અદાણીની ઘટતી શાખ ભારતના વિકાસને કેટલી અસર કરશે?

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/AFP VIA GETTY IMAGES
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
હજુ થોડા અઠવાડિયા પહેલા સુધી ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બ્લૂમબર્ગ ઈન્ડેક્સના અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાને હતા, પરંતુ 24 જાન્યુઆરીના હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ હવે તેઓ આ યાદીમાં 21મા સ્થાને પહોંચી ગયા છે. એવું પણ નથી કે તેઓ યાદીમાં આ સ્થાને ટકી રહ્યા છે, તેઓ સતત નીચે સરકી રહ્યા છે.
અહેવાલ બહાર આવ્યા બાદ ગૌતમ અદાણીને 100 અબજ ડૉલરથી વધુનું નુકસાન થયું છે અને એમાં તો કોઈ શંકા નથી કે આ તેમના બિઝનેસ સામ્રાજ્ય માટે મોટો ફટકો છે.
પણ શું અદાણી જૂથે એકલા હાથે આ ફટકો સહન કર્યો છે? તો જવાબ છે - ના.
ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) અને અદાણી જૂથમાં રોકાણ કરનાર ભારતની સૌથી મોટી સરકારી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાએ પણ નુકસાની ભોગવવી પડી રહી છે.
અદાણી જૂથ પર સંકટનાં વાદળો કેટલા ઘેરાયેલા છે તેનો અંદાજ ખાસ કરીને બુધવારે એ સમયે આવ્યો જ્યારે અદાણીએ રૂ. 20,000 કરોડ એકઠા કરવા માટે જારી કરેલો એફપીઓ અચાનક પાછો ખેંચી લીધો.

અદાણીના કેસમાં અત્યાર સુધી શું-શું થયું?

ઇમેજ સ્રોત, ADANI
4 ફેબ્રુઆરી, 2023 - શૅર બજાર નિયામક સેબીએ કહ્યું કે તે બજાર સાથે કોઈ ગડબડ થવા દેશે નહીં અને આ મામલે તમામ જરૂરી પગલાં લેશે.
4 ફેબ્રુઆરી 2023 - નાણામંત્રી નિર્મલા સીતારમણે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે નિયમનકારો તેમનું કામ કરવા માટે સ્વતંત્ર છે, સરકારનું કોઈ દબાણ નથી.
3 ફેબ્રુઆરી 2023 - એક ટેલિવિઝન ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં નાણામંત્રીએ કહ્યું કે બૅંન્કિંગ સેક્ટર સારી સ્થિતિમાં છે અને નાણાકીય બજારો નિયમો અનુસાર કામ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2 ફેબ્રુઆરી, 2023 - રોકાણકારોમાં ગભરાટ વચ્ચે આરબીઆઈએ કંપનીને લૉન આપનાર કંપનીઓ પાસેથી આ સંબંધમાં સંપૂર્ણ માહિતી માગી.
2 ફેબ્રુઆરી 2023 - કંપનીના માલિક ગૌતમ અદાણીએ 4 મિનિટ 5 સેકન્ડનો એક વીડિયો બહાર પાડ્યો અને એફપીઓ પાછો ખેંચવાનું કારણ બતાવ્યું.
1 ફેબ્રુઆરી 2023 - અદાણી કંપનીએ તેનો એફપીઓ પાછો ખેંચી લીધો.
31 જાન્યુઆરી 2023 - ગૌતમ અદાણી ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળવા હાઈફા બંદરે પહોંચ્યા. હિંડનબર્ગ રિપોર્ટ બાદ તેઓ અહીં પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા હતા.
31 જાન્યુઆરી 2023 - આ દિવસે એફપીઓનું વેચાણ બંધ થવાનું હતું. તે જ દિવસે સમાચાર આવ્યા કે સજ્જન જિંદલ અને સુનીલ મિત્તલ સહિત કેટલાક અન્ય જાણીતા અબજોપતિઓએ બિન-સંસ્થાકીય રોકાણકારો તરીકે કંપનીના 3.13 કરોડ શૅર ખરીદવા માટે બોલી લગાવી હતી.
30 જાન્યુઆરી 2023 - આ દિવસ સુધી એફપીઓ દ્વારા માત્ર ત્રણ ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. તે જ દિવસે, અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ જણાવ્યું હતું કે તે તેની પેટાકંપની ગ્રીન ટ્રાન્સમિશન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ આરએસસી લિમિટેડ દ્વારા અદાણીના એફપીઓમાં 40 કરોડ ડૉલરનું રોકાણ કરશે.
27 જાન્યુઆરી 2023 - અદાણીએ બજારમાં 2.5 અબજ ડૉલરનો એફપીઓ લૉન્ચ કર્યો.
26 જાન્યુઆરી, 2023 - હિંડનબર્ગે કહ્યું કે તેઓ તેમના રિપોર્ટ પર અડગ છે અને કાનૂની કાર્યવાહીનું સ્વાગત કરશે.
26 જાન્યુઆરી 2023 - અદાણીએ હિંડનબર્ગના અહેવાલને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો. કંપનીએ કહ્યું કે તે કાનૂની કાર્યવાહી પર વિચાર કરી રહી છે.
24 જાન્યુઆરી 2023 - હિંડનબર્ગે તેનો અદાણી સાથે જોડાયેલો રિપોર્ટ 'અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડસ થર્ડ રિચેસ્ટ મૅન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કૉન ઇન કૉર્પોરેટ હિસ્ટ્રી' રજૂ કર્યો.

