ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાતો ઍવૉર્ડ સ્વીકારવાનો લેખકનો ઇન્કાર

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, vijay rupani/facebook

અમદાવાદ મિરરના એક અહેવાલ પ્રમાણે લેખક બિપિન પટેલે તેમના વાર્તાસંગ્રહ 'વાંસનાં ફૂલ' માટે અપાયેલ ગુજરાત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ સ્વીકારવાની ના પાડી દીધી છે.

તેમણે આ ઇન્કાર માટે સાહિત્ય અકાદમીની સ્વાયતતાના મુદ્દાને કારણરૂપ ગણાવ્યું છે.

લેખકનું કહેવું છે કે 'સાહિત્ય અકાદમી વર્ષ 2003થી પોતાની સ્વાયતતા ગુમાવી ચૂકી છે અને અકાદમીમાં ચૂંટણી યોજાવી જોઈએ.'

'સરકારની ભૂમિકા ગ્રાન્ટ આપવા સુધી સીમિત હોવી જોઈએ.'

પટેલનો આરોપ છે કે સરકાર દ્વારા અકાદમીમાં સ્થિતિ પૂર્વવત્ બનાવવાના કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યા.

અકાદમીના વડા વિષ્ણુ પંડ્યાનું કહેવું છે કે 'ચૂંટણી દ્વારા જ અકાદમીને સ્વાયતતા મળે તે ખોટી માન્યતા છે. આપણા દેશમાં દરેક રાજ્યમાં અકાદમીઓ જે-તે સરકાર જ ચલાવે છે.'

નોંધનીય છે કે બિપિન પટેલને વર્ષ 2017ની વાર્તા કૅટેગરી અંતર્ગત આ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી.

નવેમ્બર-2019માં જાહેર થયેલા પુરસ્કાર તા. 29મી જાન્યુઆરીના એનાયત થશે.

પટેલ પૂર્વ અંડર-સેક્રેટરી છે અને વર્ષ 2010માં નિવૃત્ત થયા હતા.

News image
line

કૉંગ્રેસની સરકારો CAA વિરુદ્ધ ઠરાવ કરશે

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કૉંગ્રેસ પક્ષ દ્વારા તમામ કૉંગ્રેસશાસિત રાજ્યોમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના અમલીકરણ વિરુદ્ધ ઠરાવ પસાર કરવાની ભલામણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે જુદા-જુદા કૉંગ્રેસનેતાઓ દ્વારા CAA અંગે કરાતા નિવેદનો વચ્ચે પક્ષે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે.

કૉંગ્રેસ દ્વારા તમામ કૉંગ્રેસશાસિત રાજ્યોને પંજાબની માફક CAAની વિરુદ્ધમાં ઠરાવ પસાર કરવાની ભલામણ કરાઈ છે.

કૉંગ્રેસનેતા અહમદ પટેલે આ અંગે કહ્યું હતું કે, "અમે પંજાબ પછી અમે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓમાં પણ CAA વિરુદ્ધ ઠરાવ પસાર કરાવવા બાબતે વિચારી રહ્યા છીએ."

નોંધનીય છે કે કૉંગ્રેસનેતા કપિલ સિબલે રાજ્યો દ્વારા CAAનો અમલ નહીં કરવાના નિર્ણય 'ગેરબંધારણીય' ગણાવ્યો હતો.

line

ગુજરાત : વધુ અભ્યાસની કરવા માગતી કિશોરીની હત્યા, પિતા પર આરોપ

કિશોરીની હત્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બનેલ 16 વર્ષીય કિશોરીની આત્મહત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર કિશોરીના પિતા પર જ તેમની હત્યા કર્યાનો આરોપ મુકાયો છે.

પુત્રી આગળ અભ્યાસ ન કરી શકે એ માટે પિતાએ પુત્રીને ઝેર આપી તેમની હત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે.

નોંધનીય છે કે શનિવારે ગીર-સોમનાથ જિલ્લાની પ્રભાસ-પાટણ પોલીસ દ્વારા માલદેવ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી.

તેમની પર વેરાવળ તાલુકાના ઇણજ ગામમાં 29 સપ્ટેમ્બર, 2019ના રોજ પોતાની પુત્રીને ઝેર દઈ મારી નાખવાનો આરોપ છે.

કેસની વિગતો અનુસાર મૃતક વેરાવળ ગર્લ્સ હાઈસ્કૂલમાં 11મા ધોરણમાં ભણતાં હતાં. પરંતુ તેમના પિતા તેઓ વધુ ભણે એવું ઇચ્છતા નહોતા.

line

ઉત્તરાખંડમાં રેલવે પ્લૅટફૉર્મનાં બોર્ડ પર ઉર્દૂના સ્થાને સંસ્કૃતમાં

રેલવે સ્ટેશન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ધ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર, ઉત્તરાખંડમાં તમામ રેલવે પ્લૅટફૉર્મ પર હવે ઉર્દૂના સ્થાને સંસ્કૃતમાં જે-તે સ્ટેશનનું નામ લખેલું જોવા મળશે.

નોંધનીય છે કે સંસ્કૃત ઉત્તરાખંડની બીજા નંબરની આધિકારિક ભાષા છે.

ઉત્તર રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર, દીપક કુમારે કહ્યું હતું : "આ નિર્ણય રેલવે મૅન્યુઅલની જોગવાઈઓ અનુસાર લેવાયો છે."

"રેલવે મૅન્યુઅલમાં આ બાબતની સ્પષ્ટતા કરતાં લખાયું છે કે હિન્દી અને અંગ્રેજી સિવાય જે-તે પ્લૅટફૉર્મનાં બૉર્ડ પર ફરજિયાતપણે રાજ્યની બીજી આધિકારિક ભાષામાં જ સ્ટેશનનું નામ લખાયેલું હોવું જોઈએ."

નોંધનીય છે કે આ નિર્ણય બાદ ઉત્તરાખંડમાં તમામ રેલવે સ્ટેશન પર લગાવાયેલાં બોર્ડ પર હિન્દી, અંગ્રેજી સાથે ઉર્દૂ ભાષામાં નામ લખવાના સ્થાને હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્ટેશનનું નામ લખાયેલું જોવા મળશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો