'જમ્મુ-કાશ્મીરના નવયુવાનોને મુશ્કેલભરેલી જિંદગી નહીં જીવવા દઉં' - વડા પ્રધાન મોદી

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુની આ તેમની પ્રથમ મુલાકાત છે.

પીએમ મોદી જમ્મુના સાંબા જિલ્લામાં પલ્લી પંચાયત પહોંચ્યા, જ્યાં તેમણે 20 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે દેશની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરી હતી.

પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે

પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, આ પ્રયાસોથી જમ્મુ-કાશ્મીરના યુવાનોને રોજગાર મળશે.

તેમણે કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારની યોજનાઓ હવે અહીં સીધી રીતે લાગુ કરવામાં આવી રહી છે, જેનાથી અહીંનાં ગામડાંને ફાયદો થઈ રહ્યો છે. એલપીજી કનેક્શન હોય કે ટોઇલેટ, તે અહીંના લોકોને સીધું મળી રહે છે. આવનારાં 25 વર્ષમાં જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે."

"છેલ્લા સાત દાયકામાં માત્ર રૂ. 17,000 કરોડનું ખાનગી રોકાણ થયું હતું, પરંતુ છેલ્લાx બે વર્ષમાં રૂ. 38,000 કરોડનું રોકાણ થયું છે અને ખાનગી કંપનીઓ અહીં આવી રહી છે. રોકાણકારો અહીં રોકાણ કરવા માટે ખુલ્લા મન સાથે આવે છે."

તેમણે કહ્યું કે, "પહેલાં સરકારી કામની ફાઇલ દિલ્હીમાંથી નીકળી બે-ત્રણ અઠવાડિયે જમ્મુ-કાશ્મીર પહોંચતી હતી. આજે 500 કિલોવૉટનો પાવર-પ્લાન્ટનો લાભ ગણતરીના દિવસોમાં પ્રદેશને મળવા લાગે છે."

વડા પ્રધાન મોદીએ પ્રદેશના યુવાનોના જીવનધોરણમાં સુધારો કરવાના નિર્ધાર અંગે વાત કરતાં કહ્યું કે, "ખીણના યુવાનો તમારાં દાદા-દાદી, નાના-નાનીને જે મુશ્કેલીઓ ભોગવવી પડી હતી તે તમારે નહીં ભોગવવી પડે એ હું કરી દેખાડીશ."

તેમણે આગળ કહ્યું કે, "એક ભારત-શ્રેષ્ઠ ભારતની વાત કરું ત્યારે મારી નેમ કનેક્ટિવિટી વધારવાથી લઈને અંતર મટાડવા સુધીની હોય છે. સાથે જ લોકોનાં દિલથી દિલનું અંતર મટાડવાની પણ વાત તેમાં હોય છે."

વડા પ્રધાને ખીણમાં વિકાસકાર્યો ઝડપી બનાવવા અંગે ક્યું હતું કે, "ઉઘમપુર શ્રીનગર બારામુલ્લાને જોડતા આર્ક બ્રિજનું ટૂંક સમયમાં જ નિર્માણ કરાશે. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારો બારે મહિના એકબીજાથી જોડાયેલા રહેશે."

"રાજ્યમાં સારી હૉસ્પિટલ અંગેની, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના નિર્માણ અંગેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ ઘડવામાં આવી રહી છે. વાઇબ્રન્ટ વિલૅજનો સૌથી વધુ ફાયદો પંજાબ અને જમ્મુ-કાશ્મીરને મળશે."

તેમણે કાશ્મીરમાં સુધરી રહેલી પરિસ્થિતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "મને બતાવવામાં આવી રહ્યું છે કે આગામી જૂન-જુલાઈ સુધી પર્યટનસ્થળો બુક થઈ ગયાં છે. જગ્યા નથી મળતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આગામી વર્ષ સુધીમાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર આગામી વર્ષ સુધીમાં બનાવવામાં આવશે. એ વિસ્તારના શહિદોનાં નામે પીપળા, વડ વગેરે વૃક્ષો ઉગાડવામાં આવશે."

