'ભારતના ગિરમીટિયા મજૂરો' મોરિશિયસમાં સમૃદ્ધિ અને સત્તાની ટોચે કઈ રીતે પહોંચ્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મોરિશિયસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથે ગત વર્ષે આઠ દિવસની ભારતયાત્રા કરી હતી, ગુજરાતના રાજકોટથી તેમણે ભારત પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી અને વારાણસી ગયા હતા.

પ્રવિંદકુમાર મૂળતઃ ઉત્તર પ્રદેશના આહિર પરિવારના છે અને તેમના પિતા અનિરુદ્ધ પણ મોરિશિયસના વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. પ્રવિંદકુમારના પરદાદાને 1870ના દાયકામાં ગિરમીટિયા મજૂર તરીકે મૉરિશિયસ લઈ જવામાં આવ્યા હતા. બ્રિટિશકાળમાં જે મજૂરોને ભારતની બહાર એક કરાર હેઠળ લઈ જવામાં જેમાં જે તે દેશમાં વસવાટનો સમય અને ભારત પરત ફરવાની શરતોનો પણ સમાવેશ થતો. આવા લોકોને જહાજી તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

મોરિશિયસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ

ઇમેજ સ્રોત, FABIEN DUBESSAY/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મોરિશિયસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જગન્નાથ

ભારત અને ચીનના ગિરમીટિયા શ્રમિકો, આફ્રિકાના ગુલામો અને પૂર્વ શાસક એવા અંગ્રેજ, ફ્રેન્ચ તથા વલંદાઓને કારણે મોરિશિયસમાં વિવિધરંગી સાંસ્કૃત્તિક અને સામાજિક ઓળખ મળી છે.

રમણીય દરિયાકિનારો, ઊંચા-ઊંચા તાડના વૃક્ષ અને નિર્જન ટાપુઓ મોરેશિયસને ડ્રીમ વૅકેશન કે હનીમૂન પ્લાનિંગ માટેનું આદર્શસ્થળ બનાવે છે, જેની ઉપર જળવાયુ પરિવર્તનનું જોખમ તોળાઈ રહ્યું છે.

line

મોરિશિયસમાં મોખરે ભારતીયો

2017માં મોદી અને પ્રવિંદની મુલાકાત સમયની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 2017માં મોદી અને પ્રવિંદની મુલાકાત સમયની ફાઇલ તસવીર

10મી સદીની શરૂઆતમાં મલય, સ્વાહિલી તથા આરબ સાગરખેડુઓ આ ટાપુએ આવતા, પરંતુ તેમણે અહીં નિવાસ કર્યો ન હતો. 1510માં પોર્ટુગીઝ સાગરખેડુ પેદ્રો મસક્રેનસ આ ટાપુ પર પહોંચ્યા અને તેને સિરન એવું નામ આપ્યું. જોકે, અહીં વસવાટ કરવાનો તેમનો પણ ઇરાદો ન હતો.

1598માં વલંદાઓએ આ નિર્જન આ ટાપુ ઉપર પોતાના આધિપત્યનો દાવો કર્યો અને તેને પોતાના એક રાજવી મોરિસનું નામ આપ્યું. તેઓ અહીં શેરડી લાવ્યા અને ગુલામો પાસે તેની ખેતી શરૂ કરાવી. 1710માં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આ વિસ્તાર લાભકારક ન લાગતા, તેઓ અહીંથી નીકળી ગયા.

એ પછી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મોરિશિયસ ઉપર દાવો કર્યો. ફ્રાન્સના સમયમાં આ ટાપુનો વિકાસ થયો અને જંગલોનું સ્થાન શેરડીના ખેતરોએ લીધું. ખડકાળ જમીનને કારણે શરૂઆતથી આજ દિવસ સુધી શેરડી વાઢવાનું કામ મશીનના બદલે હાથથી જ થાય છે.

રૉડ્રિગ્સ ટાપુ

ઇમેજ સ્રોત, Aldo Adani / EyeEm

ઇમેજ કૅપ્શન, રૉડ્રિગ્સ ટાપુ

1810માં બ્રિટિશરોએ ફ્રાન્સને પરાજય આપ્યો. 1814ની પેરિસ સંધિ પછી મોરિશિયસ, સિસલી અને રૉડ્રિગ્સને બ્રિટન સાથે ભેળવી દેવામાં આવ્યા.

