ગુજરાતમાં યુરોપની અનુભૂતિ કરાવતાં સિદ્ધપુરનાં મકાનો કેમ જાળવણી 'ઝંખી' રહ્યાં છે?

ઇમેજ સ્રોત, Tejas Vaidya
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
કેટલીક વખત એવું થતું હોય છે કે જે ચીજ આપણી નજીક હોય છે તેનું મહત્ત્વ તરત નથી સમજાતું.
એનું કારણ એ છે કે એ વસ્તુ નજીક જ હોય છે અથવા તો નજર સામે જ હોય છે તેથી એના માટેનું કૌતુક મરી પરવાર્યું હોય છે.
પછી ક્યારેક અચાનક તેની નોંધ લેવાવા માંડે એટલે ફરી એ જ ચીજ જોવાની આપણી દૃષ્ટિ બદલાઈ જતી હોય છે. એમાં લોકોને સાગમટે રસ પડવા માંડે છે.
જેમ કે, અમદાવાદની પોળ કે પાટણની રાણકી વાવ.
રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યા પછી ત્યાં પર્યટકોની સંખ્યા વધી છે.
રાણકી વાવ તો વર્ષોથી હતી પણ હેરિટેજનો દરજ્જો મળ્યા પછી લોકોને એમાં વધુ રસ પડવા માંડ્યો છે.

ઇમેજ સ્રોત, Tejas Vaidya
પાટણનું સિદ્ધપુર પણ એવું જે એક સ્થળ છે. ત્યાં જોવાલાયક ઘણું છે.
માતૃગયા તીર્થ તરીકે તો એ ઓળખાય જ છે, પણ ત્યાંના દાઉદી વોરા સમુદાયના લોકોનાં જે રહેઠાણ એકદમ નયનાભિરામ એટલે કે નિહાળીએ તો આંખોને ઠંડક આપે તેવાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાઉદી વોરાના મહોલ્લા ‘વોરવાડ’ તરીકે ઓળખાય છે.
ત્યાંનાં મકાનો એક સાથે હરોળબંધ પ્રકારે એવી રીતે તૈયાર થયાં છે કે જોનારને ફિલ્મના સેટ જેવું લાગે.
દરેક મકાનની બાંધણી પણ બહારથી લગભગ સરખી છે, છતાં આ મકાનો પર જેની નજર પડે તેના મનમાં સૌંદર્યની અનુભૂતિ થાય.
ભૌગોલિક સ્થિતિને લીધે ચોક્કસ પ્રકારનાં મકાનો તૈયાર કરાતાં હોય છે, એવું ઘણાં ઠેકાણે જોવા મળે છે.
જેમ કે, અમદાવાદની પોળ કે મુંબઈની ચાલીનાં રહેઠાણો કે પહાડી પ્રદેશોનાં મકાનોમાં એકસૂત્રતા જોવા મળે છે.
આ મકાનોમાં તમામ વર્ણના લોકો વસતા હોય છે.
સિદ્ધપુરની વોરવાડનાં મકાનોની વિશેષતા એ છે કે તેની બાંધણી એક ચોક્કસ કોમની ઓળખ પણ દર્શાવે છે. તે મકાનો દાઉદી વોરાની ઓળખ પણ પ્રસ્થાપિત કરે છે.

સિદ્ધપુરનાં મકાનો એટલે ખૂણેખૂણે કલાત્મકતા

ઇમેજ સ્રોત, Tejas Vaidya
સિદ્ધપુરનાં મકાનો આઝાદી પહેલાં બન્યાં છે. સિદ્ધપુરમાં જ રહેતા યુસૂફભાઈ ઘીવાલા વોરવાડના એક મકાનમાં લઈ જઈને ત્યાંની ઝીણી ઝીણી વિગતો જણાવતાં કહે છે કે, “અમારા સિદ્ધપુરમાં આવાં 1400 જેટલાં મકાનો છે. નવી ને જૂની બંને વોરવાડ છે. નવી વોરવાડનાં જે મકાનો છે તે સવાસો વર્ષ જૂનાં છે.”
“આ મકાનોમાં સિમેન્ટ, કૉંક્રિટ કે લોખંડનો ઉપયોગ થયો નથી. તેમાં માટી, ચૂનાનો વિશેષ ઉપયોગ છે. એમાં લાકડાનાં કોલમ-બીમ છે. તેમાં બર્માટિક લાકડાને ઉપયોગ થયો છે.”
સિદ્ધપુરમાં નેમપ્લેટ પણ ધ્યાન ખેંચે છે.
મકાનમાલિકોના આખા નામના પહેલા અંગ્રેજી અક્ષરને કલાત્મક રીતે બહાર દર્શાવવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Tejas Vaidya

સિદ્ધપુરનાં મકાનોનું આકર્ષણ

- દેશ અને ગુજરાતના અદ્ભુત વારસામાં સિદ્ધપુરની વોરવાડનાં મકાનો દેશ સહિત વિદેશના ટૂરિસ્ટો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે
- વોરવાડના મહોલ્લાની ગલીઓમાંથી જતી વખતે પુરાણા સમયના યુરોપમાં મુસાફરી જેવી અનુભૂતિ થાય છે
- મકાનો અને મહોલ્લાની આબેહૂબ બાંધકામ કળાના કારણે ગુજરાતના સિદ્ધપુરના આ મહોલ્લા ઘણી બોલીવૂડ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં ચમકી ચૂક્યા છે
- કેટલીક હિંદી ફિલ્મોમાં યુરોપનો માહોલ દર્શાવવો હોય ત્યારે તેઓ વોરવાડની ગલીઓમાં શૂટિંગ કરે છે
- ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં આ મકાનો-મહોલ્લાની સુંદરતા પર કેમ જોખમ ઊભાં થઈ રહ્યાં છે?


ઇમેજ સ્રોત, TEJAS VAIDYA
આ મકાનોમાં લાકડા અને કાચનો ઉપયોગ ધ્યાન ખેંચે છે.
ભાગ્યે જ કોઈ રૂમ હશે કે જેમાં તમને કાચ કે લાકડું ન દેખાય. અરિસા અમને ઝુમ્મર તો ખરાં જ, પરંતુ કબાટમાં પણ કાચનો ઉપયોગ થયો છે.
યુસૂફભાઈ કહે છે કે, “કેટલેક ઠેકાણે તો ખાસ બેલ્જિયમથી કાચ મગાવાયા હતા.”
આ મકાનો એકબીજાની અડોઅડ બનેલાં છે. તેથી તેની બે બાજુઓ છે ત્યાં બારી નથી છતાં હવાઊજાસની કમી નથી.
આ મકાનો ઓપન ટુ સ્કાય છે એટલે કે સમગ્ર મકાનની વચ્ચેનો ભાગ ખુલ્લો રાખવામાં આવે છે જ્યાંથી સૂર્યપ્રકાશ અને હવાની અવરજવર રહે છે.
અમદાવાદમાં રહેતા અને સિદ્ધપુર પર રિસર્ચ કરનારા કન્ઝર્વેશન આર્કિટેક્ટ આશિષ ત્રાંબડિયા કહે છે કે, “મકાનમાં વચ્ચે અને રૂમમાં ઉપરના ભાગે જાળી હોય છે જ્યાંથી પ્રકાશ અને હવાની અવરજવર રહે છે.”

આરઆરઆર, સીતારામમ્ જેવી ફિલ્મોનાં શૂટિંગ સિદ્ધપુરમાં થયાં

ઇમેજ સ્રોત, Tejas Vaidya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિદ્ધપુરનાં આ મકાનો એટલાં માટે પણ ચર્ચામાં છે કે હાલનાં વર્ષોમાં કેટલીક હિંદી તેમજ દક્ષિણ ભારતીય ભાષાઓની ફિલ્મનાં શૂટિંગ પણ ત્યાં થયાં છે.
જેમ કે, રાજામૌલીની લોકપ્રિય ફિલ્મ આરરઆરઆરનું કેટલુંક શૂટિંગ ત્યાં થયું છે.
આ ઉપરાંત અભિનેતા દુલકર સલમાનને ચમકાવતી ફિલ્મ સીતારામમ્ તેમજ કુરૂપનું શૂટિંગ ત્યાં થયું છે.
પાટણનાં કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી કહે છે કે, “કેટલીક હિંદી ફિલ્મોમાં યુરોપનો માહોલ દર્શાવવો હોય ત્યારે તેઓ વોરાવાડની ગલીઓમાં શૂટિંગ કરે છે.”
શાહરુખ ખાનની ફિલ્મ રઇસનાં કેટલાંક દૃશ્યો ત્યાં ફિલ્માવાયાં હતાં તો અભિનેતા જૅકી ભગનાનીને ચમકાવતી ફિલ્મ મિતરોંનું પણ ત્યાં શૂટિંગ થયું હતું.
સિદ્ધપુરમાં વોરા સમુદાયની કેટલીક જૂની ઇમારતો પાસે શૂટિંગ થાય ત્યારે ત્યાં રેકડી કે દુકાન ચલાવનારને દિવસનું મહેનતાણું આપીને એટલો વિસ્તાર શૂટિંગ માટે ખાલી કરાવવામાં આવે છે.
વોરવાડ બહાર ફળની લારી ચલાવતા કાકા કહે છે કે, “શૂટિંગવાળા આવે ત્યારે મજા પડે છે. અમને રજા મળી જાય છે અને પૈસા પણ મળે છે.”
સિદ્ધપુરના વોરા મહોલ્લાની ગલીઓમાં પ્રિવેડિંગ શૂટિંગ માટે પણ લગ્નોત્સુક યુગલ જોવા મળે છે.
વોરા સમુદાયના કેટલાક લોકોને તે પસંદ નથી પડતું.

સૌથી મોટી ચિંતા એ છે કે ધરોહર કઈ રીતે સચવાશે?

ઇમેજ સ્રોત, Tejas Vaidya
વોરવાડનાં મકાનો એ માત્ર સિદ્ધપુર જ નહીં બલકે સમગ્ર ગુજરાત માટે ઘરેણાં સમાન છે.
ઘરેણાંને સમયની સાથે સાચવવાં પડતાં હોય છે. દાઉદી વોરા એ વેપારી કોમ છે.
સિદ્ધપુરમાંથી ઘણાંય વોરા સ્થળાંતર કરીને દેશવિદેશમાં અન્ય સ્થળે વસવાટ કરી રહ્યા છે, જેને પરિણામે મકાનો અને મહોલ્લા ખાલી પડ્યાં છે.
કપાળ પર કરચલી અને આંખોમાં ભેજ સાથે યુસૂફચાચા કહે છે કે, “સિદ્ધપુરમાં 1400 જેટલાં મકાનોમાંથી 340 મકાનોમાં જ લોકો રહે છે. અમારી કોમ એ વેપારી છે. તેથી મોટાં શહેરો કે વિદેશમાં ધંધાર્થે જઈ રહી છે અને ત્યાં જ વસવાટ કરી રહી છે.”
“દક્ષિણનાં રાજ્યોમાં ખૂબ જઈ રહી છે. તેથી અમારી વસતિ સિદ્ધપુરમાં ઘટી રહી છે. મકાનો ખાલી પડ્યાં છે અને જાળવણી અઘરી બની રહી છે. નવી પેઢી બહાર છે. તેથી મકાનોની દેખરેખ મુશ્કેલ બની રહી છે. અમારી કોમ સામે આ પ્રશ્ન મોટો છે કે અમારી આ ધરોહરને કેવી રીતે સાચવવી?”
આના કરતાંય આંચકાજનક બાબત એ છે કે કેટલાંક મકાનોને તોડીને તેની જગ્યાએ નવાં બાંધકામ થઈ રહ્યાં છે.

ઇમેજ સ્રોત, Tejas Vaidya
નવાં બાંધકામમાં કલાત્કમતા તો નથી જ પરંતુ એને લીધે હરોળબંધ મકાનોનું સૌંદર્ય પણ ઝંખવાય છે.
આશિષ ત્રાંબડિયા કહે છે કે, “આઝાદી અગાઉ બનેલાં વોરવાડનાં મકાનો એ સાગમટે અને શિસ્તબદ્ધ બનેલાં છે. તે હરોળબંધ છે એટલે જ ઊડીને આંખે વળગે છે. તેમાંથી કોઈ એકાદ મકાનને તોડવામાં આવે છે ત્યારે એ સમગ્ર હરોળબંધ મકાનોની આકર્ષકતામાં ઓટ આવે છે. તેને લીધે શેરીનો દેખાવ પણ ખતમ થઈ રહ્યો છે.”
યુસૂફચાચા કહે છે કે, “આ ડર અને દુ:ખની વાત છે. અમારી કોમે સરકાર પાસે જઈને અરજ કરવી જોઈએ કે સરકાર આમાં કોઈ મદદ કરે. સરકારને પણ ખબર છે કે આ મકાનો એ સિદ્ધપુરની ઓળખ છે. વિદેશથી લોકો આ મકાનો જોવા આવે છે.”
“આર્કિટેક્ટ અને ઇજનેરીના વિદ્યાર્થીઓ તો દૂરદૂરથી આ મકાનોનો અભ્યાસ કરવા આવે છે. આ વિરાસતને જીવંત રાખવા સરકારે કંઈક કરવું જોઈએ. સરકાર જો કંઈ કરશે તો અમને ખૂબ ફાયદો થશે. અમારી કોમને પણ આના પ્રત્યે નિસબત છે જ. સરકારને અમે કોઈ ફરિયાદ ન કરી શકીએ, પણ તેમની પાસેથી સહકાર ઇચ્છીએ છીએ.”

ઇમેજ સ્રોત, TEJAS VAIDYA
સુપ્રીતસિંહ ગુલાટી કહે છે કે અમારી પાસે એવી રજૂઆત થાય છે કે આ ધરોહરને સંભાળવામાં આવે. આ ખરેખર દેશની એક ધરોહર છે, પણ આ એક સમુદાયના લોકોની ખાનગી મિલકત છે.
“જો કોમ તરફથી કોઈ સૂચન આવે કે આની દેખરેખ કરવામાં આવે તો તેમની સહમતીથી તેની દેખરેખ થઈ શકે છે. કોઈ પણ સૂચન લોકોની સહમતી દ્વારા લોકોની સાથે બેસીને જ એનો ઉકેલ મળી શકે એમ છે.”
વોરવાડમાં કોઈ મકાન જર્જરિત થઈ ગયું હોય કે ત્યાં કોઈ નવું બાંધકામ કરવું હોય તો જૂની ઢબને જાળવીને એ કરી શકાય એમ છે એવું આશિષ ત્રાંબડિયા માને છે.
તેઓ કહે છે કે, “ગાંધીનગરમાં તેમજ ચંદીગઢમાં એવા નિયમો છે કે અમુક ચોક્કસ પ્રકારનો જ મકાનનો બાહ્ય દેખાવ રાખવો. એ નિયમો સિદ્ધપુર જેવા શહેરમાં ખૂબ અગત્યના છે. આ મકાનો જે તે સમયે બન્યાં ત્યારે દરેક મકાનમાલિકે પોતાની સહમતીથી વ્યવસ્થા ઊભી કરી અને એને અનુસરવામાં આવી છે.”
“જો આટલાં વર્ષો સુધી એ અનુસરવામાં આવ્યા છે તો હવે પણ એનું પાલન થાય એ માટે નવા નિયમો બનાવવામાં કોઈ અડચણ હોય એવું મને લાગતું નથી. તેથી વોરવાડમાં જો નવું બાંધકામ થાય તો બાહ્ય દેખાવમાં ફેરફાર કર્યા વગર દીવાલોની વચ્ચે કામ થઈ શકે છે.”

સાંસ્કૃતિક સમન્વય

ઇમેજ સ્રોત, Tejas Vaidya
આ મકાનોમાં ‘ગંગાજમુની’ કે ‘ગિરનાર – દાતારી’ સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે.
બહારથી એ મકોના યુરોપિયન સ્થાપત્ય જેવા લાગે છે તો અંદરથી ઇસ્લામિક અને હિન્દુ સ્થાપત્યની ઝાંખી દેખાય છે.
ગુલાટી કહે છે કે, “જ્યારે આ ઘર બનાવાયાં ત્યારે યુરોપિયન પદ્ધતિને અનુસરવામાં આવી છે અને ત્યાંની સાધનસામગ્રીનો ઉપયોગ થયો છે. દરવાજા, રસોડું વગેરે તો ખરાં જ પણ પાણીની પાઇપલાઇનમાં પણ યુરોપિયન પદ્ધતિ જોઈ શકાય છે. તમે જ્યારે વોરવાડની ગલીઓમાં ફરો છો ત્યારે એવું લાગે કે સો વર્ષ જૂના યુરોપમાં ફરી રહ્યા છો.”
આ મકાનોનાં ઇસ્લામિક સ્થાપત્ય વિશે જણાવતાં આશિષ ત્રાંબડિયા કહે છે કે, “ઇસ્લામિક રહેઠાણમાં પબ્લિક પ્લેસ, સેમિ-પબ્લિક પ્લેસ અને પ્રાઇવેટ પ્લેસ હોય છે. એ બાંધણી અહીંનાં મકાનોમાં છે.”
“ભોંયતળિયાના રૂમોમાં જાળીવાળો એક રૂમ હોય છે ત્યાં અંદર મહિલાઓ બેસતી હોય છે, અંદર કોણ છે એ બહારથી દેખાતું નથી. મહેમાન આવ્યા હોય તો આગળના રૂમમાં બેસાડવામાં આવે છે અને પાછળના રૂમ પરિવારજનો માટે હોય છે.”
આ મહોલ્લા જે એકસમયે હર્યાભર્યા હતા ત્યાં હવે ખાલીપો છે.
કોઈ તહેવાર કે કોઈ ઘરે પ્રસંગ હોય ત્યારે એકલદોકલ ઘર ગૂંજી ઊઠે છે એ સિવાય મહોલ્લા અને ઘર લોકોની રાહ જોતાં બેઠાં હોય છે.
ફોટોગ્રાફર કે કે પ્રીવેડિંગનું શૂટિંગ કરનારા કે હેરિટેજમાં રસ ધરાવતા લોકો ત્યાં અવારનવાર દેખાય છે અને દૃશ્યો કૅમેરામાં ક્લિક કરે છે.
તેમની હાજરી એ વાતની શાખ પૂરે છે કે આ મહોલ્લામાં રહેતા લોકો ભલે ઓછા થયા પરંતુ આ મકાનોનું આકર્ષણ અકબંધ છે અને રસ ધરાવતા લોકોને તે પોતાની તરફ ખેંચી લાવે છે.














