બજેટ 2023 : નરેન્દ્ર મોદી સરકારે નવી જોગવાઈઓમાં ગુજરાતને શું આપ્યું?

નિર્મલા સીતારમણ
    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જાહેર કરેલા બજેટમાં ઇન્કમટૅક્સમાં છૂટ આપવામાં આવી છે, જે અંતર્ગત સાત લાખ સુધીની આવકની ઉપર ટૅક્સ નહીં લાગે.

ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે વેપારી પ્રવૃત્તિઓને અને સુરતના હીરાઉદ્યોગમાં પ્રોત્સાહન મળે તે માટે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે.

આ સિવાય રૂ. બે લાખ કરોડના ખર્ચે નિઃશુલ્ક અન્નવિતરણની યોજનાને પહેલી જાન્યુઆરીથી એક વર્ષ માટે લંબાવવામં આવી છે. જેના માટે રાજ્ય સરકારોએ કોઈ ખર્ચ કરવાનું નહીં રહે.

તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ (આઈઓટી) જેવી આધુનિક પ્રૌદ્યોગિકી ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને કૌશલ્યવર્ધન થાય તે માટે જોગવાઈઓ કરવામાં આવી છે.

સાત લાખ સુધી કરમુક્ત

નવી કર વ્યવસ્થા હવે ડિફોલ્ટ કર વ્યવસ્થા રહેશે. જોકે, જૂની કર વ્યવસ્થા હેઠળ મળતી રાહતો ચાલુ રહેશે. આ સિવાય કરના છ સ્લૅબને ઘટાડીને પાંચ કરવામાં આવ્યા છે.

જે અનુસાર રૂ. ત્રણ લાખ સુધીની આવક ઉપર કોઈ કર નહીં. ત્રણથી છ લાખની આવક ઉપર પાંચ ટકા, રૂ. છ લાખથી નવ લાખના કર ઉપર દસ ટકા. રૂ. નવથી 12 લાખની આવક ઉપર 15 ટકા ઇન્કમટૅક્સ, 12થી 15 પર 20 ટકા, 15 લાખથી વધુની આવક ઉપર 30 ટકા કર ચૂકવવાનો રહેશે.

રૂ. સાત લાખ સુધીની આવક પર ટૅક્સ રિબેટ મળશે. અગાઉ આના માટે રૂ. પાંચ લાખની ટોચમર્યાદા હતી.

દેશમાં સરચાર્જ સાથે સર્વોચ્ચ દર 42.74 ટકા છે, જે ઘટીને 39 ટકા ઉપર આવી જશે. સરચાર્જનો સર્વોચ્ચ દર 37 ટકા હતો, જેને ઘટાડીને 25 ટકા કરવામાં આવશે.

ગ્રે લાઇન

ગુજરાત માટેની જોગવાઈઓ

ગિફ્ટ સિટી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગિફ્ટ સિટી, ગુજરાત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગાંધીનગર પાસેના ગિફ્ટ (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) ખાતેના આઈએફએસસી (ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર) વેપારી પ્રવૃત્તિઓ વધે તે માટે એસઈઝેડ ઍક્ટ હેઠળની સત્તાઓ આઈએફએસસીએને આપવામાં આવશે, જેથી કરીને બેવડાં નિયંત્રણો દૂર થાય. આ માટે જરૂરી કાયદાકીય સુધારો કરવામાં આવશે.

આઈએફએસસીએ, એસઈઝેડના (સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન) સત્તાધીશો, જીએસટીએન, આરબીઆઈ અને સેબી (સિક્યૉરિટીસ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) અને ઈરડા (ઇન્સ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટી) પાસેથી મંજૂરી માટે સિંગલ વિંડો આઈટી સિસ્ટમ વિકસાવવામાં આવશે.

રિફાઇનાન્સિંગને સુગમ બનાવવા માટે એક્ઝિમ બૅન્કનું પેટા એકમ ગિફ્ટ સિટી ખાતે સ્થાપવામાં આવશે. આ સિવાય ઑફશોર ડેરિવેટિવ કૉન્ટ્રેક્ટને કરાર તરીકે માન્યતા આપવામાં આવશે.

ગુજરાતમાં સુરતએ હીરા ઘસવા તથા તેના વેપાર માટેનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં લૅબોરેટરીમાં બનતા હીરાનું ચલણ વધી રહ્યું છે. નાણાંકીય વર્ષ 2023-24 માટેના બજેટમાં આના સંદર્ભે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી છે.

લૅબોરેટરીમાં તૈયાર કરવામાં આવતાં સિડ્સ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે, જેથી કરીને કુદરતી હીરા જેવી જ ગુણવત્તા અને લાક્ષણિકતા ધરાવતા, પરંતુ ઇકૉફ્રૅન્ડલી એલ.જી.ડી. (લૅબ ગ્રૉન ડાયમંડ) સસ્તા બનશે .

આ સિવાય દેશમાં એલજીડીનું ઉત્પાદન થાય અને આયાત પરનો આધાર ઘટાડવા માટે આઈઆઈટીને પાંચ વર્ષ માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

ગ્રે લાઇન

આધુનિક પ્રૌદ્યોગિકી પર ભાર

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

5જી સેવાઓ માટે જરૂરી ઍપ્સ વિકસાવવા માટે ઇજનેરી સંસ્થાઓમાં 100 લૅબ વિકસાવવામાં આવશે. જેમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કૃષિ, પરિવહન ક્ષેત્રે તેનો ઉપયોગ કરવામાં આવશે.

'મૅક એઆઈ વર્ક ફૉર ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપવા માટે ટોચની ત્રણ સંસ્થાઓમાં ત્રણ એઆઈ સેન્ટર ઊભાં કરાશે.

આગામી ત્રણ વર્ષ દરમિયાન લાખો યુવાનોમાં કૌશલવર્ધન માટે 'પ્રધાન મંત્રી કૌશલ વર્ધન યોજના 4.0' ચલાવવામાં આવશે. જેમાં કોડિંગ, રૉબૉટિક્સ, ડ્રૉન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે કૌશલ્ય વધરાવામાં આવશે. 30 'સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશલ સેન્ટર' ઊભાં કરવામાં આવશે.

સ્ટાર્ટ-અપ અને શૈક્ષણિક સંસ્થાઓને રિસર્ચ માટે જરૂરી ડેટા અનામી રીતે મળી રહે તે માટે નેશનલ ડેટા ગવર્નન્સ પૉલિસી લાવવામાં આવશે.

બીબીસી ગુજરાતી

અન્ય મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

  • 'પીએમ ગરીબ અન્ન કલ્યાણ યોજના' હેઠળ પહેલી જાન્યુઆરીથી એક વર્ષ માટે નિઃશુલ્ક અનાજ આપવામાં આવશે. જે માટે રાજ્યોએ કશું ચૂકવવાનું નહીં રહે, આ માટે કેન્દ્ર સરકાર રૂ. બે લાખ કરોડનો ખર્ચ ભોગવશે.
  • પીએમ આવાસ યોજના માટે રૂ. 79 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે, જે 66 ટકાની વૃદ્ધિ સૂચવે છે.
  • રેલવેને મૂડીખર્ચ માટે બે લાખ 40 હજાર કરોડ ફાળવવામાં આવ્યા. ટ્રાન્સપૉર્ટ માટેના 100 મોટા પ્રોજેક્ટ માટે રૂ. 75 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે, જેમાંથી 15 હજાર કરોડ ખાનગી સ્રોતોમાંથી ઊભા કરવામાં આવશે.
  • રાજ્ય સરકારોને 15 વર્ષ માટેનું વ્યાજમુક્ત ધિરાણ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું.
  • અનુસૂચિત જાતિના મિશન માટે આગામી ત્રણ વર્ષ દરમિયાન રૂ. 15 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.
  • દેશમાં અવિકસિત 50 ઍરપૉર્ટ હેલિપૉર્ટ અને ઍરોડ્રામ વિકસાવવામાં આવશે. જેથી કરીને પ્રાદેશિક પરિવહન સુદૃઢ બને.
  • કંપનીઓ માટેની 39 હજાર જેટલી જોગવાઈઓને ઘટાડવામાં આવી. આ સિવાય ત્રણ હજાર 400 જેટલી કાયદાકીય જોગવાઈઓના ભંગ માટેની ગુનાહિત જોગવાઈઓને દૂર કરવામાં આવી. એક હજાર 536 જોગવાઈઓને દૂર કરવામાં આવી. જેના કારણે વેપારમાં સુગમતા માટે 190 અર્થતંત્રમાંથી 63મા ક્રમે પહોંચી ગયું.
રેડ લાઇન
રેડ લાઇન