એફપીઓ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
એફપીઓ એટલે ફૉલો ઑન પબ્લિક ઑફર. જે રીતે કંપનીઓ બજાર, સામાન્ય લોકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં મેળવવા માટે પ્રથમ વખત આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઑફરનો આશરો લે છે, તેવી જ રીતે આગળ વધવા માટે જરૂરી વધારાના નાણાં એકઠા કરવા માટે કંપનીઓ એફપીઓ લાવે છે.
અદાણીના શૅરમાં રોકાણ કરવાની તકની રાહ જોઈ રહેલા સામાન્ય રોકાણકારોએ આ વર્ષે રિલીઝ થયેલા અદાણીના એફપીઓમાં બહુ રસ દાખવ્યો ન હતો કારણ કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સામે આવ્યા બાદ રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો.
જોકે એવું નહોતું થયું કે કંપનીને પૈસા મળ્યા નહીં. સંયુક્ત આરબ અમીરાતની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની એટલે કે આઈએચસી એ અદાણીના એફપીઓમાં નાણાં રોકવાની જાહેરાત કરી. બાકીની રકમનું રોકાણ કરવા માટે દેશના કેટલાક જાણીતા ઉદ્યોગપતિઓ આગળ આવ્યા હતા.
અદાણી એફપીઓ દ્વારા તેમની કંપનીના શૅર વેચીને જૂથ પર ચડેલું દેવું ઘટાડવા માગતા હતા, પરંતુ વિવાદો વચ્ચે તેમણે અચાનક એફપીઓ રદ કરવાની જાહેરાત કરી.

મોટા જહાજમાં ઘણા સવાર હતા

ઇમેજ સ્રોત, Getty Images
અર્થતંત્ર અને શૅરબજારના નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટનામાં ભારતને પણ મોટું નુકસાન થયું છે. આનાથી બિઝનેસ રેગ્યુલેશનના સંદર્ભમાં દેશની છબીને અસર થઈ છે, જેના દૂરગામી નકારાત્મક પરિણામો આવી શકે છે.
લાંબા સમયથી, વિદેશી રોકાણકારો અને મોટી વિદેશી ધિરાણ સંસ્થાઓ ભારતની અર્થવ્યવસ્થાને રોકાણ માટે આકર્ષક સ્થળ તરીકે માને છે.
ભારત સરકારના આંકડા અનુસાર, વર્ષ 2022માં 25 ડિસેમ્બર સુધી ભારતમાં લગભગ 85 અબજ ડૉલરનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) આવ્યું હતું.
સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ 2000 અને સપ્ટેમ્બર 2022 વચ્ચે ભારતમાં કુલ વિદેશી મુડી રોકાણ 888 અબજ ડૉલરની નજીક પહોંચી ગયું છે.
લગભગ 26 ટકા મૂડીરોકાણ મૉરેશિયસ મારફતે આવ્યું હતું, ત્યારબાદ સિંગાપોરથી 23 ટકા, યુએસમાંથી નવ ટકા, નેધરલૅન્ડમાંથી સાત ટકા, જાપાનમાંથી છ ટકા અને યુકેમાંથી પાંચ ટકા રોકાણ આવ્યું હતું. બે ટકા રોકાણ સંયુક્ત આરબ અમીરાત, જર્મની, સાયપ્રસ અને કેમૅન આઇલૅન્ડમાંથી આવ્યું છે.

