જેટલી પણ સરકાર આવી, તેમના માટે કંઈ કર્યું નથી. બીજી બાજુ તેઓ એમ પણ કહે છે કે તેમના જિલ્લાના એક પૂર્વ ધારાસભ્યએ છેલ્લા ચાર વર્ષમાં તેમનાં ઘણાં કામ કર્યા.
બદ્રીનાથના ઘરના આંગણામાં એક નાનકડું મંદિર બનાવેલું છે અને ગામમાં પણ બે મોટાં મંદિરો છે. તે પૈકીનું એક શિવ મંદિર બતાવવા માટે બદ્રીનાથ મને તેમની સાથે લઈ ગયા. રસ્તામાં ઘણા મુસ્લિમો મળ્યા અને બધાએ એકબીજાના ખબર-અંતર પૂછ્યાં.
બદ્રીનાથે જણાવ્યું કે પૂજા માટે તેઓ ગામના આ શિવ મંદિરમાં રોજ જાય છે. મંદિર બહાર બદ્રીનાથની મુલાકાત એક સ્થાનિક મુસ્લિમ અબ્દુલ અઝીઝ સાથે થઈ.
અઝીઝે મારી સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ બદ્રીનાથને છેલ્લા 30 વર્ષથી ઓળખે છે.
તેમનું કહેવું હતું, "છેલ્લા 30 વર્ષથી આ પંડિતો સાથે મારા સારા સંબંધ છે. આ પંડિતોએ હંમેશાં મને રાહત આપી છે. હું જ્યારે પણ તેમની સાથે વાત કરું છું તો તેઓ મારી વાતને સમજે છે અને માને છે. અમે એકબીજાના ઘરે અવરજવર રાખીએ છીએ. મને કોઈ મુશ્કેલી પડે તો હું તેમને કહું છું. મુસલમાનો પર એટલો ભરોસો નથી, જેટલો તેમના પર છે. તેમને પણ કોઈ કામ હોય તો મને કહે છે."

આર્ટિકલ 370 હઠ્યા બાદ શું બદલાયું?

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC
બદ્રીનાથને જ્યારે પૂછ્યું કે આર્ટિકલ 370 હઠ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં શું બદલાયું? તો તેના જવાબમાં સોમનાથ કહે છે કે તેમના માટે તો કંઈ બદલાયું નથી. તેઓ પૂછે છે કે જો કંઈક બદલાયું હોત તો પછી ચરમપંથ ખતમ કેમ ન થયો?
તેમનું એ પણ કહેવું હતું, "આ તો રાજકીય મામલો છે અને નેતાઓ જ એ વિશે જાણે છે. અમારા માટે તો કંઈ બદલાયું નથી. અમે તો જેવા હતા એવા જ છીએ."
સોમનાથ વ્યવસાયે એક ખેડૂત છે અને ગામમાં જ ખેતી કરે છે.
તાજેતરમાં જ્યારે પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય કુમારની હત્યા કરવામાં આવી હતી ત્યારે કાશ્મીરમાં કામ કરી રહેલા નૉન માઇગ્રન્ટ કાશ્મીરી પંડિતોના સંગઠન કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સંજય ટીકોને બીબીસીએ ટૅલિફોનિક વાતચીત દરમિયાન પૂછ્યું કે આપ લોકો (નૉન માઇગ્રન્ટ કાશ્મીરી પંડિત)ની સરકાર પાસે શું માગ છે?
આ વિશે તેમનું કહેવું છે, "અમારી સરકાર પાસે માગ છે કે નૉન માઇગ્રન્ટ કાશ્મીરી પંડિતો માટે અલગથી દરેક જિલ્લા કે પછી શ્રીનગરમાં ટ્રાન્ઝિટ કૅમ્પ બનાવવામાં આવે અને જો હાલત વધુ ખરાબ થાય તો લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવે."
જોકે, બદ્રીનાથ ટ્રાન્ઝિટ કૅમ્પ જેવા સૂચનથી સંતુષ્ટ લાગતા નથી.
તેઓ કહે છે, "આ મારા અંગત વિચાર છે. હું એક ખેડૂત છું અને કાશ્મીરી પંડિત પણ. મારી પાસે જમીન અને બાગ છે. આ જમીન પર અમે આખું વર્ષ ખેતી કરીએ છીએ. હું જો શ્રીનગર રહેવા ચાલ્યો જાઉં તો ત્યાં શું ખાઈશ? એવા લોકો જઈ શકે છે જેમની પાસે જમીન નથી."