સાથે જ 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસના અવસરે જમ્મુના સામ્બા જિલ્લાની પલ્લી પંચાયતનું નામ ઇતિહાસમાં નોંધાઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પલ્લી પંચાયતના લોકોને 500 કિલોવૉટ ક્ષમતાવાળો પાવર પ્લાન્ટ સમર્પિત કર્યો છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર તેમણે દેશની ગ્રામ પંચાયતોને સંબોધિત કરતાં કહ્યું કે,"સામ્બા જિલ્લાના પલ્લીમાં 500 કિલોવૉટ સોલર પ્લાન્ટના ઉદ્ઘાટનની સાથે જ તે દેશની પ્રથમ કાર્બન મુક્ત પંચાયત બની ગઈ છે. પલ્લીના લોકોએ સાબિત કર્યું કે 'સબકા પ્રયાસ' શું કરી શકે છે."

મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કેન્દ્ર સરકારે આ પ્લાન્ટને 2.75 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આ પ્લાન્ટ અહીંનાં 340 ઘરોમાં સૌર ઊર્જા ઉપલબ્ધ કરાવવા માટે 20 દિવસમાં ઊભો કરાયો છે.

આ બાદ પલ્લી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની પ્રથમ કાર્બનમુક્ત પંચાયત બની ગઈ છે. અહીંના સ્થાનિક પાવર ગ્રિડ સ્ટેશનથી ઘરોમાં કાર્બનરહિત વીજળીનો પુરવઠો પૂરો પડાશે.

કેન્દ્ર સરકારે આ પ્લાન્ટને 2.75 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આ પ્લાન્ટ અહીંનાં 340 ઘરોમાં સૌરઊર્જા ઉપલબ્ધ કરાવવા માટે 20 દિવસમાં ઊભો કરાયો છે.

સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના વરિષ્ઠ સાઇટ ઇજનેર મોહમ્મદ યાસીને જણાવ્યું કે 25થી 30 શ્રમિક, સાઇટ ઇજનેરો અને અન્ય વિશેષજ્ઞોની સમગ્ર ટીમે 20 દિવસમાં આને ચાલુ કરવામાં સફળતા મેળવી છે.

line

માત્ર 20 દિવસમાં થયું કામ

મોહમ્મદ યાસીન

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ યાસીન

યોજનાને પૂરી કરવા માટે દરરોજ 18 કલાક કરતાં વધુ સમય માટે કામ કરાયું છે. સામાન્ય સ્થિતિમાં આ કામ 90 દિવસમાં પૂરું થયું હોત.

મોહમ્મદ યાસીને સ્થાનિક પ્રશાસન અને વડા પ્રધાન કાર્યાલયના સભ્યોને તેમનો ઉત્સાહ વધારવા માટે આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે આ કાર્ય તેમની મદદ વગર કરી શકવું મુશ્કેલ હતું.

તેમણે કહ્યું, "અમને એ વાતનો ગર્વે છે કે અમે આ કામને 20 દિવસમાં પૂરું કરી શક્યા. 500 કિલોવૉટ ક્ષમતાના સોલર પૅનલ 6,408 વર્ગ મીટર ક્ષેત્રમાં લગાવાયેલા છે. તેની ટ્રાયલ પણ સફળ રહી છે."

સ્થાનિક નિવાસી અને પલ્લી ગામના સરપંચ રણધીર શર્માએ બીબીસી હિંદીને જણાવ્યું કે સૌરઊર્જાને લગતું યંત્ર લાગી જવાના કારણે પલ્લી ગામના લોકોને વીજકાપની સમસ્યામાં રાહત મળશે.

સોલર પ્લાંટ

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને જોતાં પાછલા અમુક દિવસોમાં પલ્લી પંચાયતની પણ કાયાપલટ કરાઈ છે.

તેમણે કહ્યું કે, "પહેલાં અમને છથી આઠ કલાક વીજળી કપાતનો સામનો કરવો પડતો હતો પરંતુ આ પ્રોજેક્ટનાકારણે અમારે વીજકાપની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. સોલર ઊર્જાના ઉપયોગથી ગામનું વીજળીનું બિલ પણ ઘટશે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને જોતાં પાછલા અમુક દિવસોમાં પલ્લી પંચાયતની પણ કાયાપલટ કરાઈ છે. પલ્લી પંચાયત તરફ જતી સડક નવી બનાવવામાં આવી રહી છે.

બીબીસી હિંદી સાથે વાત કરતાં સ્થાનિક નિવાસી રૂપકુમારે જણાવ્યું કે તેમના ગામને નેશનલ હાઇવે સાથે જોડતી સડક ખરાબ હાલતમાં હતી. પરંતુ વડા પ્રધાનના પ્રવાસને કારણે ગામ સાથે જોડાતી દરેક સડક ઠીક કરાઈ રહી છે.

સોલર પ્લાંટ

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC

ઇમેજ કૅપ્શન, ગામના સરપંચ રણધીર શર્મા પણ કાર્યક્રમને સફળ બનાવવામાં લાગેલા છે.

રૂપકુમાર કહે છે કે, "સડકોની બંને તરફ છોડ લગાવાયા છે અને તાજાં ફૂલો વડે સજાવટ કરાઈ રહી છે. ગામમાં સાર્વજનિક શૌચાલયને લઈને પંચાયત ઘર, સરકારી સ્કૂલની સાફસફાઈ કરાઈ છે, સરકારી સ્કીમોની જાણકારી આપતાં પોસ્ટર અને સ્લોગન દરેક જગ્યાએ લગાવવામાં આવ્યાં છે."

ગામના સરપંચ રણધીર શર્મા પણ કાર્યક્રમને સફળ બનાવવામાં લાગેલા છે.

તેઓ જણાવે છે કે પલ્લી વિકસિત પંચાયત સ્વરૂપે સામે આવી છે. આ પંચાયતને એક રોલ મૉડલ તરીકે અન્ય પંચાયતોને બતાવવામાં આવશે. જેમાં એવી પણ જાણકારી આપવામાં આવશે કે કેવી રીતે પંચાયતના પ્રતિનિધિઓએ સરકારી યોજનાઓનો ઉપયોગ કરીને પોતાની પંચાયતને વિકસિત કરી છે.

તેઓ જણાવે છે કે પાછલ અઠવાડિયે તેમણે ગામને સીધું જમ્મુ સાથે જોડતી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરી.

પ્રિન્સિપાલ કમલજિત પોતાના સ્ટાફ સાથે

ઇમેજ સ્રોત, MOhit Kandhar/BBC

ઇમેજ કૅપ્શન, પ્રિન્સિપાલ કમલજિત પોતાના સ્ટાફ સાથે

તેઓ કહે છે કે, "ઘણાં ઘરોને સૌર્યઊર્જાથી ચાલતા ચૂલા આપવામાં આવ્યા છે. ગામમાં પાણીનો બગાડ અટકાવવા માટે સોકપિટનું નિર્માણ કરાયું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ સૂકા અને ભીના કચરા માટે અલગ શેડ પણ બનાવાઈ રહ્યાં છે."

રણધીર શર્માએ જણાવ્યું કે પલ્લી પંચાયતમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી લગભગ તમામ યોજનાઓનો સારો વિકાસ થયો છે, લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આર્થિક મદદ સીધી તેમનાં ખાતાંમાં પહોંચી રહી છે. ખેડૂતોને લઈને સમાજના તમામ વર્ગોને કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે.

પોતાના પ્રવાસ દરમિયાન જમ્મુ ક્ષેત્રના સામ્બા જિલ્લાની પલ્લી પંચાયતમાં 30 હજાર પંચાયતના સભ્યો સહિત એક લાખ લોકોને સંબોધિત કરશે. રેલી અને સફળ બનાવવા માટે 300 કૅનાલ એટલે કે લગભગ 37 એકર ભૂમિ પર વાતાનુકૂલિત વ્યવસ્થા કરાઈ છે.

