ગુજરાતમાં ચૂંટણીટાણે બિસમાર સરકારી શાળાઓની ચર્ચા, શું છે સવાલો?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
"અમને માત્ર જાન્યુઆરીથી મે મહિના સુધી પ્રવાસી શિક્ષક આપવામાં આવે છે. ત્યાર બાદ તમામ સત્રના તમામ વર્ગોના તમામ પિરિયડ મારે લેવાના હોય છે. હું પણ દોઢ વર્ષમાં નિવૃત્ત થઈ જઈશ, ત્યાર બાદ આ શાળાનું શું થશે તેની મને ખબર નથી.
રાજકોટના થોરાળા ગામની સરકારી શાળા શ્રી થોરાળા હાઇસ્કૂલના શિક્ષક નાગજીભાઈ ઘુમાલિયા શાળાની સ્થિતિ અંગે આ વાત જણાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, SOPA IMAGES
દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ એક પત્ર લખીને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને દિલ્હીની શાળાઓ જોવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે આ પત્ર તેમની ભાવનગરની બે શાળાની મુલાકાત બાદ લખ્યો છે.
તેમની મુલાકાત બાદ ગુજરાતની સરકારી શાળાઓ અને તેની હાલત, તેમજ શિક્ષકો વગેરેની પરિસ્થિતિને લઈને ખૂબ ચર્ચા શરૂ થઈ છે. તેવામાં ગુજરાતની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાઓ વિશે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક લોકો સાથે વાત કરી.
ગુજરાતમાં પહેલાં ક્યારેય નહીં જોવા મળેલી એવી સરકારી શાળાઓની ચર્ચામાં શાળાના ઓરડાઓ, શિક્ષકો, સફાઈ વગેરેની ચર્ચા થઈ રહી છે.
સૌથી પહેલા સરકારી ચોપડે નોંધાયેલી સરકારી શાળાઓ વિશે જાણીએ.
ગુજરાત સરકારના શિક્ષણવિભાગના કમિશનરેટ ઑફ સ્કૂલ્સના વાર્ષિક વહીવટી અહેવાલ 2019-20 પ્રમાણે રાજ્યમાં કુલ 12,445 સરકારી, બિન સરકારી, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે.
તેમાંથી 1665 શાળાઓ કેન્દ્ર સરકાર કે પછી સમાજકલ્યાણખાતા દ્વારા સંચાલિત છે, જ્યારે બાકીની ગુજરાત સરકાર, પ્રાઇવેટ ટ્રસ્ટ તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આવી જ રીતે રાજ્યમાં 32500 સરકારી પ્રાથમિક શાળાઓ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ચર્ચા દિલ્હી અને ગુજરાતની સરકારી શાળાઓની

ઇમેજ સ્રોત, @msisodia
ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે "જેમને અહીંનું શિક્ષણ ન ગમે તે બીજે જઈ શકે છે." તેમના આ નિવેદનના જવાબમાં દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં આવી રહી છે અને સારા શિક્ષણ માટે કોઈને ગુજરાત છોડવાની જરૂર નહીં પડે, અમારી પાર્ટી સારું શિક્ષણ ઘરઆંગણે જ આપશે.
જોકે ત્યારબાદ સિસોદિયાએ વાઘાણીના મતવિસ્તારની બે સરકારી શાળાની મુલાકાત લીધી. મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે "ગુજરાતમાં 27 વર્ષ સુધી ભાજપનું શાસન હોવા છતાં હજી સુધી અહીંની શાળાઓની પરિસ્થિતિ ખરાબ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
"તેમણે કહ્યું કે તેઓ જ શાળામાં ગયા હતા, ત્યાંની સફાઈ તો કરાવવામાં આવી હતી, પરંતુ તે શાળાઓની ઇમારતો વગેરે જોઈને ખ્યાલ આવી રહ્યો હતો કે ગુજરાતની શાળાઓની હાલત સારી નથી.
જોકે તેમની મુલાકાત સમયે ભાજપના કાર્યકર્તાઓએ દિલ્હીની અમુક શાળાઓની મુલાકાત લઈને તેના વીડિયો ટ્વીટ કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીની શાળાઓની ખરાબ હાલત છે. જોકે આ ટ્વીટના જવાબમાં સિસોદિયાએ એક પત્ર લખીને ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીને દિલ્હીની શાળાઓ જોવા અને વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે આમંત્રણ આપ્યું છે.
આ આખી ઘટના બાદ ગુજરાતની શાળાઓને લઈને આપ અને ભાજપ આમનેસામને આવી ગયા છે.

ગુજરાત વિધાનસભામાં પણ શાળાઓની ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
જોકે હાલમાં તો ગુજરાતની શાળાઓની પરિસ્થિતિને લઈને વિધાનસભામાં પણ ચર્ચા થઈ હતી.
વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સરકારી શાળાઓ વિશે સવાલ કર્યો હતો, જેમાં સરકારે જવાબ આપ્યો હતો કે છેલ્લાં અમુક વર્ષમાં 86 સરકારી શાળાઓ બંધ થઈ છે અને 491 શાળાઓ બીજી શાળાઓમાં મર્જ કરાઈ છે. સૌથી વધુ 25 શાળાઓ જૂનાગઢમાં બંધ કરવામાં આવી હતી.
વિધાનસભામાં સરકારની રજૂઆત પ્રમાણે હાલમાં આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની 563 જગ્યાઓ ખાલી પડી છે અને માત્ર 30 જગ્યા જ ભરાયેલી છે. રાજ્યના 17 જિલ્લા એવા છે કે જેમાં એક પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નથી.
જોકે વિધાનસભામાં સરકારે રજૂ કરેલો આ જવાબ બીજા અનેક સવાલો ઊભા કરે છે. હાલમાં સિસોદિયાની ભાવનગરની શાળાની મુલાકાત સમયે ભલે તેમણે માત્ર બે જ સ્કૂલની મુલાકાત લીધી હોય, પરંતુ ગુજરાતની શાળાઓની બિસમાર હાલત વિશે રાજ્યમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જોકે હજી સુધી આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ કે ભાજપ પાસે એવો કોઈ આંકડો નથી, જે રાજ્યભરમાં કેટલી શાળાઓની હાલત ખરેખર ખરાબ છે, તેનો ચિતાર આપી શકે.

એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી?
વિધાનસભામાં પુછાયેલા એક સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે હાલમાં રાજ્યમાં 700 એવી પ્રાથમિક શાળાઓ છે, જેમાં માત્ર એક જ શિક્ષક દ્વારા તમામ વર્ગોના તમામ વિદ્યાર્થીઓને તમામ વિષય ભણાવવામાં આવે છે. તેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 100 શાળાઓ, આદિવાસી વિસ્તાર મહીસાગરમાં 74 શાળાઓ, તાપીમાં 59 શાળાઓ માત્ર એક જ શિક્ષક દ્વારા ચલાવવામાં આવે છે.
સરકારે આ માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને શાળાઓનું ભારણ ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેનાથી કોઈ ફાયદો થતો નથી, તેવું ઘણા શિક્ષકો માને છે.
રાજકોટના થોરાલા ગામની સરકારી શાળા શ્રી થોરાલા હાઇસ્કૂલમાં છેલ્લાં બે વર્ષથી માત્ર એક જ શિક્ષક છે. આ શાળા અહીંની ગ્રામપંચાયત ચલાવે છે.
આ શાળાના આચાર્ય બે વર્ષ પહેલાં નિવૃત્ત થયા ત્યાર બાદ લગભગ 100 વિદ્યાર્થીઓને ભણાવાની જવાબદારી માત્ર એક જ શિક્ષક પર આવી છે.
બીબીસી ગુજરાતીએ આ જ શાળાના શિક્ષક નાગજીભાઈ ઘુમાલિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, "અમે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજી સુધી શિક્ષકો કે આચાર્ચની ભરતી માટે કંઈ જ થયું નથી."
ઘુમાલિયા હાલમાં 57 વર્ષના છે અને કોર્સ પૂરો કરવા માટે તેઓ રવિવારે પણ ક્લાસ લેતા હોય છે. તેમનું કહેવું છે કે તેમના જેવા ગુજરાતમાં અનેક શિક્ષકો છે, જેઓ એકલા જ આખી શાળા ચલાવે છે.

સરકારના પ્રયાસો સામે સવાલો
જોકે સમસ્યા માત્ર શિક્ષકોની ભરતી પૂરતી જ નથી. બાળકોના શિક્ષણ માટે, ખાસ તો વનરેબલ બાળકોના શિક્ષણ માટે કામ કરતાં રાજેશભાઈ ભટ્ટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "એ વાત હવે છૂપી નથી રહી કે ગુજરાતમાં શાળાઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. સરકારે કબૂલ્યું છે કે શાળાઓમાં પૂરતા ઓરડા નથી, ઘણી શાળાઓ ભયજનક હાલતમાં ચાલી રહી છે. ઘણી શાળાઓના તમામ વર્ગો એક જ ખંડમાં ચાલી રહ્યા છે." "અંતરિયાળ ગામડાંમાં અનેક શાળાઓમાં ટૉયલેટ તો બની જાય છે, પણ પાણી વગર અને સફાઈ વગર તેનો ઉપયોગ થઈ શકતો નથી."
તેમણે કહ્યું કે હજી સુધી જ્યાં મુખ્ય ધારાના પરિવારોનાં બાળકોની ભણતર સંદર્ભે આવી કફોડી સ્થિતિ હોય ત્યાં સેક્સવર્કરનાં બાળકો કે પ્રવાસી મજૂરોનાં બાળકો માટે તો આ સરકાર ક્યારે વિચારશે.
એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતરિત થતાં મજૂરોનાં બાળકો માટે સરકાર પ્રવાસી શાળાઓ ચલાવે છે, પરંતુ રાજેશ ભટ્ટ અને તેમના જેવા બીજા અનેક કર્મશીલ માને છે કે આ પ્રયાસો અપૂરતા છે, અને જ્યાં સુધી સરકાર સ્વેચ્છાએ આવાં બાળકો માટે નહીં વિચારે ત્યાં સુધી આવાં બાળકો સારી રીતે પ્રાથમિક શિક્ષણ નહીં મેળવી શકે.
પ્રાથમિક શિક્ષણના વર્ગો, શિક્ષકોની ઘટ વગેરે માટે બીબીસી ગુજરાતીએ સેક્રેટરી (પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય) વિનોદ રાવ સાથે વાત કરી હતી, પરંતુ આ સંદર્ભમાં તેમના દફતરેથી કોઈ માહિતી મળી નહોતી.
વિધાનસભામાં આ સંદર્ભે સવાલ ઉઠાવનાર ધારાસભ્ય લલિત કગથરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, "મારા વિસ્તારમાં અનેક શાળાઓ એવી છે કે જેમાં વિદ્યાર્થીઓ ભણી શકે તેવી પરિસ્થિતિ જ નથી. અમને આવી અનેક ફરિયાદો મળે છે, જેમાં શાળાની હાલત બિસમાર હોય કે પછી શિક્ષકો જ ન હોય."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














