જિતુ વાઘાણી : ભાવનગરના યુવા નેતાથી ભાજપ સરકારમાં શિક્ષણમંત્રી સુધી, પહેલાં પણ રહ્યા વિવાદોમાં
"છોકરાં અહીં ભણ્યાં, ધંધો અહીં કર્યો, હવે બીજું સારું લાગે છે તો મારી તો વિનંતી છે, પત્રકારોની હાજરીમાં જેને બીજું સારું લાગતું હોય ઈ છોકરાનાં (સ્કૂલ લિવિંગ) સર્ટિફિકેટ લઈને જે દેશ અને જે રાજ્ય સારું લાગતું હોય ત્યાં ભણાવવાં જોઈએ."
ગુજરાતના શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીના આ નિવેદનને કારણે વિવાદ ઊભો થઈ ગયો અને મીડિયા તથા સોશિયલ મીડિયા ઉપર તેની ભારે ચર્ચા થઈ. આપ તથા કૉંગ્રેસે ગુજરાત સરકારને આ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો.

ઇમેજ સ્રોત, Bipin Tankaria
વાઘાણીએ આ નિવેદન ઉશ્કેરાટમાં કે બેજવાબદારીપૂર્વક કર્યું હોય તેમ માનવું અઘરું છે, કારણ કે વાઘાણીને અંદાજ હતો કે તેમના નિવેદનના પડઘા પડશે અને કદાચ એટલે જ તેમણે કહ્યું હતું કે 'પત્રકારોની હાજરીમાં કહું છું.'
વાઘાણી છેલ્લાં લગભગ 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં પદાધિકારી છે. ભાવનગર શહેર યુવા મોરચાના સહપ્રભારીથી લઈને ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સુધીની સફર તેમણે ખેડી છે.
સરકારી શિક્ષણ અંગે નિવેદન કરનારા વાઘાણીનો પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ સરકારી શાળામાં જ થયો છે.

કાર્યકરોના 'જિતુભાઈ'

ઇમેજ સ્રોત, FB/JituVaghani/ANI
ગુજરાતના શિક્ષણમંત્રીનું ઔપચારિક નામ જિતેન્દ્રભાઈ વાઘાણી છે, પરંતુ ભાજપના કાર્યકરો તથા મિત્રવર્તુળમાં તેઓ 'જિતુભાઈ' વાઘાણી તરીકે જ ઓળખાય છે.
ગુજરાતમાં ભાજપ પોતાનો પગ મજબૂત કરી રહ્યો હતો, ત્યારે 1990ના દાયકાની શરૂઆતમાં જિતુભાઈ ભાવનગર ભાજપના યુવા મોરચાના સહપ્રભારી બન્યા હતા. 1993- '97 દરમિયાન તેઓ ભાવનગર શહેરમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ બન્યા.
2001ના ભૂકંપ બાદ કેશુભાઈ પટેલને હઠાવીને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારથી બંનેની વચ્ચે શીતયુદ્ધ ચાલતું હતું. કેશુભાઈના પ્રભુત્વવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં 'કેશુ બાપાના કૅમ્પ'ના મનાતા નેતાઓને બાજુએ કરવા તથા નવા ચહેરાને લાવવાની વ્યૂહરચના મોદીએ અપનાવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2003માં ગુજરાત ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જિતુભાઈ વાઘાણીની નિમણૂક કરવામાં આવી. જેઓ પાટીદાર હતા, નવલોહિયા હતા તથા કેશુભાઈ કૅમ્પની તેમના પર છાપ ન હતી.
2007માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડાઈ. આમ તો મોદીના નેતૃત્વમાં 2002ની ચૂંટણી પણ લડાઈ હતી, જોકે, આ ચૂંટણી અલગ હતી, કારણ કે તેમાં ખરેખર તેમની તથા તેમની કામગીરીની કસોટી થવાની હતી.
એ ચૂંટણીમાં જિતુભાઈ વાઘાણીને ભાવનગર દક્ષિણની બેઠક પરથી કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની સામે ચૂંટણીજંગમાં ઉતારવામાં આવ્યા હતા. એ ચૂંટણીમાં શક્તિસિંહે જિતુભાઈને સાત હજાર 134 મત (માન્ય મતના 4.63 ટકા) મતથી પરાજય આપ્યો. આ પહેલાંની બે ચૂંટણી (1998 અને 2002) દરમિયાન આ બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.
2008ના પુનઃસીમાંકન બાદ ભાવનગર પશ્ચિમની બેઠક અસ્તિત્વમાં આવી. 2012ની વિધાનસભા ચૂંટણીને નવગઠિત બેઠક પરથી જિતુભાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ કાનાણીને 53 હજાર 893 મતે પરાજય આપ્યો. જે કુલ માન્ય મતના 38.81 ટકા જેટલો હતો. એ ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રવિસ્તારમાં જિતુભાઈ વાઘાણીની લીડ રેકૉર્ડ હતી.

