કોણ છે એક સમયના સૌથી ધનવાન NRI વિનોદ અદાણી?

ઇમેજ સ્રોત, Twitter/IYCUttrakhand
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
અદાણી જૂથની કંપનીઓની માલિકી વિશે વધુ એક ખુલાસો બહાર આવ્યો છે, જે મુજબ જૂથે તાજેતરમાં અધિગ્રહિત કરેલી અંબુજા અને એસીસી સિમેન્ટ કંપનીના વાસ્તવિક માલિક વિનોદ અદાણી છે, જેઓ ગૌતમ અદાણીના મોટાભાઈ છે.
'ધ મૉર્નિંગ કૉન્ટેક્સ્ટ'ના અહેવાલને 'ધ વાયર', 'બિઝનેસ ટુડે' જેવા મીડિયા હાઉસોએ પણ પ્રકાશિત કર્યો હતો.
કૉંગ્રેસે તેની 'હમ અદાણી કે હૈ કૌન' શ્રેણી હેઠળ કેન્દ્ર સરકારને ઈડી દ્વારા અદાણી જૂથની કંપનીઓમાં આવતાં ફંડને તપાસવાનો પડકાર ફેંક્યો હતો.
આ પહેલાં આંતરરાષ્ટ્રીય પ્રકાશનગૃહ 'ફૉર્બ્સ' દ્વારા પણ સમાન પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો, જે મુજબ વિદેશમાં નોંધાયેલી કંપનીઓ દ્વારા ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ કંપની પર અપ્રત્યક્ષ રીતે નિયંત્રણ ધરાવે છે.
આ સિવાય દાવો કરાયો હતો કે વિનોદ અદાણીએ રશિયાની બૅન્ક પાસેથી લોન લીધી હતી અને તેના બદલામાં અદાણી ઍન્ટરપ્રાઇઝના શૅર અપ્રત્યક્ષ રીતે ગીરવે મૂક્યા હતા. આ અંગે ભારતીય નિયામકોને જાણ નહોતી કરવામાં આવી.
મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન પણ વિનોદ અદાણી ચર્ચામાં આવ્યા હતા, અલબત્ત તેમના વેવાઈ જતીન મહેતાને કારણે. એ અરસામાં જ્યારે સરકારી બૅન્કોને આર્થિક નુકસાન પહોંચાડવા માટે નીરવ મોદી અને વિજય માલ્યાનાં નામ ચર્ચામાં હતાં, ત્યારે અદાણી પરિવારના વેવાઈનું નામ પણ બહાર આવ્યું હતું.
વિનોદ અદાણીનું નામ ચર્ચામાં આવ્યું હોય એવું પહેલી વખત નથી બન્યું, આ પહેલાં હિંડનબર્ગના અહેવાલમાં પણ તેમના નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.
અદાણી જૂથનું કહેવું છે કે રોજબરોજના કામકાજમાં તેમની કોઈ ભૂમિકા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વિનોદ, વેપાર અને વ્યૂહરચના

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિનોદભાઈ અદાણી પરિવારના સાત ભાઈ-બહેનમાં સૌથી મોટા હતા. મૂળ ઉત્તર ગુજરાતના જૈન પરિવારમાં જન્મેલા શાંતિલાલ વેપાર માટે મુંબઈ ગયા હતા.
વિનોદ અદાણી વિશેના ઍડ્વિટોરિયલમાં પ્રકાશિત વિગત પ્રમાણે, તેમણે યુએસએમાં એંજિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે. 1976માં મુંબઈના ભિવંડી ખાતે તેમણે વી. આર. ટેક્સ્ટાઇલના નામથી પાવરલૂમની સ્થાપના કરી હતી.
લેખમાં જણાવ્યા પ્રમાણે, 'અમેરિકાની યુનિવર્સિટીમાંથી મેળવેલી ટેકનિકલ માહિતી, અંગ્રેજીની જાણકારી અને મિત્રો બનાવવાની સહજ કુશળતાને કારણે તેઓ અજાણ્યા લોકોની સાથે પણ સોદા કરી શકતા.'
પરિવાર અને નજીકના લોકોમાં તેઓ 'વિનોદભાઈ' તરીકે ઓળખાય છે. ગૌતમભાઈના વધુ એક મોટાભાઈ મનસુખભાઈએ પણ વિદેશમાં અભ્યાસ કર્યો હતો. એ પછી ભારત પરત આવીને તેમણે પણ વેપાર-ધંધામાં ઝંપલાવ્યું હતું, એટલે ગૌતમ અદાણીએ ભણતરના બદલે વેપાર-ધંધામાં સમય ફાળવવાનું વિચારીને પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો.
1989માં વિનોદભાઈએ ટ્રેડિંગના વેપારનો વિસ્તાર કર્યો અને તેમાં બીજી કેટલીક કૉમોડિટીનો ઉમેરો થયો. આંતરરાષ્ટ્રીય વિસ્તાર માટે અદાણી ભાઈઓએ સિંગાપોરમાં ઓફિસ ખોલી. તેઓ સિંગાપોર સ્થાયી થયા અને ત્યાંથી વેપાર સંભાળતા.
1994માં મધ્ય-પૂર્વના દેશોમાં નવા વેપારની તકો શોધવા માટે વિનોદભાઈ દુબઈમાં સ્થાયી થયા. અહીં તેમણે અનાજ અને ખાંડનો વેપાર જથ્થાબંધ વેપાર શરૂ કર્યો. હજારો ટનનો આ જથ્થો એક દેશ પાસેથી ખરીદીને જરૂરિયાતમંદ દેશને વેચતા.
આ સિવાય તેમણે લોખંડ, તાંબા અને ઍલ્યુમિનિયમના ભંગારના વ્યવસાયમાં પણ ઝંપલાવ્યું. તેઓ દુબઈ, જાકાર્તા અને સિંગાપોરનો વહીવટ સંભાળે છે. ઍડ્વિટોરિયલ પ્રમાણે, વિનોદભાઈને પુસ્તકો અને વ્યવસાયલક્ષી જનરલો વાંચવાનો શોખ છે, જ્યારે તેમનાં પત્ની રંજનબહેન જૈન સામાજિક સંસ્થાઓ અને મહિલાલક્ષી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે.
પરિવારે કોઈપણ જાતની ઓળખની લાલચ વગર કરોડો રૂપિયાના દાન કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દંપતીને પ્રણવ અને કૃપા નામનાં સંતાનો છે.

વિનોદ અદાણીની દૈનિક સંપત્તિમાં રૂ. 102 કરોડની વૃદ્ધિ

ઇમેજ સ્રોત, Reuters
હુરુન ઇન્ડિયા દ્વારા આઈઆઈએફએલ સાથે મળીને વર્ષ 2022માં ધનવાન ભારતીય તથા વિદેશમાં વસતા ભારતીયોની યાદી બહાર પાડવામાં આવી હતી. સપ્ટેમ્બર-2022માં બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવ્યા પ્રમાણે, લગભગ 10 લાખ 94 હજાર કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી દેશના સૌથી ધનવાન વ્યક્તિ હતા અને તેઓ મુકેશ અંબાણી કરતાં પણ આગળ નીકળી ગયા હતા.
અગાઉના પાંચ વર્ષ દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિ 15.4 ગણી વધી હતી, તો વિનોદ શાંતિલાલ અદાણી અને તેમના પરિવારની આવક 9.5 ગણી વધી હતી. હુરુન ગ્લોબલની યાદીમાં ગૌતમ અદાણી બીજા ક્રમ ઉપર પહોંચી ગયા હતા.
એ યાદીમાં 94 એનઆરઆઈ (નૉન રૅસિડન્ટ ઇન્ડિયન) નામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ એક લાખ 69 હજાર કરોડની સંપત્તિ સાથે વિનોદ અદાણી ટોચ ઉપર હતા.
યાદીમાં જણાવ્યા પ્રમાણે, વિનોદ અદાણીની જન્મતારીખ પ્રાપ્ય નથી અને તેમની આવકનો મુખ્યસ્રોત અદાણી કંપનીના શેર હતા. આગલા વર્ષની (2021ની) સરખામણીમાં તેમની સંપત્તિમાં 28 ટકાની વૃદ્ધિ થઈ હતી, જ્યારે ગૌતમ અદાણી અને પરિવારની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો હતો.
દુબઈસ્થિત ઉદ્યોગપતિની સરેરાશ દૈનિક સંપત્તિવૃદ્ધિ રૂ. 102 કરોડની હતી, જ્યારે તેમના નાના ભાઈ ગૌતમ અદાણીની સરેરાશ દૈનિક સંપત્તિ વૃદ્ધિ એક હજાર 612 કરોડ જેટલી હતી.

વિનોદભાઈના વેવાઈનો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1992માં હર્ષદ મહેતાના કૌભાંડનો પર્દાફાશ કરનારાં પત્રકાર સુચેતા દલાલના એક અહેવાલ પ્રમાણે, 2013માં નિરવ મોદીની જેમ જ વિનોદભાઈના વેવાઈ જતીન મહેતાનો પરપોટો ફૂટી ગયો. ભારે પ્રચારને કારણે મહેતાને ખૂબ જ પ્રસિદ્ધિ મળી, પરંતુ અચાનક જ તેઓ સપરિવાર અદૃશ્ય થઈ ગયા અને ભારતીય તથા વિદેશી બૅન્કોએ ભારે ફટકો સહન કરવો પડ્યો.
વિનસમ (Winsome) ડામંડ્સના સ્થાપક જતીન મહેતા, તેમનાં પત્ની સોનિયા અને બે પુત્ર વિપુલ અને સૂરજ દેશ છોડી ગયાં. તેમના કારણે બૅન્કોને રૂ. છ હજાર 800 કરોડ કે એથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
2017માં મહેતાની સામે સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા 16 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર એકમાં જ કેસ બનતો હોવાનું જણાવ્યું હતું. સીબીઆઈએ ઇન્ટરપોલ પાસેથી મહેતા વિરૂદ્ધ રેડ કૉર્નર નોટિસ કઢાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
યુકેની કોર્ટમાં પણ મહેતા પરિવાર વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે, એવું માનવામાં આવે છે કે તેમણે સૅન્ટ કિટ્સ ઍન્ડ નેવિસનું નાગરિકત્વ લીધું છે, જેની સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ નથી. જોકે, યુકેની કોર્ટમાં તેમની ઉપર ગાળિયો કસાઈ શકે છે.
વિનોદ અદાણીનાં પુત્રી કૃપાનું લગ્ન જતીન મહેતાના પુત્ર સૂરજ સાથે કરવામાં આવ્યું છે. વિનસમ ડાયમંડ્સનું નામ અગાઉ સૂ-રજ ડાયમંડ્સ હતું, જેની સ્થાપના 1985માં કરવામાં આવી હતી.
વિનોદ અદાણીના દીકરા પ્રણવ અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી ઍન્ટર્પ્રાઇઝમાં ડિરેક્ટરનું પદ ધરાવે છે, આ સિવાય તેઓ જૂથની અલગ-અલગ કંપનીઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવે છે.
કૉંગ્રેસનું કહેવું છે કે અદાણી જૂથમાં રોકવામાં આવેલાં નાણાંનું પગેરું વિનોદ અદાણી સુધી પહોંચે છે અને તેમની સાથે નિકટતા ધરાવનારા લોકો અદાણી જૂથની કંપનીઓમાં મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર છે.

પૅન્ડોરા તથા પનામા પેપર્સમાં નામ

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્ટોબર-2021માં આઈસીઆઈજે (ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ) દ્વારા લગભગ ત્રણ ટેરાબાઇટ ડેટા દ્વારા લગભગ એક કરોડ 19 લાખ જેટલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. આ ડેટા મોસેક ફોન્સેકા નામની કંપનીને લગતો હતો, જે ટેક્સ હેવન દેશ પનામાની કંપની હતી, જે વિદેશીઓને દેશમાં કંપનીઓ અને ટ્રસ્ટ ખોલવામાં મદદ કરતી હતી.
2022ના ખુલાસા પ્રમાણે, વિનોદ શાંતિલાલ અદાણીએ 2018માં ઇબિસકસ આરઈ હૉલ્ડિંગ્સ કંપનીની ટેક્સ હેવન દેશ બ્રિટિશ વર્જિન આઇલૅન્ડમાં સ્થાપના કરી હતી અને બાદમાં તેને બંધ કરી દેવામાં આવી હતી.
પૅન્ડોરા પેપરના ખુલાસા બાદ અદાણી જૂથના પ્રવક્તાએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, વિનોદ અદાણીએ કંપનીના સ્થાપક સભ્યોમાંથી એક છે, પરંતુ તેઓ છેલ્લા ત્રીસેક વર્ષથી વિદેશમાં નિવાસ કરે છે એટલે તેમના વ્યક્તિગત આર્થિક વ્યવહારો વિશે કંપનીને કોઈ માહિતી નથી.
જ્યારે સાયપ્રસના નાગરિક અને દુબઈના નિવાસી વિનોદ અદાણીએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેમણે દુબઈમાં સંપત્તિ ખરીદવા માટે કંપનીઓની સ્થાપના કરી હતી અને તેઓ એકમાત્ર શેરધારક હતા.
આ પહેલાં વર્ષ 2016માં બહાર આવેલા પનામા પેપર્સમાં પણ વિનોદ અદાણીનું નામ હતું, જે મુજબ, વિનોદ શાંતિલાલ અદાણી અને રંજન વિનોદ અદાણીએ જાન્યુઆરી-1994માં બહામાસમાં જીએ ઇન્ટરનેશનલ ઇન્ક. નામથી કંપની ખોલી હતી. જેમાં પતિ-પત્ની સરખે હિસ્સે ભાગીદાર હતાં.
સ્થાપનાના બે મહિના બાદ 'નામ સુધાર'ની વિનંતી કરવામાં આવી હતી અને વિનોદ શાંતિલાલ શાહ તરીકે ઓળખવાનું કહેવામાં આવ્યું હતું. એપ્રિલ-1996માં રંજનબહેને રાજીનામું આપી દીધું અને રાજેશ શાંતિલાલ શાહ તેમાં ડાયરેક્ટર તરીકે જોડાયા. ઉલ્લેખનીય છે કે ગૌતમભાઈના એક નાના ભાઈનું નામ રાજેશ અદાણી છે, જેઓ અદાણી જૂથની અલગ-અલગ કંપનીઓમાં ડાયરેક્ટર છે.
બંને ખુલાસા કરનારા આઈસીઆઈજેનું પણ કહેવું છે કે ટેક્સ હેવન દેશોમાં ખોલવામાં આવેલી કંપનીઓ અને ટ્રસ્ટનો હેતુ કાયદેસરના વ્યવહારો માટે પણ થાય છે, નામ અને ઓળખમાં સમાનતાને કારણે ગેરસમજ થઈ શકે છે અથવા તો વ્યવહારો થયા એ પછી વાસ્તવિક સ્થિતિમાં પરિવર્તન પણ આવ્યું હોઈ શકે છે.

હિંડનબર્ગ રિપોર્ટમાં ઉલ્લેખ

ઇમેજ સ્રોત, Getty Images
તા. 24 જાન્યુઆરી 2023ના સ્વઘોષિત મંદીવાળા ખેલાડી હિંડનબર્ગ દ્વારા અદાણી જૂથની આર્થિક સ્થિતિ અને આર્થિક વ્યવહારો વિશે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં 151 વખત વિનોદ અદાણીનું નામ આવે છે, જ્યારે ગૌતમ અદાણીનું નામ માત્ર 54 વખત આવે છે.
જૂથની કંપનીઓ અને શેરધારક તરીકે વિનોદ અદાણીની ભૂમિકા ઉપર હિંડનબર્ગ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જે મુજબ, વિનોદ અદાણી કથિત રીતે વિદેશસ્થિત કંપનીઓના જાળાનું નિયમન કરે છે, જે ફ્રૉડમાં મદદ કરે છે.
ભારતીય ઉદ્યોગપતિઓમાં પૈસાના રાઉન્ડ ટ્રિપિંગ (પોતાના પૈસા ફરી પોતાની જ કંપનીમાં રોકવા) માટે વિખ્યાત છે. જ્યાં 38 કંપનીઓ વિનોદ અદાણી કે તેમની નજીકના લોકો સાથે જોડાયેલી હોવાનું હિંડનબર્ગનું કહેવું છે. આ સિવાય તેમણે સાયપ્રસ, યુએઈ, સિંગાપોર તથા અન્ય કૅરેબિયન દેશોમાં કંપનીઓ સ્થાપી છે અને તેનું નિયમન તેઓ પોતે કરે છે.
અદાણી જૂથની કંપનીઓમાં અબજો રૂપિયાનું રોકાણ કરવા છતાં 'રિલેટેડ પાર્ટી' સંબંધિત સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. વિનોદ અદાણી સાથે સંકળાયેલી કંપનીઓના વ્યવસાય, કર્મચારીઓ, અલગથી સરનામા કે ફોન નંબર કે ઑનલાઇન હાજરી નથી.
હિંડનબર્ગના રિપોર્ટ પ્રમાણે, કેટલીક કંપનીઓ ખોખા કંપની (જેનું કામકાજ ન હોય, માત્ર ચોક્કસ પ્રકારના વ્યવહારો કરવા માટે જેની સ્થાપના કરવામાં આવી હોય અને અમુક સમય પછી જેનું વિસર્જન કરી દેવામાં આવે) હોય તેમ જણાય છે.
વિનોદ અદાણી સાથે જોડાયેલી 13 જેટલી વેબસાઇટ અમુક દિવસના અંતરે શરૂ કરવામાં આવી છે. જેમાં કર્મચારીઓ વિશે વિસ્તૃત વિગત નથી અને તેમાં સામાન્યતઃ ઉપલબ્ધ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, AFP
હિંડનબર્ગનો નિષ્કર્ષ છે કે વિનોદ અદાણી જૂથની કંપનીઓનો ઉપયોગ શેરને જાળવી રાખવા, શેરના ભાવોમાં વધઘટ માટે તથા અદાણીની ખાનગી કંપનીઓમાંથી થતી આવકને તેની શેરબજારમાં નોંધાયેલી કંપનીઓમાં ઠાલવવા માટે થઈ રહ્યો છે. જેથી કરીને નાણાંકીય સ્થિતિ ઊજળી જણાય અને આર્થિક સ્થિરતા દેખાય.
આર. એન. ભાસ્કર દ્વારા ગૌતમ અદાણીના જીવન પર પુસ્તક લખવામાં આવ્યું છે, જેમાં ગૌતમ અદાણીને ટાંકતા જણાવવામાં આવ્યું છે કે 'રોજબરોજના કંપનીના કામકાજમાં તેમની કોઈ ભૂમિકા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ધિરાણ અને સંબંધોમાં તેમની ભૂમિકા રહે છે.'
હિંડનબર્ગ દ્વારા તેમના રિપોર્ટમાં વિનોદ અદાણીની સાથે જોડાયેલી કંપનીઓ મની લૉન્ડરિંગમાં સામેલ હોય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા વિનોદ અદાણીની સામે અલગ-અલગ તબક્કે કેસ દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ નોંધવામાં આવ્યું છે.
હિંડનબર્ગના રિપોર્ટ ઉપર અદાણી જૂથ દ્વારા 413 પન્નાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું છે કે વિનોદ અદાણી સામેના કેસોની વિગત સાર્વજનિક છે. અદાણી જૂથના જતીન મહેતા સાથે કોઈ વ્યવહાર ન હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે વિનોદ અદાણી કંપની કે તેની પેટાકંપનીઓમાં કોઈ હોદ્દો નથી ધરાવતા અને રોજબરોજની કંપનીની કામગીરીમાં તેમની કોઈ ભૂમિકા નથી. વિનોદ અદાણીના આર્થિક વ્યવહારો વિશે કંપની વાકેફ ન હોવાનું પણ ખુલાસામાં જણાવવામાં આવ્યું છે.
એકમાં તેમની તરફેણમાં ચુકાદો આવ્યો છે, જ્યારે અન્ય એકમાં તેમની તરફેણમાં ચુકાદો આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
જ્યાં-જ્યાં ભારતીય કાયદા પ્રમાણે, 'સંબંધિત પક્ષકારો' વિશે ખુલાસા કરવાની જરૂર છે, ત્યાં-ત્યાં કરવામાં આવ્યા છે અને એકબીજાથી અલગ અને સ્વતંત્ર રીતે (arms length) કામગીરી કરે છે. સ્વતંત્ર નિરીક્ષકો દ્વારા તેની સમીક્ષા પણ કરવામાં આવી છે.
અમુક કંપનીઓમાં પૈસા ક્યાંથી આવ્યા, તેમણે કેટલા શેર ખરીદ્યા અને કેટલા વેચ્યા, તેની પૅટર્ન વિશે અદાણી જૂથ માટે જાણવું જરૂરી ન હોવાનું કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા ખુલાસામાં જણાવવામાં આવ્યું હતું.

ફૉર્બ્સના અહેવાલમાં ઉલ્લેખ

ઇમેજ સ્રોત, FANATIC STUDIO
ફૉર્બ્સ દ્વારા ફેબ્રુઆરીના મધ્યભાગમાં એક સંશોધાત્મક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં વિનોદ અદાણી સાથે સંકળાયેલી કંપનીઓના આર્થિક વ્યવહારો વિશે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
2020માં રશિયાની સરકારી બૅન્ક વીટીબી બૅન્ક સાથે વિનોદ અદાણી સંચાલિત સિંગાપોરની કંપની પિનેકલ ટ્રેડ ઍન્ડ ઇન્વેસ્ટમૅન્ટ પીટીઈ એલટીઈએ 26 કરોડ 30 લાખ ડૉલરની લોન લીધી અને 25 કરોડ 80 લાખ અન્ય ડૉલર અન્ય એક કંપનીને આપવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ, આફ્રો એશિયા ટ્રૅડ ઍન્ડ ઇન્વેસ્ટમૅન્ટ વર્લ્ડ વાઇડ ઇમર્જિંગ માર્કેટ હૉલ્ડિંગ લિમિટેડ આ લોન માટે જામીન થયા હતા. બંને ફંડ અદાણી જૂથની કેટલીક કંપનીઓમાં (તા. 16 ફેબ્રુઆરીની સ્થિતિ પ્રમાણે) ચાર અબજ ડૉલર જેટલું રોકાણ ધરાવતા હતા. બંને કંપનીઓ એ સિવાય કોઈ રોકાણ ધરાવતી નથી.
ફૉર્બ્સ દ્વારા એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે અદાણી જૂથની જામીનગીરીઓની સાટે આ રકમ લેવામાં આવી હતી. આ ફંડો દ્વારા આ મતલબની કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
દેશની સર્વોચ્ચ અદાલતમાં અદાણી જૂથના આર્થિક વ્યવહારોની બાબત પહોંચી હતી. સર્વોચ્ચ અદાલતે ફૉર્બ્સના અહેવાલને રેકર્ડ પર લેવાનો ઇનકાર કરી દીધો હતો.
જ્યાં બંધ કવરમાં નિષ્ણાતોનાં નામો આપવાની કેન્દ્ર સરકારની અરજીને સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી હતી અને પારદર્શકતા જાળવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં વ્યવસ્થાતંત્રને મજબૂત બનાવવા માટે નિષ્ણાતોની સમિતિ ઊભી કરવામાં આવી છે.
એ સમયે સુપ્રીમ કોર્ટે પારદર્શકતાની જાળવણી માટે બંધ કવરમાં નામ લેવાનો ઇનકાર કર્યો હતો. છ સભ્યોની આ સમિતિ અદાણી જેવું ફરી ન થાય અને રોકાણકારોનું હિત જળવાય તે માટે સુધાર સૂચવશે.

















