ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર હિંડનબર્ગનો આરોપ, હવે રિઝર્વ બૅન્ક કે સેબી શું પગલાં લઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
થોડા દિવસ પહેલાં સુધી દેશના સૌથી શ્રીમંત બિઝનેસમૅન હતા તે ગૌતમ અદાણીના નાણાકીય સામ્રાજ્યમાં આજકાલ મોટી ઊથલપાથલ થઈ રહી છે.
અદાણી જૂથની કંપનીઓનું માર્કેટ કૅપ લગભગ 220 અબજ ડૉલર હતું, પરંતુ અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચ કંપનીએ 25 જાન્યુઆરીએ બહાર પાડેલા એક સનસનાટીભર્યા રિપોર્ટને પગલે અદાણી જૂથની કંપનીઓના શૅરના ભાવ સતત ગગડી રહ્યા છે.
અદાણી જૂથે હિંડનબર્ગના રિપોર્ટને ફગાવી દીધો છે અને તે રિપોર્ટ કંપનીને નુકસાન કરવાના હેતુસરનો ગણાવ્યો છે.
હિંડનબર્ગ રિપોર્ટ સામેના પોતાના 413 પાનાંના જવાબમાં અદાણી જૂથે જણાવ્યું હતું કે 'જૂઠાણાંથી ભરપૂર આ રિપોર્ટ ભારત પરનો હુમલો' છે.
અદાણી જૂથે એવું પણ જણાવ્યું હતું કે અમે ભારતીય કાયદાઓનું પાલન હંમેશાં કરતા રહ્યા છીએ અને અમે કશું ખોટું કર્યું નથી.
શૅરબજારમાંની ઊથલપાથલને ધ્યાનમાં રાખીને અદાણી જૂથે તેનો અઢી અબજ ડૉલરનો એફપીઓ, સંપૂર્ણપણે ભરાઈ ગયા છતાં, પાછો ખેંચી લીધો છે.

અદાણી જૂથની કંપનીઓ પર 'ગેરરીતિ'ના આરોપ મામલે ભારતીય સંસ્થાઓ શું પગલાં લઈ શકે?

- અમુક દિવસ પહેલાં અદાણી જૂથની કંપનીઓ પર 'ગેરરીતિ'ના આરોપ લગાડતો રિપોર્ટ બહાર આવતાં રોકાણકારોની સંપત્તિમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું
- આ આરોપોને અદાણી જૂથ દ્વારા 'ભારત પર હુમલો' ગણાવાયો હતો
- જોકે સામેની બાજુએ વિપક્ષ દ્વારા સતત આ મામલે નિષ્પક્ષ તપાસની માગ કરાઈ રહી છે
- હિંડનબર્ગના રિપોર્ટ પર લગાવાયેલા આરોપો બાદથી વિપક્ષ સરકાર પર અદાણી જૂથને ગેરવાજબી રીતે દેશનાં સંશાધનો મારફતે લાભ અપાવવાના આરોપ કરી રહ્યો છે
- શૅરબજાર અને નાણાબજાર પર નિયંત્રણ રાખતી ભારતની બે સર્વોચ્ચ સંસ્થાઓ સેબી અને રિઝર્વ બૅંક પાસે વિવિધ ક્ષેત્રોને લગતી વ્યાપક શક્તિઓ છે, પરંતુ અદાણીવાળા કિસ્સામાં આ બંને સંસ્થાઓ શું કરી શકે?
અદાણીએ હવે બૉન્ડનું વેચાણ રોક્યું

ઇમેજ સ્રોત, NURPHOTO
ધ મિન્ટ અને ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલો મુજબ, અદાણી જૂથે તેના પ્રથમ બૉન્ડ વેચાણ મારફત દસ અબજ રૂપિયા એકત્ર કરવાની યોજનાનો અમલ પણ હાલ મોકૂફ રાખ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વેળા વિશ્વના ત્રીજા નંબરની સૌથી શ્રીમંત વ્યક્તિ ગૌતમ અદાણીનું નામ ટોચના 20 અમીરની યાદીમાં પણ નથી.
રોઇટર્સ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, ભારતના કૉર્પોરેટ બાબતોના મંત્રાલયે અદાણી જૂથના નાણાકીય વ્યવહારો તથા અન્ય નિયામકો સામે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોની પ્રારંભિક તપાસ શરૂ કરી છે. રોઇટર્સે જાણકાર સ્રોતને ટાંકીને આ અહેવાલ આપ્યો છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પણ અદાણી જૂથને આપવામાં આવેલી લૉનની માહિતી તમામ બૅન્કો પાસેથી માગી છે.
દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઈએ અદાણી જૂથની કંપનીઓને રૂ. 27,000 કરોડની લૉન આપી છે. એસબીઆઈના જણાવ્યા મુજબ, આ લૉન અદાણી જૂથની કંપનીઓના શેરોના બદલે આપવામાં આવી નથી અને આ લૉન સલામત છે.

વિરોધ પક્ષનું આક્રમણ

ઇમેજ સ્રોત, Getty Images
વિરોધ પક્ષોએ પણ અદાણી જૂથને ઘેરો ઘાલ્યો છે.
વિરોધ પક્ષોએ સંસદમાં શુક્રવારે આ મુદ્દો સામૂહિક રીતે ઉઠાવ્યો હતો અને અદાણી જૂથના નાણાકીય વ્યવહારોની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની માગ કરી હતી.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઍરપૉર્ટ, બંદર, ગૅસ અને ક્લીન ઍનર્જીથી માંડીને ઉપભોક્તા સામગ્રી સુધીનાં ક્ષેત્રોમાં કાર્યરત્ અદાણી જૂથના બિઝનેસ બાબતે હવે અનેક સવાલ કરવામાં આવી રહ્યા છે.
દેશમાં રજિસ્ટર્ડ કંપનીઓના કામકાજ પર નજર રાખતી નિયામક સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) અંગે પણ વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યા છે.
તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્ય જૌહર સરકારે કહ્યું હતું કે અદાણી જૂથ સામે થયેલા સવાલ પછી સેબીના અધ્યક્ષે રાજીનામું આપી દેવું જોઈએ. અદાણી જૂથ સામે કરવામાં આવેલી ફરિયાદોની તપાસ શા માટે કરવામાં આવી નથી તેની તપાસ થવી જોઈએ.
તૃણમૂલ કૉંગ્રેસના સંસદસભ્ય શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે અદાણી જૂથ પરના આક્ષેપોને લીધે સત્તાધારી પક્ષ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે અદાણી જૂથના આર્થિક સંકટની ભારતની પ્રતિષ્ઠા પર કોઈ અસર થઈ નથી.
નાણામંત્રીના જણાવ્યા મુજબ, રૂ. 20,000 કરોડના પોતાના એફપીઓને પાછો ખેંચવાના અદાણી જૂથના બુધવારના નિર્ણયની ભારતના મેક્રોઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સ તથા પ્રતિષ્ઠા પર કોઈ અસર થઈ નથી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારતની નિયામક સંસ્થાઓ સરકારને દબાણથી મુક્ત છે અને માર્કેટને સ્થિર તથા નિયમિત રાખવા માટે જરૂરી જે કંઈ હશે એ તેઓ કરશે.

સેબી અને રિઝર્વ બૅન્ક શું કરી શકે?

ઇમેજ સ્રોત, PTI
રિઝર્વ બૅન્ક લૉનની લેવડદેવડને રેગ્યુલેટ કરી શકે, બૅન્કિંગ ઑપરેશનને રેગ્યુલેટ કરી શકે.
નાણાકીય બાબતોના જાણકાર મનોજ કુમારે કહ્યું હતું કે, "રિઝર્વ બૅન્ક લૉનની સિક્યૉરિટી તથા દસ્તાવેજોની તપાસ પણ કરી શકે છે. લૉન આપતી વખતે કોઈ અસામાન્ય લાભ આપવામાં આવ્યો હતો કે નહીં, તેની તપાસ રિઝર્વ બૅન્ક કરી શકે છે."
સેબીનું કામ મૂડી બજાર પર નજર રાખવાનું અને તેના નિયમનનું છે.
મનોજ કુમારે કહ્યું હતું કે, "સેબી લિસ્ટેડ કંપનીઓની ડેટ સિક્યૉરિટી તથા ઇક્વિટી પર નજર રાખે છે. તે કંપનીનાં નાણાકીય નિવેદનમાં જાહેર કરાયેલા નાણાકીય વ્યવહારની તપાસ કરી શકે છે. તેનો અર્થ એ કે સેબી કંપનીના દસ્તાવેજોની તપાસ કરી શકે છે અને જરૂર પડે તો વધારે ઊંડી તપાસ માટે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેટરની નિમણૂક કરી શકે છે. રોકાણકારો ફરિયાદ કરે અને તેમાં કશું નક્કર હોય તો સેબી તેની પણ તપાસ કરી શકે."

સેબીએ મોકલ્યો ઇ-મેઇલ

ઇમેજ સ્રોત, Getty Images
સીએનબીસી ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ, વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ માટે રજિસ્ટ્રેશનની સુવિધા આપતી ભારતીય બૅન્કોને સેબીએ ગત શુક્રવારે એક ઇ-મેઇલ મોકલ્યો હતો.
તેમાં સેબીએ બૅન્કોને જણાવ્યું હતું કે તેમના ડેઝિગ્નેટેડ ડિપૉઝિટરી એકમો (ડીડીપી) 30 સપ્ટેમ્બર પહેલાં પોતાના વિદેશી રોકાણકારોનો સંપર્ક કરે.
ડીડીપી એટલે બૅન્કોના એવા એકમો, જે વિદેશી રોકાણકારોને ભારતમાં નાણાકીય રોકાણમાં મદદ કરે છે. તેમનું કામ વિદેશી રોકાણકારોની નોંધણી વગેરે કરવાનું હોય છે.
આ એકમો તેમના વિદેશી રોકાણકારોનો સંપર્ક કરીને રોકાણકાર સંબંધી જાણકારી ઉપલબ્ધ કરાવે તેવો આદેશ સેબીએ બૅન્કોને આપ્યો છે.
સેબીના જણાવ્યા મુજબ, તેના આદેશનું પાલન 30 સપ્ટેમ્બર સુધી કરવામાં નહીં આવે તો વિદેશી રોકાણકારની નોંધણી રદ થઈ જશે. એવા વિદેશી રોકાણકારોએ ભારતીય કંપનીઓમાંનો તેમનો હિસ્સો 2024ની 30 માર્ચ સુધીમાં વેચી નાખવો પડશે.
સેબી દ્વારા લેવામાં આવેલાં પગલાં બાબતે મનીકંટ્રોલ વેબસાઇટે જણાવ્યું હતું કે આ પગલાં લેવાનો સમય અત્યંત મહત્ત્વનો છે, કારણ કે અમેરિકન ફોરેન્સિક ફાઇનાન્શિયલ કંપની હિંડનબર્ગે અદાણી જૂથ પર આરોપ મૂક્યો છે કે તેણે તેની લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરનાર લોકોની અસલી ઓળખ છુપાવી છે.

વિરોધ પક્ષની માગ શું છે?

ઇમેજ સ્રોત, TWITTER/INCINDIA
સેબીએ અદાણી જૂથના નાણાકીય દસ્તાવેજોની તપાસ કરવી જોઈએ તેવી માગ વિરોધ પક્ષે કરી છે.
જોકે, પોતે આવી તપાસ કરશે તેવો કોઈ સંકેત સેબીએ અત્યાર સુધી આપ્યો નથી.
પીટીઆઈ સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, સેબીએ શનિવારે જણાવ્યું હતું કે "અમે માર્કેટના વ્યવસ્થિત તથા કુશળ કામકાજ માટે પ્રતિબદ્ધ છીએ અને કેટલાક ખાસ શૅરના ભાવમાં થતા વધારા-ઘટાડા પર નજર રાખવાનાં પગલાં લેવામાં આવ્યાં છે."
અલબત્ત, સેબીએ અદાણી જૂથનું નામ લીધું ન હતું.
મનોજ કુમારે કહ્યું હતું કે, "સેબી જરૂર પડ્યે અદાણી જૂથના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર અને અન્ય અધિકારીઓનાં નિવેદન લઈ શકે છે. લેવડ-દેવડ બંધ કરવાનો અથવા કેટલાક એકમો પર પ્રતિબંધનો આદેશ સેબી જરૂર પડ્યે આપી શકે છે, પરંતુ આ બધાનો આધાર તપાસ પર છે. સેબી પાસે તપાસ કરવાનો અધિકાર છે, પરંતુ કશુંક ખોટું થયાનું જણાશે ત્યારે જ તે તપાસ કરશે."
આ મામલે સેબીએ અત્યાર સુધી નહીં કરેલા હસ્તક્ષેપ બાબતે નાણાકીય બાબતોના જાણકાર શરદ કોહલીએ કહ્યું હતું કે, "સેબી માર્કેટ રેગ્યુલેટર છે. જે કંપનીનું રજિસ્ટ્રેશન થયું છે તે યોગ્ય છે કે કેમ, તેના દસ્તાવેજોમાં કોઈ ગડબડ તો નથીને તે સુનિશ્ચિત કરવાની સેબીની જવાબદારી છે. શૅરબજારમાં ક્યાંય ગરબડ થતી હોય અથવા સેબીના નિયમોનું પાલન ન કરવામાં આવતું હોય ત્યારે સેબી હસ્તક્ષેપ કરી શકે છે. એ સિવાય સેબી કોઈ દખલ કરતી નથી."
જોકે, સેબી કોઈ પણ શૅરમાં અપર કે લોઅર સર્કિટ લગાવીને તેનો ભાવ એક નિયત મર્યાદાથી ઘટતો કે વધતો રોકી શકે છે.
મનોજ કુમારે કહ્યું હતું કે, "સેબી પ્રત્યક્ષ રીતે કશું કરી શકતી નથી, પરંતુ શૅરબજાર પાસે તેની તરકીબ હોય છે. તેઓ શૅરમાં અપર કે લોઅર સર્કિટ લગાવી શકે છે. તેથી ચોક્કસ હદ સુધી તે શૅરના ભાવ ઘટે કે વધે તો તેનું ખરીદ-વેચાણ કરી શકાતું નથી. નેશનલ સ્ટૉક ઍક્સચેન્જમાં રજિસ્ટર્ડ કંપનીઓ છે. સર્કિટ ફિલ્ટર લગાવીને ભાવમાં વધઘટનું નિયમન થઈ શકે છે અથવા ટ્રેડિંગ રોકીને તેને વધારે વોલેટાઇલ થતું અટકાવી શકાય છે."
શરદ કોહલીએ કહ્યું હતું કે, "શૅરબજાર એક સ્વતંત્ર માર્કેટ છે. તેમાં કિંમત માગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. કોઈ શૅરના ભાવ વધવા કે ઘટવામાં માર્કેટ રેગ્યુલેટરની કોઈ ભૂમિકા હોતી નથી."

સરકાર કંઈ કરશે?

ઇમેજ સ્રોત, SOPA IMAGES/GETTY IMAGES
અદાણી જૂથ દેશનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ છે. દેશના માળખાકીય વિકાસમાં અદાણી જૂથની ભૂમિકા મહત્ત્વની છે. તેથી ઘણા લોકો માને છે કે અદાણી જૂથ નબળું પડશે તો તેની અસર દેશના અર્થતંત્ર પર પણ થઈ શકે છે.
આ પરિસ્થિતિમાં સરકાર કશું કરશે કે કેમ એવો સવાલ પણ કરવામાં આવી રહ્યો છે.
માર્કેટમાં અદાણી જૂથને થયેલા નુકસાનની અસરની વાત કરતાં શરદ કોહલીએ કહ્યું હતું કે, "અદાણી જૂથને જે નુકસાન થયું છે તે માત્ર અદાણી જૂથનું જ નથી. તેમાં રોકાણકારોને પણ નુકસાન થયું છે. મોટા સંસ્થાકીય રોકાણકારોને પણ નુકસાન થયું છે અને એલઆઇસીને, જેણે પોતાનું એક ટકા રોકાણ અદાણી જૂથમાં કર્યું છે, પણ નુકસાન થયું છે. એ સિવાય નાના રોકાણકારો અને શૅર ટ્રેડર્સને પણ નુકસાન થયું હશે. અદાણી જૂથમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ પણ રોકાણ કરેલું છે. માર્કેટમાં રોકાણ જોખમને આધીન હોય છે. રોકાણ કરતા બધા લોકો જાણતા હોય છે કે આમાં જોખમ છે."
મનોજ કુમારે કહ્યું હતું કે "અદાણી જૂથ એક પ્રાઇવેટ કંપની છે. તેથી તેને બચાવવા માટે ભારત સરકાર પ્રત્યક્ષ રીતે ખાસ કશું કરી શકે નહીં. સરકાર કોઈને નિષ્ફળતાથી બચાવવા ઇચ્છતી હોય તો પગલાં લઈ શકે, પરંતુ ખાનગી બિઝનેસ જૂથને બચાવવા સરકાર આગળ આવે તેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી."
હિંડનબર્ગ એક અમેરિકન કંપની છે. તેથી અદાણી કે ભારતીય નિયામકો પાસે તેની સામે ભારતમાં કાર્યવાહી કરવાનો વિકલ્પ નથી.

ભરોસો જાળવી રાખવાનો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images
શરદ કોહલીએ કહ્યું હતું કે, "હિંડનબર્ગ અમેરિકાસ્થિત એક નાણાકીય રિસર્ચ એજન્સી છે. આપણા કાયદા તેના પર લાગુ પડતા નથી. તેની સામે અમેરિકા જઈને જ કાયદાકીય કાર્યવાહી કરવી પડે. હિંડનબર્ગ પર નૅગેટિવ પ્રૉપેગૅન્ડા ફેલાવવાનો આરોપ મૂકી શકાય, પરંતુ હિંડનબર્ગ પર ભારતીય નિયામકોનું નિયંત્રણ નથી. ભારતીય નિયામક તેની સામે કોઈ કાર્યવાહી કરી શકે નહીં."
આ ઊથલપાથલ વચ્ચે મહત્ત્વનો એક અન્ય સવાલ એ પણ છે કે માર્કેટની ગાડી ક્યાં સુધીમાં પાટે ચડશે?
વિશ્લેષકો માને છે કે હિંડનબર્ગના રિપોર્ટમાં જે દાવા કરવામાં આવ્યા છે એ સંદર્ભમાં માર્કેટમાં નિશ્ચિંતતા આવી જવી જોઈએ. અદાણી જૂથની આર્થિક સ્થિતિ મજબૂત છે તેવો ભરોસો પેદા થવો જોઈએ. અદાણી જૂથ માટે સૌથી મોટો પડકાર ભરોસો પુનઃસ્થાપિત કરવાનો છે.
મનોજ કુમારે કહ્યું હતું કે, "હિંડનબર્ગના રિપોર્ટમાં જે દાવા કરવામાં આવ્યા છે તેની કોઈ અસર બૅન્કોની લૉન કે ડિબેન્ચરો પર થશે નહીં, તેની ખાતરી માર્કેટને થવી જોઈએ. કંપની પાસે પૂરતો કેશ ફ્લો છે અને તે લૉન ચૂકવવામાં ડિફોલ્ટ નહીં કરે તેની ખાતરી માર્કેટને થઈ જશે એટલે અદાણી જૂથની સ્થિતિ ઠીક થઈ જશે. બજાર ભરોસા પર ચાલે છે. બજારનો ભરોસો અદાણી જૂથમાં ટકી રહેશે તો પરિસ્થિતિ થોડા સમયમાં સામાન્ય થઈ શકે છે. રૂ. આઠ લાખ કરોડનો ક્રેશ થયો છે. તે એક-બે દિવસ કે અઠવાડિયામાં ઠીક નહીં થાય. થોડો સમય લાગશે. ખાસ કશું છુપાવવામાં ન આવ્યું હોય, કોઈ ગરબડ ન થઈ હોય તો ભરોસો ફરી પેદા થઈ શકે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