1834માં બ્રિટિશ સંસદે ગુલામીપ્રથાને નાબૂદ કરી દીધી. એ પછી મોરિશિયસમાં શેરડીની ખેતી કરવા માટે ભારતના ગિરમીટિયા શ્રમિકોને અહીં લાવવામાં આવ્યા. તા. બીજી નવેમ્બર 1934ના દિવસે 'ઍટલસ' નામનું બ્રિટિશ જહાજ 36 શ્રમિકોને લઈને અહીં પહોંચ્યું હતું.

આ ક્રમ 20મી સદીની શરૂઆત સુધી ચાલુ રહ્યો હતો અને લગભગ પાંચ લાખ ભારતીય મૂળના ગિરમીટિયા મજૂરોને અહીં લાવવામાં આવ્યા હતા. દરવર્ષે મોરિશિયસમાં આ દિવસ 'અપ્રવાસી દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ભારત ઉપરાંત ચીન, મડાગાસ્કર અને મોઝામ્બિકથી પણ શ્રમિકોને અહીં લાવવામાં આવ્યા હતા.

1901માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરથી વખતે મહાત્મા ગાંધીએ અહીં ટૂંકુ રોકાણ કર્યું હતું. તા. 12મી માર્ચે ગાંધીજીએ દાંડી કૂચ શરૂ કરી હતી. તેની યાદમાં આ દિવસને મોરિશિયસમાં 'રાષ્ટ્રીય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

ભારતને આઝાદી મળી તે પછી 1948થી જ ભારતનો દૂતાવાસ અહીં કાર્યરત છે. શરૂઆતમાં કમિશનર દરજ્જાના અધિકારી તહેનાત કરવામાં આવતાં, યજમાન રાષ્ટ્રની સ્વતંત્રતા પછી તે દરજ્જો હાઈ-કમિશનરનો થઈ ગયો છે.

મોરિશિયસમાં અંગ્રેજી અને ફ્રેન્ચ ઉપરાંત હિંદી દ્વારા પણ તમારું કામ ચાલી શકે છે. અહીં વસતા લોકો ભારતમાં પોતાના મૂળ શોધી શકે તે માટે વિદેશ મંત્રાલય દ્વારા વિશેષ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. એક હજાર જેટલા હિંદી, તામિલ, તેલુગુ, મરાઠી અને કન્નડ સંગઠનો અહીં કાર્યરત છે, જે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા પ્રયાસ કરે છે.

હિંદ મહાસાગરની પશ્ચિમે આવેલા આ ટાપુદેશની વસતિ લગભગ 13 લાખ લોકોની છે, જેમાંથી લગભગ 70 ટકા ભારતીય મૂળનાં લોકો છે. જ્યારે 28 ટકા ક્રિયોલ (સાંસ્કૃતિક, વંશીય, ભાષાકીય રીતે, કાળા, ફ્રેન્ચ, યુરોપિયન તથા બિન-યુરોપિયન સહિતની મિશ્ર જાતિઓ) અને ત્રણ ટકા ચાઇનીઝ મૂળનાં લોકો છે.

મોરિશિયસના અર્થતંત્રમાં બૅન્કિંગક્ષેત્ર, ઇન્ફર્મેશન અને કૉમ્યુનિકેશ ટેકનૉલૉજી, પર્યટન, દરિયાઈ પેદાશોનું નોંધપાત્ર પ્રદાન છે. આજે પણ શેરડી મોરિશિયસના અર્થતંત્રનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. પ્રવિંદકુમાર જ્યારે કૃષિપ્રધાન હતા ત્યારે તેમણે શેરડીમાંથી રમ, ઇથૅનૉલ વગેરે જેવી વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો, જેથી કરીને ઉત્પાદકોને વધુ વળતર મળે. આ સિવાય તેમણે હાઇડ્રૉપૉનિક્સ (માટીના બદલે પાણીથી) ખેતીને વેગ આપ્યો.

1968માં મોરિશિયસને આઝાદી મળી, ત્યારથી વડા પ્રધાનપદ એકમાત્ર અપવાદને પૉલ બર્નેગરને બાદ કરતા ભારતીય મૂળના રામગુલામ કે જગન્નાથ પરિવાર પાસે જ રહ્યું છે. બંને પરિવારો પર સત્તાના દુરૂપયો તથા ગેરરીતિના આરોપો પણ લાગ્યા છે. પ્રવિંદકુમાર ઉપર રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ફગાવી દીધો હતો.

મોરિશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજસિંહ રૂપન ભારતીય મૂળના છે. અગાઉ ભારતીય મૂળના રાજકેશ્વર પ્રયાગ, રૌઉફ બંધને પણ આ પદ સંભાળ્યું છે. એવી જ રીતે ભારતીય મૂળના અંગિદી ચેટ્ટિયાર, અરિરંગા પિલ્લાઈ અને પરમશિવમ્ પિલ્લાઈ કાર્યકારી રાષ્ટ્રપતિ રહ્યા છે.

1992માં મોરિશિયસે ખુદને ગણતંત્ર જાહેર કર્યું, ત્યાર સુધી તે બ્રિટિશ પ્રભુત્વ હેઠળ હતું. 2010માં ટ્રોમલિન નામના નાનકડા ટાપુના સંયુક્ત નિયમન માટે ફ્રાન્સ અને મોરિશિયસ વચ્ચે સહમતી સધાઈ.

line

બદનામ 'મોરિશિયસ રૂટ'

નાણાંકીય હેરફેરની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાણાંકીય હેરફેરની પ્રતીકાત્મક તસવીર

ભારત અને મોરિશિયસ વચ્ચેના કરારને કારણે મોરિશિયસના માર્ગે ભારતમાં રોકાણ કરવાનું આકર્ષક હતું. એવા આરોપ લાગતા કે ભારતીય ઉદ્યોગપતિઓ અને વેપારીઓ તેમના કાળાં નાણાંને મોરિશિયસના રસ્તે ભારતમાં ઠાલવે છે અને તેને સફેદ બનાવે છે, તે 'મોરિશિયસ રૂટ' તરીકે ઓળખાય છે.

આ રૂટ કેટલો આકર્ષક હશે તે વાતનો અંદાજએ વાત પરથી મૂકી શકાય કે એપ્રિલ-2000થી ડિસેમ્બર-2021 દરમિયાન મોરિશિયસમાંથી 155 અબજ ડૉલરનું ભારતમાં રોકાણ થયું હતું. જે આ અરસા દરમિયાન ભારતમાં આવેલા સીધા વિદેશી મૂડી રોકાણના (એફડીઆઈ) લગભગ 27 ટકા જેટલું છે.

મે-2016માં ભારત અને મોરિશિયસની વચ્ચે ડબલ ટૅક્સેશન અવૉઇડન્સ ક્ન્વેન્શન પર હસ્તાક્ષર થયા. જેના કારણે આ રૂટ અગાઉ જેટલો આકર્ષક નથી રહ્યો. વર્ષ 2016- '17 દરમિયાન આ રસ્તેથી 15 અબજ 72 કરોડ ડૉલરનું ભારતમાં રોકાણ થયું હતું, જે ઘટીને 2020- '21 દરમિયાન પાંચ અબજ 63 કરોડ પર આવી ગયું હતું.

ભારતીય નિકાસ માટે મોરિશિયસ મોટો મુકામ છે. મોરિશિયસની જરૂરિયાતની લગભગ 60 ટકા કરતાં વધુ પેટ્રોલિયમ પેદાશો ભારતથી ત્યાં નિકાસ થાય છે. નાણાંકીય વર્ષ 2020- '21 દરમિયાન ભારતે 423 મિલિયન ડૉલરની નિકાસ કરી હતી, જ્યારે માત્ર 43 મિલિયન ડૉલરની આયાત કરી હતી. આમ બંને દેશોની વેપારતુલા ભારત તરફ નમેલી છે. ફેબ્રુઆરી-2021માં ભારતે મોરિશિયસ સાથે આર્થિક સંધિ કરી છે, કોઈ પણ આફ્રિકન દેશ સાથે ભારતે કરેલી આ પ્રથમ સંધિ છે.

ભારત મોરિશિયસને આર્થિક, સાંસ્કૃતિક, સામરિક તથા સંરક્ષણક્ષેત્રે મદદ કરતું રહે છે. અહીં આધુનિક હૉસ્પિટલ, સુપ્રીમ કોર્ટની ઇમારત, રહેવાસીઓની કૉલોની તથા સોલાર પ્રોજેક્ટ માટે ભારતે આર્થિક સહાય કરી છે.

line

'મહેરામણના મુખ'માં મોરિશિયસ

મોરિશિયસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રમણીય દરિયાકિનારો, ઊંચા-ઊંચા તાડના વૃક્ષ અને નિર્જન ટાપુઓ મોરેશિયસને ડ્રીમ વૅકેશન કે હનીમૂન પ્લાનિંગ માટેનું આદર્શસ્થળ બનાવે છે.

જળવાયુ પરિવર્તનને કારણે હિંદ મહાસાગરનું તાપમાન વધતું રહે છે, જેના કારણે અતિભારે વરસાદ તથા વાવાઝોડાંનું જોખમ મોરિશિયસ ઉપર તોળાતું રહે છે.

દરિયાનાં વધતાં જતાં તાપમાન, દરિયાઈપ્રદૂષણ તથા મુલાકાતી પર્યટકો દ્વારા બેફામ દોહનને કારણે અહીંથી કોચલાં અને છીપલાં મળવાની સંખ્યા ઘટી રહી છે.

આ સિવાય જળવાયુપરિવર્તનને કારણે હિમશિલાઓ પીગળી રહી છે અને દરિયાની જળસપાટી વધી રહી છે, જેના કારણે દરિયો મોરિશિયસ, માલદીવ સહિત અનેક દેશના વિસ્તારોને ગળી રહ્યો છે. દરિયાઈ ઇકૉસિસ્ટમ તથા પર્યટન મૉરિશિયસના અર્થતંત્રનો મોટો આધાર છે અને જળવાયુ પરિવર્તનની સૌથી વધુ માઠી અસર તેની ઉપર જ જોવા મળે છે.

line

મોરિશિયસની મહેરામણ-મિલકત

એક સમયે મોરિશિયસમાં કોડીઓનો ઉપયોગ ચલણ તરીકે થતો

ઇમેજ સ્રોત, AALIA ABOOBAKER

ઇમેજ કૅપ્શન, એક સમયે મોરિશિયસમાં કોડીઓનો ઉપયોગ ચલણ તરીકે થતો

પ્રવિંદકુમાર, તેમના પિતા અનિરુદ્ધ જગન્નાથ તથા પૂરોગામી સરકારોએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચાગોસ નામના ટાપુ માટે લડાઈ લડી અને જીતી. મૉરિશિયસને આઝાદી આપતા પહેલાં ત્યાં રહેતા લોકોને 'નિવાસી' માનવાના બદલે 'ગિરમીટિયા શ્રમિકો' તરીકે ખપાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા. બ્રિટને 50 વર્ષના પટ્ટા પર આ ટાપુ અમેરિકાને સૈન્યમથક સ્થાપવા માટે આપી દીધો. આંતરરાષ્ટ્રીય અદાલતમાં હારી જવા છતાં યુકેએ કબજો ખાલી નહીં કરતા પ્રવિંદે યુએસ અને યુકે ઉપર માનવઅધિકાર મુદ્દે બેવડી વાતો કરવાનો આરોપ મૂક્યો હતો.

પૂર્વૉત્તર મૉરિશિયસમાં આવેલો રૉડ્રિગ્સ ટાપુ દુનિયાની અંદર અલગ દુનિયા ધરાવે છે. 45 હજાર લોકોની વસતિવાળો આ ટાપુ પોતાના ભોજન, શાંતિ, પ્રાકૃત્તિક તથા દરિયાઈ સૌંદર્યને માટે વિખ્યાત છે. એક ઍરપૉર્ટ તથા દરિયાઈ માર્ગ તેને દેશના અન્ય વિસ્તાર સાથે જોડે છે.

ઇસ્ટો કે અમદાવાદબાજી રમત રમવા માટે વપરાતી સફેદ કોડીઓ (ગૉલ્ડરિંગ વાયર) પ્રેમ કે શુભત્વના પ્રતીક તરીકે માનવામાં આવે છે.

અન્ય પ્રકારના કોડીઓ (મૉન્ટેરિયા મૉનેટા) હજારો વર્ષ પહેલાં મોરિશિયસ તથા આફ્રિકાના અનેક દેશોમાં ચલણ તરીકે વપરાતી હતી.

સંયુક્ત રાષ્ટ્રના કન્વેન્શન મુજબ, મોરિશિયસના દરિયામાં લગભગ એક હજાર 700 પ્રકારની પ્રજાતિઓ રહે છે, જેમાં લગભગ 800 પ્રકારની માછલી, 17 પ્રકારના સસ્તનધારી જીવો તથા બે પ્રકારના કાચબાનો સમાવેશ થાય છે.

કૉરલ (પરવાળા) રિફ્સ, દરિયાઈ ઘાસ તથા મૅનગ્રૂવ મોરિશિયસના દરિયાની અસાધારણ જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવે છે. કૉરલના કારણે દરિયાકિનારો ધોવાતો અટકે છે અને સંભવિત તોફાન સામે તેનું રક્ષણ થાય છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન