અદાણીનાં 'સામ્રાજ્ય'નાં મૂળિયાં હચમચી ગયાં પછી હવે કેવાં વિકલ્પો બચ્યા છે?

અદાણી

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/AFP VIA GETTY IMAGES

    • લેેખક, અર્ચના શુક્લા
    • પદ, બિઝનેસ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
બીબીસી ગુજરાતી
  • ગયા અઠવાડિયાની શરૂઆતમાં અદાણી જૂથની કંપનીઓનું કુલ મૂલ્ય 220 અબજ ડૉલર હતું
  • અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ બાદ તે લગભગ અડધું થઈ ગયું છે
  • અદાણી જૂથની કંપનીઓની માર્કેટ વૅલ્યૂ દરરોજ ઘટી રહી છે, ત્યારે પૉર્ટથી લઈને પાવર પેદા કરતું આ જૂથ અત્યારે સૌથી મોટી કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે
  • કંપનીના શૅરમાં સતત ઘટાડો થવાનો અર્થ એ છે કે તે કંપનીમાં રોકાણકારોનો વિશ્વાસ ગુમાવી રહી છે પરંતુ, શૅરના ભાવમાં ઘટાડો ક્યારે કંપનીના વ્યવસાયને અસર કરવાનું શરૂ કરે છે?
  • નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોનો વિશ્વાસ ડગી જવાને કારણે અદાણી જૂથ માટે આગામી સમયમાં બજારમાંથી મૂડી એકત્ર કરવી મુશ્કેલ બનશે
  • અદાણી જૂથની કંપનીઓએ અત્યાર સુધીમાં તેમની મોટાભાગની મૂડી દેવું કરીને મેળવી છે. આ માટે, તેમણે કાં તો તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિ અથવા તેમના શૅર ગીરવી કે સિક્યોરિટી તરીકે મૂક્યા છે
  • મુશ્કેલીની વાત એ છે કે કંપનીના નફા અને આવક કરતાં દેવું વધવાની ગતિ ઘણી ઝડપી રહી છે
  • આ કારણે કંપની પર નાદારી નોંધાવવાનું જોખમ વધી ગયું છે
  • અદાણી જૂથ વિશે આ પ્રકારની ચિંતા છે, જે હિંડનબર્ગ રિપોર્ટ સાથે અન્ય ઘણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
બીબીસી ગુજરાતી

ચક્કર લાવી દેતી ઊંચાઈએથી સીધા જ ધરાતલ પર. એક જ અઠવાડિયામાં ભારતના સૌથી મોટા બિઝનેસ જૂથોમાંના એક અદાણી જૂથે આ બંને પાસાઓના દર્શન કરી લીધા છે.

ગયા અઠવાડિયાની શરૂઆતમાં અદાણી જૂથની કંપનીઓનું કુલ મૂલ્ય 220 અબજ ડૉલર હતું, પરંતુ અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ બાદ તે લગભગ અડધું થઈ ગયું છે.

અદાણી જૂથે રિપોર્ટમાં લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમ છતાં, તે રોકાણકારોની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે.

આજે જ્યારે અદાણી જૂથની કંપનીઓની માર્કેટ વૅલ્યૂ દરરોજ ઘટી રહી છે, ત્યારે પૉર્ટથી લઈને પાવર પેદા કરતું આ જૂથ અત્યારે સૌથી મોટી કસોટીમાંથી પસાર થઈ રહ્યું છે.

વર્તમાન પડકારો આ જૂથની પ્રગતિની ગતિને ભારે બ્રેક મારી શકે છે. અથવા એવું પણ બની શકે કે કંપનીએ તેની કેટલીક શ્રેષ્ઠ સંપત્તિઓ ગુમાવવી પણ પડી શકે.

બીબીસી ગુજરાતી

શૅરના ભાવમાં ઘટાડો કેમ ચિંતાનો વિષય?

અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

કંપનીના શૅરમાં સતત ઘટાડો થવાનો અર્થ એ છે કે તે કંપનીમાં રોકાણકારોનો વિશ્વાસ ગુમાવી રહી છે. પરંતુ, શૅરના ભાવમાં ઘટાડો ક્યારે કંપનીના વ્યવસાયને અસર કરવાનું શરૂ કરે છે?

જ્યારે દેવું ચૂકવવા માટે જરૂરી કંપનીની રોકડ આવકમાં ઘટાડો થાય અને જ્યારે તેના વિસ્તરણ માટે મૂડી મેળવવી મુશ્કેલ બની જાય ત્યારે આમ થાય છે.

