યુક્રેન યુદ્ધ : યુક્રેનના બૂચા શહેરમાં રસ્તા પર પડેલા મૃતદેહો અંગે રશિયાનો દાવો કેટલો સાચો?

    • લેેખક, રિયાલિટી ચેક અને બીબીસી મૉનિટરિંગ
    • પદ, બીબીસી ન્યૂઝ

ચેતવણી - આ અહેવાલ સાથેની કેટલીક તસવીરો કેટલાક લોકોને વિચલિત કરી શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેઝે યુક્રેનના બૂચા શહેરના રસ્તાઓ પર મળેલા મૃતદેહો વિશે સ્વતંત્ર તપાસ કરવાની માગણી કરી છે.

કાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેને આરોપ મૂક્યો છે કે રશિયાએ ઈરાદાપૂર્વક લોકોની હત્યા કરી છે, જ્યારે રશિયાનું કહેવું છે કે 'લોકોને ઉશ્કેરવા માટે યુક્રેનની સરકાર આવું નાટક કરી રહી છે'

કિએવના સીમાડે આવેલા બૂચામાંથી રશિયન સેનાએ પીછેહઠ કરી તે પછી શહેરની શેરીઓમાં કેટલાક મૃતદેહો પડ્યા હોવાની તસવીરો બહાર આવી છે. કેટલાક પત્રકારોએ મૃતદેહ જોયા પણ છે.

યુક્રેને આરોપ મૂક્યો છે કે રશિયાએ ઇરાદાપૂર્વક લોકોની હત્યા કરી છે, જ્યારે રશિયાનું કહેવું છે કે 'લોકોને ઉશ્કેરવા માટે યુક્રેનની સરકાર આવું નાટક કરી રહી છે'.

બૂચાનાં દૃશ્યો હોવાનું કહેવાયું છે તેની સામે પણ રશિયાએ સવાલો ઊભા કર્યા છે.

line

રશિયાનો દાવો: 'નકલી મૃતદેહ'

ગાડી

ઇમેજ સ્રોત, UKRAIN DEFENCE MINISTRY

ઇમેજ કૅપ્શન, થોડા સમય માટે કારના વિંગ મિરરમાં મૃતદેહ દેખાય છે

બૂચામાંથી રશિયાની સેના હઠી ગઈ તે પછી ફરતી કારમાંથી લેવામાં આવેલા ફૂટેજમાં શેરીઓમાં મૃતદેહો પડેલા જોવા મળે છે.

આ ફૂટેજ સામે આવ્યા તે પછી રશિયાની તરફેણ કરનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં આ ફૂટેજને 'સ્લો ડાઉન' (ધીમી ગતિના) વીડિયો તરીકે મૂકવામાં આવ્યો અને દાવો કરાયો કે તેમાંથી એક મૃતદેહના હાથ હલી રહ્યા છે.

કૅનેડા ખાતેના રશિયાના રાજદૂતે ટ્વીટ કરીને લખ્યું કે - "કિએવ પાસેના બૂચા શહેરના નકલી મૃતદેહોનો નકલી વીડિયો."

વીડિયો થોડો ધૂંધળો દેખાય છે અને ઝીણવટપૂર્વક જોવામાં આવે તો ખ્યાલ આવે છે કે જેને હલતો વીડિયો કહેવામાં આવ્યો છે તે કારની વિન્ડસ્ક્રિન પર ડાબી બાજુનો એક માર્ક છે.

આ માર્ક પર અમે ગોળાકાર બનાવીને દેખાડ્યો છે, જેથી તેનો સ્પષ્ટ ખ્યાલ આવે. આ નિશાની ધૂળના કારણે કે વરસાદના છાંટાને કારણે હોય તેવી લાગે છે.

આ જ ફૂટેજ વિશે રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે એક જગ્યાએ બીજા મૃતદેહો પાસેથી કાર પસાર થાય છે ત્યારે તે મૃતદેહ લાલ અને પીળા પથ્થરો લગાવેલી ફૂટપાથ પર પડ્યા છે.

થોડા સમય માટે કારના વિંગ મિરરમાં આ મૃતદેહ દેખાય છે.

રશિયાની તરફેણ કરનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં દાવો કરાયો કે આ મિરરમાં એવું દેખાય છે કે મૃતદેહ બેઠો થઈ રહ્યો છે.

