પંચાયત દિવસ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુની મુલાકાત લેશે પણ કાશ્મીરની નહીં, કારણ શું?
- લેેખક, રિયાઝ મસરૂર
- પદ, બીબીસી ઉર્દૂ, શ્રીનગર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જમ્મુની મુલાકાત લેવાના છે, સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર રવિવારે સવારે નજીકના એક ગામમાં વિસ્ફોટ થયો છે.
એએનઆઈ અનુસાર બિશ્નાના લાલિયાન ગામમાં સંદિગ્ધ વિસ્ફોટ થયાની સ્થાનિકોએ પુષ્ટિ કરી હતી. જોકે આ બ્લાસ્ટ વીજળી પડવા અથવા ઉલ્કાપિંડ પડવાથી થયો હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલુ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બે દિવસ પહેલાં જ સુંજવાં લશ્કરી મથક આવેલું છે તે વિસ્તારમાં હુમલાની ઘટના બની છે.
વડા પ્રધાન રવિવારે સાંબાના પાલી ગામમાં 'રાષ્ટ્રીય પંચાયત દિવસ' નિમિત્તે ગામના લોકોને સંબોધન કરવાના છે. આ ગામથી સુંજવાં કૅમ્પ માત્ર 17 કિલોમીટર જ દૂર છે.

ઇમેજ સ્રોત, ANI
આ હુમલા પછી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ, પરંતુ કાશ્મીરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં નિરાશા છે કે 2019માં જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો ખતમ થયો તે પછી વડા પ્રધાન મુલાકાત માટે આવી રહ્યા છે, પરંતુ માત્ર જમ્મુની જ મુલાકાત લેવાના છે.
તેનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે કાશ્મીરની બાબતમાં કોઈ રાજકીય છૂટની મહત્ત્વની જાહેરાત કરવામાં આવશે નહીં.

જમ્મુમાં હુમલો શા માટે?

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC
જમ્મુના ઍડિશનલ પોલીસ કમિશનર મુકેશસિંહના જણાવ્યા અનુસાર સશસ્ત્ર ઉદ્દામવાદીઓએ શુક્રવારે જમ્મુને અડીને આવેલા સાંબા જિલ્લાના સુંજવાં વિસ્તારની સૈનિક છાવણી પર એક બસ પર હુમલો કર્યો.
આ બસમાં સેન્ટ્ર્લ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાનો સવાર માટેની શિફ્ટમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ઉદ્દામવાદીઓએ તે બસ પર ફાયરિંગ કર્યું અને ગ્રેનેડ ફેંક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હુમલામાં સીઆઈએસએફના એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એસ. પી. પાટીલનું મોત થયું અને 9 જવાનો ઘાયલ થાય.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જવાબમાં લાંબો સમય ઑપરેશન હાથ ઘરવામાં આવ્યું અને બંને હુમલાખોરને પણ ઠાર કરી દેવાયા. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળાના જથ્થો મળી આવ્યો હતો.
જમ્મુના પોલીસ અધિકારી મુકેશસિંહે ઑપરેશન પછી જમ્મુમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે "અમને આગોતરી બાતમી મળી હતી કે વડા પ્રધાનની મુલાકાત પહેલાં આતંકવાદીઓ કોઈ મોટો હુમલો કરશે. એટલે ફોર્સ એલર્ટ હતી અને તરત જ વળતી કાર્યવાહી કરવામાં આવી હતી."
જમ્મુ અને કાશ્મીરના પોલીસવડા દિલબાગસિંહે આ ઘટનાને આત્મઘાતી હુમલાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમના ડેપ્યુટી મુકેશસિંહે તે વાતને સમર્થન આપતા કહ્યું કે "જે પ્રકારના હથિયારો અને ઉપકરણો મળ્યાં છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરવા માગતા હતા."
તેમણે જણાવ્યું કે બસ પર હુમલો કર્યા પછી આતંકવાદીઓએ છાવણી પાસે આવેલા મોહમ્મદ અનવર નામના એક માણસના ઘરમાં આશરો લીધો હતો. આ ઘરને ઘેરી લઈને બંનેને ઠાર કરવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, MOHIT KANDHARI/BBC
જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દર રૈનાએ આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવતા કહ્યું કે, "આપણા સૈનિકોએ પાકિસ્તાનના ઈરાદાને નિષ્ફળ બનાવ્યા."
એ વાત નોંધનીય છે કે વડા પ્રધાન મુલાકાતે આવે તે પહેલાં કાશ્મીરમાં પણ ત્રાસવાદીઓ વિરુદ્ધની ઝુંબેશ તેજ કરી દેવાઈ હતી.
જમ્મુમાં હુમલો થયો તેના થોડા કલાક પહેલાં ગુરુવારે સાંજે ઉત્તર કાશ્મીરના બારામૂલામાં એક અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરાયા હતા. આ અથડામણમાં પાંચ સૈનિકો પણ ઘાયલ થયા હતા.
પોલીસનું કહેવું છે કે છેલ્લા 22 વર્ષથી સક્રિય લશ્કરે તૈયબાના કમાન્ડર યુસૂફ કૉન્ટ્રો આ અથડામણમાં માર્યો ગયો છે. તે પોલીસના વૉન્ટેડ લિસ્ટમાં પણ હતો.
જમ્મુમાં રહેતા વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક તરુણ ઉપાધ્યાયનું કહેવું છે કે સુંજવામાં થયેલો હુમલો હકીકતમાં મોદી સરકારના એક નિવેદનને ખોટું સાબિત કરવા માટેનો હતો. સરકારે કહ્યું હતું કે 2019 પછી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ છે અને હવે અહીં સમૃદ્ધિ આવી રહી છે.
તેઓ કહે છે, "ઉદ્દામવાદીઓ જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી પોતાની હાજરી દર્શાવવા કોશિશ કરે છે. તેમણે વડા પ્રધાનના પ્રવાસ પહેલાં આ જ મેસેજ આપવાની કોશિશ કરી છે. ભૂતકાળમાં મનમોહન સિંહ વડા પ્રધાન હતા અને કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ આવી રીતે હુમલા કરવામાં આવ્યા હતા."
"ઑગસ્ટ 2019 પછી અહીં બધી મુશ્કેલીઓનો અંત આવી ગયો છે અને દૂધની નદીઓ વહેલા લાગી છે તેવો દાવો થઈ રહ્યો છે. આ દાવાની સામે પ્રતિક્રિયા સ્વરૂપે ઉદ્દામવાદીઓએ હુમલો કર્યો છે કે હજીય સ્થિતિ સારી નથી."