ઇમેજ સ્રોત, BBC/Getty
અદાણી જૂથના બિઝનેસમાં બંદરો, રસ્તાઓ, રેલ, ઍરપોર્ટ અને ઊર્જાનો સમાવેશ થાય છે. અદાણી જૂથને મોદી સરકાર હેઠળ ભારતની આર્થિક મહત્ત્વકાંક્ષાઓમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર તરીકે જોવામાં આવે છે. કહેવાય છે કે અદાણી અને મોદી વર્ષોથી એકબીજાની નજીક રહ્યા છે.
હવે આ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટે અદાણીને તેમના કૉર્પોરેટ જીવનના સૌથી ખરાબ સંકટમાં મૂક્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય રોકાણકારોની સામે ભારતની વિશ્વસનીયતા પર મોટા પ્રશ્નો ઊભા કર્યા છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં જૂથ પર શૅરોમાં હેરફેર અને ટૅક્સ હેવન્સના અયોગ્ય ઉપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અદાણીએ આ આરોપને ફગાવ્યા છે.

સતત ધોવાતી સાખ

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે સિટીજૂથની રોકાણ શાખાએ જાહેરાત કરી હતી કે તેમણે લૉન માટે ગૅરંટી રૂપે અદાણી જૂથના શૅરોને સ્વીકારવાનું બંધ કરી દીધું છે.
અગાઉ ક્રૅડિટ સુઈસની ધિરાણ શાખાએ પણ ગૅરંટી તરીકે અદાણી કંપનીઓના બૉન્ડ ન સ્વીકારવાની જાહેરાત કરી હતી. વૈશ્વિક ધિરાણ કંપનીઓ અદાણી જૂથના બૉન્ડ્સથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે ગૌતમ અદાણી જૂથનું સંકટ વધુ ગંભીર બની રહ્યું છે.
સિંગાપોરમાં સ્થિત આર્થિક વિશ્લેષક સન ઝી કહે છે, "વર્તમાન કટોકટીએ ચોક્કસપણે વિદેશમાં ભારતની છબીને નુકસાન પહોંચાડ્યું છે."
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "પરંપરાગત રીતે અને ભૂતકાળમાં ભારતીય કંપનીઓની હંમેશા આંતરરાષ્ટ્રીય રોકાણ સમુદાય દ્વારા ટીકા કરવામાં આવી છે આમ પરંપરાગત રીતે પહેલાંથી જ ભારતીય કંપનીઓમાં વિશ્વાસનો અભાવ હતો. અદાણી સંબંધિત તાજેતરની ઘટનાએ રોકાણકારોના આ વિશ્વાસને વધુ નબળો પાડ્યો છે."

