મેધા પાટકર : નર્મદા નવનિર્માણ આંદોલનમાં 17 વર્ષ પહેલાં થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ બદનામ કરવા માટેની કાર્યવાહી?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
નર્મદા નવનિર્માણ અભિયાન બિનસરકારી સંસ્થા 17 વર્ષ જૂની એક નાણાકીય લેવડદેવડની બાબતમાં પ્રવર્તન નિદેશાલય (ઈડી)ની નજરમાં આવી હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર આ એનજીઓના ખાતામાં આ દરમિયાન જુદાં-જુદાં 20 ખાતાંમાંથી લગભગ એક કરોડ બે લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરાઈ હતી. નોંધનીય છે કે આ બિનસરકારી સંસ્થાનાં મુખ્ય ટ્રસ્ટીઓ પૈકી એક જાણીતાં ઍક્ટિવિસ્ટ મેધા પાટકર છે.

ઇમેજ સ્રોત, Getty Images
ધ પાયોનિયરના એક અહેવાલ અનુસાર મેધા પાટકરના એનજીઓના ખાતામાં જુદાં-જુદાં 20 ખાતાંમાંથી 1,19,25,880 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાઈ હતી. રિપોર્ટ પ્રમાણે આ તમામ ખાતાંમાંથી 5,96,294 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. અહેવાલ છે કે ઈડી આ વ્યવહારની તપાસ કરી રહ્યું છે.
ઇકોનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર 'મેધા પાટકર સામે 2005માં નર્મદા બચાવો આંદોલનમાં મની લૉન્ડરિંગના મામલામાં કેસ દાખલ કર્યો છે.'
બીબીસી ગુજરાતીએ આ બાબત અંગે મેધા પાટકર સાથે વાતચીત કરી. તેમણે પોતાનો પક્ષ મૂકતાં કહ્યું કે તેઓ અને તેમનું જૂથ સરકારને જુદા-જુદા સ્તરે પડકારી રહ્યાં હોવાથી સરકાર તેમને બદનામ કરવા માટે આ કાર્યવાહી કરી રહી છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "અમને મળેલ તમામ નાણાંનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરાયો છે. અમે સ્થળાંતર થયેલા લોકોના પુનર્વસન, આરોગ્ય અને રોજગારી જેવાં ઘણાં ક્ષેત્રોમાં કામ કરીએ છીએ."
તેમણે એવું પણ જણાવ્યું કે ઈડીને જેની ફરિયાદ કરાઈ છે તે વ્યવહાર 17 વર્ષ પુરાણો છે. અમે રિપોર્ટ જમા કરાવી દીધા છે, તેમજ આ રિપોર્ટનું ઑડિટ પણ થઈ ચૂક્યું છે.
તેઓ કહે છે કે, "એનએનએ બિનસરકારી સંસ્થાનું દર વર્ષે નિયમિતપણે ઑડિટ કરાય છે, તેથી તેની તપાસનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને આ આરોપો જૂઠા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "આ સમગ્ર કાર્યવાહી સરકાર દ્વારા તેમને અને તેમના જૂથને ચૂપ કરાવવા અને બદનામ કરવા માટે કરાઈ રહી છે."
નોંધનીય છે પાટકરે નર્મદા બચાવો આંદોલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સમગ્ર આંદોલન આદિવાસી, ખેડૂતો, પર્યાવરણવિદ્ અને માનવાધિકાર કાર્યકર્તાઓ દ્વારા નર્મદા નદી ઉપર બંધાઈ રહેલા સંખ્યાબંધ ડૅમના વિરોધમાં કરાયું હતું. આ સમગ્ર પ્રોજેક્ટ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલો હતો.

નર્મદા બચાવો આંદોલન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ જૂથને મેધા પાટકર અને અન્ય એક જાણીતા સમાજસેવક બાબા આમટેનું નેતૃત્વ મળ્યું હતું. આ જૂથ મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં નર્મદા નદી પર વિવિધ ડૅમ બાંધવાના પ્રોજેક્ટના કારણે જે લોકોનું સ્થળાંતર કરવું પડે તેમના માનવાધિકારના રક્ષણ માટે કામ કરી રહ્યું હતું.
જ્યારે ફિલ્મ અભિનેતા આમિર ખાને વર્ષ 2011માં મેધા પાટકરને તેમના આ આંદોલનમાં ટેકો જાહેર કર્યો ત્યારે આ આંદોલનને પ્રસિદ્ધિ હાંસલ થઈ હતી.
ગુજરાતસ્થિત પર્યાવરણવિદ્ અને નર્મદા બચાવો આંદોલનમાં પાટકરના જૂથના સભ્ય રોહિત પ્રજાપતિએ કહ્યું કે, "આ આંદોલનનો હેતુ પર્યાવરણને બચાવવા માત્રનો હતો. તે બાદ અમે કહ્યું કે ડૅમના કારણે સમુદ્રની સપાટીમાં વધારો થશે, જે હાલ હકીકતમાં પરિણમ્યું છે. કારણ કે નર્મદા જ્યાં અરબ સાગરમાં વિલીન થાય છે તે સ્થળ એટલે કે ભરૂચમાં સમુદ્રની સપાટી વધી છે."

પાટકરનું ગુજરાત કનેક્શન

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકોનું માનવું છે કે મેધા પાટકર ગુજરાતમાં નર્મદા ખીણમાં વસેલા આદિવાસી લોકોના અધિકારો માટે ચળવળ ચલાવવાને લઈને વિવાદિત ચહેરો બન્યાં હતાં. એક સમાજસેવકના મતે ગુજરાતના સત્તાપક્ષ ભાજપને તેમના કામ પ્રત્યે અણગમો હતો. વર્ષ 2002માં જ્યારે મેધા પાટકર અન્ય કેટલાક સમાજસેવકો સાથે ગાંધી આશ્રમમાં એક સભા સંબોધી રહ્યાં હતાં ત્યારે તેમના પર હુમલો થયો હતો. તેઓ ગોધરાકાંડ બાદ થયેલાં હુલ્લડો અંગે વાતચીત કરવા માટે લોકોને મળી રહ્યાં હતાં. આ ઘટનાના કારણે મોટો વિવાદ સર્જાયો હતો.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












