પાટીદાર આગેવાન નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાય તો કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલનું રાજકીય કદ ઘટી જાય?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે, તો બીજી તરફ કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ તેમનાં નિવેદનોથી પક્ષથી નારાજ હોવાનું જણાઈ રહ્યું છે.

નરેશ પટેલ બે દિવસથી દિલ્લી હતા. રાજકોટ ઍરપૉર્ટ પર ઊતર્યા ત્યારે મીડિયા તેમને ઘેરી વળ્યું હતું. નરેશ પટેલે કહ્યું કે, "હું દિલ્લી લગ્નપ્રસંગે ગયો હતો. ત્યાં પ્રશાંત કિશોરને પણ મળ્યો હતો. પરંતુ એ કોઈ રાજકીય મુલાકાત નહોતી."

"મારે ઉતાવળે નિર્ણય નથી લેવો તેથી વાર લાગી રહી છે. પરંતુ 15 મે પહેલાં હું નિર્ણય જાહેર કરી દઈશ. મને પણ ખબર છે કે સમાજના લોકો મારા નિર્ણયની રાહ જોઈ રહ્યા છે."

નરેશ પટેલ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

નરેશ પટેલ સાથે થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલની રાજકોટમાં ખાનગી મુલાકાત થઈ હતી. નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવે એ માટે હાર્દિક પટેલે ગયા મહિને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ખુલ્લો પત્ર તેમને સંબોધીને લખ્યો હતો.

પત્રમાં લખ્યું હતું કે, "ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી એક જ પક્ષનું શાસન છે અને આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી ગુજરાત વિવિધ અન્યાયી પ્રથા ભોગવી રહ્યું છે."

પત્રમાં હાર્દિક લખ્યું હતું કે, "સરકારની તાનાશાહીનો ભોગ સૌથી વધુ પાટીદાર સમાજના લોકો બન્યા છે. પાટીદાર સમાજના હજારો પરિવારો ખેતી તેમજ વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે."

આગળ લખ્યું હતું કે, "આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજકીય જીવનમાં જોડાવા અપીલ કરું છું."

આ પત્ર મામલે નરેશ પટેલે ત્યારે કહ્યું હતું કે, "આવા આમંત્રણ દરેક પક્ષમાંથી આવે છે. હું યોગ્ય સમયે નિર્ણય લઈશ."

ઉલ્લેખનીય છે કે એના થોડા દિવસ પછી નરેશ પટેલે જાહેરાત કરી હતી કે તેઓ માર્ચ મહિનાના અંતમાં રાજકારણમાં જોડાવા વિશેનો પોતાનો નિર્ણય જાહેર કરશે.

line

પાર્ટીના મોવડીમંડળને કેમ અચંબો થયો?

ગુજરાત કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે નરેશ પટેલના સ્વાગત માટે કૉંગ્રેસ તૈયાર હોવાની વાત કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે નરેશ પટેલના સ્વાગત માટે કૉંગ્રેસ તૈયાર હોવાની વાત કરી હતી

હાર્દિક પટેલ અને નરેશ પટેલ બંને પાટીદાર અગ્રણી તરીકે પરસ્પર આદર ધરાવે છે. યુવા પાટીદાર આગેવાન તરીકે નરેશ પટેલ હાર્દિકને હંમેશાં આવકારતા આવ્યા છે.

હાર્દિક પટેલ પણ સમાજના એક મોભી તરીકે નરેશ પટેલને આદર આપતા રહ્યા છે. હાર્દિક પટેલ 2018માં ઉપવાસ પર બેઠા હતા. એ વખતે નરેશ પટેલે તેમની તબિયતની ચિંતા કરી હતી. ઉપવાસના અઢારમા દિવસે નરેશ પટેલના હાથે હાર્દિકે પારણાં કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે છ ડિસેમ્બર 2021ના રોજ નરેશ પટેલે કહ્યું હતું કે, "જો સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ."

એ પછી વિવિધ પક્ષો વચ્ચે નરેશ પટેલને પાર્ટીમાં લાવવા હોડ લાગી. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, "નરેશભાઈ આવતા હોય તો અમે લાલ જાજમ બિછાવવા તૈયાર છીએ."

ગુજરાતના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે "નરેશ પટેલ જો કૉંગ્રેસ સાથે જોડાય તો એનાથી બહેતર શું હોઈ શકે? નરેશભાઈ વર્ષોથી કૉંગી વિચારધારાની નજીક છે."

જોકે, ગયા અઠવાડિયે હાર્દિક પટેલે નરેશ પટેલનો મુદ્દો આગળ ધરીને જ કૉંગ્રેસની પ્રદેશ નેતાગીરીની નિર્ણયશક્તિ સામે સવાલ ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું, "કૉંગ્રેસમાં નિર્ણયશક્તિ ઘણી ઓછી છે એટલે અઢી મહિનાથી નરેશભાઈ (નરેશ પટેલ)નું પ્રકરણ, પ્રક્રિયા લટકેલાં છે. કૉંગ્રેસ પાર્ટી નરેશભાઈને લેવા માગે છે કે નહીં એ તો પહેલાં સ્પષ્ટ કરે. જો લેવા માગતી હોય તો જલદી નિરાકરણ લાવે. રોજ ટીવીમાં મનફાવે ત્યારે આવે અને નરેશભાઈએ ફલાણી માગણી કરી, નરેશભાઈએ ફલાણું બાર્ગેઇન કર્યું. નરેશભાઈએ કોઈ બાર્ગેઇન કે માગણી નથી કરી"

હાર્દિકના આ પ્રકારના નિવેદનથી પાર્ટીની અંદર અને બહાર ઘણાને અચંબો થયો હતો કે આવું અચાનક કેમ કહે છે?

line

હાર્દિક પટેલ વિક્ટિમ કાર્ડ રમવાનો પ્રયાસ કરી રહ્યા છે?

2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં, ત્યારે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL

ઇમેજ કૅપ્શન, 2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યા, ત્યારે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં

રાજકીય વિશ્લેષકો માને છે કે હાર્દિક પટેલનું એ નિવેદન અચંબો ભલે પમાડે પણ અચાનક નહોતું. જો નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાય તો હાર્દિકનું કદ ઘટે અને ત્યાંથી જ કૉંગ્રેસ અને હાર્દિક વચ્ચે ગજગ્રાહ શરૂ થયો છે.

હાર્દિક પટેલ વિક્ટિમ કાર્ડ રમી શકે એ માટે તેમણે એ નિવેદન કર્યું હતું.

વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ બીબીસીને જણાવે છે કે, "એક પાટીદાર નેતા છે અને બીજો નેતા આવે તો એકનું કદ ઘટે. એમાંય એવી વાત ચાલે કે નરેશ પટેલ માત્ર કૉંગ્રેસમાં જોડાશે એટલું જ નહીં પણ મુખ્ય મંત્રીના ચહેરા તરીકે જોડાશે."

"જો આવું થાય તો હાર્દિક પટેલની રાજકીય મહત્ત્વાકાંક્ષા જોખમાય. બંને નેતા વચ્ચે પોતાના સમાજમાં અને કૉંગ્રેસમાં આગળ રહેવાની જે સ્પર્ધા છે એ વધી જશે. એવું માનીને હાર્દિક પટેલ કદાચ આવાં નિવેદનો કરી રહ્યા હોય."

પરંતુ હાર્દિક પટેલને કાને એવી વાત આવી કે નરેશ પટેલ સામે તેમને વાંધો હોઈ શકે એવું કેટલાંક માને છે ત્યારે તેમણે મીડિયામાં કહ્યું હતું કે, "જો હું કનૈયાકુમાર કે જિજ્ઞેશ મેવાણીને કૉંગ્રેસમાં જોડવા માટે પાર્ટીને અપીલ અને મદદ કરી શકતો હોઉં તો નરેશભાઈ તો અમારા આદરણીય વડીલ છે. તેમના નેતૃત્વમાં કામ કરવાની તક મળશે તો એ સહજપણે સ્વીકારશું."

આ વિશે દિલીપ ગોહિલ કહે છે કે, "કનૈયા કે જિજ્ઞેશના કૉંગ્રેસપ્રવેશથી સીધી હરીફાઈ હાર્દિક સાથે નથી. નરેશ પટેલ આવે તો સીધી જ સ્પર્ધા થાય. એમાંય જો પાર્ટી મુખ્ય મંત્રીના ચહેરા તરીકે તેમને આગળ ધરે તો એનો સીધો અર્થ એ નીકળે કે નેતૃત્વ નરેશ પટેલનું છે, હાર્દિકનું નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

"કૉંગ્રેસ પાર્ટી નિર્ણય નથી લઈ શકતી કે નરેશ પટેલનું અપમાન થઈ રહ્યું છે એવું હાર્દિકે કહ્યું એની પાછળનો મર્મ એ છે કે કૉંગ્રેસ માટે જવાબ આપવો અઘરો પડે. કૉંગ્રેસ કોઈ સમાધાનની ભૂમિકા ઊભી ન કરી શકે. કૉંગ્રેસે તો નરેશ પટેલને આવકારવાની વાત કરી છે. તેથી હાર્દિકનું જે નિવેદન છે તે જ પાયાવિહોણું છે અને પાર્ટીમાં તે નિવેદનને કોઈ રિસ્પોન્સ ન મળે. નિર્ણય તો નરેશ પટેલે કરવાનો છે, પાર્ટીએ તો કરવાનો નથી."

તેઓ વધુમાં કહે છે કે ટૂંકમાં હાર્દિકે નિવેદન એવી રીતે આપ્યું છે કે સમાધાનની ભૂમિકા ઊભી ન થાય. પોતે વિક્ટિમ એટલે કે કૉંગ્રેસની આંતરિક રાજનીતિનો ભોગ બન્યા છે એવી ધારણા ઊભી થાય અને તેને કૉંગ્રેસ છોડવી હોય તો કારણ મળી રહે. જો કૉંગ્રેસ છોડવી હોય તો પોતે વિક્ટિમ બનીને ગયો છે એ ભૂમિકા માટે આ નિવેદન કામ લાગે.

ગોહિલ કહે છે, "કૉંગ્રેસના કોઈ નેતા હાર્દિકના નિવેદન સામે કોઈ તીખું નિવેદન કરે તો તેને જવા માટે બહાનું પણ મળી રહે. હાર્દિકભાઈએ કૉંગ્રેસની ટીકા તો કરી જ ભાજપનાં વખાણ પણ કર્યા. એનું કારણ એ છે કે સંજોગવશાત તેણે ભાજપમાં જવું હોય તો રસ્તો થોડો તૈયાર થયો હોય."

"નરેશ ભાઈ કૉંગ્રેસમાં આવે તો પોતાનું પણ વર્ચસ્વ જળવાઈ રહે એવી તેની કોશિશ હોત તો તેણે જુદા પ્રકારે નિવેદન કર્યું હોત. જો નરેશ પટેલ કૉંગ્રેસમાં આવે તો હાર્દિક અને તેમની વચ્ચે જે મધુર સંબંધ હતા તે ન રહે. કદાચ હાર્દિક કૉંગ્રેસ પણ છોડી દે."

line

શું હાર્દિક નરેશ પટેલને લીધે પક્ષપલટો કરશે?

હાર્દિક પટેલ સોશિયલ મીડિયા મારફત સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાના નથી અને કૉંગ્રેસમાં જ રહેશે

ઇમેજ સ્રોત, HARDIK PATEL TWITTER

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ સોશિયલ મીડિયા મારફત સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાના નથી અને કૉંગ્રેસમાં જ રહેશે

નોંધનીય છે કે 2017માં કૉંગ્રેસ સત્તામાં ન આવી હોવા છતાં પ્રદર્શન સારું રહ્યું હતું. તેમાં સૌરાષ્ટ્રની ભૂમિકા આગળ પડતી હતી.

હાર્દિકે હાલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં એવું પણ કહ્યું હતું કે, "નરેશભાઈ સૌરાષ્ટ્રમાં મજબૂત છે. નરેશભાઈ કૉંગ્રેસમાં જોડાય તો દરેક કાર્યકર ખુશ થશે. પાર્ટી મજબૂત બનશે. તેઓ કૉંગ્રેસમાં આવે તો તેમની સાથે જોડાયેલા તમામ કાર્યકરોને પણ સાથે લઈને આવે."

રાજકીય વિશલેષક વાસુદેવ પટેલ માને છે કે "નરેશભાઈ કૉંગ્રેસમાં જોડાય અને હાર્દિકભાઈ અને તેઓ સમન્વયથી ચાલે તો સારાં પરિણામ લાવી શકે એમ છે."

"હાર્દિકભાઈ જો નરેશભાઈને લીધે પક્ષપલટો કરશે તો તેનો રાજકીય ગ્રાફ નીચે જશે. અત્યારે જે પ્રકારે નિવેદનો તે પાર્ટી સામે આપી રહ્યા છે તે પોતાનું વર્ચસ્વ સચવાઈ રહે તે માટે આપતા હોય એવું લાગે છે."

હાર્દિક પટેલે એમ પણ કહ્યું હતું કે "નરેશ પટેલ માટે થઈને પાર્ટી કોઈ નિર્ણય લેવા માગતી હોય તે જલદીથી લે. રોજ અલગઅલગ સમાચારો આવે એનાથી સમાજનું અપમાન થાય છે. નરેશભાઈનું અપમાન એ સમાજનું અપમાન છે. કૉંગ્રેસ પાર્ટી કોઈનું સન્માન ન કરી શકે તો વાંધો નહીં પણ કોઈનું અપમાન તો ન જ કરવું જોઈએ."

હાર્દિક પટેલે ઊભા કરેલા સવાલ પછી પણ કૉંગ્રેસના પ્રદેશના નેતાઓએ તો કહ્યું જ હતું કે અમે તો નરેશ પટેલને આવકારવા તત્પર જ છીએ, એમાં કોઈ બેમત નથી.

line

નરેશ પટેલની વિચારધારા

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ખોડલધામના બે ટ્રસ્ટીને ટિકિટ આપી હતી. દિનેશ ચોવટિયા (રાજકોટ દક્ષિણ) તથા રવિ આંબલિયાને (જેતપુર) ટિકિટ આપી હતી.

જ્યારે ભાજપે મંદિરના ટ્રસ્ટી ગોપાલ વસ્તારપરાને લાઠીની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. ખોડલધામ સાથે નજીકથી સંકળાયેલા મિતુલ દોંગાને કૉંગ્રેસે રાજકોટ પૂર્વની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા.

હાર્દિક પટેલે ખોડલધામનું 'ભગવાકરણ' થઈ ગયું હોવાના આરોપ મૂક્યા હતા, જેના પગલે નરેશ પટેલે ટ્રસ્ટના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. સમાજના આગેવાનોની સમજાવટ બાદ રાજીનામું પાછું ખેંચ્યું હતું અને સંગઠનના ચૅરમૅન બન્યા હતા.

જોકે, નરેશ પટેલના દીકરા શિવરાજે કૉંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. એ પછી હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષના પદ સુધી પહોંચ્યા છે.

નરેશ પટેલ જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે કે તેમની તથા તેમના પરિવારની વિચારધારા કૉંગ્રેસની રહી છે. સાથે જ તેઓ આ વાત ભૂતકાળ હોવાનું પણ કહી ચૂક્યા છે.

વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે કહ્યું હતું, "વ્યક્તિગત રીતે હું ગુજરાતમાં પરિવર્તન (મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીના બદલે અન્ય કોઈને) જોવા ઇચ્છીશ."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો