અદાણીએ સ્પૉન્સર્ડ કરેલા ઍવૉર્ડને તામિલનાડુનાં કવયિત્રીએ લેવાની ના કેમ પાડી?

ઇમેજ સ્રોત, SUKIRTHA RANI/FB
- લેેખક, દિવ્યા જયરાજ
- પદ, બીબીસી તામિલ
તામિલ કવયિત્રી સુકીરથરણીએ તાજેતરમાં અદાણી જૂથ દ્વારા સ્પોન્સર્ડ કાર્યક્રમમાં ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ જૂથ દ્વારા આપવામાં આવેલ દેવી સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે તેમના ઇનકારનું કારણ પણ જણાવ્યું છે કે અદાણી ગ્રૂપ સન્માન સમારોહનું મુખ્ય સ્પૉન્સરર છે.
ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દર વર્ષે દેશભરમાં નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાઓને 'દેવી સન્માન'થી સન્માનિત કરે છે.
આ વર્ષે આ સન્માન માટે પસંદ કરાયેલી 12 મહિલા હસ્તીઓમાં તામિલનાડુનાં કવયિત્રી સુકીરથરણી પણ સામેલ હતાં. સાહિત્ય, ખાસ કરીને દલિત સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેમને આ સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પરંતુ સન્માન સ્વીકારતાં પહેલાં જ કવયિત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેને ન સ્વીકારવાની જાહેરાત કરી હતી.
તેમણે પોતાના ફેસબુક પેજ પર લખ્યું, "અદાણી જૂથ આ સન્માન સમારોહનું મુખ્ય સ્પોન્સરર છે. જેને અદાણી ગ્રૂપ તરફથી આર્થિક મદદ મળી રહી હોય એવા કોઈ સન્માનમાં મને રસ નથી. હું આ મુદ્દા પર બોલતી રહી છું, એટલે હું સન્માન સ્વીકારવાનો ઇનકાર કરું છું."
સુકીરથરણી છેલ્લાં 25 વર્ષથી તામિળ સાહિત્યમાં સક્રિય છે. તેમણે મહિલાઓના અધિકારો અને સમાજના દબાયેલા લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. આ જ કારણ છે કે સન્માન નકારવાના તેમના નિર્ણયની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ રહી છે.
આ સમગ્ર મામલે સુકીરથરણીએ બીબીસી સાથે ખાસ વાતચીત કરી હતી.
બીબીસીએ તેમને પૂછ્યું, 'તમને સન્માન વિશે ક્યારે ખબર પડી અને તમે સમારંભના એક અઠવાડિયા પહેલાં જ તેને નહીં સ્વીકારવાનું કેમ નક્કી કર્યું?'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રશ્નના જવાબમાં સુકીરથરણીએ જણાવ્યું હતું કે, "હું નાનપણથી જ પેરિયાર, આંબેડકર અને માર્ક્સનાં વિચારોથી પ્રેરિત છું. તેમની ફિલસૂફીએ મને પ્રભાવિત કરી છે. આ ત્રણેયના વિચારો મારા લખાણોમાં પણ પ્રતિબિંબિત થાય છે. મને ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સમૂહ તરફથી 23 ડિસેમ્બરે જાણ થઈ હતી કે મને દેવી સન્માન માટે પસંદ કરવામાં આવી છે. તે પછી તેઓએ મને એક સત્તાવાર મેલ મોકલ્યો હતો."

- ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દર વર્ષે દેશભરમાં નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાઓને 'દેવી સન્માન'થી સન્માનિત કરે છે
- આ વર્ષે આ સન્માન માટે પસંદ કરાયેલી 12 મહિલા હસ્તીઓમાં તામિળનાડુનાં કવયિત્રી સુકીરથરણી પણ સામેલ હતાં
- સુકીરથરણી છેલ્લા 25 વર્ષથી તામિલ સાહિત્યમાં સક્રિય છે, તેમણે મહિલાઓના અધિકારો અને સમાજના દબાયેલા લોકો માટે અવાજ ઉઠાવ્યો છે
- ખાસ કરીને દલિત સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેમને આ સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
- પરંતુ સન્માન સ્વીકારતાં પહેલા જ કવયિત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેને ન સ્વીકારવાની જાહેરાત કરી હતી

અગાઉ સન્માનને સ્વીકૃતિ આપી હતી

ઇમેજ સ્રોત, FB
સુકીરથરણીએ વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, "શરૂઆતમાં હું ખૂબ જ ખુશ હતી. નાસ્તિક હોવાથી હું દેવીના નામ પર મળતું સન્માન સ્વીકારવામાં અચકાતી પણ હતી. પરંતુ લોકોએ મને કહ્યું કે તે મહિલા શક્તિનું સન્માન છે. આ પછી, 28 ડિસેમ્બરે મેં તેમને સન્માન પ્રાપ્ત કરવાની સ્વીકૃતિ આપી હતી.
ત્યારબાદ શું થયું કે સન્માન ન લેવાની જાહેરાત કરવી પડી?
કવયિત્રીએ આ વિશે જણાવ્યું, "મારી સ્વીકૃતિ બાદ હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો. આ સન્માન સમારોહ 8 ફેબ્રુઆરીએ યોજાવાનો હતો. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સમૂહે આ અંગેના પ્રોમો વીડિયો ચલાવવાનું અને પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. મેં 3 ફેબ્રુઆરીએ વીડિયો જોયો તો તેના પર અદાણી જૂથનો લોગો હતો."
સમ્માન સાથે અદાણીને જોડવાથી સુકીરથરણીને આશ્ચર્ય થયું હતું.
તેઓ કહે છે કે "મેં ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સમૂહને પૂછ્યું કે આ ઈવેન્ટમાં અદાણી જૂથની ભૂમિકા શું છે, તેઓએ કહ્યું કે તેઓ મુખ્ય સ્પોન્સરર છે. ત્યાર બાદ મેં આ સન્માન ન લેવાનું નક્કી કર્યું."
તેમણે વધુમાં જણાવ્યું કે, "હું માનું છું કે કોઈપણ સ્તરે આપણે આપણા સિદ્ધાંતો અને વિચારધારા સાથે બાંધછોડ ન કરવી જોઈએ. હું જે પ્રકારની રાજનીતિ અને સિદ્ધાંતો વિશે વાત કરું છું, તેમાં અદાણી જેવા જૂથના પૈસા જોડાયેલા હોય તેવું કોઈ સન્માન ન લેવું જોઈએ. તેઓ પણ આ વાત સમજી ગયા."
તો શું હિંડનબર્ગની તપાસ સન્માન ન લેવાનું કારણ બની હતી કે બીજું કંઈ?
આ પ્રશ્નના જવાબમાં સુકીરથરણીએ કહ્યું, "હિંડનબર્ગે અદાણી ગ્રુપના કામકાજ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. આવા આરોપોને જોતા કંપનીની ટીકા પણ થઈ રહી છે. હું ભ્રષ્ટાચાર અને જાહેર સંપત્તિના ઉપયોગ પર પણ ઘણું લખતી રહી છું."
કવયિત્રીએ આ વાત પર ભાર મુકતા કહ્યું, "આમ હું આ સન્માન કેવી રીતે લઈ શકું. તે યોગ્ય ન ગણાત. આ માત્ર અદાણી જૂથની વાત નથી, જો અન્ય કોઈ કંપની હોત તો પણ મેં ના પાડી હોત. બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમની કમાણીનો અમુક ભાગ સીએસઆરમાં ખર્ચ કરે છે."
તે પૈસાથી ગ્રામીણ વિસ્તારોમાં ઘણી શાળાઓ ચાલે છે. અમે પણ આ બધું નકારતા નથી. પરંતુ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યા બાદ તે કાર્યક્રમમાં હાજરી આપવી યોગ્ય ન હતી."

'ના પાડવામાં તકલીફ ન પડી'

ઇમેજ સ્રોત, SUKIRTHARANI/FB
સન્માન ન લીધા બાદ તમને કોઈ પ્રકારનો અફસોસ નથી થયો?
આમ પૂછતા સુકીરથરણીએ કહ્યું, "બિલકુલ નહીં, તે સ્પષ્ટ નિર્ણય હતો. તામિલનાડુમાં દ્રવિડિયન આંદોલન, દલિત અને આંબેડકર ચળવળોનો પ્રભાવ ઘણો વધારે છે. તેનો લાંબો વારસો છે. આ વારસો પણ આવા નિર્ણયોને બળ આપે છે. મારા લખાણો સન્માન માટે નથી, પરંતુ લોકો માટે નથી. લોકો તેને વાંચે છે, તે મારા માટે પૂરતું છે."
પરંતુ શું તેણે લાઈમલાઈટમાં આવવા માટે ઍવૉર્ડ પરત કરવાનો નિર્ણય નથી લીધો?
આ અંગે સુકીરથરણીએ કહ્યું, "એવું બિલકુલ નથી. વિશ્વ પ્રસિદ્ધ પબ્લિકેશન 'વેરસો બુક્સ' એ વિશ્વ સાહિત્યમાં છેલ્લા ચાર હજાર વર્ષની પ્રભાવશાળી મહિલા લેખિકાઓની યાદી બનાવી છે. તેમાં ટોચનાં 200 લેખિકાઓમાં મારું નામ સામેલ છે. મારી રચનાઓનો કન્નડ, મલયાલમ, તેલુગુ, ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, મલેશિયન અને જર્મન ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. ઍવૉર્ડ સ્વીકારવાનો ઇનકાર કરવાથી લાઈમલાઈટમાં અવાશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું."
સુકીરથરણીએ ભલે વિચાર્યું ન હોય, પરંતુ હકીકત એ છે કે ઍવૉર્ડ ન લેવાની જાહેરાત બાદ તેમને માત્ર તામિળ સાહિત્ય જગતના જ નહીં પરંતુ દેશભરના સાહિત્યિક વર્તુળોમાંથી પણ લોકોના ફોન આવ્યા છે.
સુકીરથરણીએ કહ્યું કે 'જો સિદ્ધાંત અને વિચારધારાને યોગ્ય સમયે વ્યક્ત કરવામાં આવે તો તે લોકોને સામાજિક રીતે જાગૃત કરવામાં પણ મદદ કરે છે'.

સાહિત્યમાં યોગદાન
સુકીરથરણી તામિલનાડુના રાનીપેટ જિલ્લાના લાલાપેટમાં આવેલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક પણ છે. તામિલ સાહિત્ય ઉપરાંત તેમણે અર્થશાસ્ત્રમાં પણ માસ્ટર ડિગ્રી મેળવી છે.
અત્યાર સુધીમાં તેમના છ કાવ્યસંગ્રહો બહાર આવ્યા છે. કાઈપટ્ટી યેન કાનવુ કેલ, ઈરાવુ મિરુગમ, કામત્તિપ્પૂ, થીનદાપદાથા મુથમ, અવલઈ મોઝીપેયાર્થલ અને ઈપ્પડિક્કુ યેવલ.
તેમની ઘણી કવિતાઓ તામિલનાડુની કૉલેજોમાં અભ્યાસક્રમમાં સામેલ છે.
જાતિગત ભેદભાવ અને દમનની સાથે સ્ત્રી દેહની પણ વાત તેમના લખાણોમાં કરવામાં આવી છે. તેમના મતે મહિલાઓ પણ તેમના શરીરના કારણે હિંસાનો ભોગ બને છે અને આવું દલિત મહિલાઓ સાથે વધુ થાય છે.
બીજી તરફ, ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સમૂહનો ઍવૉર્ડ સમારોહ 8 ફેબ્રુઆરીએ ચેન્નઈની આઈટીસી ગ્રાન્ડ ચોલ હોટેલમાં યોજાયો હતો, જેમાં વૈજ્ઞાનિક ગગનદીપ કાંગ, ભરતનાટ્યમ નૃત્યાંગના પ્રિયદર્શિની ગોવિંદ, સામાજિક કાર્યકર રાધિકા સંથાનકૃષ્ણા અને સ્ક્વૉશ ખેલાડી જોશના ચિનપ્પા સહિત 11 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