ડ્રૉઇંગ શિક્ષક રવિન્દ્ર જામવાલ

ઇમેજ સ્રોત, MOhit Kandhari/BBC

ઇમેજ કૅપ્શન, ડ્રૉઇંગ શિક્ષક રવીન્દ્રસિંહ જામવાલ

સાથે જ સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓના સભ્ય પણ ઑનલાઇન આ કાર્યક્રમ સાથે જોડાશે. સામ્બા જિલ્લાની સરકારી હાઈસ્કૂલ પલ્લીની શાળામાં ભણતાં બાળકો વડા પ્રધાન મોદીને મળવા પહોંચશે. સ્કૂલની અલગ અલગ દીવાલોને જુદી જુદી થીમથી શણગારવામાં આવી છે.

સ્કૂલનાં પ્રિન્સિપાલ કમલજિતે કહ્યું કે, "વડા પ્રધાનના સ્વાગત માટે અમે સ્કૂલનું નવીનીકરણ કરાવ્યું છે. વિદ્યાર્થીઓ વડા પ્રધાનને મળવા માટે ઉત્સાહિત છે."

જ્યારે અમે સ્કૂલે પહોંચ્યા, ત્યારે વિદ્યાર્થીઓ ડ્રૉઇંગ શિક્ષક રવીન્દ્રસિંહ જામવાલના માર્ગદર્શનમાં અલગ-અલગ દીવાલોને રંગવામાં વ્યસ્ત દેખાયા હતા.

line

વિધાનસભા ચૂંટણીની તૈયારી

અનુચ્છેદ 370 અને 35-એ હઠાવ્યા બાદ જમ્મુમાં વડા પ્રધાન મોદીની આ પ્રથમ રેલી છે. આ દરમિયાન તેઓ જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે માહોલ બનાવવાની પણ કોશિશ કરશે.

વડા પ્રધાનના પ્રવાસના તરત બાદ જસ્ટિસ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોવાળું પરિસીમન પંચ પણ પોતાનો અંતિમ રિપોર્ટ જાહેર કરી શકે છે. આવી પરિસ્થિતિમાં એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે અમરનાથ યાત્રા બાદ રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.

આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2021માં રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી પર સૈનિકો સાથે દિવાળી ઊજવી હતી. આ મુલાકાતને લઈને જમ્મુ કાશ્મીર ભાજપ એકમના નેતાઓએ પણ પોતાની કમર કસી લીધી છે. વિપક્ષમાં અને પ્રદેશના રાજકારણમાં પણ હલચલ જોવા મળી રહી છે.

આ રેલીને સફળ બનાવવા માટે ભાજપના નેતા ઘરે-ઘરે જઈને આમંત્રણ પાઠવી રહ્યા છે અને જનતાને આને સફળ બનાવવાની અપીલ કરી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાનના મુલાકાતથી ઠીક અગાઉ કૉંગ્રેસ, નેશનલ કૉન્ફરન્સ, સીપીઆઈએમ, સીપીઆઈ જેવાં દળોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી છે.

આ નેતાઓએ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું છે કે, "જૂન, 2018થી ત્યાં ગવર્નરનું શાસન ચાલી રહ્યું છે, આ દરમિયાન સામાન્ય વ્યક્તિની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. બેરોજગારી વધતી જઈ રહી છે પરંતુ આના પર સરકાર ધ્યાન નથી આપી રહી."

જમ્મુ અને કાશ્મીર કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રવીંદર શર્માએ કહ્યું, "વડા પ્રધાન મોદી પલ્લીમાં પંચાયતી રાજ વ્યવસ્થાના સભ્યોને સંબોધિત કરશે પરંતુ જમ્મુ કાશ્મીરમાં આ વ્યવસ્થા અત્યાર સુધી સશક્ત નથી થઈ શકે."

વડા પ્રધાન મોદીની રેલી બાદ સંભવ છે કે ગૃહમંત્રી અમિત શાહ આગામી 8 મેના રોજ જમ્મુમાં પીઓજેક સંકલ્પ રેલી કરશે. આ રેલીમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પાછો લેવા માટે નિર્ધાર વ્યક્ત કરવાની વાત કરાઈ રહી છે જોકે, આ રેલી માટે આયોજકોને ગૃહમંત્રીની ઑફિસથી અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન નથી મળ્યું.

આ રેલી જમ્મુ-કાશ્મીર પીપલ્સ ફોરમ તરફથી આયોજિત કરાઈ રહી છે. રેલીમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરથી આવેલા શરણાર્થી અને 1965 અને 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આવેલા શરણાર્થીઓનાં બલિદાનને યાદ કરાશે.

line

જમ્મુ-કાશ્મીરમાં વિકાસની શું યોજનાઓ ચાલી રહી છે?

જમ્મુ કાશ્મીરમાં બેરોજગાર યુવાનો માટે નવી તકો પ્રદાન કરવા અને વિકાસકામોને વધુ ગતિ આપવા માટે વડા પ્રધાન પોતાની મુલાકાત દરમિયાન દેશ-વિદેશના પ્રખ્યાત ઉદ્યોગપતિઓની હાજરીમાં 38,082 કરોડ રૂપિયાના ઔદ્યોગિક વિકાસ પ્રસ્તાવોની પાયો નાખશે

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC

ઇમેજ કૅપ્શન, જમ્મુ કાશ્મીરમાં બેરોજગાર યુવાનો માટે નવી તકો પ્રદાન કરવા અને વિકાસકામોને વધુ ગતિ આપવા માટે વડા પ્રધાન પોતાની મુલાકાત દરમિયાન દેશ-વિદેશના પ્રખ્યાત ઉદ્યોગપતિઓની હાજરીમાં 38,082 કરોડ રૂપિયાના ઔદ્યોગિક વિકાસ પ્રસ્તાવોની પાયો નાખશે

જમ્મુ કાશ્મીરમાં બેરોજગાર યુવાનો માટે નવી તકો પ્રદાન કરવા અને વિકાસકામોને વધુ ગતિ આપવા માટે વડા પ્રધાન પોતાની મુલાકાત દરમિયાન દેશ-વિદેશના પ્રખ્યાત ઉદ્યોગપતિઓની હાજરીમાં 38,082 કરોડ રૂપિયાના ઔદ્યોગિક વિકાસ પ્રસ્તાવોનો પાયો નાખશે.

રાજ્યમાં ઘણી અન્ય વિકાસ યોજનાઓને લીલી ઝંડી બતાવ્યા બાદ વડા પ્રધાન મોદી આગામી ચાર વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં વીજળી ઉત્પાદન ક્ષમતાને બમણું કરવા માટે 850 મેગાવૉટની રતલે વીજલી પરિયોજના અને 540 મેગાવૉટની હાઇડ્રો પરિયોજનાનો પાયો નાખશે.

આ સિવાય પાંચ એક્સપ્રેસ વે આધારશિલા અને બનિહાલ- કાજીગુંડ લિંકનું ઉદ્ઘાટન કરશે. 100 જન ઔષધિ કેન્દ્ર પણ ખુલ્લાં મૂકવામાં આવશે.

line

ગામમાં આવવા જવા પર રોક

સમારોહ સ્થળ પાકિસ્તાન બૉર્ડરની નજીક છે

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC

ઇમેજ કૅપ્શન, સમારોહ સ્થળ પાકિસ્તાન બૉર્ડરની નજીક છે

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળના જવાનો, લઘુમતી સમુદાયના લોકો અને જનપ્રતિનિધી હત્યાઓના વધતાં જતાં મામલા વચ્ચે, વડા પ્રધાનના કાર્યક્રમમાં કોઈ અપ્રિય ઘટના ન બને, તેના માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.

સમારોહ સ્થળ પાકિસ્તાન બૉર્ડરની નજીક છે. તેથી સંદિગ્ધ લોકોની અવરજવર પર તપાસ માટે સીમા પટ્ટીમાં અલગ સુરક્ષા ચોકીઓ સ્થાપિત કરાઈ છે. ક્ષેત્રમાં ઉપદ્રવીઓની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા માટે કાર્યક્રમસ્થળે અને આસપાસ લગભગ 1000 સુરક્ષાકર્મીઓ તહેનાત કરાયા છે.

ક્ષેત્રની સુરક્ષાને જોતાં બૉમ્બ સ્ક્વૉડ તહેનાત કરવાની સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. સાથે જ ગામમાં બહારના લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવાયો છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો