પુંછ ઍન્કાઉન્ટરઃ એક એવું ઑપરેશન જેમાં સવાલો વધુ ને જવાબ ઓછા

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ અને મોહિત કંધારી
    • પદ, બીબીસી ન્યૂઝ

"આપણા મનમાં જે સવાલો છે એ એમના એમ જ છે. આપણે તો એમ પણ વિચારતા હતા કે ત્યાં જઈને જોઈએ કે શું થઈ રહ્યું છે; પણ ત્યાં જવાની મંજૂરી નથી. એ વાત આશ્ચર્યકારક છે કે આટલા બધા દિવસ સુધી ઍન્કાઉન્ટર ચાલ્યું, પણ ના તો કોઈ હુમલાખોર પકડાયો કે ના કોઈ મરાયો. આ ઍન્કાઉન્ટર વિશે માહિતી આપવાની જરૂર હતી. સરકાર કેમ આપણને કશું જણાવતી નથી?"

આમ કહેનાર છે દિલબાગસિંહ. તેઓ 11 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરના પુંછ ક્ષેત્રમાં ચરમપંથીઓ સામેના ઍન્કાઉન્ટરમાં શહીદ થયેલા ભારતીય લશ્કરના સિપાહી ગજ્જનસિંહના ફુઆ છે.

પુંછ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, શા માટે લગભગ બે અઠવાડિયાં સુધી સતત થયેલા ગોળીબાર છતાં એક પણ ઘૂસણખોર મારી ના શકાયો?; સામે પક્ષે, ભારતીય સશસ્ત્રદળના આટલા જવાનોએ જીવ ગુમાવવો પડ્યો!

પુંછના સુરનકોટ વિસ્તારનાં જંગલોમાં થયેલા ઍન્કાઉન્ટરમાં ભારતીય સેનાના એક નાયબ સૂબેદાર સહિત પાંચ સૈનિકોનાં મૃત્યુ થયાં છે.

બે દિવસ પછી 14 ઑક્ટોબરે આ વિસ્તારની નજીક મેંઢરમાં અન્ય એક ઍન્કાઉન્ટરમાં એક જુનિયર કમિશન્ડ ઑફિસર સહિત ભારતીય સેનાના અન્ય ચાર જવાનો મરાયા.

line

કેટલાક સવાલોના જવાબ મળવાના બાકી છે?

પુંછમાં એનકાઉન્ટર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જે વિસ્તારમાં સૈન્યે ઑપરેશન કર્યું એ 10થી 15 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલું ગાઢ જંગલ છે.

બધા મળીને ભારતીય સૈન્યના નવ સૈનિકો આઍન્કાઉન્ટર્સમાં મરાયા, પણ એક પણ ચરમપંથી પકડાયા કે મરાયા વિશેની સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ.

11 ઑક્ટોબરના ઍન્કાઉન્ટરમાં જીવ ગુમાવનાર ભારતીય સેનાના નાયક મનદીપસિંહના કાકાના દીકરા ભાઈ ગુરવિંદરસિંહે જણાવ્યું કે, "પરિવારના મનમાં ઘણા સવાલો છે. ઘરમાં દરેક સમયે આ જ વાતો થાય છે કે આવું બન્યું કેવી રીતે? સરકાર અને સરકારી એજન્સીઓ પૂરતી માહિતી તો આપતી નથી. આ ઘટના બન્યા પછી પણ ઍન્કાઉન્ટર તો ચાલતું જ રહ્યું. આ વિશે અમારા મનમાં જે સવાલ છે એના જવાબ નહીં મળે ત્યાં સુધી એમના એમ રહેશે."

આ બંને ઍન્કાઉન્ટર પછી ભારતીય સેનાએ પુંછ ક્ષેત્રમાં કાર્યવાહી શરૂ કરી, જે લગભગ ચાર અઠવાડિયાં સુધી ચાલી.