24મી જાન્યુઆરીએ હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો ત્યારથી અદાણી જૂથની કંપનીઓના શૅર દરરોજના ટ્રેડિંગ દરમિયાન સતત ઘટી રહ્યા છે. અદાણી જૂથની સૌથી મોટી કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શૅરમાં બુધવારના ટ્રેડિંગ દરમિયાન લગભગ 28 ટકાનો ઘટાડો થયો હતો અને ગુરુવારે તેમાં વધુ 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ત્યારબાદ કંપનીએ 2.5 અબજ ડૉલર એકઠા કરવા માટે લાવવામાં આવેલી 20 હજાર કરોડની ફૉલો ઑન પબ્લિક ઓફર (એફપીઓ)ને પણ રદ કરવી પડી. અદાણી જૂથ તેના વિસ્તરણ માટે વધુ રોકડ એકઠી કરવા અને તેના કેટલાક દેવાની ચૂકવણી કરવા માટે શૅર વેચાણની આ ઓફર લાવ્યું હતું.

ફૉલો ઑન પબ્લિક ઓફર (એફપીઓ) દ્વારા એકઠી કરાયેલી મૂડીનો લગભગ અડધો ભાગ અદાણી એન્ટરપ્રાઈઝ અને તેની પેટાકંપનીઓના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનો હતો. આમાં ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમની સ્થાપના, હાલના ઍરપોર્ટનું વિસ્તરણ અને રોડ અને હાઇવે બનાવતી તેની પેટાકંપની હેઠળ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ બનાવવાની યોજનાઓનો સમાવેશ થતો હતો.

નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોનો વિશ્વાસ ડગી જવાને કારણે અદાણી જૂથ માટે આગામી સમયમાં બજારમાંથી મૂડી એકત્ર કરવી મુશ્કેલ બનશે.

ક્લાઇમેટ એનર્જી ફાઇનાન્સના ડિરેક્ટર ટિમ બકલેએ બીબીસીને જણાવ્યું હતું કે, "તેમણે તેમના ઘણા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી હટી જવું પડશે અને તેમની સમયરેખા પણ લંબાવવી પડશે, કારણ કે આ સમયે મૂડી એકઠી કરવી તેમના માટે લગભગ અશક્ય હશે."

આ સમયે અદાણી જૂથ પાસે નાણાં એકઠા કરવાનો એક જ રસ્તો બચ્યો છે અને તે છે વધુ લૉન લેવી. પરંતુ, આ મામલે તેમના હાથ બંધાયેલા છે. અદાણીને લૉન આપતા ધિરાણકર્તાઓ ગભરાય છે. અદાણી જૂથ પર પહેલેથી જ ઘણું દેવું છે.

બીબીસી ગુજરાતી

ઘટનાક્રમ

2 ફેબ્રુઆરી 2023 - કંપનીના માલિક ગૌતમ અદાણીએ 4 મિનિટ 5 સેકન્ડનો એક વીડિયો બહાર પાડ્યો અને એફપીઓ પાછો ખેંચવાનું કારણ બતાવ્યું.

1 ફેબ્રુઆરી 2023 - અદાણી કંપનીએ તેનો એફપીઓ પાછો ખેંચી લીધો.

31 જાન્યુઆરી 2023 - ગૌતમ અદાણી ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળવા હાઈફા બંદરે પહોંચ્યા. હિંડનબર્ગ રિપોર્ટ બાદ તેઓ અહીં પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા હતા.

31 જાન્યુઆરી 2023 - આ દિવસે એફપીઓનું વેચાણ બંધ થવાનું હતું. તે જ દિવસે સમાચાર આવ્યા કે સજ્જન જિંદાલ અને સુનીલ મિત્તલ સહિત કેટલાક અન્ય જાણીતા અબજોપતિઓએ બિન-સંસ્થાકીય રોકાણકારો તરીકે કંપનીના 3.13 કરોડ શૅર ખરીદવા માટે બોલી લગાવી હતી.

30 જાન્યુઆરી 2023 - આ દિવસ સુધી એફપીઓ દ્વારા માત્ર 3% સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. તે જ દિવસે, અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ જણાવ્યું હતું કે તે તેની પેટાકંપની ગ્રીન ટ્રાન્સમિશન ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ આરએસસી લિમિટેડ દ્વારા અદાણીના એફપીઓમાં 40 કરોડ ડૉલરનું રોકાણ કરશે.

27 જાન્યુઆરી 2023 - અદાણીએ બજારમાં 2.5 અબજ ડૉલરનો એફપીઓ લૉન્ચ કર્યો.

26 જાન્યુઆરી, 2023 - હિંડનબર્ગે કહ્યું કે તેઓ તેમના રિપોર્ટ પર અડગ છે અને કાનૂની કાર્યવાહીનું સ્વાગત કરશે.

26 જાન્યુઆરી 2023 - અદાણીએ હિંડનબર્ગના અહેવાલને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યો. કંપનીએ કહ્યું કે તે કાનૂની કાર્યવાહી પર વિચાર કરી રહી છે.

24 જાન્યુઆરી 2023 - હિંડનબર્ગે તેનો અદાણી સાથે જોડાયેલો રિપોર્ટ 'અદાણી ગ્રુપઃ હાઉ ધ વર્લ્ડસ થર્ડ રિચેસ્ટ મૅન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કૉન ઇન કૉર્પોરેટ હિસ્ટ્રી' રજૂ કર્યો.

બીબીસી ગુજરાતી

અદાણી જૂથની કંપનીઓ લૉન શા માટે લે છે?

અદાણી

ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE

કંપનીઓ ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓ માટે નવા પ્રોજેક્ટ બનાવવા અથવા વધુ નાણાં એકઠા કરવા માટે લૉન લે તે સામાન્ય પ્રથા છે. લૉન લેવી એ અદાણી જૂથની મુખ્ય વ્યૂહરચના રહી છે અને તેનાથી તેમને તેમના વ્યવસાયને ઝડપથી વિસ્તારવામાં મદદ મળી છે.

જોકે બિઝનેસના ઝડપી વિસ્તરણની લ્હાયમાં અદાણી જૂથ પર લગભગ બે લાખ કરોડ રૂપિયા (25 અબજ ડૉલર)નું દેવું છે. છેલ્લા ત્રણ વર્ષમાં અદાણી જૂથનું દેવું વધીને લગભગ બમણું થઈ ગયું છે કારણ કે અદાણી ગ્રીન હાઈડ્રોજન અને 5જી જેવા નવા વ્યવસાયોમાં પ્રવેશ કરીને તેની વ્યવસાયિક મહત્ત્વાકાંક્ષાઓને વિસ્તારી છે.

મુશ્કેલીની વાત એ છે કે કંપનીના નફા અને આવક કરતાં દેવું વધવાની ગતિ ઘણી ઝડપી રહી છે. આ કારણે કંપની પર નાદારી નોંધાવવાનું જોખમ વધી ગયું છે.

અદાણી જૂથ વિશે આ પ્રકારની ચિંતા છે, જે હિંડનબર્ગ રિપોર્ટ સાથે અન્ય ઘણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અદાણી જૂથની કંપનીઓએ અત્યાર સુધીમાં તેમની મોટાભાગની મૂડી દેવું કરીને મેળવી છે. આ માટે, તેમણે કાં તો તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિ અથવા તેમના શૅર ગીરવી કે સિક્યોરિટી તરીકે મૂક્યા છે.

હવે જ્યારે અદાણી જૂથની કંપનીઓના શૅરના ભાવ અડધાથી વધુ ઘટી ગયા છે ત્યારે તેમના ગીરવી મુકેલા શૅરના ભાવ પણ નીચે આવ્યા છે.

ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ અનુસાર, ક્રૅડિટ સુઈસ અને સિટીગ્રુપ જેવી બે મોટી બૅન્કોની કેપિટલ બ્રાન્ચોએ અદાણી જૂથના બૉન્ડને ગીરવે માનવાનો ઈનકાર કર્યો તેની પાછળનું આ મુખ્ય કારણ છે.

ઘણી ભારતીય બેંકોએ અદાણી જૂથની કંપનીઓને લાખો ડૉલરની લોન આપી છે, અને સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા કંપની (એલઆઈસી)એ પણ અદાણી જૂથમાં રોકાણ કર્યું છે. પરંતુ, વૈશ્વિક બ્રોકરેજ કંપની જેફરીઝના જણાવ્યા અનુસાર, અદાણી જૂથનું લગભગ બે તૃતીયાંશ દેવું બોન્ડ અથવા વિદેશી બૅંકો જેવા વિદેશી સ્ત્રોતોમાંથી લેવામાં આવ્યું છે.

બજાર પર નજર રાખનારાઓનું કહેવું છે કે હિંડનબર્ગના રિપોર્ટ પછી જે રીતે અદાણી જૂથ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે તે પછી તેમને ધિરાણ આપનારાઓ પણ સાવચેત રહેશે.

આનો અર્થ એ થયો કે અદાણીએ હવે ઊંચા દરે લૉન લેવી પડશે. નામ ન આપવાની શરતે એક કૉર્પોરેટ બૅંકરે કહ્યું, 'હાલના સમયમાં કંપનીની વિશ્વસનીયતા પર ઘણું દબાણ છે. આનાથી કંપની માટે ખાસ કરીને વિદેશી બજારમાં નવી લૉન લેવી ખૂબ મુશ્કેલ બનશે.’

અદાણી માટે, નવા ઍરપોર્ટ, મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસ અને 50 અબજ ડૉલરની મહત્ત્વાકાંક્ષી ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમના નિર્માણ માટેના ગ્રુપના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે લૉન લેવામાં તકલીફ પડવાની આશંકા સેવાઈ રહી છે.

બીબીસી ગુજરાતી

હવે આગળ શું થશે?

અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

અદાણી જૂથની તપાસ હવે વધી ગઈ છે. રોકાણકારો અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ હવે અદાણી જૂથની નાણાં એકત્ર કરવાની અથવા તેની લૉન ચૂકવવાની ક્ષમતાની નજીકથી તપાસ કરી રહી છે.

ક્રેડિટ રેટિંગ એજન્સી ICRA અનુસાર, આવી સ્થિતિમાં ભારે મૂડી રોકાણ સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે લૉન લેવાની યોજના હવે અદાણી જૂથ માટે એક મોટો પડકાર બની ગયો છે.

અદાણી જૂથના સ્થાપક અને ચૅરમૅન ગૌતમ અદાણીએ એક નિવેદનમાં કહ્યું હતું કે એફપીઓ પાછો ખેંચી લેવાથી તેમના જૂથના વર્તમાન વ્યવસાય અને ભાવિ યોજનાઓ પર કોઈ અસર થશે નહીં.

અદાણીએ કહ્યું હતું કે, "અમારી બૅલેન્સ શીટ સારી સ્થિતિમાં છે અને અમારી અસ્કયામતો મજબૂત છે. અમારો EBITDA અને રોકડ પ્રવાહ મજબૂત છે અને અમારો ઉધારી ચૂકવવાનો રેકૉર્ડ પણ બેદાગ રહ્યો છે."

અદાણીના મોટા ભાગના વધારે મૂડી રોકાણવાળા વ્યવસાયો જેવા કે ગ્રીન એનર્જી, ઍરપોર્ટ અને રસ્તાઓ તેમની પ્રમુખ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ દ્વારા સંચાલિત થાય છે. આ કંપનીઓ તેમની મૂડીની જરૂરિયાતો માટે અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (એઈએલ) પર આધાર રાખે છે. જો કે, અદાણી એન્ટરપ્રાઇઝિસની રોકડ આવક સારી સ્થિતિમાં છે. પરંતુ જો આ રકમનો ઉપયોગ તેની સહયોગી કંપનીઓની લૉનના વ્યાજની ચુકવણી માટે પણ કરવામાં આવે તો એઈએલ પર દબાણ વધી જશે.

અદાણી જૂથ માટે સારી બાબત એ છે કે તેની કેટલીક કંપનીઓ પાસે સારી એવી સંપત્તિ છે. અદાણી જૂથે ઊર્જા અને પરિવહન ક્ષેત્રે ઘણી અસક્યામતો બનાવી છે, જે સામાન્ય રીતે દેશની આર્થિક પ્રાથમિકતાઓને અનુરૂપ છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાત અને ઈન્ફ્રાવિઝન ફાઉન્ડેશનના સ્થાપક અને મૅનેજિંગ પૅટ્રન વિનાયક ચેટર્જીએ જણાવ્યું હતું કે, “મેં અદાણી જૂથના બંદરો, ઍરપોર્ટ અને સિમેન્ટ ફેક્ટરીઓથી લઈને નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવાના વ્યવસાય સુધીના પ્રોજેક્ટ જોયા છે. બધા ખૂબ જ મજબૂત અને સ્થિર વ્યવસાયો છે અને જૂથ આ વ્યવસાયોમાંથી નોંધપાત્ર રોકડ પ્રવાહ પેદા કરી રહ્યું છે. તેઓ શૅરબજારના ઊતારચઢાવ સામે સારી રીતે સુરક્ષિત છે."

જોકે, અદાણી જૂથની બધી જ કંપનીઓ એટલી સલામત નથી.

અમે અગાઉ જે કૉર્પોરેટ બૅંકર સાથે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે, "અદાણી પૉર્ટ્સ ઍન્ડ પાવર સૌથી મજબૂત સ્થિતિમાં છે અને તેમની પાસે પુષ્કળ મૂડી છે. આનો અર્થ એ છે કે તેમની પાસે ઘણી બધી સંપત્તિ પણ છે અને તેમને સરકાર પાસેથી લાંબા ગાળાના કરારો મળ્યા છે. મોટાભાગની લૉન આ કંપનીઓ દ્વારા લેવામાં આવેલી મિલકતોમાંથી આવક અને નફાના આધારે ચૂકવવામાં આવે છે. જો કે, આ વાત નવા વ્યવસાયોને લાગુ પડતી નથી."

તેમણે અદાણી જૂથની કેટલીક કંપનીઓ દ્વારા વિદેશમાં જારી કરાયેલા બૉન્ડની કિંમતોનો સંદર્ભ આપીને આનો ખુલાસો કર્યો હતો.

અદાણી પૉર્ટ્સ ઍન્ડ એસઈઝેડ લિમિટેડ મોટા પાયે પોર્ટ ચલાવે છે. તેથી જ આ કંપની દ્વારા જારી કરાયેલા બૉન્ડની કિંમતોમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ જૂથની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીનના બૉન્ડના ભાવમાં ત્રણ દિવસમાં એક ચતુર્થાંશનો ઘટાડો થયો છે.

અદાણી ગ્રીન અને અદાણી ગૅસ જેવી કંપનીઓ પહેલેથી જ ભારે દેવાદાર છે અને હજુ પણ મૂડી એકત્ર કરી રહી છે. આ કારણે, તેઓ બજારની ચડઊતર મામલે વધુ સંવેદનશીલ છે અને તેમની ઉધાર લેવાની ક્ષમતા પણ ઘટી ગઈ છે.

તેથી જ અદાણી જૂથ માટે તેના નવા પ્રોજેક્ટને હાલ પૂરતા મુલતવી રાખવાનો અને તેની કેટલીક અસ્કયામતો વેચીને જરૂરી મૂડી એકત્ર કરવાનો એકમાત્ર રસ્તો બચ્યો છે.

ICRAનું કહેવું છે કે અદાણી જૂથ દ્વારા બનાવવામાં આવેલી કેટલીક વિસ્તરણ યોજનાઓ એવી છે કે જ્યાં સુધી મૂડી એકત્ર કરવા માટે સારું વાતાવરણ ન બને ત્યાં સુધી તેને સરળતાથી મુલતવી રાખી શકાય.

કૉર્પોરેટ એડવાઇઝરી કંપની સાથે સંબંધિત એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "અદાણી જૂથે આવી સંપત્તિઓ બનાવી લીધી છે, જે ભારત જેવા વિકાસશીલ દેશ માટે અમૂલ્ય છે અને આવનારા સમયમાં ઘણા રોકાણકારો આવા વ્યવસાયમાં રોકાણ કરવાનું જોખમ લેવા તૈયાર હશે."

આજે જ્યારે કૉર્પોરેટ ગવર્નન્સની ચિંતાઓ અદાણી જૂથને સતાવી રહી છે ત્યારે ભવિષ્યમાં તેની તપાસનું જોખમ પણ ઊભું થઈ શકે છે. જોકે, ભારતના શૅરબજારની નિયમનકારી સંસ્થા સેબી (SEBI) એ હજુ સુધી અદાણીના શૅરમાં થયેલા ઘટાડા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ટિમ બકલેના જણાવ્યા અનુસાર, "હવે જ્યારે અદાણી જૂથ પર દબાણ વધી ગયું છે ત્યારે તેમના માટે સરકારી કૉન્ટ્રાક્ટ સરળતાથી મેળવીને તેની આવક વધારવી વધુ મુશ્કેલ બની જશે. તે જ સમયે અદાણી માટે તત્કાલ નવી લૉન લેવા લાયક ભરોસો ઊભો કરી શકવાનું પણ મુશ્કેલ બનશે."

બકલે કહે છે કે "અદાણી જૂથ પર ઘણું દેવું ચૂકવવાનું હોવાથી તેમણે તેમની મહત્ત્વપૂર્ણ સંપત્તિ વેચવાનો નિર્ણય પણ લેવો પડી શકે છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી