'જો વિશ્વાસ ન હોય તો ગોળી મારી દો', જ્યારે ભારતીય સેનાનો જવાન હિઝબુલના કૅમ્પમાં ઘૂસ્યો

ઇમેજ સ્રોત, Twitter/ @ShivAroor
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે

- સરિન પરિવારે શર્મા પરિવાર પર પુત્રી સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ કેમ મૂક્યો હતો?
- ભારતીય સેનાનો 'પઠાન' હિઝબુલના કૅમ્પમાં ઘૂસ્યો ત્યારે શું થયું?
- મેજરના જીવન પર 'ઇફ્તિખાર' નામની ફિલ્મના નિર્માણની જાહેરાત કરાઈ છે
- મેજર મોહિત શર્માનો જન્મ હરિયાણાના રોહતકમાં થયો હતો

બુધવારે યશરાજ ફિલ્મસની 'સ્પાય વર્સ'ની વધુ એક ફિલ્મ 'પઠાન' રજૂ થઈ રહી છે, જેમાં શાહરુખ ખાન રો (રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ) વિંગના જાસૂસની ભૂમિકા ભજવે છે.
અનેક જાંબાઝ રિયલ લાઇફમાં આ પ્રકારના જીવ સટોસટના ખેલ રમે છે અને એમાંથી જ એક હતા મેજર મોહિત શર્મા. જેમણે વેશપલટો કરીને હિઝબુલ મુજાહિદ્દીનના મોટા કમાન્ડરો સુધી પહોંચ મેળવી હતી, એટલું જ નહીં તેમનો પણ ખાતમો કર્યો હતો.
આના પછી મેજર મોહિત શર્મા વધુ એક પરાક્રમ કરવાના હતા, જેના માટે તેમને શાંતિસમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોકચક્ર' મેળવનાર નામોની જાહેરાત થઈ, ત્યારે તેમનું નામ પણ સામેલ હતું.
પેરા સ્પેશિયલ ફૉર્સના જવાનો તેમની છાતી ઉપર 'બલિદાન'નો બેજ ધારણ કરે છે અને મેજર શર્માએ સર્વોચ્ચ બલિદાન આપીને આ પુરસ્કાર મેળવ્યો હતો. અલબત્ત મરણોપરાન્ત.
મેજરના જીવન પર 'ઇફ્તિખાર' નામની ફિલ્મના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે.

ચિંટુથી માઇક સુધીની સફર

ઇમેજ સ્રોત, Twitter/Taran_Adarsh
'ઇન્ડિયાસ મોસ્ટ ફિયરલેસ' શ્રેણી હેઠળ પત્રકાર શિવ અરૂર અને રાહુલ સિંહે અસામાન્ય વીરતા દેખાડનાર સૈનિકોના જીવનને સંકલિત કર્યા છે. આ શ્રેણીના બીજા પુસ્તકનું પહેલું પ્રકરણ મેજર મોહિત શર્માના જીવન પર પ્રકાશ પાડે છે.
1978ની 13મી જાન્યુઆરીના દિવસે મેજર મોહિત શર્માનો જન્મ હરિયાણાના રોહતકમાં થયો હતો, ઉત્તરાયણની આગળનો દિવસ ઉત્તર ભારત અને વિશેષ કરીને પંજાબ-હરિયાણામાં 'લોહડી' તરીકે ઊજવવામાં આવે છે.
તેમના પિતા રાજિન્દર સરકારી બૅન્કમાં જ્યારે માતા સુશીલા દિલ્હી જળનિગમના કર્મચારી હતાં. તેમનાથી એક વર્ષ મોટાભાઈ મધુર ઍરફૉર્સમાં પ્રવેશ મેળવવા માગતા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સરેરાશ મધ્યમવર્ગીય પરિવારની જેમ શર્મા પરિવાર ઇચ્છતો હતો કે મોહિત એન્જિનિયરિંગનો અભ્યાસ કરે અને બંને ભાઈઓ મળીને કોઈ વેપાર કરે.
1995માં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને ભારતીય સેનામાં જોડાવું હતું. તેમણે એનડીએની (નેશનલ ડિફેન્સ ઍકેડૅમી) પરીક્ષા આપી હતી.
મોહિત પાસ થઈ ગયા હતા, પરંતુ પરિવારે આ વાત છુપાવી હતી. કદાચ મોહિત એસએસબીના (સર્વિસ સિલેક્શન બોર્ડ) ઇન્ટરવ્યૂના કૉલ માટે આશ્વસ્ત હતા એટલે તેમણે પરીક્ષા લેનાર યુપીએસસીને (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) ફોન કર્યો અને પરિવારજનોને જાણ કર્યા વગર ઇન્ટરવ્યૂ આપવા ભોપાલ પહોંચી ગયા.
મોહિત સિલેક્ટ થઈ ગયા અને દિલ્હીમાં તેમની મેડિકલ ચકાસણી થવાની હતી. આ સમયે તેમણે પરિવારને જાણ કરી. શરૂઆતમાં તો માતા-પિતાએ તેમને અટકાવવાનો વિચાર કર્યો, પરંતુ મોહિતની કટિબદ્ધતા જોઈને તેમને અટકાવી શક્યા નહીં.
છેવટે અંડરવેઇટ મોહિતનું વજન વધારવાની જવાબદારી તેમનાં માતા સુશીલાએ ઉપાડ્યું અને સુપેરે પાર પાડ્યું. અહીંથી પરિવારના 'ચિંટુ'ની એનડીએની સફરની શરૂઆત થઈ, જ્યાં સાથી કૅડેટોએ તેમને 'માઇક'નું હુલામણું નામ આપ્યું હતું.
તાલીમકાળ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલનું યુદ્ધ થયું હતું, જેના સમાચાર તાલીમાર્થીઓ નિયમિત રીતે સમાચારમાં જોતા. પહેલાં એનડીએ અને પછી ઇન્ડિયન મિલિટરી ઍકેડૅમીમાંથી મોહિતે તાલીમ મેળવી અને ભારતીય સેનામાં લેફટનન્ટ તરીકે જોડાયા.
લેફ. મોહિતને મદ્રાસ રેજિમૅન્ટની પાંચમી બટાલિયનમાં પહેલું પોસ્ટિંગ મળ્યું. દેશની સૌથી જૂની સૈન્યટુકડીઓમાંથી એકનો યુદ્ધઘોષ છે "વીર મદ્રાસી, આદિ કોલુ, આદિ કોલુ" (વીર મદ્રાસી, માર અને મારી નાખ, માર અને મારી નાખ.) જોકે, તેનો ખરો પરચો તેઓ સ્પેશિયલ ફોર્સના કાર્યકાળ દરમિયાન આપવાના હતા.

હિઝબુલના કૅમ્પમાં કેર

ઇમેજ સ્રોત, Getty Images
શરૂઆતનાં વર્ષોમાં તેમણે જમ્મુ-કાશ્મીરમાં અનેક ઉગ્રવાદવિરોધી અભિયાનોમાં ભાગ લીધો. સંસદ ઉપર હુમલા પછી ભારતીય સેનાએ 'ઑપરેશન પરાક્રમ' હાથ ધર્યું હતું.
ભારત-પાકિસ્તાને સરહદો પર સેનાઓ ખડકી દીધી હતી.
આ દરમિયાન કાલૂચકમાં 'લશ્કર-એ-તોઈબા'ના ઉગ્રવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો, જેમાં 11 નાગરિક, સૈનિકોના 16 પરિવારજન મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે 48 ઘાયલ થયા હતા.
મોહિત અંદરથી હચમચી ગયા હતા.
એક વખત નાદુરસ્ત તબિયતને કારણે રિજેક્ટ થયા બાદ જૂન-2003માં કૅપ્ટન મોહિતનું સિલેક્શન બહુપ્રતિષ્ઠિત 1 પેરા સ્પેશિલય ફોર્સમાં સિલેક્ટ થયા.
આ અરસામાં ઉગ્રવાદી સંગઠન 'હિઝબુલ મુજાહિદ્દીન'ના બે ઉગ્રવાદી અબુ તોરારા અને અબુ સબઝાર દક્ષિણ કાશ્મીરમાં સક્રિય હતા. તેમનું મુખ્ય કામ સ્થાનિક કાશ્મીરી યુવાનોની ભરતી કરવાનું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ઇફ્તેખાર ભટ્ટ નામના યુવાને તેમનો સંપર્ક કર્યો અને ત્રણ વર્ષ પહેલાં તેમના ભાઈનું ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હોવાનું અને તે સેના સામે વેર લેવા માગતો હોવાનું જણાવ્યું. ઊંચો, ખડતલ અને કટ્ટર યુવાન તેમને કામ આવી શકે તેમ હતો.
તોરારા અને સબઝારે તેને અલગ-અલગ રીતે તપાસ્યો અને ખાતરી કરી. યુવાને જરૂર પડ્યે, 'મને તમારી મદદની જરૂર છે, હું શીખી લઈશ' જેવા જવાબ આપ્યા.
યુવાને હાથેથી દોરેલો નકશો રજૂ કર્યો, જેમાં પગપાળા પેટ્રોલિંગ કરતી ભારતીય સેનાની ટુકડીની ઉપર હુમલો કરવાની યોજના હતી.
તોરારા અને સબઝારને યોજના પ્રભાવક લાગી. તેમણે હથિયાર અને બીજી વ્યવસ્થા કરવા માટે અંડરગ્રાઉન્ડ થવાની વાત કહી. ત્યારે ઇફ્તિખારે કહ્યું કે 'તમારી સાથે કે તમારા વિના હું આ ઑપરેશનને અંજામ આપીશ.'
છેવટે ઇફ્તેખારને ગુપ્ત ઠેકાણે લઈ જવા માટે તોરારા અને સબઝાર તૈયાર થયા. હુમલાના પૂર્વ નિર્ધારિત દિવસના એક દિવસ પહેલાં સાંજે વધુ ત્રણ ઉગ્રવાદી તેમની સાથે જોડાવાના હતા અને હૅન્ડગ્રૅનેડની ખેપ પણ તેમને મળવાની હતી.
આ પહેલાં તોરારાને શંકા પડી. તેણે ઇફ્તેખારને પૂછ્યું, "છેલ્લી વાર પૂછું છું, કહી દે કે તું કોણ છે?" આથી ઇફ્તેખાર ગિન્નાઈ ગયો અને તેણે કહ્યું કે 'જો ભરોસો ન હોય તો ગોળી મારી દો.'
સબઝાર સાથે વાત કરવા માટે તોરારાએ પીઠ કરી કે તરત જ ઇફ્તેખારે ચપળતાપૂર્વક તેની પાસે રહેલી પિસ્તોલ કાઢી અને પહેલાં અબુ તોરારા અને પછી અબુ સબઝારને ગોળી મારી દીધી. તેમના મૃત્યુની ખાતરી કરવા માટે વધુ એક-એક ગોળીઓ મારી.
બહાર નીકળવા માટે ઇફ્તેખારે અંધકારના સાંજ થવાની રાહ જોઈ અને અંધકારના ઓળામાં ઓગળી ગયો. બીજા દિવસે તે 1 પેરા સ્પેશિયલ ફોર્સમાં ફરજ બજાવવા હાજર થઈ ગયો. ઇફ્તેખાર ભટ્ટનું સાચું નામ હતું મેજર મોહિત શર્મા.
તેમનાં પત્ની (તત્કાલીન) લેફ. કર્નલ રિશિમાને ટાંકતા આ કિસ્સો અરૂર-સિંહે તેમના પુસ્તકમાં નોંધ્યો છે. આ પરાક્રમ બદલ તેમને સેનામેડલ એનાયત થયો. તોરરા અને સબઝારના મૃત્યુથી હિઝબુલ મુજાહિદ્દીનની ભરતીપ્રક્રિયા બંધ તો ન થઈ, પરંતુ તેનાથી ફટકો ચોક્કસ લાગ્યો હતો.
મેજર શર્મા પહેલાં જો ઉગ્રવાદીઓને ખબર પડી ગઈ હોત, તો કાદચ તેમનો મૃતદેહ સુધ્ધાં ન મળ્યો હોત. સાથી મિત્રો મજાકમાં કહેતા કે ક્યારેક તમને એમ જ હથિયાર સાથે જોઈ લીધાં હોત તો કદાચ સેનાએ પણ તેને ઉગ્રવાદી સમજીને ઠાર માર્યા હોત.
કાશ્મીરમાં પોસ્ટિંગ પહેલાં મેજર શર્મા વાળ-દાઢી વધારી લેતાં, જેથી કરીને તેમનામાં ભળી જઈ શકે. આ રીતે તેમણે બાતમીદારોનું એક આગવું નેટવર્ક પણ ઊભું કર્યું હતું.