જોકે આ હિસ્સાના ફૂટેજને ધીમી ગતિથી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે વિંગ મિરરમાં મૃતદેહનું પ્રતિબિંબ અને બૅકગ્રાઉન્ડમાં ઘરો છે તે સરખી રીતે દેખાતાં નથી.

વિંગ મિરરનાં આવાં દૃશ્યો બીજાં ઘણાએ પણ ઑનલાઇન મૂક્યાં છે, તેમાં પણ આવું જ દેખાય છે.

બીબીસીએ બીજી એપ્રિલે પોસ્ટ કરાયેલા વીડિયોનાં દૃશ્યોની સરખામણી ત્રણ એપ્રિલે ગેટી ફોટો એજન્સી અને એએફપીએ રિલીઝ કરેલી તસવીરો સાથે કરી છે.

વીડિયોમાં પહેલો મૃતદેહ સફેદ ટેકા પર પડેલો લાગે છે. તેની જમણી બાજુ ફૂટપાથ પર થોડું ઘાસ અને થોડા પથ્થરો છે.

સાથે જ સફેદ વાડ પાસે એક સિલ્વર રંગની કાર ફૂટપાથ પાસે ઊભેલી દેખાય છે, જેની ડિકી ખૂલેલી છે.

આ જ કાર અને ફૂટપાથ ગેટી/એએફપીની તસવીરોમાં પણ દેખાય છે.

બીજો મૃતદેહ કાળા જૅકેટમાં છે. મૃતદેહની જમણી બાજુ બૅન્ડેજ બાંધેલી દેખાય છે. આ મૃતદેહ લાલ અને પીળા પથ્થરોની ફૂટપાથ પાસે અને તૂટેલી વાડની સામે પડેલો છે.

આ રીતે કાળું જેકેટ, ફૂટપાથ અને વાડ… આ બધું જ ગેટી/એએફપીની તસવીરોમાં દેખાય છે.

line

દાવો: મૃતદેહ 'અકડ થઈ ગયો નથી'

બૂચા

ઇમેજ સ્રોત, BBC/Getty

ઇમેજ કૅપ્શન, મોત થયા પછી શરીર અકડાવા લાગે છે અને માંસપેશી સંકોચાઈ જાય છે અને અકડ થઈ જાય છે.

રશિયાના વિદેશ મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું કે, "એ વધારે ચિંતાજનક છે કે કિએવના શાસકો જે તસવીરો જણાવી રહ્યા છે તેમાં ચાર દિવસ પછીય મૃતદેહ 'અકડ થઈ ગયો' નથી."

યુક્રેનની સેનાના જણાવ્યા અનુસાર રશિયાની સેના 31 માર્ચે બૂચા છોડીને જતી રહી છે, જ્યારે રશિયાનો દાવો છે કે તે 30 માર્ચે જ ત્યાંથી નીકળી ગયું હતું.

મોત થયા પછી શરીર અકડાવા લાગે છે અને માંસપેશી સંકોચાઈ જાય છે અને અકડ થઈ જાય છે.

આ વિશે ફોરેન્સિક પેથોલૉજિસ્ટનો અભિપ્રાય લેવામાં આવ્યો કે શું ચાર દિવસ પછી મૃતદેહ અકડ થઈ જાય?

બૂચા

ઇમેજ સ્રોત, BBC/GETTY

ઇમેજ કૅપ્શન, રશિયાએ કરેલા ટ્વીટમાં કદાચ એવું કહેવાનું પણ હોય કે શરીરમાં લોહી ફરવાનું બંધ થઈ જાય તે પછી ત્વચા લાલ કે કાળા રંગની પડી જતી હોય છે.

રવાન્ડા અને કોસોવા જેવી જગ્યાએ યુદ્ધ અપરાધોની તપાસ કરનારા એક પેથોલૉજિસ્ટે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું કે ચાર દિવસ પછી મૃતદેહની અકડ ઊલટાની ઘટી જાય છે.

રશિયાએ એવો પણ દાવો કર્યો હતો કે મૃતદેહો પર ડાઘ પણ દેખાતા નથી. શેના ડાઘ છે તે જણાવાયું નથી, પરંતુ આ વિશે પણ પેથોલૉજિસ્ટનું કહેવું છે કે બંદૂકની ગોળીથી મોત થાય ત્યારે કેવા પ્રકારની બંદૂકોનો ઉપયોગ થયો હોય તેના આધારે અલગઅલગ અસર થતી હોય છે.

ઘણી વાર આવી રીતે ગોળી લાગવાથી મોત થાય ત્યારે લોહીના ડાઘ દેખાતા નથી. લોહીના ડાઘ કપડાંની અંદર હોય અને બહાર ના દેખાતા હોય તેવું પણ બને. શિયાળામાં કપડાં પર ડાઘ બહાર દેખાય તે મુશ્કેલ હોય છે.

રશિયાએ કરેલા ટ્વીટમાં કદાચ એવું કહેવાનું પણ હોય કે શરીરમાં લોહી ફરવાનું બંધ થઈ જાય તે પછી ત્વચા લાલ કે કાળા રંગની પડી જતી હોય છે.

જોકે કોઈ મૃતદેહ ઊંધા માથે પડ્યો હોય ત્યારે ત્યાં નીચે જમા થયેલું લોહી તસવીરમાં દેખાતું નથી.

line

દાવો: આક્રમણમાં એક પણ સ્થાનિક લોકોને હાનિ થઈ નથી

બૂચા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાની ધ ઇનસાઇડર નામની વેબસાઇટ સાથે સ્થાનિક લોકોએ વાતચીત કરી તેમાં પણ ઘણાએ આવી જ ઘટનાઓની વાત કરી હતી

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો કે બૂચા પર રશિયાનો કબજો હતો તે દરમિયાન ત્યાં 'એક પણ સ્થાનિક વ્યક્તિ સામે હિંસક કાર્યવાહી કરવામાં આવી નથી.'

જોકે ઘણા નજરે જોનારા સાક્ષીઓના નિવેદનો સામે આ દાવો ટકતો નથી. એક સ્થાનિક અધ્યાપકે હ્યુમન રાઇટ્સ વૉચને જણાવ્યું હતું કે રશિયાની સેનાએ પાંચ લોકોને એક જગ્યાએ એકઠા કર્યા હતા અને તેમાંથી એકને ગોળી મારી દીધી હતી.

રશિયાની ધ ઇનસાઇડર નામની વેબસાઇટ સાથે સ્થાનિક લોકોએ વાતચીત કરી તેમાં પણ ઘણાએ આવી જ ઘટનાઓની વાત કરી હતી.

ક્રિસ્ટિના નામની એક સ્થાનિક મહિલાએ ધ ઇનસાઇડરને કહ્યું કે, "બહુ ડર લાગે તેવા દિવસો છે. આવા દિવસોમાં તમારા ઘરબાર કે તમારી મિલકતો પણ તમારી હોતી નથી. તમારી જિંદગી પણ તમારી નથી. પાણી નથી, વીજળી નથી, ગૅસ નથી, ઘરથી બહાર નીકળાતું નથી. બહાર નીકળ્યા તો ગોળી મારી દેવામાં આવે છે."

કેટલાક સ્થાનિક લોકોએ બીબીસીને પણ જણાવ્યું કે રશિયનોએ લોકોના ઘરના દરવાજો તોડી નાખ્યા હતા અને લૂંટફાટ ચલાવી હતી. સૈનિકોએ કિંમતી વસ્તુઓ અને ખાવાની સામગ્રી લૂંટી લીધી હતી.

રશિયાના સંરક્ષણ મંત્રાલયનો એવો પણ દાવો છે કે 'તેમની સેના 30 માર્ચે બૂચામાંથી નીકળી ગઈ હતી અને યુક્રેનની સેના તથા મીડિયા બૂચામાં આવી ગયા હતા, પણ આ ફૂટેજ ચાર દિવસ પછી આવ્યા છે.'

જોકે એએફપી જેવી સમાચાર સંસ્થાઓએ બીજી એપ્રિલે જ મૃતદેહોની તસવીરો પ્રકાશિત કરી હતી. બીબીસીની તપાસમાં પણ ખબર પડી કે પહેલી એપ્રિલે સોશિયલ મીડિયામાં રસ્તા પર પડેલા મૃતદેહોના વીડિયો ફરતા થઈ ગયા હતા.

અહેવાલ: જેક હૉર્ટન, શાયન સરદારીઝાદેહ, રશેલ શ્રેયર, ઓલ્ગા રૉબિન્સન, એલિસ્ટર કોલમેન અને ડેનિયલ પાલુંબો

વીડિયો પ્રૉડક્શન: સારા ગ્લેટ અને જેક્લિન ગેલ્વિન

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો