અદાણી જૂથના શૅરધારકોના જંગી નુકસાનથી ખરો ફાયદો કોને થયો?

હિંડનબર્ગ

ઇમેજ સ્રોત, NURPHOTO

    • લેેખક, આલોક જોશી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટથી ગૌતમ અદાણીને લગભગ રૂ. દસ લાખ કરોડનો ફટકો લાગ્યો છે. આટલાં નાણાં તેમના ગજવામાંથી ગયાં નથી, પરંતુ એક સપ્તાહ પહેલાં તેમની જે કુલ સંપત્તિ હતી તેના મૂલ્યમાં આટલો ઘટાડો થયો છે.

ગૌતમ અદાણી એક જ સપ્તાહમાં વિશ્વના ટોચના શ્રીમંતોની યાદીમાં ત્રીજા સ્થાનેથી શુક્રવારે સાંજ સુધીમાં, બે અલગ-અલગ યાદીમાં 17મા અને 22મા સ્થાને પહોંચી ગયા હતા.

શનિવાર અને રવિવારે શૅરબજાર બંધ રહ્યા બાદ સોમવારે ફરી ખૂલ્યું ત્યારે અદાણી જૂથની અનેક કંપનીઓના શૅરોમાં વેચવાલી ચાલુ રહી હતી, પરંતુ સવાલ એ છે કે અદાણી જૂથના શૅરધારકોને થયેલા જંગી નુકસાનથી ફાયદો કોને થયો છે?

હિંડનબર્ગે તેના રિપોર્ટની શરૂઆતમાં જ લખ્યું છે કે તેણે અદાણી જૂથની કંપનીઓમાં શૉર્ટ પૉઝિશન લીધેલી છે. તેણે અમેરિકન માર્કેટમાં ખરીદવામાં-વેચવામાં આવતાં બૉન્ડ મારફત અને જેની લેવડ-દેવડ ભારતીય માર્કેટમાં નથી થતી એવાં 'ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમૅન્ટ' મારફત કર્યું છે.

રેડ લાઇન

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શૅરોના ધોવાણનો લાભ કોણ લઈ ગયું?

રેડ લાઇન
  • અમુક દિવસ પહેલાં અમેરિકાની એક કંપની હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં અદાણી જૂથ પર 'ગેરરીતિના આરોપ' મુક્યા હતા
  • અદાણી જૂથે આ આરોપો નકાર્યા છતાં તેમની કંપનીની માર્કેટ વૅલ્યૂમાં જંગી ઘટાડો નોંધાયો હતો
  • અદાણીની વ્યક્તિગત સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો
  • આ મુદ્દો સામે આવ્યા બાદ ભારતીય સંસદમાં પણ પાછલા કેટલાક દિવસોથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવાની માગણી કરાઈ રહી છે
  • ગૌતમ અદાણી જૂથના શૅરના ભાવમાં ભારે ઘટાડો નોંધાતા રોકાણકારોની સુરક્ષા અને ભારતીય અર્થતંત્ર પર આ ઘટનાની અસર અંગે ચર્ચા થવા લાગી છે
  • હિંડનબર્ગ રિસર્ચ પર પણ આરોપ લગાવાઈ રહ્યા છે કે તેમણે પોતાના વ્યક્તિગત લાભ માટે આ રિપોર્ટ બહાર પાડીને નફો મેળવવાનો પ્રયાસ કર્યો છે
  • અદાણી જૂથ પણ આ હિંડનબર્ગના રિપોર્ટ અને આરોપોને 'ભારત પરના હુમલા' તરીકે વખોડ્યો હતો
  • હવે એ વાત ચર્ચાઈ રહી છે કે અદાણી જૂથની કંપનીઓના શૅરધારકોના નુકસાનનો લાભ આખરે કોને થઈ રહ્યો છે, જાણવા માટે વાંચો બીબીસી ગુજરાતીનો આ વિસ્તૃત અહેવાલ
રેડ લાઇન

શૉર્ટ પૉઝિશનને વેચવાલી કેમ નથી કહેવાતી?

ગૌતમ અદાણી અને નેટ એન્ડરસન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી અને નેટ એન્ડરસન

શૉર્ટ પૉઝિશનનો સીધો અર્થ થાય છે વેચવાલીનો સોદો. તો પછી તેને સ્પષ્ટ રીતે વેચવાલી શા માટે કહેવામાં આવતી નથી? તેનું કારણ એ છે કે કોઈની પાસે શૅર કે બૉન્ડ હોય છે ત્યારે તેઓ તેને સીધા વેચીને પૈસા વસૂલી શકે છે.

શૉર્ટ કરવાનો અર્થ એ છે કે વેચનાર પાસે પણ શૅર (અથવા આ કિસ્સામાં બૉન્ડ) નથી, પણ તેને આશા છે કે આજે જે ભાવ છે તે ટૂંક સમયમાં ગગડશે. તેથી તે આજે વેચવાનો સોદો કરી લે છે અને શૅરના ભાવ ગગડે પછી નીચા ભાવે શૅર કે બૉન્ડ ખરીદીને તે ખરીદનારને સોંપી દે છે. તેને ભાવના ફરકનો જ ફાયદો થાય છે.

આ સોદાની એક નક્કર પદ્ધતિ છે, જેમાં તે કોઈની પાસેથી શૅર અથવા બૉન્ડ ઊછીનાં લે છે તથા તે સામેવાળાને સોંપી દે છે અને પછી ભાવ ઘટે ત્યારે પોતાની ઉધારી ચૂકવી આપે છે.

આ પ્રકારના સોદાને વાયદાના સોદા પણ કહેવામાં આવે છે. તેમાં વેચનાર એક નિશ્ચિત તારીખે, એક નિશ્ચિત ભાવે વેચવાનો અને ખરીદનાર એ જ તારીખે, એ જ ભાવે ખરીદવાનો વાયદો કરે છે.

એ દિવસે ભાવ ઘટ્યો હોય તો વેચનારને ફાયદો થાય છે, જ્યારે ભાવ વધ્યો હોય તો ખરીદનારને લાભ થાય છે. વાયદા બજાર કે ફ્યૂચર ઍન્ડ ઑપ્શન્સ માર્કેટમાં આ રીતે કામકાજ ચાલતું હોય છે.

એ દિવસે બન્ને પક્ષ શૅરની લેવડ-દેવડ પણ કરી શકે છે અને એવું પણ કહી શકે છે કે ક્યાંયથી શૅર લઈને આપવાને બદલે આપણે ભાવમાંના ફરકની ગણતરી કરીને એટલી રકમની લેવડ-દેવડ કરીએ, જેટલાનો ફાયદો કે નુકસાન થયું છે.

આ પ્રકારના સોદાના નેકેડ શૉર્ટ સેલિંગ કહેવામાં આવે છે. ભારતમાં 2007માં આ પ્રકારના સોદા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

line

નેકેડ શૉર્ટ સેલિંગ એટલે શું?

અદાણી

ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE

એક ઉદાહરણ વડે સમજીએ. ધારો કે કોઈ એક કંપનીના શૅરનો ભાવ આજે રૂ. 200 છે, પરંતુ મને ખાતરી છે કે તેના ભાવમાં ટૂંક સમયમાં જ ઘટાડો થશે. તેથી હું તે કંપનીના 100 શૅર એ ભાવે વેચવાનો સોદો તમારી સાથે કરું છું. આગલા સપ્તાહે આ વિશે લેવડ-દેવડનો વાયદો તેમાં કરવામાં આવ્યો છે.

હવે હું એ શૅર કોઈની પાસેથી ઉધાર લઉં કે ન લઉં, એક સપ્તાહમાં તે શૅરનો ભાવ ઘટીને રૂ. 150 થઈ જાય તો અગાઉ જે 100 શૅર રૂ. 20,000ના હતા તેનું મૂલ્ય હવે રૂ. 15,000 થઈ જશે.

હવે હું માર્કેટમાંથી રૂ. 15,000ના શૅર ખરીદીને તમારા હવાલે કરીશ અને રૂ. 20,000 તમારી પાસેથી લઈશ. આને શૉર્ટ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે મેં જેનો સોદો કર્યો હતો તેટલા શૅર મારી ન હતા.

જોકે, તેની એક બીજી બાજુ પણ છે. રૂ. 200ના શૅરનો ભાવ વધુમાં વધુ ઘટીને શૂન્ય થઈ શકે છે. એટલે કે આ સોદામાં વેચનાર વધુમાં વધુ રૂ. 20,000ની કમાણી જ કરી શકે છે, પરંતુ તેનું જોખમ અમર્યાદ છે, કારણ કે શૅરનો ભાવ ઘટવાને બદલે વધવા માંડે તો કોઈ પણ સ્તરે જઈ શકે છે.

તમે જાતે જ હિસાબ કરો કે અદાણી જૂથની કંપનીઓના શૅરના ભાવ છેલ્લાં ત્રણ વર્ષથી જે રીતે વધી રહ્યા હતા એ જ રીતે આ શૅરનો ભાવ વધતો રહે તો વેચનારને ક્યારે અને કેટલું નુકસાન થાય.

અલબત્ત, અદાણી અને હિંડનબર્ગનો મામલો વધુ જટિલ છે.

line

અદાણીના શૅરના ભાવ તોડવા હિંડનબર્ગે શું કર્યું?

હિંડનબર્ગ

ઇમેજ સ્રોત, DEV IMAGES

હિંડનબર્ગ રિસર્ચ નામ સાંભળીએ તો તે કોઈ બહુ મોટી રિસર્ચ એજન્સી હોય તેવું લાગે, પરંતુ તેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે મંદીના વેપારી એટલે કે શૉર્ટ સેલર છે અને તે પણ એક ખાસ પ્રકારના શૉર્ટ સેલર, જેને 'ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર' કહેવામાં આવે છે.

સામાન્ય રીતે મંદીના સોદા કરતાં લોકો પોતાની માહિતી, માર્કેટ અને વેપારનો માહોલ વગેરેને ધ્યાનમાં લઈને સોદા કરતા હોય છે તથા તેમાંથી કમાણીના પ્રયાસ કરતા હોય છે, પરંતુ ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર, એવી કંપનીઓ શોધતા હોય છે કે જેમના કામકાજમાંની ગેરરીતિને ઉઘાડી પાડીને, તે કંપનીના શૅરના ભાવ ઘટાડી શકાય.

તપાસ પૂર્ણ કર્યા બાદ તેઓ સૌપ્રથમ એ કંપનીઓમાં મંદીના સોદા કરે છે અને પછી પોતાનો રિપોર્ટ જાહેર કરે છે, જેથી કંપનીના શૅરના ભાવ ગગડે અને તેનો ફાયદો પોતાને થાય.

હિંડનબર્ગે અદાણી જૂથ સાથે આવું જ કર્યું છે. તેમનો દાવો છે કે તેમણે બે વર્ષ સુધી અદાણી જૂથના કારોબારની અને તેની સાથે જોડાયેલા તથ્યો તથા દસ્તાવેજોની તપાસ કરી હતી.

અલબત્ત, પહેલી મુશ્કેલી એ હતી કે હિંડનબર્ગ માટે ભારતના માર્કેટમાં અદાણીની કંપનીના શૅરોમાં શૉર્ટ સેલિંગ કરવાનું આસાન ન હતું.

રૉઇટર્સના એક અહેવાલ મુજબ, હિંડનબર્ગે વાસ્તવમાં કયા સોદા, કેવી રીતે કર્યા છે તે સમજવાના પ્રયાસ અમેરિકાના બીજા શૉર્ટ સેલરો પણ કરી રહ્યા છે, કારણ કે તેમના જણાવ્યા મુજબ, વિદેશી કંપનીઓ માટે ભારતીય કંપની પર મંદીનો દાવ ખેલવાનું બહુ મુશ્કેલ છે.

તેનું એક કારણ તો શૉર્ટ સેલિંગ સંબંધે 2007માં અમલી બનાવવામાં આવેલા સેબીના નવા નિયમ છે. બીજું કારણ એ છે કે વિદેશી સંસ્થાઓએ પણ તેમના આવા સોદાની જાણકારી પણ આપવી પડે છે, જે હિંડનબર્ગ જેવા ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર માટે મુશ્કેલ છે.

ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર જે કંપનીઓને નિશાન બનાવે છે, તેમાં વેચવાલીના સોદા એટલે કે શૉર્ટ પૉઝિશન બનાવવાનું કામ તેમણે બહુ ગુપ્ત રીતે કરવું પડે છે. તેનું કારણ એ છે કે કોઈ ઍક્ટિવિસ્ટ શૉર્ટ સેલર કોઈ કંપનીને શૉર્ટ સેલ કરી રહ્યો છે એવી ગંધ માર્કેટમાં કોઈને પણ આવી જાય તો તે કંપનીના શૅરોમાં ઝડપથી ઘટાડો થાય છે. તેથી તેઓ તેમનો સોદો પૂર્ણ ન કરી લે ત્યાં સુધી આ સમાચાર ગુપ્ત રહે એ જરૂરી હોય છે.

હિંડનબર્ગે જે કહ્યું છે તેના અનુસંધાને પૈસા કમાવાના બે રસ્તા છે. પહેલો રસ્તો અદાણી જૂથની કંપનીઓના જે બૉન્ડ અમેરિકન માર્કેટમાં ખરીદવામાં આવે છે તેના વેચાણનો સોદો કરવાનો અને બીજો માર્ગ ડેરિવેટિવ સોદાનો છે.

પહેલાં બૉન્ડની વાત કરીએ. આ બૉન્ડનો ભાવ ઘણો ઘટી ગયો છે અને તેના પર કોઈ સામાન્ય રોકાણકારને પણ 32 ટકા કમાણીની શક્યતા દેખાવા લાગી હતી, પરંતુ માત્ર આ ઘટાડાને લીધે હિંડનબર્ગને તેની બે વર્ષની મહેનતનું ફળ મળી જાય તે માનવું મુશ્કેલ છે.

તેનું કારણ એ છે કે અમેરિકામાં અદાણી જૂથની કંપનીઓનાં 100 કરોડનાં બૉન્ડ જ છે. એટલે કે તેનું પ્રમાણ એટલું મોટું નથી કે કોઈ તેને આસાનીથી ઉધાર લે અને તેને શૉર્ટ કરીને મોટી કમાણી કરી શકે.

હવે ડેરિવેટિવની વાત કરીએ. ડેરિવેટિવનો અર્થ, માર્કેટમાંનાં એવાં ઇન્સ્ટ્રુમૅન્ટ કે સોદા છે, જેમાં લેવડ-દેવડનો નિર્ણય કોઈ અન્ય ચીજને આધારે નક્કી થતો હોય છે. ડેરિવેટિવ અંગ્રેજી શબ્દ ડિરાઈવ પરથી બન્યો છે. એટલે કે એવો સોદો જેનું પરીણામ કોઈ અન્ય ચીજમાંથી ડિરાઈવ અથવા નક્કી થતું હોય.

જેમ કે સિંગાપુર સ્ટૉક ઍક્સચેન્જમાં ભારતના નિફ્ટીનું એક ડેરિવેટિવ ચાલે છે. તેનું નામ એસજીએક્સ નિફટી છે. એસજીએક્સ નિફ્ટીમાં ખરીદ-વેચાણ કરવા માટે કોઈએ ભારતના કાયદાનું પાલન કરવું જરૂરી નથી, પરંતુ તેમાં વધારા-ઘટાડાનો નિર્ણય ભારતમાં નિફ્ટીમાં વધારા-ઘટાડાના આધારે જ થાય છે.

આવો જ સોદો કંપનીના શૅરોમાં પણ કરી શકાય છે. ભારતમાં કોઈ કંપનીના શૅરના ભાવ ઘટશે કે વધશે તેના સોદા અમેરિકામાં બેઠેલા બે લોકો આપસમાં કરી શકે છે.

line

હિંડનબર્ગને લાભ થશે કે તે ફસાઈ જશે?

અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

પોતે ચોક્કસ કયો અને કેટલો મોટો સોદો કર્યો છે તે હિંડનબર્ગે જણાવ્યું નથી. અમેરિકામાં બીજા શૉર્ટ સેલરોમાં પણ આ એક મોટો કોયડો હોવાની ચર્ચા ચાલી રહી છે.

રૉઇટર્સના જણાવ્યા મુજબ, હિંડનબર્ગે આ સવાલનો જવાબ આપવાનો ઇનકાર કર્યો છે, જ્યારે અદાણી જૂથ અને સેબીએ તેમના સવાલોનો કોઈ જવાબ જ આપ્યો નથી.

જોકે, અમેરિકાના કાયદા મુજબ, આ પ્રકારના મંદીના સોદા કર્યા પછી રિપોર્ટ પ્રકાશિત કરવા અને કમાણી કરવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ હિંડનબર્ગે ખોટી કે ભ્રામક માહિતી આપીને નફો કમાવાનો પ્રયાસ કર્યો છે તેવું સાબિત થઈ જાય તો તે અમેરિકન કાયદા મુજબ અપરાધ બને છે.

જોકે, હિંડનબર્ગે અમેરિકા આવીને પોતાના પર કેસ કરવાનો પડકાર અદાણી જૂથને ફેંક્યો છે.

બીજી સમસ્યા, હિંડનબર્ગે જે તથ્યોનો ઉપયોગ પોતાના આરોપ સાથે કર્યો છે તેમાં છે. આ બધી માહિતી, તેણે કંપની તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલી કે જાહેરમાં ઉપલબ્ધ દસ્તાવેજોમાંથી મેળવી હશે તો કોઈ તકલીફ નહીં થાય, પરંતુ બાકીના લોકોને ઉપલબ્ધ ન હતી તેવી માહિતી તેણે પોતાની તપાસમાં મેળવી હતી અને તેને જાહેર કર્યા વિના સોદો કર્યો હશે તો તેને ઇનસાઇડર ટ્રેડિંગ ગણવામાં આવશે. એવું થશે તો હિંડનબર્ગ ખરેખર મુશ્કેલીમાં મુકાઈ જશે.

મુસીબત તો આવશે ત્યારે આવશે. અત્યારે તો એ શોધવાનું છે કે અદાણી જૂથ માટે મોટી મુશ્કેલી સર્જીને હિંડનબર્ગે આખરે કેટલી કમાણી, કેવી રીતે કરી?

લાઇન
લાઇન