વડા પ્રધાનનો જમ્મુમાં શું કાર્યક્રમ છે?

ઇમેજ સ્રોત, BJP
અધિકારીઓના જણાવ્યા અનુસાર વડા પ્રધાન મોદી જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવા માગે છે. દર વર્ષે 24 એપ્રિલે તેની ઉજવણી થાય છે.
વડા પ્રધાન રવિવારે જમ્મુના સરહદી જિલ્લા સાંબાના પાલી ગામમાં એક કાર્યક્રમાં ભાગ લેશે અને ત્યાંથી પંચાયતના હોદ્દેદારોને સંબોધન કરશે. સાથે જ સૂર્ય ઊર્જાથી ચાલનારી વીજ યોજનાનું ઉદ્ધાટન કરશે.
તે માટે અઢી કરોડના ખર્ચે વીજ ઉત્પાદન એકમ તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી સાડા ત્રણસો ઘરને વીજળી મળશે.
પાલી ગામ સુંજવા કેમ્પથી નજીક જ છે એટલે શુક્રવારે ત્યાં હુમલો થયો તે પછી સુરક્ષા વ્યવસ્થા વધારે ચુસ્ત કરાઈ છે.
એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે કોઈ પણ શંકાસ્પદ હલચલ પર નજર રાખવા માટે કાર્યક્રમના સ્થળની આસપાસના ઘણા કિલોમીટર સુધી હેલિકૉપ્ટર અને ડ્રોનને ઉડાવવામાં આવી રહ્યાં છે. એ યાદ રાખવું જરૂરી છે કે જમ્મુમાં હિન્દુઓની સંખ્યા વધારે છે અને 2014થી આ રાજ્યમાં ભાજપની લોકપ્રિયતા વધી રહી છે.

મોદી કાશ્મીર શા માટે નહીં જાય?

ઇમેજ સ્રોત, BJP
વડા પ્રધાન મોદીનો પ્રવાસ કાર્યક્રમ નક્કી થયો ત્યારે એવો અંદાજ હતો કે તેઓ કાશ્મીરની પણ મુલાકાત લેશે અને તે દરમિયાન કોઈ મોટી રાજકીય રાહત આપવાની જાહેરાત કરશે.
ગયા અઠવાડિયે વડા પ્રધાન કાર્યાલયે આ બાબતમાં સ્પષ્ટતા કરી દીધી કે માત્ર જમ્મુનો જ પ્રવાસ કરવામાં આવશે. જમ્મુના ભાજપના ઘણા નેતાઓએ કહ્યું કે મોદી જમ્મુ અને કાશ્મીરને દેશમાં વિકાસ અને સમૃદ્ધિનું મૉડલ બનાવવા માગે છે.
જમ્મુના ભાજપના એક નેતાએ નામ ના આપવાની શરતે બીબીસીને જણાવ્યું કે "કાશ્મીરના રાજકારણીઓ છેલ્લાં 70 વર્ષથી કાશ્મીરના નામે નવી દિલ્હીને બ્લૅકમેઇલ કરે છે. મોદીજી પોતાની રીતે કાશ્મીરની સ્થિતિ સુધારવા માગે છે."
"તેઓ આમ આદમીને વિકાસ અને સમૃદ્ધિમાં સામેલ કરવા માગે છે અને પાકિસ્તાન અને તેના ટેકેદારોને સબક શીખવવા માગે છે."
જોકે કાશ્મીરના રાજકીય વર્તુળોમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વડા પ્રધાનને અપીલ કરવામાં આવી રહી છે તેઓ તેમના જ પક્ષના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીર માટે સામંજસ્યનું વલણ લીધું હતું તેવું વલણ રાખે.
ભૂતપૂર્વ પ્રધાન અને ભૂતકાળમાં ભાજપ સાથે ગઠબંધન કરનાર પીડીપીના નેતા નઈમ અખ્તર કહે છે, "વાજપેયીએ શ્રીનગરમાં ભારત-પાકિસ્તાન વાટાઘાટ માટેની શરૂઆત કરી હતી. આ વખતનો પ્રવાસ પણ એવા પ્રકારનો હોત તો અચ્છે દિન માટેની ઉમ્મીદ જાગી હોત."
જોકે જમ્મુની જેમ કાશ્મીરમાં પણ એવી ધારણા દૃઢ બની રહી છે કે મોદીની કાશ્મીર નીતિ ભૂતકાળની સરકારોથી વિપરિત બાંધછોડ વિનાની છે. વિશ્લેષકો કહે છે કે મોદી સરકાર કાશ્મીર માટે બિનપરંપરાગત નીતિ અપનાવી રહી છે.

ઇમેજ સ્રોત, ANI
પત્રકાર અને વિશ્લેષક હારૂન રેશી કહે છે કે "નવેમ્બર 2015માં નરેન્દ્ર મોદી શ્રીનગરમાં એક જાહેર સભામાં હાજર રહ્યા હતા. સભામાં તેમની પહેલાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે એવું કહ્યું હતું કે કાશ્મીરમાં શાંતિપૂર્ણ ચૂંટણી થઈ તેને પાકિસ્તાનનો એક ઈશારો સમજીને પડોશી દેશ સાથે વાતચીત કરવી જોઈએ."
"મુફ્તી પછી બોલવા આવેલા મોદીએ જણાવ્યું હતું કે કાશ્મીર માટે દુનિયામાં બીજા કોઈની સલાહ કે વિશ્લેષણની જરૂર નથી.
હારૂન કહે છે કે તે જ ઘડીએ ભારતને સમર્થન આપનારા નેતાઓનું જૂથ ઓછું થઈ ગયું હતું. તેમના જણાવ્યા અનુસાર મોદી સરકાર કાશ્મીરના મુદ્દે કાશ્મીરી નેતાઓને કોઈ ભૂમિકા આપવા માગતા નથી.
નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાને 2019 અને 2021માં જમ્મુના રાજૌરી અને નૌશેરા સેક્ટરમાં લશ્કરના જવાનો સાથે દિવાળી ઊજવી હતી.
આ વિશે રેશી કહે છે કે 'કાશ્મીર માટે કોઈ પણ વડા પ્રધાનનું વલણ એ રીતે જ નક્કી થતું હોય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવા સંબંધો છે.'
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 15 મહિનાથી શસ્ત્રવિરામ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે તે વાતનો ઉલ્લેખ કરીને ઘણા વિશ્લેષકો કહે છે કે "પાકિસ્તાનમાં રાજકીય સ્થિરતા આવે ત્યાર પછી ભારત કોઈ ને કોઈ સ્તરે પાકિસ્તાન સાથે સંબંધો સ્થાપિત કરવા માટે કોશિશ કરી શકે છે. પરંતુ તેના કારણે કાશ્મીરમાં સ્થિતિ બદલાશે તેમ કહેવું ઉતાવળિયું ગણાશે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












