બ્રુનેઈ : એ ઇસ્લામિક દેશ જ્યાં વિશ્વનું સૌથી ઓછું દેવું, આરોગ્ય અને શિક્ષણ બધું જ ફ્રી

નાનકડા દેશ બ્રુનેઈની મુલાકાતે આવનાર લોકોને વરખ ચઢેલ ગુંબજવાળી મસ્જિદો અને આરબ ચિહ્નો આવકારે છે
ઇમેજ કૅપ્શન, નાનકડા દેશ બ્રુનેઈની મુલાકાતે આવનાર લોકોને વરખ ચઢેલ ગુંબજવાળી મસ્જિદો અને આરબ ચિહ્નો આવકારે છે
    • લેેખક, ક્રિસ્ટિના જે. ઓર્ગાઝ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

બ્રુનેઈ એ વિશ્વનો એક એવો દેશ છે જ્યાં વિશ્વમાં ફાટી નીકળેલ મહામારી કે યુક્રેનયુદ્ધ પણ એના દેવામાં વધારો નથી કરી શક્યાં.

આ બધું એવા સમયે જોવા મળ્યું જ્યારે વિશ્વના મોટા ભાગના દેશો કોવિડ-19ની નકારાત્મક અસરો તેમજ ફુગાવાને લીધે પોતાનો જાહેર ખર્ચો ઘટાડવા માટે મજબૂર બન્યા હતા. આવા કપરા સમયે પણ બ્રુનેઈ વિશ્વમાં જીડીપીની સરખામણીએ સૌથી ઓછું દેવું ધરાવનાર દેશ તરીકે જળવાઈ રહ્યું હતું.

જીડીપીની સરખામણીએ બ્રુનેઈનું જાહેર દેવું 1.6 ટકા છે. પરંતુ અહીં વાત નોંધનીય છે કે જીડીપીની સરખામણીએ ઓછું દેવું એ સામાન્યપણે ઇચ્છનીય હોવા છતાં હંમેશાં આ વાત સારી અર્થવ્યવસ્થાનું લક્ષણ ન માની શકાય.

ઘણા ધનિક દેશોમાં જીડીપીની સરખામણીએ દેવું ઘણું ઓછું છે કારણ કે તેમનું દેવું અને સંપત્તિસર્જન બંને ઓછું હોય છે.જોકે, બ્રુનેઈ માટે આ વાત લાગુ પડતી નથી.

આ દેશ પાસે ઑઇલ અને કુદરતી ગૅસનો ભંડાર છે, તેથી સમગ્ર વિશ્વમાં તેના જીવનધોરણનું સ્તર ખૂબ ઊંચું છે.

બ્રુનેઈ વિશ્વનો ચોથો સૌથી ધનિક દેશ છે.

બ્રિટનની 'સ્કૂલ ઑફ ઑરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝના ઇકૉનૉમિક્સના પ્રોફેસર' અને 'સેન્ટર ઑફ સસ્ટેનેબલ ફાઇનાન્સ'ના ડિરેક્ટર ઉલરીક વોલ્ઝે જણાવ્યું હતું કે, “બ્રુનેઈ એક પેટ્રોસ્ટેટ છે. તેની જીડીપીમાં ક્રૂડઑઇલ અને કુદરતી ગૅસના ઉત્પાદનનો ભાગ 90 ટકા જેટલો છે.”

એક અંદાજ પ્રમાણે વર્ષ 2017ના અંતમાં બ્રુનેઈ પાસે 1,100 મિલિયન બૅરલ ઑઇલ રિઝર્વ પડ્યું હતું. જે વિશ્વના કુલ ઑઇલ રિઝર્વના 0.1 ટકા જેટલો ભાગ છે. તેમજ આ દરમિયાન બ્રુનેઈ પાસે 2.6 ટ્રિલિયન ક્યુબિક મીટર ગૅસ અનામત પડ્યો હતો. જે વિશ્વના ગૅસ રિઝર્વના 0.13 ટકા હતો.

દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા બોર્ની ટાપુના ઉત્તર કિનારે આવેલ દેશ બ્રુનેઈની સીમા મલેશિયા અને ઇન્ડોનેશિયા સાથે જોડાયેલી છે. આ દેશના રાજવી પરિવાર પાસે અઢળક સંપત્તિ છે. હાલ રાજવી પરિવારનું વડપણ સુલતાન હસનઅલ બોલકિઆહ કરે છે.

ગ્રે લાઇન

કલ્યાણ રાજ્ય

સુલતાન હસનઅલ બોલકિઆહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુલતાન હસનઅલ બોલકિઆહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અહીં નાગરિકોએ આવકવેરો ભરવો પડતો નથી અને અહીંની સરકાર મફત આરોગ્ય અને યુનિવર્સિટી કક્ષા સુધી શિક્ષણ પૂરું પાડે છે.

જો આ દેશના પાટનગરની વાત કરવામાં આવે તો પાટનગર બંડર સેરી બાગાવાન એક સ્વચ્છ અને ખૂબ જ શાંત વિસ્તાર છે. આ વાતો અહીંની મુલાકાત લેનાર લોકો જણાવે છે.વધુમાં, નાગરિકોમાં અતિશય લોકપ્રિય એવા અહીંના સુલતાન જુદીજુદી સરકારી યોજનાઓ હેઠળ લાયક નાગરિકોને પ્લૉટ અને ઘર આપે છે.

'સેક્રેટરી ઑફ સ્ટેટ ફૉર કૉમર્સ ઑફ સ્પેન' બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, “આ એક ખૂબ જ નાનો દેશ છે, અહીં પાંચ લાખ જેટલા લોકો રહે છે. તેઓ 5,700 ચોરસ કિલોમીટર જેટલા નાના વિસ્તારમાં રહે છે.”

ખાસ કરીને હાઇડ્રોકાર્બન પ્રોડક્ટના વેચાણના કારણે થતી આવકને લીધે બ્રુનેઈનું દેવું ખૂબ ઓછું છે.

તેઓ ઉમેરે છે કે, “આના કારણે જે વર્ષો દરમિયાન સરકારને રાજકોષીય ખાધ જોવા મળે ત્યારે તેની ભરપાઈ રાજ્ય આ અનામતમાંથી કરે છે અને તેમણે દેવું લેવું પડતું નથી.”

“બ્રુનેઈ એક ખૂબ જ નાનું અર્થતંત્ર છે અને તેનું આ વિસ્તારમાં ખૂબ ઝાઝું મહત્ત્વ પણ નથી. એશિયામાં માત્ર ઑઇલ અને નેચરલ ગૅસના સપ્લાયર તરીકે તેનું મહત્ત્વ છે.”

પ્રોફેસર વોલ્ઝ જણાવે છે કે, “ક્રૂડઑઇલ અને અન્ય જૈવિક ઈંધણની નિકાસને કારણે દેશને ચાલુ ખાતામાં ભારે આવક જોવા મળે છે. તેનો અર્થ એ થયો કે દેશને દેવું લેવાની બિલકુલ જરૂરિયાત નથી પડતી.”

બ્રુનેઈ વિશ્વના એવા અમુક દેશો પૈકી એક છે જે વિદેશી દેવા વગર તેની સરકાર અને બૅન્કો માટે નાણાં પૂરાં પાડી શકે છે.

જ્યાં એક તરફ વિશ્વના અન્ય ભાગોમાં આવેલા દેશોએ વિદેશી દેવાં પર આધાર રાખવો પડે છે ત્યાં બ્રુનેઈમાં સરકારી અને ખાનગી લેણદારોને તેમની જ બૅંક પાસેથી દેવું મળી જાય છે.

બ્રુનેઈના અર્થતંત્રની એક ખાસિયત એ છે કે તમારે તમારું દેવું ચૂકવવા માટે વિદેશી ચલણ ખરીદવું પડતું નથી.તેમજ સરકાર અને અર્થતંત્ર તેમનો નફો અને કર અર્થતંત્ર સુધી સીમિત રાખે છે.

મૂડીઝ ઍનાલિટિક્સના અર્થશાસ્ત્રી એરિક ચિયાંગ જણાવે છે કે, “આ દેશની સરકાર માટે કાર્યક્ષમ નાણાકીય સંચાલન એ નિતગત પ્રાથમિકતા છે.”

બ્રુનેઈ

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે ઉમેર્યું કે, “બ્રુનેઈનું ચાલુ ખાતું હંમેશાં નફો દર્શાવતું હોય છે, જેના થકી તેના વિદેશી દેવાની ભરપાઈ થઈ જાય છે. પાછલાં અમુક વર્ષોમાં દેવા તરીકે નાણાં મેળવવાનો ખર્ચ ખૂબ ઓછો રહ્યો છે. જેના કારણે દેશને તેની દેવા બાબતની સેવાઓ મર્યાદિત રાખવામાં મદદ મળી છે અને દેશે જાહેર ખર્ચ ઘટાડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ નથી.”

પોતાના અર્થતંત્રને વૈવિધ્યપૂર્ણ કરવાના બ્રુનેઈના પ્રયાસો છતાં વૈશ્વિક સ્તરે અર્થતંત્રને ડિકાર્બનાઇઝ કરવાના ચલણને લઈને બ્રુનેઈ પર રાજકોષીય સંકટ તોળાઈ રહ્યું છે.

ICEX ફોરેન ટ્રેડ ટેકનિશિયન ચેતવણી આપે છે કે, “વિશ્વમાં ઍનર્જી મૉડલમાં આવી રહેલા બદલાવની પ્રક્રિયાને કારણે ઑઇલ અને ગૅસ પર દેશનો વધુ પડતો મદાર રાખવો એ દેશ ચલાવવાની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી કરી શકે છે.”

ગ્રે લાઇન

કડક ઇસ્લામિક કાયદો

1984 સુધી બ્રુનેઈએ બ્રિટિશ કૉલોની હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1984 સુધી બ્રુનેઈએ બ્રિટિશ કૉલોની હતું

1888થી બ્રિટિશ શાસન હેઠળ રહેલ બ્રુનેઈ એ એક માત્ર એવું મલેશિયન રાજ્ય હતું જે વર્ષ 1963માં મલેશિયા નામક દેશના નિર્માણ માટે અન્ય રાજ્યોની યુતિમાં સામેલ ન થયું.

આ દેશ માટે સંપૂર્ણ સ્વતંત્રતા થોડી મોડી એટલે કે 1984ની સાલમાં આવી.

બ્રુનેઈના વૈભવ માટે ઑઇલ એ એક મોટું કારક હતું
ઇમેજ કૅપ્શન, બ્રુનેઈના વૈભવ માટે ઑઇલ એ એક મોટું કારક હતું

બ્રુનેઈના સુલતાન હસનઅલ બોલકિઆહ એ સંપૂર્ણ અધિકાર ધરાવતા વિશ્વના સૌથી વૃદ્ધ રાજા છે, આ સિવાય તેઓ આવો અધિકાર ભોગવતા અમુક રાજવીઓ પૈકી એક પણ છે.

વર્ષ 1968માં તેમના પિતા, હાજી ઓમર અલી સૈફુદ્દીને ગાદી છોડ્યા બાદ તેમનો રાજ્યાભિષેક થયો હતો.

1984માં સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તેમણે પોતાની જાતને વડા પ્રધાન જાહેર કર્યા અને 1991માં તેમણે મલય મુસ્લિમ રાજાશાહી નામની વિચારધારા દુનિયા સામે મૂકી, આ વિચારધારા રાજાને ધર્મના રક્ષક તરીકે રજૂ કરે છે.

વર્ષ 2014માં બ્રુનેઈ કડક ઇસ્લામિક શરિયત કાયદો અપનાવનાર પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો.પરંતુ વર્ષ 2019માં જ્યૉર્જ ક્લૂની જેવી સેલિબ્રિટી દ્વારા ટીકા કરાતાં અને બૉયકૉના ભયે રાજ્યે પુરુષો વચ્ચેના સેક્સ અને વ્યભિચારના ગુના માટે પથ્થર મારી દોષિતને સજા આપવાની જોગવાઈથી પીછેહઠ કરી હતી.

આંતરરાષ્ટ્રીય ટીકા બાદ સુલતાને 20 વર્ષથી ચાલતી આવતી મૃત્યુદંડની સજા પર પણ રોક લગાવી દીધી.

રેડ લાઇન
રેડ લાઇન