અદાણી-હિંડનબર્ગ વિવાદ બાદ ચર્ચામાં આવેલા શૉર્ટ સેલિંગ, એફપીઓ એટલે શું?

ઇમેજ સ્રોત, FANATIC STUDIO
અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગનો અદાણી સમૂહને લઈને રિપોર્ટ આવ્યા બાદ બજાર કે ફાઇનાન્સ સાથે જોડાયેલા એવા ઘણા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે જે સામાન્ય બોલચાલમાં સંભળાતા નથી.
પરંતુ અદાણી મામલાને સમજવા માટે આ શબ્દોનો અર્થ સમજવો પણ જરૂરી છે.
આવા જ શબ્દો છે શૉર્ટ સેલિંગ, માર્કેટ કૅપિટલાઇઝેશન, એફપીઓ, આઈપીઓ અને સ્ટૉક મેનિપ્યુલેશનનો ઉપયોગ વારંવાર થયો છે. હિંડનબર્ગ પોતાની જાતને 'શૉર્ટ સેલર' ગણાવે છે અને તેના પર પણ નફો કમાવવા માટે આ રિપોર્ટ જાહેર કરાયાના આરોપ લાગી રહ્યા છે.
તેમજ હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી સમૂહ પર દગાખોરી અને સ્ટૉક મેનિપ્યુલેશનના આરોપ લગાવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપના રોકાણકારોમાં ખળભળાટ છે અને શૅરોમાં ભારે ઘટાડો નોંધાયો છે.
અદાણી સમૂહને બૅંકો પાસેથી મળેલાં દેવાંને લઈને પણ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
હાલ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ભારતીય રિઝર્વ બૅંકે આશ્વાસન આપ્યું છે કે રોકાણકારો પર કોઈ ખતરો નથી અને આ મામલા પર નિયામક નિગરાની રાખી રહ્યા છે.
અદાણી સમૂહનો મામલો ભારતીય મીડિયા, સામાન્ય લોકોથી માંડીને નેતાઓમાં ચર્ચાનો વિષય બનેલો છે. સંસદમાં પણ તેના પડઘા સંભળાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આ મામલાને સમજવા માટે જાણીએ કે બજાર સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ શબ્દોના અર્થ અને મહત્ત્વ.

અદાણી જૂથના શૅરોમાં થયેલા ઘટાડા બાદ ચર્ચામાં આવેલા શૅરબજાર સાથે સંકળાયેલા શબ્દો વિશે ચર્ચા થવા માંડી છે, એ શું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

- અદાણી-હિંડનબર્ગ વિવાદ બાદ સાંભળવા મળી રહેલા શૅરબજાર સાથે સંકળાયેલા શબ્દો વિશે આપ કેટલું જાણો છો
- શૉર્ટ સેલિંગ એ નફો કમાવવાની પ્રવૃત્તિ છે, પરંતુ આવું કેવી રીતે શક્ય બને છે
- શું તમે જાણો છો કે શૉર્ટ સેલિંગની પ્રવૃત્તિ માટે રોકાણકાર પાસે કંપનીના શૅર ન હોય તો પણ તે શૅર વેચીને તેના ભાવમાં ઘટાડાથી લાભ કમાઈ શકે છે?
- આઇપીઓ અને એફપીઓ વિશે અખબારોમાં વાંચ્યું હશે પરંતુ અહીં જાણો તેનો વિસ્તૃત અર્થ
- શૉર્ટ સેલિંગથી માંડીની ટૅક્સ હૅવન સુધી શૅરબજારના અઘરા મનાતા શબ્દભંડોળમાં એક ડૂબકી

શૉર્ટ સેલિંગ શું છે?

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/AFP VIA GETTY IMAGES
સામાન્યપણે શૅરબજારમાં તમે એ કંપનીના શૅર ખરીદો છો જેના શૅરના ભાવ ભવિષ્યમાં વધવાના છે. જ્યારે શૅરના ભાવ વધે છે ત્યારે તમે એને વેચી દો છો.
પરંતુ શૉર્ટ સેલિંગમાં શૅરનાં ખરીદી અને વેચાણ ત્યારે કરાય છે જ્યારે તેની કિંમતો ભવિષ્યમાં ઓછી થવાની સંભાવના હોય છે. આવી પરિસ્થિતિમાં શૉર્ટ સેલર પોતાની પાસે શૅર ન હોય ત્યારે પણ તેને વેચે છે. પરંતુ તે શૅર ખરીદીને નથી વેચતો બલકે ઉધાર લઈને વેચે છે.
આ વાતને ઉદાહરણથી સમજો - જેમ કે જો એક શૉર્ટ સેલરને એવી આશા હોય કે 100 રૂપિયાનો શૅર 60 રૂપિયા સુધી તૂટી શકે છે તો તે બ્રોકર પાસેથી શૅર ઉધારે લઈને તેને એવા રોકાણકારોને વેચશે, જેઓ તેને 100 રૂપિયાના ભાવે ખરીદવા માટે પણ તૈયાર છે. જ્યારે આ શૅર 60ના સ્તર સુધી આવી જશે તો તે શૉર્ટ સેલર તેને ખરીદીને બ્રોકરને પાછા આપી દેશે. આવી રીતે દરેક શૅર પર તે 40 રૂપિયાનો નફો રળી શકે છે.
શૉર્ટ સેલિંગ શૅરનાં ખરીદ-વેચાણ માટેની કાયદેસર રીત છે પરંતુ તેમાં ઘણું જોખમ હોય છે. જોકે, જોખમનું અનુમાન લગાવીને યોગ્ય વ્યૂહરચના સાથે કરાયેલ શૉર્ટ સેલિંગમાં નફો પણ થાય છે. તેમાં ખૂબ વધારે નફો કે નુકસાન બંને થઈ શકે છે.
નુકસાન ત્યારે થશે જ્યારે શૅરના ભાવ ઘટવાના સ્થાને વધી જાય તો શૉર્ટ સેલરે તેને ઊંચી કીમતે ખરીદીને ઉદારના શૅર પાછા આપવા પડશે.
આનો ઉપયોગ ખાસ કરીને વિશેષજ્ઞ કરે છે જે આમાં ઊંડું વિશ્લેષણ અને શોધ કરી શકે છે. સાથે જ જેઓમાં નુકસાન સહન કરવાની ક્ષમતા હોય છે.

શૉર્ટ સેલર શૅર ખરીદવાના સ્થાને ઉધારે કેમ લે છે?

ઇમેજ સ્રોત, DEV IMAGES
જ્યારે શૅર ખરીદાય ત્યારે તમારે તેના માટે એક નક્કી કીંમતની ચુકવણી કરવાની હોય છે. તેમજ, જ્યારે તમે શૅર ઉધારે લો છો ત્યારે માત્ર શૅર પરત કરવાના હોય છે અને તમે શૅરની કીમતોમાં થયેલા બદલાવોથી પૂર્ણ નફો કમાવી શકો છો.

ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઇપીઓ) શું છે?
જ્યારે એક ખાનગી કંપની પૈસા ભેગા કરવા માગે છે ત્યારે તે લોકોને પોતાના શૅર વેચે એ છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમોને આધીન હોય છે અને કોઈ કંપની પહેલી વાર પોતાના શૅર વેચે ત્યારે તેને ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ કે મેડન ઑફર કહેવાય છે.
આઇપીઓ બાદ કંપની સ્ટૉક ઍક્સચેન્જમાં લિસ્ટ કરી લેવાય છે જેના પર ટ્રેડિંગ થઈ શકે છે.

ફૉલો-ઑન પબ્લિક ઑફરિંગ (એફપીઓ) શું છે?

ઇમેજ સ્રોત, BLUEBAY2014
પહેલાંથી સ્ટૉક ઍક્સચેન્જમાં લિસ્ટ કે આઇપીઓવાળી કોઈ કંપની જો પૈસા ભેગવા કરવા માગે છે તો એ ફરી પોતાના શૅરોને લોકો વચ્ચે વેચાણ માટે લાવે છે.
આને ફૉલો-ઑન પબ્લિક ઑફરિંગ કહે છે. આ નાણાં મોટા ભાગે દેવાની ચુકવણી માટે કે ફંડ વધારવા માટે એકઠાં કરાય છે.
આઇપીઓની સરખામણીએ એફપીઓમાં ઓછું જોખમ હોય છે, કારણ કે કંપનીની નાણાકીય સ્થિતિની જાણકારી પહેલાંથી જ સાર્વજનિક હોય છે.

શેલ કંપની શું છે?
શેલ કંપની એટલે જે માત્ર કાગળ પર મોજૂદ કંપની. આવી કંપની કોઈ કારોબાર કરતી હોતી નથી. ભારતમાં તમારી પાસે શેલ કંપની હોય એ ગેરકાયદેસર નથી કારણ કે યોગ્ય રીતે ઘણા વ્યાવસાયિક ઉદ્દેશોમાં કામ લાગી શકે છે.
જોકે, ઘણી વાર શેલ કંપનીઓનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પણ થાય છે. જેમ કે કર ચુકવણીથી બચવા માટે અને સ્ટૉક સાથે ચેડાં કરવા માટે. તેમનો કાયદેસર ઉપયોગ પણ થાય છે. જેમ કે અધિગ્રહણ અને પબ્લિક લિસ્ટિંગમાં કોઈ કારોબારના માલિકી હકની જાણકારી ગુમનામ રાખવા માટે.

શૅરની કીમતો સાથે કે બજાર સાથે ચેડાં એટલે શું?
કોઈ પણ શૅરની કીમતો તેના પુરવઠા અને માગ પર આધારિત હોય છે. જો વધુ લોકો કોઈ શૅરને ખરીદવા માગે છે એટલે કે તેની માગ વધુ છે તો તેનો પુરવઠો જાળવવા માટે વેચાણ થવા લાગે છે અને આના કારણે કીમત વધે છે.
તેમજ, અમુક શૅરોની માગ કેટલી વધશે એ કંપનીના પાયા અને તેના પ્રદર્શન સાથે જોડાયેલી બાબત છે. જો કોઈ કંપની સારું પ્રદર્શન કરે છે તો તે સારું કરશે તેવી સંભાવના હોયચે અને આનાથી તેના શૅરોની માગ વધી જાય છે જે કારણે તેની કીમત પણ વધી જાય છે.
આમ તો શૅરોની માગ, પુરવઠા અને કીમતોમાં ઘટાડા-વધારાની પ્રક્રિયા સ્વાભાવિકપણે ચાલતી રહે છે પરંતુ જ્યારે તેમાં જાણીજોઈને દખલ કરવામાં આવે છે તો તેને શૅરની કીમતો સાથે ચેડાં કરવાં, એવું કહેવાય છે.
શૅરની કીમત સાથે ચેડાં કરવાનો અર્થ છે કે જ્યારે કોઈ શૅરની કીમતો વધારવા કે ઘટાડવા માટે બનાવટી પ્રકારે શૅરની માગ કે પુરવઠાને પ્રભાવિત કરે છે એ પ્રવૃત્તિ.
આવી કંપની વિશે ખોટી જાણકારી ફેલાવીને કે નકલી માગ-પુરવઠા દર્શાવવા માટે કોઈ ચોક્કસ કંપનીના જ શૅરોનાં ખરીદ-વેચાણ દ્વારા આવું કરી શકાય છે. આનાથી શૅરોની કીમતો વધારી કે ઘટાડી શકાય છે.
આવું કરવું એ ગેરકાયદેસર છે પરંતુ આ પ્રવૃત્તિને થઈ રહી છે એ પકડવું અને સાબિત કરવું ખૂબ મુશ્કેલ હોય છે. શેલ કંપનીઓ અને અનૈતિક બ્રોકર દ્વારા શૅરની કીમતો સાથે ચેડાં કરી શકાય છે.

માર્કેટ કૅપિટલાઇઝેશન કે કંપનીની માર્કેટ વૅલ્યૂ એટલે શું?

ઇમેજ સ્રોત, ADITYA/NURPHOTO VIA GETTY IMAGES
માર્કેટ કૅપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) કે અમુક કંપનીની માર્કેટ વૅલ્યૂ (બજારકીમત) એ કંપનીના તમામ શૅરોની કુલ કીમત હોય છે.
આ કીમત એક શૅરની કીમતથી બાકી શૅરની સંખ્યા સાથે ગુણીને કાઢવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એક કંપનીના દસ કરોડ શૅર છે અને એક શૅરની કીમત 100 રૂપિયા હોય તો એ કંપનીનું માર્કેટ કૅપિટલાઇઝેશન કે માર્કેટ વૅલ્યૂ એક હજાર કરોડ થાય.
રોકાણકારો માર્કેટ કૅપિટલાઇઝેશન દ્વારા કંપનીમાં રોકાણનાં જોખમ અને ફાયદાનું આકલન કરે છે. કંપનીના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં મોટો ફેરફાર તેના શૅરોની કીમતમાં થતા ફેરફાર સાથે જોડાયેલો હોય છે. પરંતુ નવા શૅર ઇશ્યુ કરવાથી પણ કૅપિટલાઇઝેશનમાં ફેરફાર થાય છે.

જો માર્કેટ કૅપિટલાઇઝેશન કે માર્કેટ વૅલ્યૂ અચાનક ઘટી જાય તો?
કંપનીઓ સામાન્ય રીતે ફંડ એકઠો કરવા માટે માર્કેટ કૅપિટલાઇઝેશન કે માર્કેટ વૅલ્યૂનો ગૅરંટી તરીકે ઉપયોગ કરે છે. જ્યારે કૅપિટલાઇઝેશ ઘટે છે તો કંપનીએ ગૅરંટીની કીમતમાં આવેલા ઘટાડાની ભરપાઈ માટે વધુ ફંડ આપવાની જરૂર હોય છે.
ટૅક્સ હૅવન શું હોય છે?
ટૅક્સ હૅવન એવા દેશ કે સ્વતંત્ર વિસ્તારોને કહેવાય છે જ્યાં વિદેશી કંપનીઓ અને વ્યક્તિને કોઈ કર ચૂકવવા નથી પડતા કે ખૂબ જ ઓછા કર ચૂકવવા પડે છે.
આમ તો ટૅક્સ હૅવન કાયદેસર હોય છે પરંતુ, કંપનીઓ કે સમૃદ્ધ લોકો કર બચાવવા, દગાખોરી માટે તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













