ખરજવું થવાનાં કારણો શું છે અને તે મટી શકે ખરું?

- લેેખક, બાદલ દરજી
- પદ, બીબીસી ગુજરાતી

- ખરજવાના મુખ્ય બે પ્રકારો છે, સૂકું ખરજવું અને ભીનું ખરજવું. પણ સૌથી વધારે સૂકા ખરજવાના કેસો જોવા મળે છે
- 80 ટકા દર્દીઓને હાથ અને પગ પર ખરજવું થાય છે પણ તે શરીરના કોઈ પણ ભાગે થઈ શકે છે
- બ્રિટનના આરોગ્ય વિભાગ અનુસાર, ખરજવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ખરજવાને લઈને એક વાત સ્પષ્ટ છે કે તેની પાછળ કોઈ એક જ કારણ જવાબદાર નથી
- ચોક્કસ ખોરાક વધુ અસર કરે છે કે કેમ તે નક્કી કરવા માટે તમારે ફૂડ ડાયરી રાખવી જોઈએ

ખરજવું એક એવી સ્થિતિ છે જેમાં ત્વચા પર ખંજવાળ આવે છે, ત્વચા સૂકી બની જાય છે અને ચામડી ફાટી જાય છે કે ચાંદા પડી જાય છે.
ખરજવું બાળકોમાં વધુ સામાન્ય છે, ઘણી વાર બાળક એક વર્ષ કરતાં નાનું હોય ત્યારે જ ખરજવું થઈ જાય છે. જોકે પુખ્ત વયના લોકોમાં પણ પહેલી વાર ખરજવું થઈ શકે છે.
ખરજવું લાંબા ગાળાની સ્થિતિ છે પરંતુ કેટલાંક બાળકો જેમ મોટાં થાય તેમ તેમાં ઘણો સુધારો થાય છે કે સાવ સાજું થઈ શકે છે.
કેટલાક લોકોમાં માત્ર સૂકી ચામડીના નાના ધાબા હોય છે, જ્યારે કેટલાકના આખા શરીરે ચામડી સોજી જાય છે.
સોજાવાળી ચામડી પર લાલાશ પણ આવી શકે છે અને ચામડી ઘેરી બદામી, જાંબલી અથવા રાખોડી થઈ શકે છે.
ખરજવું શરીરના કોઈ પણ ભાગે થઈ શકે છે, તે મોટા ભાગે હાથે, કોણીએ, ઘૂંટણની નીચેના ભાગે અને બાળકોમાં ચહેરા અને માથાની ચામડીને અસર કરે છે.
મહિલાઓમાં પીરિયડ્સ દરમિયાન ખરજવું શમી જાય છે કે વકરી જાય છે.

તબીબી સલાહ ક્યારે લેવી?

ઇમેજ સ્રોત, Getty Images
જો ખરજવાનાં લક્ષણો હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. તેઓ ત્વચા અને લક્ષણોને આધારે ખરજવાનું નિદાન કરી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડર્મૅટોલોજિસ્ટ ડૉ. અંકિતા મિસ્ત્રી બીબીસી સાથે વાત કરતાં કહે છે, “ખરજવાના મુખ્ય બે પ્રકારો છે, સૂકું ખરજવું અને ભીનું ખરજવું. પણ સૌથી વધારે સૂકા ખરજવાના કેસો જોવા મળે છે.”
“ઉંમર વધતાં ચામડીનું મોઇસ્ચ્યુરાઇઝર ઘટે છે, જેના કારણે સૌથી વધુ ખરજવું થવાની શક્યતા 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને છે.”
“80 ટકા દર્દીઓને હાથ અને પગ પર ખરજવું થાય છે પણ તે શરીરના કોઈ પણ ભાગે થઈ શકે છે.”
ખરજવાનાં લક્ષણો અંગે વાત કરતાં તેઓ કહે છે, “સૌથી મુખ્ય લક્ષણ છે મીઠી ખંજવાળ. એટલે કે દર્દીનો હાથ વારંવાર ખંજવાળવા માટે પહોંચી જાય. ખરજવાના ભાગે ડેડ સ્કિનનો થર જામી જાય અને ચામડી કાળાશ પડતી થઈ જાય છે.”

ખરજવાનાં કારણો

બ્રિટનના આરોગ્ય વિભાગ અનુસાર, ખરજવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ખરજવાને લઈને એક વાત સ્પષ્ટ છે કે તેની પાછળ કોઈ એક જ કારણ જવાબદાર નથી.
ખરજવાનાં કારણો અંગે વાત કરતાં ડૉ. અંકિતા મિસ્ત્રી કહે છે, “મોટા ભાગે જે લોકોને વારસામાં ડ્રાય સ્કિન એટલે કે સૂકી ચામડી હોય, શરીરમાં વિટામિન બી-12ની ઊણપ હોય કે શિયાળા દરમિયાન ચામડીમાં મોઇસ્ચ્યુરાઇઝરની અછત સર્જાય તેવા લોકોને ખરજવું થાય છે.”
ખરજવું ઘણી વાર જેમને ઍલર્જી હોય એવા લોકોમાં થાય છે.
તે પરિવારોમાં ફેલાઈ શકે છે અને ઘણી વાર અસ્થમા જેવી બીમારી સાથે આવે છે.
ખરજવા માટે ઘણી વાર સાબુ, ડિટર્જન્ટ, તણાવ અને હવામાન જેવી ચોક્કસ પરિસ્થિતિઓ જવાબદાર હોય છે.
કેટલીક વાર ખોરાકની ઍલર્જી પણ ખરજવાને વકરાવવામાં ભાગ ભજવી શકે છે, ખાસ કરીને ખરજવું ધરાવતાં નાનાં બાળકોમાં.
ચોક્કસ ખોરાક વધુ ખરાબ અસર છે કે કેમ તે નક્કી કરવા માટે તમારે ફૂડ ડાયરી રાખવી જોઈએ.
ખરજવું થાય તો શું થાય?
- ચામડી લાલ પડી જવી
- સોજો આવી જવો
- ખંજવાળ અને ચામડી શુષ્ક થવી
- ચામડીમાં તિરાડ પડી જવી
- ચામડી ફાટવી
- ફોલ્લાં પડી જવાં
- ચામડીમાંથી સ્ત્રાવ થવો

ખરજવાથી બચવા માટે શું કરવું?

ઇમેજ સ્રોત, ANNA BYARD-GOLDS
ખરજવાથી બચવાનો ઉપાય બતાવતા ડર્મૅટોલોજિસ્ટ ડૉ. અંકિતા મિસ્ત્રી કહે છે, “ખરજવું ઘટાડવા માટે શરીરને ક્યારેય ઘસીને સાફ ન કરવું. આમ કરવાથી ચામડીમાંનું મોઇસ્ચ્યુરાઇઝર જતું રહે છે. ઉપરાંત, ઉપયોગમાં લેવાતા લોશન અને સાબુ ચામડી માટે યોગ્ય છે કે નહીં તે તપાસવું અને જો દવા લેવી હોય તો તજજ્ઞ ડૉક્ટરનો સંપર્ક કરવો.”
સારવાર માટે આટલી વિગતોમાં સ્પષ્ટતા જરૂરી છે:
- ખરજવું શરીરના કયા ભાગમાં છે અને તેમાં ખંજવાળ આવે છે
- પહેલી વાર લક્ષણો ક્યારે જોવાં મળ્યાં
- શું ખરજવું સમયાંતરે મટી જાય છે અને ફરી થાય છે?
- તમારા પરિવારમાં કોઈને ખરજવું થયું છે કે કેમ
- તમને ઍલર્જી અથવા અસ્થમા જેવી અન્ય કોઈ સમસ્યાઓ છે
- તમારા આહાર અથવા જીવનશૈલીમાં કોઈ એવી વસ્તુ છે જેનાથી ખરજવું વકરી શકે છે
ખરજવાના નિદાન માટે સામાન્ય રીતે છેલ્લા 12 મહિનાથી ચામડીમાં ખંજવાળ આવતી હોય.
છેલ્લા 12 મહિનાથી ચામડી સૂકી હોય કે 4 વર્ષથી નાનાં બાળકોનાં માતા-પિતા કે ભાઈ-બહેન પૈકી કોઈને અસ્થમાની સમસ્યા થઈ હોય.
કોણી, ઘૂંટણ જેવા ત્વચાની કરચલીવાળા ભાગે ખંજવાળ આવવી અને ચામડી લાલ થઈ જવી.
18 મહિના કે તેથી ઓછી ઉંમરનાં બાળકોમાં ઘૂંટણ ઉપર ખંજવાળ આવવી વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.

ખરજવાની સારવાર

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારનું આરોગ્ય વિભાગ અનુસાર, ખરજવું મટી શકતું નથી. ખરજવાની સારવાર લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે અને સમય જતાં ઘણા કિસ્સાઓમાં સુધારો થાય છે.
પરંતુ હાલમાં કોઈ ઈલાજ નથી અને ગંભીર ખરજવું ઘણી વાર રોજિંદા જીવન પર નોંધપાત્ર અસર કરે છે,
- ખરજવાનો શારીરિક અને માનસિક રીતે સામનો કરવો મુશ્કેલ બની શકે છે
- ખરજવાના કારણે ત્વચાના ચેપનું જોખમ પણ વધે છે
- લક્ષણોને નિયંત્રિત કરવા માટે કેટલીક સારવાર પદ્ધતિઓ છે
- ઇમોલિયન્ટ્સ (મોઇશ્ચરાઇઝિંગ સારવાર) – તે સૂકી ત્વચા માટે આખો દિવસ ઉપયોગમાં લેવાય છે
- ટોપિકલ કોર્ટીકોસ્ટેરૉઈડ્સ - સોજો, લાલાશ અને ખંજવાળ ઘટાડવા માટે વપરાય છે
- ભારે ખંજવાળવાળા લોકોને એન્ટિહિસ્ટામાઇન્સ આપવામાં આવે છે

ખરજવાના પ્રકારો
ખરજવાના અન્ય પ્રકારોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
ડિસ્કોઇડ એક્ઝિમા - એક પ્રકારનો ખરજવું જે ત્વચા પર ગોળાકાર અથવા અંડાકાર પેચમાં થાય છે
કૉન્ટેક્ટ ડર્મેટાઇટિસ - એક પ્રકારનો ખરજવું જે ત્યારે થાય છે જ્યારે શરીર કોઈ ચોક્કસ પદાર્થના સંપર્કમાં આવે છે
વેરિકોઝ એક્ઝિમા - એક પ્રકારનો ખરજવું જે મોટેભાગે નીચલા પગને અસર કરે છે અને પગની નસો દ્વારા લોહીના પ્રવાહની સમસ્યાને કારણે થાય છે
સેબોરિક એક્ઝિમા - ખરજવુંનો એક પ્રકાર જ્યાં નાક, ભમર, કાન અને માથાની ચામડીની બાજુઓ પર લાલ, ભીંગડાંવાળું કે જેવું પેચ વિકસે છે
ડાયશીડ્રોટિક એક્ઝિમા (પોમ્ફોલિક્સ) – ખરજવાનો એક પ્રકાર જે હાથની હથેળીઓમાં નાની ફોલ્લીઓનું કારણ બને છે