એક જેસીઓ સહિત પાંચ સૈનિકો માર્યા ગયા પછી 11 ઑક્ટોબરે સુરનકોટ જંગલમાં ઑપરેશન શરૂ થયું હતું અને ભાગી ગયેલા આતંકવાદીઓને નિષ્ક્રિય કરવા માટે પાછળથી આ ઑપરેશનનો વિસ્તાર મેંઢર સુધી વધારવામાં આવ્યો.

જે વિસ્તારમાં સૈન્યે ઑપરેશન કર્યું એ 10થી 15 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલું ગાઢ જંગલ છે.

ઓછામાં ઓછાં ત્રણ-ચાર અઠવાડિયાં સુધી સમાચારો આવતા રહ્યા કે ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ઍન્કાઉન્ટર ચાલુ છે. એમ પણ કહેવાયું કે આ ઍન્કાઉન્ટર કદાચ અત્યાર સુધીનું સૌથી લાંબું ઍન્કાઉન્ટર છે. પણ આટલા દિવસો વીત્યા પછી પણ ચરમપંથીઓના કોઈ અણસાર નથી મળ્યા.

વીડિયો કૅપ્શન, ત્રિપુરામાં અચાનક કેમ વધી ગયા સાંપ્રદાયિક હિંસાના મામલા?

પછી, થોડા દિવસ પહેલાં એ ઍન્કાઉન્ટરને બંધ કરી દેવાયું અને એના વિશે સત્તાવાર કોઈ જાહેરાત ન કરાઈ.

ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ સુધીર ચમોલીએ બીબીસી સામે એ વાતની પુષ્ટિ કરી છે કે ઍન્કાઉન્ટરને રદ કરી દેવાયું છે, પણ સાથે જ એમણે એમ કહ્યું કે પુંછના એ જંગલોવાળા વિસ્તારમાં આજે પણ શોધખોળ ચાલુ છે. ભારતીય સેનાએ સત્તાવાર રીતે એમ નથી જણાવ્યું કે ઍન્કાઉન્ટરને કયા દિવસે રદ કરી દેવાયું.

બીબીસીએ ભારતીય સેનાના પ્રવક્તાને આ વિશે પૂછ્યું હતું. પ્રવક્તાએ આ મુદ્દે કશી ટિપ્પણી આપવાનો ઇનકાર કરી દીધો હતો. પણ એટલું જરૂર કહ્યું કે આ ઍન્કાઉન્ટર એક ગાઢ અને મોટા જંગલમાં ચાલતું હતું અને જ્યાં સુધી કોઈ સામેથી ગોળી ન છોડે ત્યાં સુધી એને શોધવો આસાન નથી.

સાથે એમણે એમ પણ કહ્યું કે ઍન્કાઉન્ટર દરમિયાન હુમલાખોરો સાથે કોઈ સંપર્ક જ ન થયો.

line

ઍન્કાઉન્ટર સાથે સંકળાયેલા કેટલાક સવાલ

એન્કાઉન્ટર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, જો ઘૂસણખોરો બે-ત્રણ મહિનાથી એ વિસ્તારમાં હતા, તો શું એ શક્ય નથી કે એમણે જંગલોમાં સંતાવા માટેના અડ્ડા બનાવી લીધા હોય?

આવી પરિસ્થિતિમાં એન્કાઉન્ટર અંગે ઘણા સવાલો ઊભા થયા છે જેના કોઈ જવાબ નથી મળ્યા.

રાજોરી-પુંછ રૅન્જના પોલીસ ઉપમહાનિરીક્ષક વિવેક ગુપ્તાએ કેટલાંક અઠવાડિયાં પહેલાં કહેલું કે, "ઘૂસણખોરોની એક ટુકડી બે-ત્રણ મહિનાથી આ વિસ્તારમાં હતી. આ વિસ્તારમાં આઠ જુલાઈથી અભિયાન ચાલતું હતું."

જો ઘૂસણખોરો બે-ત્રણ મહિનાથી એ વિસ્તારમાં હતા, તો શું એ શક્ય નથી કે એમણે જંગલોમાં સંતાવા માટેના અડ્ડા બનાવી લીધા હોય?

શા માટે લગભગ બે અઠવાડિયાં સુધી સતત થયેલા ગોળીબાર છતાં એક પણ ઘૂસણખોર મારી ના શકાયો?; સામે પક્ષે, ભારતીય સશસ્ત્રદળના આટલા જવાનોએ જીવ ગુમાવવો પડ્યો!

સુરક્ષાદળોની ઘણી શોધખોળ છતાં પણ એમના હાથમાં શું આવ્યું?

એક મોટો પ્રશ્ન એ છે કે જો ઘૂસણખોરો હજુ પણ જંગલમાં જ છુપાયેલા છે તો એમને સર-સામાન ક્યાંથી મળે છે? તેઓ કઈ રીતે નક્કી કરે છે કે તેઓ સુરક્ષાદળોની નજરે ન ચડે?

ઍન્કાઉન્ટરની શરૂઆતથી જ સુરક્ષાદળોએ સંપૂર્ણ વિસ્તારની નાકાબંધી કરી દીધી હતી. એ સ્થિતિમાં, સુરક્ષાદળની આંખમાં ધૂળ નાખીને ઘૂસણખોરો છટકી જાય એ શક્ય હતું?

line

ઍન્કાઉન્ટરમાં આરોપી કેદીનું મૃત્યુ

હુમલામાં માર્યા ગયેલા સરકારી શાળાનાં પ્રિંસિપાલ સુપિંદર કૌરના પરિજન શોકમાં છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હુમલામાં માર્યા ગયેલા સરકારી શાળાનાં પ્રિંસિપાલ સુપિંદર કૌરના પરિજન શોકમાં છે

દરમિયાનમાં, 24 ઑક્ટોબરે સમાચાર મળ્યા કે આ ઍન્કાઉન્ટર દરમિયાન એક આરોપી કેદીનું ગોળી વાગવાને કારણે મૃત્યુ થયું છે.

એ મામલો પાકિસ્તાની ચરમપંથી જિયા મુસ્તફાનો હતો, જેને આ ઑપરેશન દરમિયાન ચરમપંથીઓના કૅમ્પની ઓળખ-સાબિતી માટે ભટ્ટા ધૂરિયાં લઈ જવાયો હતો.

2003ના માર્ચમાં થયેલા કાશ્મીરી પંડિતોના નદીમર્ગ જનસંહારના માસ્ટર માઇન્ડ તરીકે જિયા મુસ્તફાને જમ્મુ-કાશ્મીર પોલીસે પકડ્યો હતો. મુસ્તફા છેલ્લા 18 મહિનાથી આરોપી તરીકે જેલમાં હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મુસ્તફા જેલમાંથી જ એ પાકિસ્તાની ચરમપંથીઓના સંપર્કમાં હતો જેમણે જમ્મુના પુંછ જિલ્લામાં ઘૂસણખોરી કરી હતી. પોલીસ અનુસાર એ ઘૂસણખોરોને જંગલમાં રસ્તા શોધવામાં મુસ્તફા મદદ કરતો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર જ્યારે ચરમપંથીઓએ પોલીસ અને લશ્કરી જવાનોની સંયુક્ત ટીમ પર ગોળીબાર કર્યા એમાં મુસ્તફાનું મૃત્યુ થયું. આ ઘટનામાં પોલીસના બે અને લશ્કરના એક એમ કુલ ત્રણ જવાનો ઘાયલ થયા હતા.

આ ઘટનાક્રમથી એક સવાલ એ પણ ઊભો થાય છે કે એક બાજુ તો સુરક્ષાદળો અને ચરમપંથીઓનો ઘણા દિવસો સુધી કોઈ સંપર્ક ન થયો અને છેવટે જે દિવસે સંપર્ક થયો એ જ દિવસે ઍન્કાઉન્ટરમાં આરોપી કેદી મરાયો.

જિયા મુસ્તફાના મૃત્યુ પછી ઘણા મીડિયા રિપૉર્ટ્સે એ વાતની નોંધ કરી કે મુસ્તફાના મૃત્યુની સાથે જ 2003ના નદીમર્ગ નરસંહારનો કેસ પણ પૂરો થઈ ગયો.

line

શું ઘૂસણખોરો પુંમાંથી કાશ્મીર ઘાટીમાં સરકી ગયા?

પૂંછમાં સૈનિકોનો ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA

ભારતીય સેનાના નિવૃત્ત મેજર જનરલ એસ.બી. અસ્થાના પોતાના કાર્યકાળ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ઘણાં વરસો કામ કરી ચૂક્યા છે. એમણે 1999માં કારગિલયુદ્ધ દરમિયાન ઑપરેશન વિજયમાં ભાગ લીધો હતો.

તેમણે જણાવ્યું કે, "પુંછ ક્ષેત્રમાં આતંકવાદીઓને સામાન્ય નાગરિકોનું સમર્થન નથી અને આતંકવાદીઓ ઘણી વાર આ વિસ્તારનો ઉપયોગ પીર પંજાલના પહાડી રસ્તે કાશ્મીર ઘાટીમાં ઘૂસવા માટે કરે છે.

મેજર જનરલ અસ્થાનાએ જણાવ્યું કે, "એવી એક સંભાવના છે કે, આતંકવાદીઓ પીર પંજાલ પાર કરીને દક્ષિણ કાશ્મીરમાં ઘૂસી ગયા હોય અને ત્યાંના લોકોમાં ભળી જઈને છુપાયા હોય."

મેજર જનરલ અસ્થાનાએ જણાવ્યું કે કાશ્મીર ઘાટીના મુકાબલે જમ્મુના પુંછ જેવા વિસ્તારોમાં ફરજ પરના સૈનિકોની સંખ્યા ઓછી છે, અને કદાચ એ જ તકનો લાભ લઈને આતંકવાદીઓ એ રસ્તાનો ઉપયોગ કરીને કાશ્મીર ઘાટીમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે.

ઘણાં અઠવાડિયાં સુધી ચાલેલા ભારતીય સૈન્યના ઑપરેશન વિશે અસ્થાનાએ જણાવ્યું કે એનો મુખ્ય હેતુ એ નક્કી કરવાનો છે કે ચરમપંથીઓએ એ જંગલોમાં કોઈ શિબિર ન સ્થાપી હોય. અને, આમ પણ જંગલમાં શોધ-અભિયાન ચાલુ છે એટલે એમાં સમય લાગે એ સમજી શકાય એમ છે.

line

સ્થાનિક લોકોનું સમર્થન?

પૂંછમાં સૈનિકોનો ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA

ઇમેજ કૅપ્શન, હમણાં જ થયેલા ઍન્કાઉન્ટર પછી સુરક્ષા એજન્સીઓ એ વાતની તપાસ પણ કરી રહી છે કે શું સ્થાનિક લોકોએ ઘૂસણખોરોને છત્ર અને રાશન આપ્યાં?

સુરક્ષા એજન્સીઓ પારંપરિક રીતે એમ માને છે કે જમ્મુના પુંછ અને રાજોરી જેવા વિસ્તારોના સામાન્ય નાગરિકો ચરમપંથીઓને સમર્થન નથી આપતા.

પણ હમણાં જ થયેલા ઍન્કાઉન્ટર પછી સુરક્ષા એજન્સીઓ એ વાતની તપાસ પણ કરી રહી છે કે શું સ્થાનિક લોકોએ ઘૂસણખોરોને છત્ર અને રાશન આપ્યાં?

બીબીસીને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પુંછના મેંઢર તાલુકાના ભટ્ટા ધૂરિયાંનાં ગાઢ જંગલોમાં છુપાયેલા ઘૂસણખોરોની ટુકડીને રાશનની મદદ કરનારા કુલ ચાર લોકોની જમ્મુ-કાશ્મીર પોલીસે ધરપકડ કરી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, "ઑપરેશન દરમિયાન બે મહિલાઓ સહિત એક ડઝનથી વધારે શંકાસ્પદ લોકોની પૂછપરછ માટે પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોનાં નામ યાસિર અરાફત, ખુર્શીદ અહમદ, વાહિદ ઇકબાલ અને અન્ય છે."

પોલીસ અનુસાર એ ચારે આરોપી ભટ્ટા ધૂરિયાંના નિવાસી છે અને એમાંનો એક જુવેનાઇલ છે એટલે કે એની ઉંમર 16 વર્ષથી ઓછી છે, એટલે એનું નામ કહેવાની જગ્યાએ અન્ય લખાયું છે.

આ બધા આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ હત્યાની કોશિશ, ગુનાકીય યોજના, પ્રેરણા અને ગુનેગારને શરણ આપવા જેવા આરોપ મુકાયા છે. સાથે જ, આ આરોપીઓ પર આર્મ્સ એક્ટની કલમો હેઠળનો કેસ પણ કરાયો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, 25 ઑક્ટોબરે યાસિર અરાફત સાઉદી અરબ જતો હતો ત્યારે કાઠમંડુથી એની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અનુસાર અરાફત સાઉદી અરબમાં કામ કરતો હતો અને ઘૂસણખોરોના સંપર્કમાં હતો. પોલીસે જણાવ્યું કે એ વાત સાબિત થઈ ગઈ હતી કે યાસિર અરાફતે ભટ્ટા ધૂરિયાંનાં જંગલોમાં સંતાયેલા ચરમપંથીઓને ભોજન અને આશ્રય આપ્યાં હતાં.

line

2003ની યાદો તાજી થઈ?

લાઇન ઑફ કંટ્રોલ પર ભારતીય સૈનિકો (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, આ બધા આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ હત્યાની કોશિશ, ગુનાકીય યોજના, પ્રેરણા અને ગુનેગારને શરણ આપવા જેવા આરોપ મુકાયા છે. સાથે જ, આ આરોપીઓ પર આર્મ્સ એક્ટની કલમો હેઠળનો કેસ પણ કરાયો છે.

આ ઍન્કાઉન્ટરે સુરક્ષાદળો માટે ખતરાની ઘંટડી વગાડવાની સાથોસાથ 2003ની યાદોને પણ તાજી કરી દીધી છે, જ્યારે પુંછ અચાનક જ ચરમપંથીઓનો ગઢ બની ગયો હતો અને ચરમપંથીઓનો ખાત્મો કરવા માટે ઑપરેશન 'સર્પ વિનાશ' કરાયું હતું.

1999ના કારગિલયુદ્ધ પછી સંખ્યાબંધ પાકિસ્તાની ચરમપંથીઓએ પુંછમાં નિયંત્રણરેખા (એલઓસી)ની પાર ઘૂસણખોરી કરીને એલઓસીથી થોડા કિલોમીટરના અંતરે સુરનકોટ જિલ્લાના હિલકાકામાં અડિંગો જમાવવાનું શરૂ કરી દીધું હતું.

2003 સુધી લશ્કર-એ-તૌબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં સંગઠનોના ચરમપંથીઓએ હિલકાકામાં કિલ્લેબંધી કરી હતી અને ઘણા મહિનાઓનું રાશન એકઠું કરી લીધું હતું.

છેવટે ઑપરેશન 'સર્પ વિનાશ' અંતર્ગત બે અઠવાડિયાં સુધી ચાલેલી કાર્યવાહીમાં 62 જેટલા ચરમપંથીઓને ભારતીય સેનાએ મારી નાખ્યા હતા અને દારૂગોળાનો મોટ્ટો જથ્થો જપ્ત કર્યો હતો.

સુરક્ષાદળો માને છે કે 11 અને 14 ઑક્ટોબરે ભારતીય સેના પર જે ચરમપંથીઓએ હુમલો કર્યો એમની સંખ્યા 6 કે 8થી વધુ નથી, પણ જે રીતે એ ઘૂસણખોરો હજી સુધી ભારતીય સુરક્ષાદળોની પહોંચથી દૂર રહેવામાં સફળ રહ્યા એનાથી ઘણા પ્રશ્નો ઊભા થયા છે.

એવા પ્રશ્નો, જેના જવાબોની સૌથી વધુ રાહ એ નવ શોકસંતપ્ત પરિવાર જુએ છે જેમણે પોતાના સૈનિક દીકરાને ખોયા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો