અદાણી જૂથને હચમચાવી દેનાર હિંડનબર્ગ રિસર્ચના નેટ એન્ડરસન હીરો છે કે વિલન?

નેટ એન્ડરસન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેટ એન્ડરસન
    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • નેટ એન્ડરસને 2017માં હિંડનબર્ગ રિસર્ચની સ્થાપના કરી હતી
  • હિંડનબર્ગે અત્યાર સુધી ઘણી અમેરિકન કંપનીઓને નિશાન બનાવી છે
  • કંપનીનું નામ નાઝી જર્મનીના નિષ્ફળ અવકાશ પ્રોજેક્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે
  • અદાણીનો અહેવાલ હિંડનબર્ગનો 19મો અહેવાલ છે
  • હિંડનબર્ગનું કહેવું છે કે અદાણી જૂથે 88માંથી 62 પ્રશ્નોના જવાબ આપ્યા નથી
બીબીસી ગુજરાતી

શું હિંડનબર્ગ જેવી શૉર્ટ સેલિંગ કંપનીઓ તેમના દાવા પ્રમાણે રોકાણકારોને તેમના સંશોધન દ્વારા નાણાં ડૂબતા બચાવે છે કે પછી તેઓ શૅરબજારને નુકસાન પહોંચાડીને પોતાનાં ખિસ્સાં ભરે છે?

આ ચર્ચા અમેરિકામાં વર્ષોથી ચાલી રહી છે જ્યાં હિંડનબર્ગ જેવી કંપનીઓ કાયદેસર રીતે કામ કરી રહી છે. તેને પસંદ કરતા લોકો પણ છે અને તેના દુશ્મનોની પણ કોઈ કમી નથી.

હિંડનબર્ગે તેના અહેવાલની સનસનીખેજ હેડલાઇન આપી હતી-'કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી છેતરપિંડી', અદાણી જૂથે અહેવાલને જૂઠો ગણાવ્યો હતો.

હિંડનબર્ગના ટીકાકારો કહી રહ્યા છે કે તેમનો અહેવાલ 'ઝડપથી આગળ વધી રહેલા ભારતને નીચે ખેંચવાનો પ્રયાસ' છે.

સામાન્ય રીતે જ્યારે શૅરની કિંમત વધે છે ત્યારે નાણાં બને છે, પરંતુ શૉર્ટ સેલિંગમાં જ્યારે ભાવ ઘટે છે ત્યારે પૈસાની કમાણી કરવામાં આવે છે. આમાં, ચોક્કસ શૅરના ઘટાડાના અનુમાન પર દાવ લગાવવામાં આવે છે.

વાસ્તવમાં, હિંડનબર્ગ જેવા ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર્સ અમુક કંપનીઓના શૅરના ભાવમાં ઘટાડાની શરત લગાવે છે, પછી તેમના વિશેના અહેવાલો પ્રકાશિત કરીને તેમને લક્ષ્ય બનાવે છે.

તેઓ આ કામ માટે એવી કંપનીઓ પસંદ કરે છે, જેના વિશે તેમને લાગે કે તેમના શૅરની કિંમત વાસ્તવિક કિંમત કરતા ઘણી વધારે છે અથવા તેમના મતે તે કંપની તેના શૅરધારકો સાથે છેતરપિંડી કરી રહી છે.

બીબીસી ગુજરાતી

ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર્સ શું કરે છે?

શૅર

ઇમેજ સ્રોત, FANATIC STUDIO

નેટ એન્ડરસને વર્ષ 2017માં હિંડનબર્ગ રિસર્ચની સ્થાપના કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુએસ સ્થિત શૉર્ટ સેલિંગ ફર્મ, સ્કૉર્પિયન કૅપિટલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર કીર કૅલૉનના જણાવ્યા અનુસાર, હિંડનબર્ગ એક પ્રતિષ્ઠિત સંસ્થા છે અને તેમનું સંશોધન વિશ્વસનીય માનવામાં આવે છે. તેના કારણે અમેરિકામાં ઘણી વખત ભ્રષ્ટ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ન્યૂયૉર્કમાંથી શૉર્ટ સેલિંગ પર "ધ બિયર કેવ" ન્યૂઝલેટર પ્રકાશિત કરનાર ઍડવિન ડૉર્સી સમજાવે છે કે હિંડનબર્ગ રિસર્ચ જેવી ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલિંગ ફર્મના રિપોર્ટ પ્રકાશિત કરવાના બે મુખ્ય કારણો છે. પ્રથમ, ખોટા કામોનો ભાંડો ફોડીને નફો કમાવો અને બીજું, ન્યાય તથા જવાબદારી સુનિશ્ચિત કરવી.

ઍડવિન ડૉર્સી કહે છે, "કેટલાક લોકો શૅરધારકોના ભોગે અમીર બની રહ્યા છે અને છેતરપિંડી કરી રહ્યા છે તે જોઈને હતાશ થઈ જવાય છે. ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલિંગના અહેવાલો એ ઈન્વેસ્ટિગેટિવ પત્રકારત્વનું એક સ્વરૂપ છે, પરંતુ નફાની પ્રેરણા થોડી અલગ છે. હું નેટ અને હિંડનબર્ગને ઉચ્ચ સન્માનનીય માનું છું."

ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર રિપોર્ટની સાથે સાથે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરે છે, પરંતુ ઘણા સામાન્ય રોકાણકારો ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલિંગ ફર્મ્સને પસંદ નથી કરતા કારણ કે ભાવ ગગડતા તેમના રોકાણને પ્રતિકૂળ અસર થાય છે.

ઘણી કંપનીઓ તેમને પસંદ ન કરતી હોય એ નવાઈની વાત નથી. વર્ષ 2021માં ઍલન મસ્કે શૉર્ટ સેલિંગને કૌભાંડ ગણાવ્યું હતું.

શૉર્ટ-સેલિંગ કંપની સ્કોર્પિયન કૅપિટલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર કીર કૅલૉન અદાણી કેસને ભારતની 'ઍનરૉન મોમેન્ટ' તરીકે વર્ણવે છે.

તેઓ કહે છે, "એ રસપ્રદ છે કે અદાણી અને ઍનરૉન બંને મજબૂત રાજકીય સંબંધો ધરાવતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ છે."

ઍનરૉન 2001માં મોટા નાણાકીય નુકસાનને છુપાવ્યા બાદ નાદાર થઈ ગઈ હતી, તે સમયે યુએસ પ્રમુખ જ્યોર્જ બુશને ઍનરૉનના વડા કેન લે અને કંપનીના અધિકારીઓ સાથે ગાઢ સંબંધો હતા.

અદાણીની આર્થિક સ્થિતિ ઍનરૉન જેવી નથી, પરંતુ કેન લેની જેમ તેમના પર સરકારની વધારે પડતી નિકટતા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

કેલૉન કહે છે, "મજબુત અને ચોખ્ખી કંપનીઓને શૉર્ટ સેલરથી કોઈ ફરક નથી પડતો. જો કોઈ વ્યક્તિ ગૂગલ, ફેસબુક અથવા માઇક્રોસોફ્ટ વિશે લખે તો લોકો તેમના પર હસશે અને સ્ટૉક પર કોઈ અસર થશે નહીં."

તેઓ હિંડનબર્ગના ચીફ નેટ એન્ડરસન વિશે કહે છે, "તેમની જોરદાર સાખ છે. તેમના સંશોધનની વિશ્વસનીયતા છે. તેમની ભારે અસર થઈ છે."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

યુએસમાં કોલંબિયા લૉ સ્કૂલના પ્રોફેસર જોશુઆ મિટ્સે શૉર્ટ સેલિંગની ટીકા કરતું લોકપ્રિય પેપર 'શૉર્ટ એન્ડ ડિસ્ટૉર્ટ' લખ્યું છે.

જોશુઆ કહે છે, "વૉલ સ્ટ્રીટ પર ઘણા લોકો નેટ એન્ડરસનનો આદર કરે છે તેનું કારણ એ છે કે તે પોતાના વિશે ખુલીને વાત કરે છે. તેનો અર્થ એ નથી કે જે ખુલીને બોલનાર જે કહે તે સત્ય જ કહે છે. કેટલાક લોકોએ તેમની પર સવાલ ઉઠાવ્યા છે, પણ તેમણે તાજેતરના વર્ષોમાં અમેરિકાની સૌથી મોટી છેતરપિંડીઓનો ઘટસ્ફોટ કર્યો છે."

યુએસમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટને સલાહ આપતા જોશુઆ મિટ્સ કહે છે, "અમે કહીએ છીએ કે કંપનીઓ પારદર્શક હોવી જોઈએ, તેઓ રોકાણકારોના પૈસા સાથે શું કરી રહી છે તે વિશે સીધી વાત કરવી જોઈએ. એ જ રીતે, અમે ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર્સને પણ કહેવું જોઈએ કે તે પારદર્શક હોવા જોઈએ અને સીધી વાત કરવી જોઈએ."

બીબીસી ગુજરાતી

હિંડનબર્ગના સૌથી પ્રખ્યાત અહેવાલ

હિંડનબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

હિંડનબર્ગ પરના આ અહેવાલના સમય પર કે તેમને કેટલો નફો થયો તેના પર ઘણા પ્રશ્નો ઊભા થયા છે. અમે નેટ એન્ડરસનનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ અમને કોઈ જવાબ મળ્યો નહીં.

હિંડનબર્ગની વેબસાઈટ અનુસાર, અદાણીવાળા રિપોર્ટ સહિત અત્યાર સુધીમાં 19 રિપોર્ટ લખવામાં આવ્યા છે અને સૌથી પ્રખ્યાત રિપોર્ટ સપ્ટેમ્બર 2020માં બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં નિકોલા નામની અમેરિકન ઇલેક્ટ્રિક ઑટો કંપનીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

30 અબજ ડૉલરની માર્કેટ કૅપિટલાઇઝેશન ધરાવતી કંપની નિકોલાએ ઝીરો-કાર્બન ભવિષ્યનું સપનું બતાવ્યું અને જાન્યુઆરી 2018માં બૅટરીથી ચાલતી 'નિકોલા વન સેમી-ટ્રક'નો હાઇવે પર ઝડપભેર ચાલતો હોવાનો વીડિયો બહાર પાડ્યો હતો.

હિંડનબર્ગે તપાસ બાદ પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે સેમી-ટ્રકને પર્વતની ટોચ પર ખેંચીને લઈ જવામાં આવ્યો હતો અને પછી ઢોળાવ પર ફિલ્માવવામાં આવ્યો હતો.

2015માં સ્થપાયેલ નિકોલાએ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ બાદમાં કંપનીના વડા ટ્રેવર મિલ્ટને રાજીનામું આપવું પડ્યું હતું. હિંડનબર્ગનો અહેવાલ પ્રકાશિત થતાંની સાથે જ કંપનીના શૅરમાં લગભગ 24 ટકાનો ઘટાડો થયો હતો. નિકોલાને 12 કરોડ ડૉલરથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વર્ષ 2021માં મિલ્ટન પર છેતરપિંડીનો આરોપ સાબિત થયો હતો.

અદાણી વિશે વાત કરીએ તો કંપનીએ હિંડનબર્ગના તમામ આરોપોને નકારી કાઢ્યા, જેના જવાબમાં હિંડનબર્ગે કહ્યું કે અદાણીએ તેમના 88માંથી 62 પ્રશ્નોના જવાબ આપ્યા નથી.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, યુએસ ન્યાય વિભાગ હિંડનબર્ગ સહિત લગભગ 30 શૉર્ટ-સેલિંગ કંપનીઓ અથવા તેમના સહયોગીઓ પર વ્યવસાયના સંભવિત દુરુપયોગ વિશે માહિતી એકત્રિત કરી રહ્યું છે, જો કે કોઈની સામે કોઈ આરોપનામું ઘડાયું નથી.

બીબીસી ગુજરાતી

હિંડનબર્ગે અદાણીને શા માટે પસંદ કર્યા?

અદાણી

ઇમેજ સ્રોત, ANI

ન્યૂયૉર્ક યુનિવર્સિટીના પ્રોફેસર અસ્વત દામોદરને એક બ્લૉગમાં લખ્યું છે કે જ્યારે આ રિપોર્ટ આવ્યો ત્યારે તેમને નવાઈ લાગી કારણ કે હિંડનબર્ગે ભૂતકાળમાં સામાન્ય રીતે એવી કંપનીઓને ટાર્ગેટ કરી હતી જે બહું નાની હતી અથવા જેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ ન હતી, પરંતુ અદાણી એક મોટી ભારતીય કંપની છે જેના વિશે વિશે ઘણું બોલાય છે.

હિંડનબર્ગના જૂના અહેવાલો જોઈએ તો તે અમેરિકન અને ચીની કંપનીઓ વિશે છે, તો પછી તેમણે તેમના 19મા રિપોર્ટ માટે અદાણીને કેમ પસંદ કરી?

ઍડવિન ડૉર્સીના જણાવ્યા અનુસાર, હિંડનબર્ગે અદાણી તરફ શા માટે નજર દોડાવી તે અંગે તેઓ કશું જાણતા નથી, પરંતુ "ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર્સને જ્યારે ટીપ મળે છે, ક્યાંકથી અનામી ઈમેઈલ મળે છે ત્યારે તેઓ તે કંપની પર નજર રાખવાનું શરૂ કરે છે."

તેઓ કહે છે, "ઘણી વખત જ્યારે કંપનીનો શૅર ઝડપથી ઉપર જાય ત્યારે ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલરનું ધ્યાન તેના તરફ જાય છે."

એપ્રિલ 2022ના એક મીડિયા રિપોર્ટ અનુસાર, મહામારી છતાં છેલ્લા બે વર્ષમાં અદાણીના શૅરમાં 18-20 ગણો વધારો થયો હતો.

શૉર્ટ-સેલિંગ કંપની સ્કોર્પિયન કૅપિટલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર કીર કૅલૉન કહે છે, “અદાણી સ્પષ્ટપણે લક્ષ્ય પર હતા. અદાણી કંપનીઓ પર ભારતમાં પણ વર્ષોથી છેતરપિંડીના આરોપ લાગતા રહ્યા છે. થોડા વર્ષો પહેલા અમે શૉર્ટ સેલર તરીકે આના પર સ્વતંત્ર રીતે સંશોધન કર્યું હતું, પછી એવું વિચારીને છોડી દીધું કે આમાં બતાવવા જેવું કંઈ નથી, બધું જગજાહેર છે.”

બીબીસી ગુજરાતી

અમેરિકામાં શૉર્ટ સેલર્સ પર તપાસની ભીંસ

અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

અદાણી જૂથ હંમેશાં છેતરપિંડીના દરેક આરોપોને નકારતું રહ્યું છે.

કોલંબિયા લૉ સ્કૂલના પ્રોફેસર જોશુઆ મિટ્સના જણાવ્યા અનુસાર, યુ.એસ.માં ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર્સ પર નિયમનકારી સંસ્થાઓ દ્વારા તપાસની ભીંસ વધી છે, તેથી તેઓ અન્ય બજારો તરફ વળ્યા છે જે કદાચ એટલા વિકસિત નથી.

તેઓ કહે છે, "જો માર્કેટ રેગ્યુલેટર યુ.એસ. કરતાં પાંચ કે દસ વર્ષ પાછળ હોય અથવા સ્થાનિક રેગ્યુલેટર બહુ સ્માર્ટ ન હોય તો શૉર્ટ સેલર્સના આ કારનામા ખૂબ જ રસપ્રદ બની જાય છે. એ વાત સાચી છે કે છેલ્લા દાયકામાં ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર્સ વધુને વધુ વૈશ્વિક બની રહ્યા છે."

ઍડવિન ડૉર્સીના જણાવ્યા અનુસાર, અમેરિકાની પ્રથમ મોટી કંપની સિટ્રૉન રિસર્ચ હતી, જેની સ્થાપના એન્ડ્ર્યુ લેફ્ટ દ્વારા કરવામાં આવી હતી.

વૉલ સ્ટ્રીટ જર્નલના ડેટા અનુસાર સિટ્રોને 2001 અને 2014ની વચ્ચે 111 શૉર્ટ સેલ રિપોર્ટ તૈયાર કર્યા હતા અને એ દરેક રિપોર્ટ પ્રકાશિત થયા પછી જે તે કંપનીના શૅરના ભાવમાં સરેરાશ 42 ટકાનો ઘટાડો થયો હતો.

જો કે એન્ડ્ર્યુએ વર્ષ 2013માં ટેસ્લા વિશે કહ્યું હતું કે કંપનીના શૅરની કિંમત વધારે છે અને ઇલેક્ટ્રિક કાર તાયફા જેવી લાગે છે, પરંતુ તે પછી ટેસ્લાના શૅરની કિંમત અને કારનું વેચાણ વધ્યું હતું.

આ વ્યવસાયમાં બીજું મોટું નામ છે કાર્સન બ્લૉક, જેમના વિશે અમેરિકન બજારોને નિયંત્રિત કરતી સંસ્થા એસઈસીના અધિકારીએ કહ્યું હતું કે કાર્સન બ્લૉક એ એજન્સી કરતાં છેતરપિંડીની ઘટનાઓ પર વધુ પ્રકાશ પાડ્યો છે અને રોકાણકારોના નાણાં બચાવ્યા છે.

ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર્સ ક્લબના નવા સ્ટાર નેટ એન્ડરસને પણ થોડો સમય ઈઝરાયેલમાં વિતાવ્યો છે અને અમેરિકન મીડિયામાં તેમને 'જાયન્ટ કિલર' કહેવામાં આવે છે.

ઍડવિન ડૉર્સીના જણાવ્યા અનુસાર, યુએસમાં ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલિંગ 20-25 વર્ષ જૂનું છે અને ત્યાં આવી 20 જેટલી મોટી કંપનીઓ છે.

ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલિંગ પરના અહેવાલ મુજબ, 2022માં 113 નવા અને મોટા શૉર્ટ સેલિંગ કૅમ્પેન આવ્યા અને હિંડનબર્ગ સૌથી સફળ ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલિંગ ફર્મ્સમાંની એક હતી.

પરંતુ મજાની વાત એ છે કે અમેરિકન મીડિયા કહી રહ્યું છે કે મોટી કંપનીઓને જમીન પર લાવનારા ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર્સ પર પણ અમેરિકન કાયદો નજર રાખી રહ્યો છે.

વર્ષ 2018માં અમેરિકન બજારોનું નિયંત્રણ કરતી એઈસીએ હેજ ફંડ કંપની સામે પગલાં લીધાં હતાં, જેને પાછળથી નુકસાની ચૂકવવી પડી હતી.

પ્રોફેસર જોશુઆ મિટ્સ કહે છે, "કેટલાક પક્ષોની તપાસ કરવામાં આવી રહી છે, તો તેનો અર્થ એ નથી કે સમગ્ર ઉદ્યોગ અથવા એ ઉદ્યોગના દરેક સહભાગીઓની તપાસ કરવામાં આવી રહી છે."

તેઓ કહે છે, "જો ભારતીય સિક્યોરિટીઝ રેગ્યુલેટર્સ આ અંગે ચિંતિત હોય તો તેમણે જોવું રહ્યું કે યુએસ શું કરી રહ્યું છે અને અહીં ઘણી સરકારી કાર્યવાહી કરવામાં આવી છે."

બીબીસી ગુજરાતી

હિંડનબર્ગ સામે ભવિષ્યના પડકારો

તપાસ

ઇમેજ સ્રોત, Getty Images

ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક અહેવાલ મુજબ, ગૌતમ અદાણીએ હિંડનબર્ગ સામેની કાનૂની લડાઈ માટે એક મોટી અને મોંઘી અમેરિકન લૉ ફર્મ પસંદ કરી છે.

અગાઉ એક નિવેદનમાં અદાણીએ કાનૂની માર્ગ અપનાવવાની વાત કરી હતી ત્યારે હિંડનબર્ગે કહ્યું હતું કે તેઓ અમેરિકામાં કાનૂની પ્રક્રિયા દરમિયાન ઘણા બધા દસ્તાવેજોની માંગ કરશે.

નિષ્ણાતોના મતે શૉર્ટ સેલર્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતી કંપનીઓ ઘણીવાર બદનક્ષીનો દાવો કરીને કોર્ટનો સંપર્ક કરે છે, પરંતુ ત્યાં કેસ સાબિત કરવો પડકારજનક છે.

તેનું કારણ છે અમેરિકામાં અભિવ્યક્તિની આઝાદીના અધિકારને મળેલું કાનૂની રક્ષણ.

પ્રોફેસર જોશુઆ મિટ્સના જણાવ્યા અનુસાર, "અમેરિકન અદાલતો અભિવ્યક્તિની આઝાદી વિશે ખૂબ કાળજી લે છે અને ઘણા ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર્સે એમ કહીને કેસ જીત્યા છે કે તેમના વાણી સ્વાતંત્ર્યના અધિકારનું રક્ષણ થવું જોઈએ. પછી તેઓ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા હોય કે પછી રિપોર્ટમાં જે કંઈ લખ્યું હોય, વાણીની સ્વતંત્રતા શૉર્ટ સેલર માટે એક કવચ પ્રદાન કરે છે. પછી ભલે કંપનીઓને લાગે કે રિપોર્ટ ખોટો છે."

જો કે, જોશુઆ મિટ્સ એમ પણ કહે છે કે "જો શૉર્ટ સેલર તેના શૉર્ટ કૅમ્પેન સાથે સંકળાયેલી વર્તણૂક અને આચરણ વિશે પારદર્શક ન હોય તો તે ચોક્કસપણે તેના માટે કાનૂની બોજ બની શકે છે."

બીબીસી ગુજરાતી

ભારતમાં શૉર્ટ સેલિંગની સ્થિતિ

શૉર્ટ સેલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

અશોકા યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર ગુરબચનસિંહના જણાવ્યા અનુસાર, ભારતમાં શૉર્ટ સેલિંગ થાય છે પરંતુ મોટા પાયા પર નહીં, સેબીનું શૉર્ટ સેલિંગ પરના શૉર્ટ પેપરમાં સંભવિત છેતરપિંડી વિશે વાત કરવામાં આવી છે અને તેમાં સમજાવવામાં આવ્યું છે કે ભારતે તેના પર 1998 અને 2011માં શા માટે પ્રતિબંધ લગાવ્યો હતો..

નિષ્ણાતોનું કહેવું છે કે હિંડનબર્ગે જે પ્રકારના રિપોર્ટ લખ્યા છે, તેવા રિપોર્ટ ભારતમાં લખવા પડકારજનક છે.

સેબીમાં રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ નીતિન મંગલ કહે છે, "આપણા માટે ટીકા સહેવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આપણે ટીકાને સકારાત્મક રીતે નથી લેતા. લોકો મારા રિચર્ચની બહુ ટીકા કરે છે, પણ મને તેની પરવા નથી."

મંગલના જણાવ્યા અનુસાર, કાયદાકીય કારણોસર ભારતમાં આવી કોઈ સંશોધન કંપનીઓ નથી.

તેઓ કહે છે, "ભારતની કંપનીઓ તમારી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી શકે છે. તેઓ તમારી વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરી શકે છે. યુએસમાં પ્રક્રિયા ઘણી અલગ છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી