જહાંગીરપુરી તોફાનના મુખ્ય આરોપી મોહમ્મદ અંસાર કોણ છે?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારની ઓળખ આ સાંકડી ગલીઓ પણ છે. સામાન્ય દિવસોમાં આ ગલીઓની રોનક અલગ રહેતી હતી પરંતુ શનિવારની સાંજ પછીનો અહીંનો માહોલ બિલકુલ અલગ છે.
જહાંગીરપુરી વિસ્તારની દરેક ગલીની બહાર પોલીસનો પહેરો છે. ખાસ કરીને બ્લૉક બી અને સી વિસ્તારમાં, જ્યાં ગયા શનિવારે હનુમાનજયંતીના પર્વ પ્રસંગે બે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક રમખાણ થયું.

ઇમેજ સ્રોત, KAPIL MISHRA/TWITTER
એમ તો મંગળવારે આ વિસ્તારમાં જનજીવન કંઈક અંશે સામાન્ય બનવા લાગ્યું હતું.
ઘરોમાંથી બાળકો હવે સ્કૂલો તરફ જતાં હતાં પરંતુ બજારોની રોનક ગાયબ છે. દુકાનો બંધ છે અને ભંગારનો વેપાર, જેના માટે આ વિસ્તાર ઓળખાય છે, એ કામ નહીં જેવું જ ચાલતું હતું.
તોફાન થયું તે સ્થળેથી થોડેક દૂર કુશલચોક છે, ત્યાં સુધી મીડિયાવાળાને ઍન્ટ્રી મળે છે.
મંદિર હોય કે મસ્જિદ, જે ગલીમાં જવું હોય પોલીસની સઘન પૂછપરછ પછી જ બહારના લોકોને અંદર જવા દેવાય છે.
પોલીસના તમામ પ્રશ્નોમાંથી પાર પડ્યા પછી બીબીસીની ટીમ પણ સાંકડી ગલીઓમાંથી પસાર થતી જહાંગીરપુરી સી અને બી બ્લૉક સુધી પહોંચી.
અહીંયાં હિંદુ અને મુસલમાનોની વસ્તીની સંખ્યા લગભગ સમાન લાગી. દરેક ગલીના નાકે એકઠા થયેલાની જીભે એક જ નામ રમતું હતું, મોહમ્મદ અંસારનું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ મોહમ્મદ અંસાર જેને પોલીસ આ સમગ્ર ઘટનાના ખરા 'ઇન્સ્ટિગેટર ઍન્ડ ઇનિશિયેટર' એટલે કે 'હિંસા ભડકાવનાર અને શરૂ કરાવનાર' માને છે. અંસાર અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. આ ઘટના માટે ધરપકડ કરાયેલા 24 લોકોમાંના તેઓ પણ એક આરોપી છે.
દિલ્હીની કેટલીક મીડિયા ચૅનલ મોહમ્મદ અંસારને શનિવારની ઘટનાના 'માસ્ટર માઇન્ડ' ઠરાવી રહી છે.
દિલ્હીમાં સક્રિય બે રાજકીય પાર્ટીઓ, ભાજપા અને આમ આદમી પાર્ટી, મોહમ્મદ અંસારને વિરોધી પાર્ટી સાથે જોડાયેલા ગણાવે છે.
આ તમામ દાવાઓ અને વાયદાઓની વચ્ચે એક મહત્ત્વની જાણકારી ગઈકાલની પણ છે. દિલ્હી પોલીસના રેકૉર્ડ અનુસાર આ ઘટનાની પહેલાં એમના પર 7 એફઆઇઆર પહેલાંથી જ નોંધાયેલી છે.
આ કારણે મોહમ્મદ અંસારની ગઈકાલ અને આજ-ની સંપૂર્ણ કહાણી જાણવા માટે બીબીસી જહાંગીરપુરીની સાંકડી ગલીઓમાં થઈને એમના ઘર, એમના સંબંધીઓ પાસે પહોંચ્યું. આયોજકોને એમના વિશે પૂછ્યું અને સાથે જ દિલ્હી પોલીસની તપાસમાં કહેવાતી એમની ભૂમિકા વિશે પણ બધા પ્રશ્નોના જવાબ ચકાસ્યા.

કોણ છે મોહમ્મ્દ અંસાર?

દિલ્હી પોલીસના રેકૉર્ડ અનુસાર, મોહમ્મદ અંસારની ઉંમર 35 વર્ષ છે. પિતાનું નામ અલાઉદ્દીન છે. તેઓ ચોથા ધોરણ સુધી ભણ્યા છે અને જહાંગીરપુરી બી બ્લૉકમાં રહે છે. શનિવારે હનુમાનજયંતીના પર્વ નિમિત્તની શોભાયાત્રા સમયે બે સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ ત્યારે ઘટનાસ્થળે તેઓ હાજર હતા.
નોંધવા જેવી બાબત એ છે કે, તોફાનની ઘટના ત્યારે થઈ જ્યારે શોભાયાત્રા સી બ્લૉકથી જી બ્લૉક તરફ જતી હતી, જ્યારે અંસાર બી બ્લૉકમાં રહે છે.
જહાંગીરપુરી બી બ્લૉકમાં મોહમ્મદ અંસારનું ચાર માળનું મકાન છે. સૌથી નીચે, ભોંયતળિયે તેઓ તેમના પરિવાર સાથે રહે છે, ઉપરના બાકીના ત્રણ માળમાં ભાડુઆત રહે છે. મંગળવારે એમના ઘરે તાળું હતું.
પૂછપરછ કરતાં ખબર પડી કે એમનાં પત્ની પોલીસથાણે ગયાં છે. બાળકો એમના સંબંધીના ઘરે છે. અંસારને ત્રણ દીકરી અને બે દીકરા છે. થોડાં વરસો પહેલાં જ આ પરિવાર બી બ્લૉકમાં રહેવા આવ્યો છે.
આની પહેલાં તેઓ જહાંગીરપુરીના સી બ્લૉકમાં જ રહેતા હતા. આ બધી માહિતી અંસારના પડોશીઓ પાસેથી મળી.
અંસારના મકાનની બંને બાજુ હિન્દુ પરિવારો રહે છે. એમનાં ઘરોની બહાર લક્ષ્મી, ગણેશ અને હનુમાનના ફોટા એ વાતની સાબિતી આપે છે.
અંસાર વિશે પૂછતાં શેરીમાંના કેટલાક લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધાં તો કેટલાકે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો.
શેખ બબલુ જહાંગીરપુરીમાં 45 વર્ષથી રહે છે. શનિવારની ઘટનાના તેઓ પ્રત્યક્ષદર્શી પણ છે. એવો તેમનો દાવો છે. મોહમ્મદ અંસારને પણ તેઓ જન્મથી ઓળખે છે અને સી બ્લૉકમાં એમના પડોશી હોવાનો દાવો કરે છે.
બીબીસી સાથેની વાતચીતમાં શેખ બબલુએ કહ્યું, "બાળકોનો ઉછેર સારી રીતે થાય એ કારણે જ સી બ્લૉકનો મહોલ્લો એમણે છોડ્યો. વધારે ભણ્યા-ગણ્યા નથી. તેઓ ભંગારનો વેપાર કરે છે. રોજ ભરાતી ફૂટપાથ બજારમાં એમની મોબાઇલની દુકાન પણ છે. સી બ્લૉક ફૂટપાથ બજારના તેઓ પ્રેસિડન્ટ પણ છે."
'રૉબિનહૂડ' કે 'રાજાબાબુ'?

પોલીસ ધરપકડ પછી સોશિયલ મીડિયા પર મોહમ્મદ અંસારનો એક વીડિયો ઘણો વાઇરલ થયો છે, જેમાં તેઓ એમ કહેતા સંભળાય છે કે, 'હા, હું ગુનેગાર છું.'
એમના આ વીડિયોની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વીડિયો બાબત સવાલ પૂછતાં જ શેખ અસગરે કહ્યું કે, "એ વીડિયો મેં પણ જોયો છે. પોલીસને 100થી વધારે વીડિયો મળ્યા છે. એક પણ એવો વીડિયો મળ્યો જેમાં અંસાર તોફાન કરી રહ્યા હોય?"
વિસ્તારમાં રહેતા મુસલમાનોનો દાવો છે કે મોહમ્મદ અંસારે તોફાન અટકાવવાની કોશિશ કરી હતી, નહીં કે ભડકાવવાની. તેઓ બધાની મદદ કરવા આગળ આવતા હતા - હિન્દુ હોય કે મુસલમાન.
લોકોએ દાવો કર્યો કે કોરોનાકાળમાં અંસારે લોકોને ફૂટ પૅકેટ્સ વહેંચ્યાં, કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા હિન્દુઓની નનામીને કાંધ પણ આપી-જેમને ઘરનાંઓએ ત્યજી દીધા હતા. કોઈ એમને વિસ્તારના 'રૉબિનહૂડ' કહે છે તો કોઈ 'રાજાબાબુ' ફિલ્મના ગોવિંદા, જે જરૂરિયાત પ્રમાણે પોલીસ પણ છે, નેતા પણ છે અને વકીલ પણ છે.
કેટલાકે નનામીને કાંધ આપતા હોય એવા એમના વીડિયો પણ બીબીસી સાથે શૅર કર્યા, કેટલાક લોકોએ હનુમાન જયંતીના દિવસના સવારના વીડિયો પણ અમને મોકલ્યા જેમાં તેઓ એક બાળકને તલવારને હાથ ન લગાડવા બાબતે સમજાવતા દેખાય છે. બીબીસી આ વીડિયોઝની પ્રમાણભૂતતાની પુષ્ટિ નથી કરતું.
બી બ્લૉકમાં જ એમના પડોશમાં લલિત પણ રહે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ગલી મહોલ્લાની દૃષ્ટિએ તો તેઓ સારા માણસ છે. દરેક ઘરનાં સુખ-દુઃખમાં તેઓ આગળ પડતો ભાગ લેતા હતા."
પરંતુ પોલીસે અંસાર પર કરેલા આરોપો વિશે જેવો સવાલ પૂછ્યો કે તરત જ લલિત એવું બોલીને ઘરની અંદર જતા રહ્યા કે, "શું કહું? ઘણી બધી વસ્તુઓમાં અંદર અને બહારના દેખાવમાં તફાવત હોય છે."
બી બ્લૉકમાં મોહમ્મદ અંસારના પડોશમાં રોઝી પણ રહે છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે મોહમ્મદ અંસાર વિશે કહ્યું કે ઘણા મદદરૂપ વ્યક્તિ છે. બધી રીતે લોકોને મદદ કરે છે.
પોલીસ રેકૉર્ડમાં મોહમ્મદ અંસાર

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, દિલ્હી પોલીસનો દાવો વિસ્તારમાંના મુસલમાનોનાં મંતવ્યો કરતાં બિલકુલ અલગ છે.
બીબીસી સાથેની વાતચીતમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) દીપેન્દ્ર પાઠકે કહ્યું કે, "જહાંગીરપુરીના તોફાનની તપાસ અત્યારે શરૂઆતના તબક્કામાં છે. મોહમ્મદ અંસારને સમગ્ર ઘટનાના 'માસ્ટર માઇન્ડ' કહેવા એ હાલ યોગ્ય નથી. "
"હા, તેઓ આખી ઘટનામાં ઇનિશિયેટર (બનાવ શરૂ કરાવનાર) રહ્યા છે. દિલ્હી પોલીસની એફઆઇઆરમાં તેઓ નામજોગ આરોપી છે. સૌથી પહેલાં એમનું નામ આવ્યું હતું. સૌથી પહેલાં એમણે ચાર-પાંચ લોકોને ત્યાં લઈ જઈને ધક્કામુક્કી કરી હતી. એનાથી જ સ્થિતિ બગડી હતી. બાકીની ડિટેલ તપાસનો વિષય છે. અત્યારે તપાસ આરંભિક તબક્કામાં છે."
મીડિયામાં મોહમ્મદ અંસારના નામની એક ફાઇલ ફરી રહી છે, જેમાં એમના જૂના ગુનાનાં લેખાંજોખાં છે.
એ ફાઇલને સાચી ગણાવતાં એની સાથે સંકળાયેલા પ્રશ્નો વિશે દીપેન્દ્ર પાઠકે કહ્યું, "હા, મોહમ્મદ અંસાર પર પહેલાંથી 7 એફઆઇઆર છે. જેમાંની એક જુગાર રમવાની, એક સરકારી કર્મચારીઓ પર હુમલાની અને એક એફઆઇઆર લોકોને નુકસાન પહોંચાડવાની છે. "
"દિલ્હી પોલીસ રેકૉર્ડ્સમાં તેઓ હિસ્ટ્રીશીટર છે. વિસ્તારના બૅડ કૅરેક્ટર છે અને હંમેશાં સ્થાનિક પોલીસની નજરમાં રહ્યા છે. એમના પર ચાલી રહેલા સાતેય કેસ અત્યારે ટ્રાયલ સ્ટેજ પર છે અને તેઓ જામીન પર છે."
એવું પૂછતાં કે, શું પોલીસને મોહમ્મદ અંસાર વિરુદ્ધ તોફાનમાં સામેલ હોવાના કોઈ વીડિયો પુરાવા મળ્યા છે? એના જવાબમાં એમણે કહ્યું, "ઘણા પુરાવા છે. પુરાવા વગર ધરપકડ સંભવ નથી."
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવે છે કે વિસ્તારની જામા મસ્જિદના ઇમામે મોહમ્મદ અંસારને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યા હતા.
જોકે, જહાંગીરપુરી સી બ્લૉક જામા મસ્જિદના સેક્રેટરી સલાઉદ્દીનને બીબીસીએ આ દાવા અંગે પૂછ્યું તો એમણે એને ધડમૂળમાંથી નકારી કાઢ્યો. એમણે કહ્યું કે મસ્જિદના ઇમામ કે એમની પોતાની પાસે મોહમ્મદ અંસારનો મોબાઇલ નંબર પણ નથી. ઘટના બની તે વખતે મોહમ્મદ અંસાર મસ્જિદમાં પણ નહોતા.
સ્પેશિયલ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર)એ 'અંસારને ફોન કરીને મસ્જિદે બોલાવાયા' હોવાના દાવાને નકારી કાઢતાં કહ્યું, "એવું કંઈ પણ કહેવું હાલ પૂરતું ઉતાવળું ગણાશે. હવે સમગ્ર મામલાની તપાસ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ કરી રહી છે."
મોહમ્મદ અંસારને એક દિવસના પોલીસ રિમાન્ડમાં રખાયા હતા. હવે રિમાન્ડ ત્રણ દિવસ વધી ગયા છે.
દીપેન્દ્ર પાઠક, મોહમ્મદ અંસાર માટે માસ્ટર માઇન્ડના બદલે 'ઇન્સ્ટિગેટર ઍન્ડ ઇનિશિયેટર' જેવા અંગ્રેજીના શબ્દોનો પ્રયોગ કરતાં કહે છે કે એમની સાથે બીજા ઘણા લોકો સામેલ હતા.
સોશિયલ મીડિયા પર મોહમ્મદ અંસારની વાઇરલ તસવીર અને રાજકીય પાર્ટીઓના દાવા

સોશિયલ મીડિયા પર મોહમ્મદ અંસારની ઘણી તસવીરો પણ વાઇરલ છે. જેમાંની એક ભાજપાના નેતા કપિલ મિશ્રાએ પોસ્ટ કરી છે, જેમાં એમના હાથમાં બંદૂક પણ છે.