સરકારી એજન્સીઓની ભૂમિકા

ઇમેજ સ્રોત, BBC/Getty
સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા એટલે કે બજારનું નિયમન કરતી રૅગ્યુલેટરી ઑથોરિટી સેબીએ આ સંકટ પર કહ્યું છે કે તે બજાર સાથે કોઈપણ પ્રકારની ગડબડ થવા દેશે નહીં અને આ મામલે દરેક જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
સેબીએ તેના નિવેદનમાં અદાણી જૂથનું સીધું નામ લીધું ન હતું, પરંતુ જણાવ્યું હતું કે બજારની સરળ, પારદર્શક અને કાર્યક્ષમ કામગીરી માટે ચોક્કસ શૅરોમાં વધઘટનો સામનો કરવા માટે મૉનિટરિંગ મિકેનિઝમ કાર્યરત છે.
તે જ સમયે, કેન્દ્રીય નાણાં સચિવ ટીવી સોમનાથને કહ્યું છે કે શૅરબજારમાં એક કંપનીના પ્રદર્શનને લઈને વધુ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે આનાથી "એસબીઆઈ અને એલઆઈસીને કોઈ અસર થશે નહીં".
હેમિન્દ્ર હજારી એક સ્વતંત્ર માર્કેટ વિશ્લેષક છે. તેમણે બીબીસીને કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે બજાર નિયામક સેબી અથવા સરકારે આ મામલે પહેલાં કેમ કંઈ ન કહ્યું. તેઓએ રોકાણકારોની ચિંતાઓને દૂર કરવા માટે કંઈક કહેવું જોઈતું હતું."
પરંતુ બીજી બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાત અને ઇન્ફ્રાવિઝન ફાઉન્ડેશનના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી વિનાયક ચેટરજી બીબીસી સાથેની વાતચીતમાં આ નવી કટોકટી અદાણીની અથવા ભારતની પ્રતિષ્ઠાને અસર કરશે એવું માનતા લોકો સાથે અસંમત છે.
વિનાયક ચેટરજી કહે છે, "મને નથી લાગતું કે આનાથી કંપનીની પ્રતિષ્ઠા અથવા ભારતમાં ભાવિ રોકાણ પર કોઈ અસર થશે. વર્તમાન સમસ્યા લાંબો સમય ચાલશે નહીં. તે ટૂંકા ગાળાનો આંચકો છે."
વિનાયક ચેટરજી કહે છે, "મેં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍક્સપર્ટ તરીકે અદાણી જૂથનો 25 વર્ષથી અભ્યાસ કર્યો છે, મેં બંદરો, ઍરપોર્ટ, સિમેન્ટથી લઈને રિન્યુએબલ એનર્જી સુધીના વિવિધ પ્રોજેક્ટ જોયા છે જે નક્કર અને સ્થિર છે, નફો કરે છે. તેઓ શૅરબજારના ઉતાર-ચઢાવથી સંપૂર્ણપણે સુરક્ષિત છે."
અદાણી જૂથની કંપનીઓમાં વિશ્વાસ વ્યક્ત કરતાં તેઓ કહે છે, "અદાણી પ્રોજેક્ટ્સમાં રોકાણ કરતી કંપનીઓ પાસે એવા નિષ્ણાતો છે જેઓ અદાણી જૂથના કામકાજને લઈને બહુ સ્પષ્ટ છે અને અદાણી જૂથના રોકાણ અથવા ભવિષ્યના પ્રોજેક્ટ્સ પર શૅરબજારમાં થતી વધઘટ અસર કરશે નહીં."

મૂડીઝ અને સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅરનો અભિપ્રાય અલગ

ઇમેજ સ્રોત, BBC/Getty
રેટિંગ એજન્સી ફિન્ચે શુક્રવારે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે અમેરિકી શૉર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથની સંસ્થાઓ અને તેમની સિક્યૉરિટીઝના રેટિંગ પર તેની કોઈ તત્કાલ અસર નહીં થાય પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાંથી ભંડોળ એકત્ર કરવાની ભાવિ યોજનાને અસર થઈ શકે છે.
વિશ્વની જાણીતી ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝનો અભિપ્રાય ફિન્ચ કરતાં સાવ અલગ છે.
મૂડીઝે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં અદાણી જૂથને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે લૉન લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને કંપની પહેલેથી જ ભારે દેવાદાર છે, જેનો અર્થ છે કે તેની પાસે અન્ય કેટલીક કંપનીઓ જેટલો જંગી રોકડ અનામત નથી.
આટલું જ નહીં, અગાઉ શુક્રવારે અન્ય મોટી ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅરે અદાણી પૉર્ટ્સ અને અદાણી ઇલેક્ટ્રીસિટીનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને નૅગેટિવ કરી દીધું હતું, એ પહેલા સુધી એ જ એજન્સીએ આ બંને કંપનીઓને સ્થિર ગણાવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













