અદાણી સમૂહમાં અબજોનું રોકાણ કરનારા રાજીવ જૈન કોણ છે અને શું કરે છે તેમની અમેરિકન કંપની?

ઇમેજ સ્રોત, TWITTER/GQGPARTNERS
- લેેખક, કમલેશ મઠેની
- પદ, બીબીસી સંવાદદાતા

- હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી સમૂહના શૅરોમાં ભારે ઘટાડો થયો અને કંપનીને અબજોનું નુકસાન થયું
- હિંડનબર્ગે ખોટી રીતે શૅરોની કિંમત વધારો કરવા, નકલી કંપનીઓ દ્વારા હવાલા કારોબાર અને ઑડિટિંગને લઈને 88 પ્રશ્નો પૂછ્યા હતા
- અદાણી સમૂહે 413 પાનાંમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો અને આ આરોપો ફગાવી દીધા
- ભારતમાં વિપક્ષે આ મામલો ઉઠાવ્યો અને જેપીસ તપાસની માગ કરી
- અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની સમિતિ બનાવી

અદાણી સમૂહમાં રોકાણ કર્યા બાદ અમેરિકન ઍસેટ મૅનેજમૅન્ટ ફર્મ જીક્યૂજી પાર્ટનર્સ ચર્ચામાં આવી છે. જીક્યૂજી પાર્ટનર્સે અદાણી સમૂહની ચાર કંપનીઓમાં 1.87 અબજ ડૉલર (લગભગ એક ખર્વ 52 અબજ રૂપિયા)નું મસમોટું રોકાણ કર્યું છે.
અમેરિકન ફૉરેન્સિક ફાઇનાન્સિયલ કંપની હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી સમૂહ પાછલા એક મહિનાથી ભારે નાણાકીય સંકટનો સામનો કરી રહ્યો છે.
હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ અદાણી સમૂહ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. અદાણી સમૂહે આ આરોપો ફગાવી દીધા હતા.
જોકે, તે બાદ પણ અદાણી સમૂહના શૅરોની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો અને અમુક દિવસમાં જ કંપનીને બજાર મૂડીમાં 135 અબજ ડૉલરનું નુકસાન થયું.
શનિવારે રેટિંગ એજન્સી મૂડીઝની યુનિટ આઈસીઆરએએ ગૌતમ અદાણી ગ્રૂપના પૉર્ટ્સ અને ઍનર્જી બિઝનેસની રેટિંગમાં ઘટાડો કર્યો છે. આઈસીઆરએએ અદાણી સમૂહની રેટિંગને 'સ્થાયી'થી 'નકારાત્મક' કરી.
જોકે, અદાણી સમૂહ માટે આ રોકાણના ફાયદા માત્ર નાણાકીય સ્તરે જ નહીં બલકે કંપનીને છબિના સ્તરે પણ જોવામાં આવી રહ્યા છે. કંપની રોકાણકારોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માગે છે.

અદાણીની કઈ કંપનીઓમાં કર્યું રોકાણ?

ઇમેજ સ્રોત, Getty Images

જીક્યૂજી પાર્ટનર્સે અદાણી સમૂહની ચાર કંપનીઓમાં રોકાણ કર્યું, આ કંપનીઓ છે -
અદાણી એન્ટરપ્રાઇઝેઝ - 66 કરોડ 20 લાખ ડૉલર (લગભગ 54 અબજ રૂપિયા)માં 3.4 ટકા ભાગીદારી ખરીદી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અદાણી પૉર્ટ્સ ઍન્ડ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન લિમિટેડ - 64 કરોડ ડૉલર (લગભગ 52 અબજ રૂપિયા)માં 4.1 ટકા ભાગીદારી ખરીદી
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ - 23 કરોડ ડૉલર (લગભગ 18 અબજ રૂપિયા)માં 2.5 ટકા ભાગીદારી ખરીદી
અદાણી ગ્રીન ઍનર્જી - 34 કરોડ ડૉલર (લગભગ 27 અબજ રૂપિયા)માં 3.5 ટકા ભાગીદારી ખરીદી

આ પ્રથમ તક છે, જ્યારે હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી સમૂહે અમુક રોકાણ અંગે જાણકારી જાહેર કરી હોય.
આ જાણકારી સામે આવ્યા બાદ શુક્રવારે અદાણી એન્ટરપ્રાઝેઝના શૅરોની કિંમતોમાં 17.5 ટકા, અદાણી પૉર્ટ્સ 10 ટકા, અદાણી ગ્રીન ઍનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના શૅરોની કિંમતોમાં પાંચ ટકાનો વધારો થયો.
અદાણી સમૂહના સીએફઓ જુગેશિંદર સિહે કહ્યું છે કે, "આ રોકાણ જણાવે છે કે વૈશ્વિક રોકાણકારોએ હજુ પણ અદાણી સમૂહ સાથે જોડાયેલી કંપનીઓની પ્રગતિ, કામકાજ અને મૅનેજમૅન્ટ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે."

કોણ છે રાજીવ જૈન?

- જીક્યૂજી પાર્ટનર્સ અમેરિકન ઍસેટ મૅનેજમૅન્ટ કંપની છે
- કંપનીએ અદાણી સમૂહમાં 1.87 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે
- રાજીવ જૈન જીક્યૂજી પાર્ટનર્સના ચૅરમૅન અને ચીફ ઇન્વૅસ્ટમેન્ટ ઑફિસર છે
- તેઓ જીક્યૂજી પાર્ટનર્સ સ્ટ્રેટેજીઝના તમામ પોર્ટફોલિયોના મૅનેજર પણ છે

જીક્યૂજી પાર્ટનર્સ ઇન્વેસ્ટર્સ ફર્મ છે જે પોતાના ક્લાયન્ટ તરફથી બજારમાં રોકાણ કરે છે.
જીક્યૂજી પાર્ટનર્સના લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર 31 ડિસેમ્બર, 2022ના આંકડાને જોતાં આ કંપની ક્લાયન્ટની 88 અબજ ડૉલર કરતાં વધુની સંપત્તિનું મૅનેજમૅન્ટ કરે છે.
કંપનીનું મુખ્યાલય અમેરિકાના ફ્લોરિડામાં છે. તેની ઑફિસો ન્યૂયૉર્ક, લંડન, સિએટલ અને સિડનીમાં છે. કંપનીમાં 51થી 200 કર્મચારી કામ કરે છે.
જીક્યૂજી પાર્ટનર્સ ઑસ્ટ્રેલિયાના સિક્યૉરિટીઝ ઍક્સચેન્જમાં લિસ્ટેડ છે. આ કંપની વર્ષ 2021માં ઑસ્ટ્રેલિયામાં સૌથી મોટો આઈપીઓ લાવી હતી.
રાજીવ જૈન જીક્યૂજી પાર્ટનર્સના ચૅરમૅન અને ચીફ ઇનવૅસ્ટમેન્ટ ઑફિસર છે. સાથે જ તેઓ જીક્યૂજી પાર્ટનર્સ સ્ટ્રેટેજીઝના તમામ પોર્ટફોલિયોના મૅનેજર પણ છે.

રાજીવ જૈનનો જન્મ ભારતમાં થયો હતો. ફૉર્બ્સ પ્રમાણે તેઓ યુનિવર્સિટી ઑફ અજમેરથી ઍકાઉન્ટિંગ ભણ્યા છે તેમાં જ તેમણે માસ્ટર ડિગ્રી પણ લીધી. તે બાદ તેમણે યુનિવર્સિટી ઑફ મિયામીમાં ફાઇનાન્સ ઍન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસમાં એમબીએ કર્યો.
તે બાદ રાજીવ જૈન સ્વિસ બૅંક કૉર્પોરેશનમાં ઇન્ટરનેશનલ ઇક્વિટી ઍનાલિસ્ટ તરીકે કામ કરવા લાગ્યા.
રાજીવ જૈનના લિંક્ડઇન પ્રોફાઇલ પ્રમાણે તેમણે સ્વિસ કંપની વોંટોબેલ ઍસેટ મૅનેજમૅન્ટમાં કૉ-ચીફ ઍક્ઝિક્યૂટિવ ઑફિસર, ચીફ ઇનવૅસ્ટમેન્ટ ઑફિસર અને હેડ ઑફ ઇક્વિટીઝ તરીકે પણ કામ કર્યું છે. વોંટોબેલ સાથે તેઓ 1994માં જોડાયા હતા.
પછી તેમણે 23 વર્ષના રોકાણના અનુભવ બાદ જૂન 2016માં જીક્યૂજી પાર્ટનર્સની શરૂઆત કરી હતી.
જીક્યૂજી સમગ્ર વિશ્વમાં એક હજાર સંસ્થાગત રોકાણકારોની સંપત્તિનું મૅનેજમૅન્ટ કરે છે. સાથે જ પોતાના ક્લાયન્ટના નાણાકીય સલાહકાર તરીકે પણ કામ કરે છે.
રાજીવ જૈને અદાણી સમૂહને લઈને કહ્યું છે કે તેઓ માને છે કે આ કંપનીઓનો લાંબા ગાળા સુધી વિસ્તાર થવાની પર્યાપ્ત સંભાવનાઓ છે.
ગૌતમ અદાણીની પ્રશંસા કરતાં રાજીવ જૈને કહ્યું છે કે અદાણીને 'તેમની પેઢીના શ્રેષ્ઠ ઉદ્યોગસાહસિકો પૈકી એક માનવામાં આવે છે.'
બ્લૂમબર્ગ સાથે 23 ફેબ્રુઆરીના એક ઇન્ટરવ્યૂમાં પણ રાજીવ જૈને અદાણી કેસ સામે આવ્યા છતાં ભારતીય બૅંકિંગ પ્રણાલી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમને પૂછવામાં આવ્યું હતું કે રોકાણને લઈને તમને ચીન કરતાં વધુ ભારતના પક્ષને કેમ મજબૂત ગણાવો છો અને શું અદાણી મામલા બાદ પણ ભારતને તમે પહેલાં જેવી સ્થિતિમાં જુઓ છો.
આ અંગે રાજીવ જૈન કહ્યું હતું કે, "અમારી નજરમાં કશું નથી બદલાયું. અદાણી મામલાની દૃષ્ટિએ જોઈએ તો મારી નજરમાં ઘણા મજબૂત પક્ષ છે. સૌથી પહેલાં તો બૅંકિંગ સિસ્ટમ સારી છે કારણ કે બૅંકિંગ ઍક્સપોઝર એક ટકાની આસપાસ છે. બીજી વાત એ છે કે એ વિનિયમિત ઍસેટ છે. સિસ્ટમના દૃષ્ટિકોણથી અમને ચિંતા નથી. અદાણી એક અલગ પ્રકારનો મામલો છે."

રોકાણને લઈને ઊઠ્યા પ્રશ્નો

ઇમેજ સ્રોત, Getty Images
અદાણી સમૂહની કંપનીઓમાં રોકાણ કરવા મામલે જીક્યૂજીની તેના એક ક્લાયન્ટે પૂછપરછ કરી છે.
જીક્યૂજીના ક્લાયન્ટ ઑસ્ટ્રેલિયન પેન્શન ફંડે આ રોકાણને લઈને પ્રશ્નો પૂછ્યા છે. જીક્યૂજીએ ઓછામાં ઓછા ચાર મોટા ઑસ્ટ્રેલિયન પેન્શન ફંડ તરફથી પૈસા મેળવ્યા છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે જીક્યૂજી પાટર્નર્સના ચૅરમૅન અને ચીફ ઇન્વૅસ્ટમેન્ટ ઑફિસર રાજીવ જૈને જવાબ આપ્યો છે કે કંપનીએ અદાણી સમૂહને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી અને તેઓ હિંડનબર્ગના રિપોર્ટ સાથે સંમત નથી.
જીક્યૂજી કવર કરનારા મૉર્નિંગસ્ટારના વિશ્લેષક શૉન લેરે રૉયટર્સને કહ્યું, "રાજીવ જૈનના આ નિર્ણયથી બની શકે કે અમુક લોકો જીક્યૂજીમાં રોકાણ કરવાનું પસંદ ન કરે પરંતુ તેના સારા પ્રદર્શનને જોતાં અમુક લોકો તેમાં રોકાણ કરવા માગશે."
અદાણી સમૂહે નિયામક સંસ્થાઓને આપેલી જાણકારીમાં એ મીડિયા રિપોર્ટોનું પણ ખંડન કર્યું છે, જેમાં એવો દાવો કરાયો હતો કે અદાણી સમૂહને એક સોવેરન વેલ્થ ફંડ પાસેથી ત્રણ અબજ ડૉલર મળ્યા છે.
અદાણી સમૂહ તરફથી કહેવાયું છે કે, "અમે એ સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે આ સમાચાર માત્ર એક અફવા છે અને તેના પર કોઈ ટિપ્પણી કરવું યોગ્ય નહીં કહેવાય."

સુપ્રીમ કોર્ટે રચી સમિતિ
આ પહેલાં મંગળવારે ભારતીય સુપ્રીમ કોર્ટે અદાણી સમૂહ પર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવાયેલા આરોપોની તપાસ માટે એક સ્વતંત્ર સમિતિ રચી.
આ સમિતિ પૂર્વ જસ્ટિસ અભય મનોહર સપ્રેની અધ્યક્ષતામાં આગામી બે મહિનામાં પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટને સોંપશે.
આ સમિતિમાં જસ્ટિસ દેવધર, બૅંકર કેવી કામથ, ઇન્ફોસિસના કૉ-ફાઉન્ડર નંદન નિલેકણિ, એસબીઆઈના પૂર્વ ચૅરમૅન ઓપી ભટ્ટ અને સિક્યૉરિટી લૉના વિશેષજ્ઞ સોમશેખર સુંદરેશનને સામેલ કરાયા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