બીબીસીએ દિલ્હી પોલીસને આ અંગે જ્યારે સવાલ પૂછ્યો કે શું મોહમ્મદ અંસારની પાસે લાઇસન્સવાળું કોઈ હથિયાર હોવાની માહિતી એમની પાસે છે? તો એમણે એનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
એમના ફોટોને જોઈને ખબર પડે છે કે એમને સોનાનાં ઘરેણાં પહેરવાનો ખૂબ જ શોખ છે, પરંતુ એમને ઓળખનારાઓનો દાવો છે કે ફોટોમાં દેખાતા બધા દાગીના અસલી સોનાના નથી. એમને દેખાડાનો શોખ છે.
બીજી તરફ, દિલ્હી ભાજપાના પ્રવક્તા પ્રવીણશંકર કપૂરે દાવો કર્યો છે કે મોહમ્મદ અંસારનો સંબંધ આમ આદમી પાર્ટી સાથે છે.
આ દાવો એમણે સોશિયલ મીડિયા પર ફરી રહેલી એક તસવીર જોઈને કરી નાખ્યો, જેમાં તેઓ આમ આદમી પાર્ટીના એક નેતાની સાથે 'આપ' પાર્ટીની ટોપી પહેરીને ઊભા છે.

ઇમેજ સ્રોત, Social media
એ વિશે પ્રવીણશંકર કપૂરે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પણ પ્રશ્ન પૂછ્યો છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પણ મોહમ્મદ અંસારી પર એવા જ આક્ષેપ કર્યા છે.
આ આરોપોને આમ આદમી પાર્ટીએ માત્ર ધડમૂળમાંથી જ નકારી નથી કાઢ્યા, બલકે, સાથે જ મોહમ્મદ અંસારના ભાજપા કનેક્શનની વાત પણ કહી.
આમ આદમી પાર્ટીની માવલીયનગર સીટના ધારાસભ્ય આતિશી માર્લેનાએ ટ્વિટર પર મોહમ્મદ અંસારનો ભાજપાના નેતાઓ સાથેનો ફોટો શૅર કરીને ભાજપા સાથેના એમના સંબંધોનો ઉલ્લેખ કર્યો.
બંનેમાંથી સાચું કોણ બોલે છે એ અમે જહાંગીરપુરીના સ્થાનિક લોકો અને મોહમ્મદ અંસારના પરિવાર પાસેથી જાણવાની કોશિશ કરી.
હલીમા, મોહમ્મદ અંસારના નાના ભાઈનાં પત્ની છે. બી બ્લૉકમાં જ થોડે દૂર એમનું ઘર છે.
મોહમ્મદ અંસારનાં રાજકીય જોડાણો વિશે અમે એમને સીધો સવાલ પૂછ્યો. જવાબમાં એમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઈ પાર્ટી સાથે ક્યારેય જોડાયેલા રહ્યા નથી.
વિસ્તારના લોકોએ કહ્યું કે તેઓ કોઈ પણ પાર્ટીના નથી. ના તેઓ ઝાડુ (આમ આદમી પાર્ટી)ના છે અને ના તેઓ ભાજપાના છે. એમના ફોટો દરેક પાર્ટીવાળાની સાથે તમને મળી જશે. એમને ફોટા પડાવવાનો શોખ છે.
આયોજકો વિશે પોલીસ શું કહે છે?

જહાંગીરપુરીમાં રિપોર્ટિંગ કરવા દરમિયાન એક ઉલ્લેખ આયોજકોનો પણ થયો. ઘણા લોકોએ ફરિયાદ કરી કે આયોજકો અંગે મીડિયામાં વાત કેમ નથી થતી? શું આવા આયોજનને મંજૂરી હતી?
દિલ્હી પોલીસે સોમવારે કહ્યું કે જહાંગીરપુરીમાં હનુમાન જયંતીના પર્વે ત્રણ શોભાયાત્રા નીકળી હતી. પહેલી બે યાત્રાઓને દિલ્હી પોલીસની મંજૂરી મળી હતી. ત્રીજી યાત્રા માટે પોલીસની મંજૂરી નહોતી મળી.
બીબીસીને એ ત્રીજી શોભાયાત્રાની એપ્લિકેશન પણ મળી છે જેમાં હનુમાનજયંતીએ શોભાયાત્રા યોજવા જેવા માટે દિલ્હી પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી હતી.
આ મંજૂરી વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળ દ્વારા સાંજે 4.30 વાગ્યા માટે માંગવામાં આવી હતી. આ ઍપ્લિકેશન પર વીએચપીના સહવિભાગ મંત્રી બ્રહ્મપ્રકાશે સહી કરી છે. પોલીસ રેકૉર્ડ અનુસાર, બ્રહ્મપ્રકાશની સહી કરેલી ચિઠ્ઠી લઈને એમના સહયોગી પ્રેમ શર્મા પોલીસથાણે ગયા હતા.
બ્રહ્મપ્રકાશે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે તેઓ સૅન્ટ્રલ લેવલના ઑર્ગેનાઇઝર છે. વીએચપીએ પોલીસ પાસે આખા દિલ્હીમાં 20થી વધારે આવી શોભાયાત્રાઓ માટેની મંજૂરી માગી હતી.
"આવી યાત્રાઓ માટે દિલ્હી પોલીસ ક્યારેય પરમિશન નથી આપતી, માત્ર 'હા' અને 'ના'માં સૂચવી દે છે. અમને માત્ર એક શોભાયાત્રા નહીં કાઢવાની સૂચના મળી હતી, જે શાહદરા વિસ્તારમાંથી નીકળવાની હતી. એને અમે કૅન્સલ કરી દીધી હતી."
બીબીસીએ બ્રહ્મપ્રકાશના દાવા વિશે પણ દીપેન્દ્ર પાઠકને સવાલ પૂછ્યો. જવાબમાં એમણે કહ્યું, "દિલ્હી પોલીસની તપાસ સમગ્ર રીતે થઈ રહી છે. શરૂઆતથી લઈને અંત સુધી દરેક વસ્તુનું આકલન પણ થઈ રહ્યું છે અને તપાસ પણ કરી રહ્યા છે."
બ્રહ્મપ્રકાશે બીબીસી સમક્ષ કરેલા દાવા અંગે જ્યારે અમે સવાલ પૂછ્યો તો એમણે કહ્યું, "બ્રહ્મપ્રકાશ જૂઠ્ઠું બોલે છે. આ પ્રકારની શોભાયાત્રા માટે પરમિશનનું એક સેટ મૉડ્યુલ છે. બધાની પૂછપરછ થઈ રહી છે."
બીબીસી પ્રેમ શર્માના ઘરે પણ પહોંચી, જેઓ જહાંગીરપુરીની બાજુના વિસ્તાર આદર્શનગરમાં રહે છે. તેઓ ઘરે નહોતા પરંતુ એમનાં માતાએ જણાવ્યું કે રવિવારે પોલીસે પણ કલાકો સુધી પ્રેમ શર્માની પૂછપરછ કરી છે.
પ્રેમ શર્મા બાળપણથી શાખામાં જોડાયેલા છે. વર્ષોથી વિસ્તારમાં હનુમાનજયંતીએ શોભાયાત્રા કાઢતા આવ્યા છે. પરંતુ આવી ઘટના પહેલાં ક્યારેય નથી બની.
મંગળવારે જ્યારે બીબીસીની ટીમ એમના ઘરે પહોંચી હતી એ સમયે તેઓ ઝંડેવાલાંમાં વીએચપીની કચેરીએ ગયા હતા.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