2017ની વિધાનસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, TWITTER/JITUVAGHANI
ઑગસ્ટ-2016માં વિધાનસભાની ચૂંટણી પહેલાં આનંદીબહેને રાજીનામું આપ્યું અને વિજય રૂપાણીને ભાજપના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા, ત્યારે ગુજરાત ભાજપનો ભાર રૂપાણી પાસેથી લઈને વાઘાણીને સોંપવામાં આવ્યો.
2015ના પાટીદાર અનામત આંદોલન પછી ભાજપની આ એક અપેક્ષિત રાજકીય ગણતરી હતી. વાઘાણી પોતે પટેલ છે અને તળપદી ભાષામાં પોતાની અને પાર્ટીની વાત સૌરાષ્ટ્રની ગ્રામીણ જનતા સુધી પહોંચાડી દેવા માટે જાણીતા છે.
2017માં પહેલી વખત ભાજપે 'ઔપચારિક રીતે' નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ વગર ચૂંટણી લડી. પાટીદાર અનામત આંદોલન, ઠાકોર આંદોલન, દલિત આંદોલન અને સત્તાવિરોધી વલણને કારણે ભાજપે તાજેતરના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું. પાર્ટીને 182માંથી 99 બેઠક મળી. છતાં સરકાર બનાવવામાં સફળતા મળી.
જિતુભાઈ પોતાની ભાવનગર પશ્ચિમની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા. પરંતુ તેમની લીડ ઘટીને 27 હજાર 185 ઉપર આવી ગઈ. જે કુલ માન્ય મતના 18.34 ટકા જેટલી હતી.
એપ્રિલ-2019માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપનો વિજય થયો. સતત બીજી વખત એવું બન્યું હતું કે સંસદના નીચલા ગૃહમાં ગુજરાતમાંથી કૉંગ્રેસનો કોઈ પ્રતિનિધિ ન હતો. તેમણે અગાઉના રેકૉર્ડની બરાબરી કરી હતી.
જુલાઈ-2020માં કોરોનાની વચ્ચે સીઆર પાટીલ ગુજરાત ભાજપનના અધ્યક્ષ બન્યા. એ પછી લગભગ સવા વર્ષનો સમય તેઓ રાજકીય પટલ પરથી અદૃશ્ય રહ્યા.
સપ્ટેમ્બર-2021માં લોકોના આક્રોશને ઠારવા માટે જ્યારે રૂપાણી તથા તેમની કૅબિનેટનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, ત્યારે જિતુભાઈ વાઘાણીને ભૂપેન્દ્ર પટેલની કૅબિનેટમાં શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા. આમ કરવા પાછળનું એક કારણ જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણને સાધવાનું પણ હતું.

વાઘાણી અને વિવાદ

ઇમેજ સ્રોત, BJP GUJARAT/TWITTER
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી અને ચૂંટણીના લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ જિતુભાઈ વાઘાણી વિવાદમાં સપડાયા.
તેમના પુત્ર મીત પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા. વિપક્ષને વાઘાણીના બહાને ગુજરાત સરકાર તથા ભાજપ પર હુમલો કરવા માટે હથિયાર મળી ગયું હતું.
વાઘાણીએ પત્રકારપરિષદ સંબોધીને જાહેર કર્યું કે તેમના પુત્રથી ભૂલ થઈ છે. તે બાકીના પેપર નહીં આપે તથા યુનિવર્સિટીએ જે દંડનીય કાર્યવાહી થતી હોય તે કરવી જોઈએ.
માર્ચ-2021માં ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, પરંતુ વાઘાણી વિવાદમાં સપડાયા. મેયર નહીં બની શકનાર એક મહિલા ધારાસભ્યે મીડિયા સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો અને વાઘાણી તથા ભાજપના અન્ય નેતાઓને કારણે તેઓ મેયર ન બની શક્યાં હોવાનો આરોપ મૂક્યો.

જિતુભાઈ વાધાણી વિશે બીજું કેટલુંક
જિતુભાઈ દર વર્ષે ઉત્તરાયણ ઉપર ભાવનગરમાં નાગરિકોને મફતમાં પતંગ વહેંચે છે તથા દશેરા ઉપર રાવણદહનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરે છે.
ભાવનગરના દરેક વૉર્ડમાં નિઃશુલ્ક ફરતું પુસ્તકાલય શરૂ કરાવવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવેલી.
જિતુભાઈએ વકીલાતનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેઓ ખેતી તથા કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા છે.
જિતુભાઈ ભાવનગર ડાયમંડ ઍસોસિયેશન તથા ભાવનગરના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઍસોસિયેશન અને વિદ્યુત કામદાર સંઘનાં અલગ-અલગ પદ પર રહ્યા છે.
તેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર પદે (1998-2001) રહ્યા છે.
તેઓ પાટીદાર સમાજની અનેક ધાર્મિક, સામાજિક તથા શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે.
જિતુભાઈના પરિવારજનોમાં પત્ની, પુત્ર તથા પુત્રીનો સમાવેશ થાય છે.
જિતુભાઈ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળમાં પણ પાર્ટી માટે ચૂંટણીલક્ષી કામગીરી બજાવી ચૂક્યા છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