તાવોર કે ગિટાર

ઇમેજ સ્રોત, Getty Images
મોટા ભાઈ મધુરે ડીડી કાશ્મીરના કાર્યક્રમ 'શહાદત'માં (એપિસોડ ત્રણ) જણાવ્યું હતું કે મેજર મોહિતને કાર અને ગૅઝેટ્સ ઉપરાંત ગાવા અને નાચવાનો શોખ હતો.
હેમંતકુમારના ગીત તેમને ખૂબ જ પસંદ હતા અને મોટા ભાઈના લગ્નપ્રસંગ દરમિયાન તેમણે ગીત પણ ગાયાં હતાં.
સાથીઓના કહેવા પ્રમાણે, ફિલ્ડ ઑપરેશન્સમાં ઍક્સ્પર્ટ મેજર મોહિતના હાથમાં તાવોર ન હોય, ત્યારે ગિટાર રહેતું.
જમ્મુ-કાશ્મીરથી તેમનું પોસ્ટિંગ સેનાની પશ્ચિમી પાંખના મુખ્યાલય ચંડી મંદિર ખાતે થયું. અહીં તેમની મુલાકાત સાથી સૈન્ય અધિકારી રિશિમા સરીન સાથે થઈ.
રિશિમા સરીનના કહેવા પ્રમાણે,"ભારતીય સેનાની પશ્ચિમ કમાન્ડના મુખ્યાલય ચંડી મંદિર ખાતે બંનેનું પોસ્ટિંગ હતું, ત્યારે તેમની મુલાકાત થઈ હતી. જે એમને એક વખત મળી લે તેમના વ્યક્તિત્વ અને સૅન્સ ઑફ હ્યુમર એવા હતા કે તેને ભૂલી જ ન શકે."
બંનેએ લગ્ન કરી લીધું. એ પછી કમાન્ડોની તાલીમ માટે તેમને કર્ણાટકના બેગલાવી (હાલનું બેલગામ) અને હિમાચલ પ્રદેશમાં 1 પેરા સ્પેશિયલ ફોર્સના મુખ્યાલયે ઈનસ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી.
ફરી એક વખત કાશ્મીરમાં તેમની યુનિટનું પોસ્ટિંગ થવાનું હતું અને અહીં તેઓ વધુ એક પરાક્રમ કરવાના હતા, જે તેમને શાંતિસમયનો વીરતા પુરસ્કાર અપાવનાર હતું.

અશોકચક્ર અપાવનાર અભિયાન
માર્ચ-2009માં હોળીના તહેવાર પહેલાં મેજર મોહિત શર્મા રજાઓમાં ઘરે આવવાના હતા, પરંતુ અન્ય સાથી સૈનિકોને રજા મળી રહે તે માટે તેમણે પોતાની રજા ટાળી દીધી હતી.
તા. 21 માર્ચ, 2009ની રાતે જમ્મુ અને કાશ્મીરના કુપવાડાના હાફરુડાના જંગમાં ઉગ્રવાદીઓની સંદિગ્ધ હિલચાલ જોવામાં આવી હતી. આથી, સેના દ્વારા જંગલમાં અભિયાનો માટે વિશિષ્ટ રીતે તાલીમબદ્ધ પેરા સ્પેશિયલ ફોર્સિઝને ઑપરેશન માટે બોલાવવામાં આવી.
મેજર મોહિત શર્મા અને તેમની ટીમ જંગલમાં પહોંચી. બરફમાં ઉગ્રવાદીના પગના એક જ નિશાન દેખાતાં હતાં, પરંતુ તેમની સંખ્યા વધુ હતી.
એના પરથી સ્પષ્ટ હતું કે તેઓ ઉચ્ચ તાલીમબદ્ધ હતા અને પગલે-પગલે ચાલી રહ્યા હતા જેથી કરીને તેમનું પગેરું દાબવામાં આવે તો પણ ખરી સંખ્યા વિશે અનુમાન ન મળે.
ઉગ્રવાદીઓએ અર્ધવર્તુળાકારે મેજર શર્મા અને તેમની ટીમને ઘેરી લીધા અને તેમના પર ફાયરિંગ કર્યું. અચાનક થયેલા હુમલામાં ચાર કમાન્ડો ઘાયલ થયા. પોતાની પરવાહ કર્યા વગર તેમણે પોતાના બે ઘાયલ સાથીઓને સલામતસ્થળે ખસેડ્યા.
મેજર શર્માએ ઉગ્રવાદીઓ ઉપર ગ્રૅનેડથી વળતો હુમલો કર્યો, જેમાં બે ઉગ્રવાદી માર્યા ગયા, પરંતુ આ કાર્યવાહી દરમિયાન તેમને છાતીમાં ગોળી લાગી. હજુ પણ ગોળીબારી ઘટી ન હતી, મેજર મોહિતે જોમ ભેગું કર્યું અને વધુ બે ઉગ્રવાદીને મોતને ઘાટ ઉતારી દીધા.

...અને પછી

ઇમેજ સ્રોત, Getty Images
આઠેક વર્ષની ટૂંકી કરિયર દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અનેક ઑપરેશનને અંજામ આપનારા મેજર મોહિતના આ રીતે મૃત્યુ વિશે યુનિટમાં કોઈને માન્યામાં આવતું ન હતું. એ ઑપરેશનમાં સામેલ અન્ય એક પેરાટ્રૂપરને કીર્તિચક્ર એનાયત થયો.
એ અભિયાનમાં પેરા કમાન્ડોના કુલ આઠ જવાન મૃત્યુ પામ્યાં. વધુ ચાર દિવસ સુધી એ અભિયાન ચાલ્યું. કુલ 12 ઉગ્રવાદીના એ કાર્યવાહીમાં મૃત્યુ થયાં હતાં.
પત્ની અને પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું. મૃતદેહને દિલ્હી છાવણીના બ્રાર સ્ક્વેયર ખાતે મોટા ભાઈ મધુરે મુખાગ્નિ આપ્યો.
શર્મા પરિવારે મેજર મોહિત શર્માના રૂમને યથાવત્ સાચવી રાખ્યો છે, જ્યાં તેમની વરદી, તસવીરો અને સન્માનપત્રક વગેરે રાખ્યાં છે.
2010ના ગણતંત્ર દિવસના પુરસ્કાર સમારંભમાં વિધવા તરીકે મેજર સરિનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે પરિવારનો આંતરિક વિવાદ પણ મીડિયામાં ચર્ચાયો હતો.
સેના દ્વારા માતા-પિતાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મેજર મોહિત શર્મા વતી મરણોપરાન્ત પુરસ્કાર મેળવનાર તેમનાં પત્ની પોતાના સિવાય ચાર લોકોને આમંત્રણ આપી શકે, પરંતુ તેમણે મેજર મોહિતનાં માતા-પિતાને આમંત્રણ આપ્યું ન હતું.
સરિન પરિવારે શર્મા પરિવાર પર પુત્રી સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ પણ મૂક્યો હતો. શર્મા-સરિન પરિવાર વચ્ચે સામ-સામે કેસ અને ફરિયાદ પણ દાખલ થયાં હતાં.
આ બધું પછીની વાત હતી. મૃત્યુના દિવસે અજાણ્યાં લોકો પણ મેજર શર્માની અંતિમયાત્રામાં સામેલ થયા હતા. 'ભારત માતા કી જય' અને 'મોહિત શર્મા અમર રહે' જેવા નારા લગાવ્યા હતા.
તારીખ હતી 23 માર્ચ, શહીદ દિવસ.














