વડા પ્રધાન મોદીએ જેમની બહાદુરી વખાણી તે પન્નાલાલે કેવી રીતે બચાવ્યા બાળકો સહિત 22ના જીવ

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, રાંચીથી, બીબીસી હિન્દી માટે

42 વર્ષીય પન્નાલાલ પંજિયારા આજકાલ ઘણા વ્યસ્ત છે. ઘરે તેમને મળવા આવનારા લોકોની ભીડ રહે છે. જેથી તેઓ પોતાના કામ પર જઈ શક્તા નથી.

દેવધર રોપવે દુર્ઘટનાના હિરો પન્નાલાલ પંજિયારા

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC

ઇમેજ કૅપ્શન, પરિવાર સાથે પન્નાલાલ પંજિયારા

તેમને આશા છે કે સ્થિતિ સામાન્ય થયા બાદ તેઓ 16 એપ્રિલથી કામ પર જઈ શકશે. તેઓ દામોદર રોપવેઝ ઇન્ફ્રા લિમિટેડ (ડીઆરઆઈએલ)ના કર્મચારી છે. આ કંપની ત્રિકૂટ પર્વત પર રોપવેનું સંચાલન કરે છે.

10 એપ્રિલની સાંજે ત્યાં સર્જાયેલી દુર્ઘટના અને ત્યાર બાદ ચાલેલા રેસ્ક્યૂ ઑપરેશન દરમિયાન ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

જોકે, પન્નાલાલ પંજિયારાએ અંદાજે 700 મીટરની ઉંચાઈ પર ટ્રોલીઓમાં ફસાયેલા 22 પર્યટકોને પોતાનો જીવ ખતરામાં મૂકીને બચાવ્યા હતા. આ કારણથી વડા પ્રધાન મોદી અને ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને તેમનાં વખાણ કર્યાં હતાં અને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી.

line

સરકારે આપી પ્રોત્સાહન રાશિ

દેવધર રોપવે દુર્ઘટનાના હિરો પન્નાલાલ પંજિયારા

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC

ઇમેજ કૅપ્શન, પત્ની સાથે પન્નાલાલ પંજિયારા

ઝારખંડ સરકારે પન્નાલાલને એક લાખ રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપી છે. આ કારણથી તેઓ સમાચારમાં છે અને તેમના ઘરે લોકોની અવરજવર ચાલુ છે.

ત્રિકૂટ પર્વત ઝારખંડના દેવઘર શહેરથી અંદાજે 20 કિલોમિટર દૂર દુમકા-દેવઘર રોડ પર સ્થિત છે. પન્નાલાલ પંજિયારા પોતાનાં ત્રણ બાળકો સંજૂ, રાહુલ, ખુશ્બૂ અને પત્ની સુનીતાદેવી સાથે ત્રિકૂટ પર્વત પાસેના તીરનગર ગામમાં રહે છે. અહીં તેમનું એક નાનકડું મકાન છે.

તેમનું પૈતૃક ગામ બલહીડા પણ પર્વતની પાસે જ છે, પરંતુ ત્યાં પર્યાપ્ત જમીન ન હોવાથી તેમણે નજીકમાં જ આવેલા તીરનગરને પોતાનું ઠેકાણું બનાવી દીધું હતું. હવે અહીં જ તેમનું નિવાસસ્થાન છે.

આ એક સંજોગ જ છે કે જે પન્નાલાલ પંજિયારાની બહાદુરીનાં વડા પ્રધાન મોદીએ વખાણ કર્યાં, તેમને સરકારની મોટા ભાગની યોજનાઓનો લાભ મળી શક્યો નથી. તેમણે પોતાના દમ પર બે રૂમ ધરાવતું ઘર ઊભું કર્યું, પરંતુ તેમાં શૌચાલય બનાવી શક્યા નથી. જેથી તેમના પરિવારે નિત્યક્રમ માટે ખુલ્લામાં જવું પડે છે.

સરકારી સુવિધાઓ ન મળવાના અહેવાલ બાદ ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને અધિકારીઓને પન્નાલાલના ઘરમાં શૌચાલય બનાવવાનો આદેશ આપ્યો છે. બીબીસીના અહેવાલને ટાંકીને તેમણે કહ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવે અને પન્નાલાલને સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

બાળપણમાં જ ગુજરી ગયાં હતાં માતા-પિતા

પન્નાલાલ દસ વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. તે બાદથી પાંચ ભાઈ-બહેનોએ સાથે પોતાનું જીવન વિતાવ્યું. આ કારણથી જ તેમને બાળપણથી સંઘર્ષ કરવાની આદત પડી ગઈ હતી. તેઓ વધુ ભણ્યા નથી પરંતુ તેમના સાહસે ભણેલાગણેલા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

પન્નાલાલ કહે છે, "રોપવેમાં કામ કરવાથી મને 15 હજાર રૂપિયા મળી જાય છે પણ જો તેનાથી વધારે પગારની સરકારી નોકરી અને સુવિધાઓ મળી જાય તો પરિવાર ચલાવવું સરળ બની જાત."

line

કઈ રીતે તેમણે લોકોને બચાવ્યા હતા?

દેવધર રોપવે દુર્ઘટનાના હિરો પન્નાલાલ પંજિયારા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રેસ્ક્યૂ ઑપરેશન દરમિયાનની તસવીર

પન્નાલાલે રામનવમીની સાંજે થયેલી રોપવે દુર્ઘટનાની સમગ્ર કહાણી બીબીસીને જણાવી હતી. પન્નાલાલ ખુશ છે, કારણ કે તેમને અભાવમાં ગુજરાન ચલાવતા તેમના પરિવાજનો સાથે મળીને ખુશ થવાની તક મળી. તેઓ એ ગામવાળાના આભારી છે, જેમની મદદથી તેમણે લોકોના જીવ બચાવ્યા. તેમની કહાણી તેમના ખુદના શબ્દોમાં અહીં પ્રસ્તુત છે.

જો મેં મારાં બાળકો વિશે વિચાર્યું હોત, તો કદાચ એ લોકોને બચાવી ન શકતો. હવે હું પૂરી રીતે સંતુષ્ટ છું કે મારા કારણે 22 લોકોના જીવ બચી શક્યા.

તે દિવસે રામનવમી હતી. મારા ગામમાં દુર્ગાપૂજા થાય છે. આ દિવસે બલિ ચઢાવવાની પરંપરા છે. જેથી મેં મારા ઇન્ચાર્જ પાસે માત્ર બલિનો પ્રસાદ ઘરે આપવા જવા રજા માગી. ઘરે જતી વખતે હું બંસહીડા પાસે તમાકુ ખાવા ઊભો રહ્યો. એ દુકાનદારે જ મને રોપવે દુર્ઘટનાની જાણકારી આપી. આ સાંભળીને હું ચોંકી ગયો અને ઘરે જવાના બદલે પાછો ડ્યૂટી પર પહોંચ્યો.

ત્યાં ઘણી ભીડ હતી. પહેલાં તો ડર લાગ્યો કે લોકો અમને મારવા ન લાગે, પરંતુ હિંમત એકઠી કરીને હું આગળ વધ્યો. પછી જે દૃશ્ય જોયું, તેણે મને હચમચાવી નાખ્યો. લોકો ટ્રોલીઓમાં ફસાયેલા હતા અને તેમની ચીસો નીચે સુધી સંભળાતી હતી.

મેં વિચાર્યું કે ઉપર ફસાયેલા લોકોને પોતાના દમ પર બચાવવા મુશ્કેલ છે પરંતુ નીચેની ટ્રોલીઓમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર બાદ મેં સેફ્ટી બેલ્ટ અને દોરડું લીધું અને ઉપર ચઢવાનું શરૂ કર્યું. ત્યારે સાંજના પાંચ વાગ્યા હતા અને અમે સમજી ગયા હતા કે જે પણ કરવાનું છે તે અંધારું થાય તે પહેલાં કરવાનું છે. ગામના લોકો અને મારા સહકર્મીઓએ મને હિંમત આપવાની સાથેસાથે રેસ્ક્યૂમાં મારી મદદ પણ કરી હતી.

દોરડાના સહારે લટકીને ઉપર ગયા બાદ મેં ત્યાં ફસાયેલી ચાર ટ્રોલીમાંથી 16 પર્યટકો અને ત્રણ બાળકોને એક પછી એક નીચે ઉતાર્યાં હતાં. આમ કરતાંકરતાં અંધારું થઈ ગયું હતું અને એ સમય સુધીમાં રાહતકાર્ય માટે ટીમ પણ આવી ગઈ હતી.

અધિકારીઓએ કહ્યું કે અંધારામાં બચાવકાર્ય ચલાવવું સંભવ નથી. પછી અમે ઉપર ન ગયા. બીજા દિવસે સવારે આઠ વાગ્યે બે હેલિકૉપ્ટર આવ્યાં અને પર્વતના બે ચક્કર લગાવીને ચાલ્યાં ગયાં. એ સમય સુધીમાં સેનાના જવાન પણ આવી ગયા હતા પરંતુ બચાવકાર્ય શરૂ થયું ન હતું. તેમને ખ્યાલ જ નહોતો આવી રહ્યો કે આટલી ઊંચાઈ પર ફસાયેલા લોકો સુધી પહોંચી કઈ રીતે શકાય.

ત્યાર બાદ મેં ફરી વખત દોરડા વડે ચઢાઈ શરૂ કરી અને એક ટ્રોલીમાં ફસાયેલા ચાર લોકોને નીચે ઊતાર્યા. આ પ્રકારે હું બે બાળકો સહિત 22 લોકોને બચાવવામાં સફળ રહ્યો. તે બાદ સેના, વાયુસેના, આઇટીબીપી, એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસને રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરીને ત્રણ લોકોને બાદ કરતાં તમામને બચાવી લીધા.

મને ખુશી છે કે ડીસી સાહેબે મારા કામનાં વખાણ કર્યાં અને વડા પ્રધાન તેમજ મુખ્ય મંત્રી સાથે મારી વાત કરાવી. આ પહેલાં મેં માત્ર આ લોકોનો ફોટો જે જોયો હતો.

line

વડા પ્રધાન અને મુખ્યમંત્રી સાથે વાતચીત

દેવઘર રોપવે દુર્ઘટનાના હિરો પન્નાલાલ પંજિયારા

ઇમેજ સ્રોત, RAVI PRAKASH/BBC

ઇમેજ કૅપ્શન, દેવઘરના ઉપાયુક્ત (ડીસી) મંજૂનાથ ભજંત્રિ

દેવઘરના ઉપાયુક્ત (ડીસી) મંજૂનાથ ભજંત્રિએ કહ્યું કે પન્નાલાલ પંજિયારાએ ઝારખંડી કમાન્ડોની જેમ કામ કર્યું છે. આ વાત મેં મુખ્ય મંત્રીજીને કહી. તેમણે પન્નાલાલ માટે એક લાખ રુપિયા પ્રોત્સાહન રાશિ તરીકે મોકલાવ્યા છે. મુખ્ય મંત્રીજીએ કહ્યું છે કે તેઓ ભારત સરકારને પણ તેમને સન્માનિત કરવા અનુરોધ કરશે.

પન્નાલાલ પંજિયારાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી હેમંત સોરેન સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં બન્ને નેતાઓએ તેમના કાર્યની પ્રસંશા કરી હતી પરંતુ પન્નાલાલને અફસોસ એ વાતનો છે કે તેઓ વડા પ્રધાન સમક્ષ માત્ર અડધી મિનિટ બોલી શક્યા.

વડા પ્રધાને તેમની પાસે જાણવા માગ્યું કે શું તેમણે બચાવ અભિયાનની કોઈ ટ્રેનિંગ લીધી હતી કે કેમ?

જ્યારે મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે રોપવે દુર્ઘટનામાં લોકોનો જીવ બચાવવામાં અભૂતપૂર્વ કાર્ય કરનારા પન્નાલાલજીએ જે રીતે માનવતાનો પરિચય આપ્યો છે, તેનો દરેકે આત્મસાત કરવો જોઈએ. તેમના કાર્યથી ગર્વની અનુભૂતિ થાય છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો