‘મોસ્ટ હૉન્ટેડ’ તરીકે કુખ્યાત ભાણગઢના ‘ભૂતિયા’ કિલ્લાની હકીકત શી છે?

ઇમેજ સ્રોત, Getty Images
એક રાજા હતો.. એક રાણી હતી... તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી, બધા સુખી હતા.. પરંતુ એક દિવસ એક દુષ્ટ જાદુગર આવ્યો... તેણે રાજા અને રાણીને શાપ પણ આપ્યો અને પછી...
બાળપણમાં આપણે આવી જાદુની કહાણી સાંભળતા હતા. આપણે તેને કાલ્પનિક રીતે વાંચીએ છીએ અને તેને મનમાંથી કાઢી નાખીએ છીએ...પરંતુ વર્ષોથી આવી વાતોને સાચી માનવામાં આવતી હોય, એવી જગ્યા હોય તો શું થાય?
શું થાય જ્યારે આ વાત લોકોનાં મનમાં એવી રીતે ઘર કરી ગઈ હોય કે સમગ્ર જગ્યાને ‘ભૂતવાસ’ ગણવામાં આવે?
ભાણગઢ જિલ્લો જયપુરથી 118 કિલોમીટર દૂર છે. તેની આજુબાજુ રહસ્ય જ રહસ્ય છે. લોકો તેમાં એટલા મગ્ન થઈ જાય છે કે એ સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કહાણી ક્યાં પૂરી થાય છે અને ઇતિહાસ શરૂ ક્યાંથી થાય. કેટલીય વેબસાઇટ અને બ્લૉગ આ જગ્યાને ‘મોસ્ટ હૉન્ટેડ’ ગણાવે છે.
રાજસ્થાન પોતાની ઐતિહાસિક ધરોહર માટે ઓળખાય છે. રાજસ્થાનમાં ઘણા કિલ્લા આજે પણ સારી સ્થિતિમાં છે, પણ ભાણગઢના કિલ્લાને દેશનો ‘ભૂતિયો કિલ્લો’ કહેવામાં આવે છે.
એવી પણ માન્યતા છે કે, આ કિલ્લામાં ઘણાં વર્ષોથી ભૂતોનો વાસ રહેલો છે. એવું પણ કહેવામાં આવે છે કે જે પણ આ કિલ્લામાં જાય તેમનું મૃત્યુ થઈ જાય છે અથવા તો એ ગાયબ થઈ જાય છે.
‘ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ’એ ત્યાં બોર્ડ લગાવ્યું છે... સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી કિલ્લામાં પ્રવેશ વર્જિત છે.
શું છે આ કિલ્લાની કહાણી? તેની ચારેય બાજુ રહસ્યનો ઘેરો કેમ બનેલો છે? હકીકતમાં ત્યાં શું થયું હતું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભાણગઢનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
ભારમલ જયપુર નજીક આવેલા આમેરના રાજા હતા. આમેરના રાજા પોતાને કછવાહ રાજપૂત માનતા હતા.
રાજા ભારમલના પુત્રનું નામ ભગવાનદાસ હતું. તેમનાં બે બાળકો હતાં, તેમાંથી એક માનસિંહ (જે અકબરના દરબારમાં હતા અને મોગલોના સેનાપતિ હતા) હતા અને બીજા માધોસિંહ હતા.
માધોસિંહે અકબર અને માનસિંહનાં અભિયાનોમાં ભાગ લીધો હતો. 1574માં જ્યારે અકબરે પૂર્વમાં પોતાના અભિયાનની શરૂઆત કરી ત્યારે પણ માધોસિંહ તેમની સાથે હતા. તેમણે અકબર અને રાજા માનસિંહ સાથે કાશ્મીર, અફઘાનિસ્તાન, પંજાબનાં અભિયાનોમાં પણ ભાગ લીધો હતો.
ભાણગઢ માધોસિંહની જાગીર હતી. ઉલ્લેખનીય છે કે, ભગવાન દાસે પોતાના પુત્ર એટલે કે માધોસિંહના નિવાસ માટે ભાણગઢનું નિર્માણ કરાવ્યું હતું. રાજધાની આસપાસના વિસ્તારમાં બનાવવામાં આવી હતી.
ભાણગઢ કિલ્લા અંગે જાણકારી આપતા પુરાતત્ત્વવિદ્ ડૉ. વિનયકુમાર ગુપ્તાએ કહ્યું હતું કે “ભાણગઢના કિલ્લાનું નિર્માણ 1570માં શરૂ થયું હશે. કિલ્લાનું નિર્માણ 1600ની આસપાસ પૂરું થયું હતું.”
આ શહેરની સંરચનાને જોયા બાદ એવું લાગે છે કે બધું જ યોજનાબદ્ધ કરવામાં આવ્યું હતું.

કિલ્લાની સંરરચના

ઇમેજ સ્રોત, Getty Images
જો તમે આ કિલ્લા સુધી પહોંચવા માગતા હો તો તમારે ત્રણ ઊંચા કિલ્લા પાર કરવા પડશે. આ કિલ્લાના પાંચ દ્વાર હતા.
કિલ્લામાં એક બજાર પણ હતું, ત્યાં રોજબરોજની વસ્તુઓ ખરીદી શકાતી હતી. સોના અને ચાંદીનાં આભૂષણો માટે એક બજાર પણ હતું.
મનોરંજન માટે નર્તકીબજાર પણ હતું. રાજ્યના મંત્રીઓનાં આવાસ અને ઘણા અમીર લોકોનાં ઘર પણ કિલ્લામાં હતાં. એ વખતે યુદ્ધમાં હાથી અને ઘોડાનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. એટલે સ્વાભાવિક રીતે કિલ્લામાં ઘોડાના તબેલા અને અશ્વશાળા પણ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
કિલ્લામાં દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વૉચ ટાવર પણ હતા. ભાણગઢ કિલ્લામાં પણ આવો જ એક કિલ્લો છે અને કેદીઓ માટે જેલ પણ છે.
આ બધું મળીને ભાણગઢના રાજાને રાજધાનીનો દરજ્જો પ્રાપ્ત હતો. 1720 સુધી અહીં લગભગ 9 હજાર ઘર હતાં. અહીં એક નંદન-જાગૃતનગર હતું.
એવું તો શું થયું કે, અચાનક કિલ્લો ધ્વસ્ત થવા લાગ્યો? એટલો સૂમસામ થઈ ગયો તેથી લોકો કહેવા લાગ્યા કે અહીં ભૂતોનો વાસ છે અને આજે આ કિલ્લો તેના માટે પ્રસિદ્ધ છે?

સાધુના શાપની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
ભાણગઢના ખંડેર સાથે ઘણી અફવા અને લોકવાયકા જોડાયેલી છે. જેમાં બે કહાણી સર્વાધિક પ્રસિદ્ધ છે. એક છે સાધુના શાપની.
માધોસિંહએ ભાણગઢ કિલ્લાનું નિર્માણ શરૂ કર્યું પહેલાં આ સ્થળ બાબા બલાઉનાથ નામના એક સાધુનું ધ્યાનસ્થાન હતું. પરંતુ તેમણે એક શરત રાખી હતી કે કિલ્લામાં કોઈ પણ ભવન અથવા માળખું તેમના ઘરથી ઊંચાં ન હોવાં જોઈએ. જો કોઈ ભવનનો પડછાયો તેમના ઘર પર પડી જાય તો એ કિલ્લો વેરાન થઈ જશે.
માધોસિંહનો પ્રપૌત્ર અજબસિંહની આ શરતને ભૂલી ગયા. તેમણે કિલ્લાની ઊંચાઈ વધારી દીધી. સાધુના ઘર પર તેનો પડછાયો પડ્યો અને ત્યારે ભાણગઢ વેરાન થઈ ગયું.

રાણી રત્નાવતીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભણનગઢની વધુ એક પ્રસિદ્ધ કહાણી રાજકુમારી રત્નાવતીની છે. તે ઘણી રૂપવાન હતી અને તેના પર એક જાદુગરનું દિલ આવી ગયું હતું.
રાજકુમારી એકવાર તેમની સખીઓ સાથે બજારમાં ગઈ હતી. જાદુગરે તેને અત્તર ખરીદતાં જોઈ. તેણે અત્તરની જગ્યાએ પ્રેમના અર્કનો ઉપયોગ કર્યો. રાજકુમારીને આની ખબર પડી ગઈ અને તેણે અર્ક એક પથ્થર પર રેડી દીધો.
એ સાથે જ જાદુગર પણ પર્વત પરથી પટકાયો અને એણે નગરને બરબાદ થવાનો શાપ આપ્યો. બાદમાં મોગલોએ આ નગર પર આક્રમણ કર્યું. શહેરનો નાશ થયો અને ઘણા લોકો માર્યા ગયા. રાજકુમારી રત્નાવતી પણ બચી ના શકી. આ શાપના વિનાશનો પડછાયો ભાણગઢ પર પડ્યો.
ભાણગઢની આ વાતો રાજસ્થાન ટુરિઝમની વેબસાઇટ પર છે. ટૂર ગાઇડનું કામ કરતાં સંતોષ પ્રજાપત એક ટેકનિશિયનની કહાણી સંભળાવી હતી.
“માધોસિંહ અહીંના રાજા હતા અને તેમની રાણી રત્નાવતી હતાં. ભાણગઢ માધોસિંહ રાજાની રાજધાની હતી. આ કિલ્લો સાડા ચારસો વર્ષ જૂનો છે. સિંગા સેવડા નામનો એક તાંત્રિક હતો. તેણે જાદુ કર્યો હતો કે આ કિલ્લો એક દિવસ, એક રાત એટલે કે ચોવીસ કલાકમાં નષ્ટ થઈ જશે.”
“1605માં ભાણગઢમાં એ સમયે 14 હજાર લોકો રહેતા હતા. તાંત્રિકના શાપના 24 કલાકની અંદર રાજા અને અડધી પ્રજા ત્યાંથી ચાલી ગઈ. બાકીના લોકો આ શાપની આગળ ઝૂકી ગયા.”
સંતોષ પ્રજાપતે વધુમાં જણાવ્યું હતું કે “આ સ્થળને જૂનું જયપુર પણ કહેવામાં આવે છે. કારણ કે જે લોકો અહીં હતા, તેઓ આમેરમાં જઈને વસ્યા હતા. ત્યારબાદ તેમણે ત્યાંથી જયપુર શહેર વસાવ્યું. તેથી તે નવું જયપુર અને જૂના જયપુર તરીકે ઓળખાય છે.”

ઇમેજ સ્રોત, Getty Images
પ્રજાપત કહે છે કે “અહીં અલૌકિક વસ્તુઓ દેખાય છે. રાત્રિના સમયે આ કિલ્લામાંથી વિચિત્ર અવાજો આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જે પણ અહીં આવે છે, તે પાછા જતા નથી, મૃત્યુ પામે છે અથવા ગાયબ થઈ જાય છે. લોકો એ પણ કહે છે કે અહીં પહેલાં મૃત્યુ પામનારાનો આત્મા ભટકે છે.”
શું સદીઓથી લોકોનાં મનમાં વસેલી આ તાંત્રિકોની અને શાપની કહાણીઓના કારણે ભાણગઢ ‘મોસ્ટ હૉન્ટેડ’ના નામથી ઓળખાવા લાગ્યું?
આ કિલ્લામાં પ્રવેશ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી બંધ કરી દેવામાં આવે છે. આખરે તેનું મૂળ કારણ શું છે?

શું ખરેખર આ કિલ્લામાં ભૂતોનો વાસ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન પેરાનૉર્મલ સોસાયટીના સિદ્ધાર્થ બંટવાલ કહે છે કે “તમે ભાણગઢ અંગે કેટલીય લોકવાયકા સાંભળી હશે. તેમાંથી એક રાણી રત્નાવતી છે. આ સુંદર રાણી એ કિલ્લાની માલકણ હતી. એક તાંત્રિકનું દિલ તેમની પર આવી ગયું હતું. એ એને ચાહતો હતો. રાણીને પામવાની ઘણી કોશિશો કરી, પરંતુ તે સફળ થયો નહીં. અંતે તેણે બધાને શાપ આપ્યો. ત્યારબાદ આ કિલ્લો ભૂતિયો થઈ ગયો.”
“અમે ઘણી વાર ભાણગઢ ગયા છીએ. અમારી ટીમ પહેલી વાર 2012માં ભાણગઢ ગઈ હતી. આ પહેલીવાર હતું, જ્યારે પેરાનૉર્મલની ટીમ ભાણગઢ ગઈ હતી. અમે આખી રાત રોકાયા અને સમગ્ર કિલ્લાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.”
સિદ્ધાર્થ બંટવાલે કહ્યું હતું કે “અમે જે પણ પ્રારંભિક તપાસ કરી, તે અમે જે વાંચ્યુ હતું, તેના આધારે કરી હતી. ઇમાનદારીથી કહું તો અમને ત્યાં કંઈ જ અસ્વાભાવિક લાગ્યું નહીં.”
ભાણગઢનો આ કિલ્લો રાજસ્થાનના સરિસ્કા ટાઇગર રિઝર્વમાં છે. આ કિલ્લામાં પાણીનાં નાનાં-નાનાં જળાશયો છે. તેથી જાનવરો અહીં પાણી પીવા આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ટૂર ગાઇડ પ્રજાપત કહે છે કે, “જોકે સરિસ્કા ટાઇગર પ્રોજેક્ટની અંદર છે, તેથી આ ક્ષેત્રમાં અજવાળું નથી. કિલ્લો પહેલાંથી જ અંધારિયો છે, તેથી અહીં મોટી સંખ્યામાં ચામાચીડિયાં રહે છે. અન્ય જાનવર પણ અહીં વિચરે છે. તેથી રાત્રે અહીં આવવું ભયજનક છે.”
સિદ્ધાર્થ બંટવાલ કહે છે કે, “આ કિલ્લામાં વાંદરાં રહે છે. એમની હરકતોના કારણે પાંદડા અને ડાળીઓના અવાજો આવે છે. સુમસામ વાતાવરણમાં આવતા અવાજો કિલ્લા અંગે ફેલાયેલી કહાણી, સાંભળેલી વાતો સાથે લોકો પર મનોવૈજ્ઞાનિક પ્રભાવ પાડે છે.”
વર્તમાન સમયમાં ભાણગઢના કિલ્લાને જોઈએ તો તેનો વધુ પડતો ભાગ પડી ચૂક્યો છે.
પુરાતત્ત્વવિદ્ ડૉ. વિનયકુમાર ગુપ્તા કહે છે કે, “પુરાતત્ત્વની વાત કરીએ તો કોઈ જગ્યા સૂમસામ કેમ થઈ જાય છે? જો જીવન જીવવા માટે આવશ્યક વસ્તુઓ ન હોય તો એ સ્થળ વેરાન થઈ જાય છે. અથવા તો આક્રમણના કારણે પણ લોકોને આ સ્થળ છોડવું પડે, તો એ સ્થળ સૂમસામ થઈ જાય છે. ભાણગઢના મામલામાં આ બંને સંભાવનાઓમાંથી એક હોઈ શકે છે.”
બીજી સંભાવના એ છે કે દુષ્કાળના કારણે ત્યાંના જળસ્રોત સુકાઈ ગયા હશે. ભયંકર દુષ્કાળ પડ્યો હશે અને કિલ્લાના જળસ્રોત સુકાઈ ગયાં હશે તેથી આ કિલ્લો સૂમસામ થઈ ગયો હશે.
ઐતિહાસિક, ભૌગોલિક અથવા અન્ય કોઈ પણ કારણ હોઈ શકે છે. ભાણગઢના કિલ્લાનું પતન થઈ ગયું છે. એજ કારણ છે કે એક જમાનામાં ગૌરવશાળી આ શહેર હવે ‘ભૂતો’ના કારણે જ પ્રસિદ્ધ છે. જોકે, હકીકત એ છે કે અહીંના ઇતિહાસ પર એ કારણોસર જ પડદો પાડવામાં આવી રહ્યો છે.














