પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં સુરક્ષાદળોની ભારે તહેનાતી છતાં હિંસા કેમ ન અટકી?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, બીબીસી હિન્દી માટે
પશ્ચિમ બંગાળમાં આઠ જુલાઈએ યોજાયેલી પંચાયત ચૂંટણીમાં હિંસા વચ્ચે આઠમી જુલાઈએ 66.28 ટકાથી વધુ મતદાન થયું હતું.
મતદાનના દિવસે રાજ્યના સાત જિલ્લાઓમાં હિંસા, અગ્નિકાંડ, નકલી મતદાન અને બુથ કૅપ્ચરિંગના દૃશ્યોએ 2018ની પંચાયત ચૂંટણીને પણ પાછળ છોડી દીધી હતી, જે હિંસાના મામલામાં ઉદાહરણ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. તે વર્ષે મતદાનના દિવસે 10 લોકોનાં મોત થયાં હતાં.
સરકારી આંકડાઓ મુજબ, આ વખતે હિંસામાં તમામ રાજકીય પક્ષોના ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયાં છે. જોકે બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ આંકડો 17 છે.
તે ઉપરાંત ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાંનાં મોટાં ભાગનાં મૃત્યુ ગોળી કે બૉમ્બ વિસ્ફોટને કારણે થયાં છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં કેટલાંક મતદાનમથકોમાં 10 જુલાઈના દિવસે પુન:મતદાન કરાવવામાં આવશે.
કદાચ કોલકાતા હાઈકોર્ટને પણ આ હિંસા અંગે આશંકા હતી. તેથી 6 જુલાઈએ તેમણે કહ્યું હતું કે, "11 જુલાઈએ ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં પછી પણ દસ દિવસ માટે કેન્દ્રીય સુરક્ષાદળના જવાન રાજ્યમાં તૈનાત રહેશે."
મતદાન સમયે મોટા પાયે થયેલી આ હિંસા બાદ રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે અને તમામ પક્ષોએ તે માટે એકબીજા પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું છે.
મુખ્ય વિપક્ષી પક્ષ ભાજપે તો બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ પણ ઉઠાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં લોકતંત્રની બહાલી માટે હસ્તક્ષેપની માગ કરી છે.

હિંસા અટકાવવામાં નિષ્ફળતા કેમ?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્યના ચૂંટણી કમિશનર રાજીવ સિન્હાએ પત્રકાર સાથેની વાતચીતમાં હિંસા અંગેના એક સવાલ પર કહ્યું કે કાયદો અને વ્યવસ્થા માટે જિલ્લા વહીવટીતંત્ર જવાબદાર છે, કમિશનરનું કામ સમગ્ર વ્યવસ્થાને સંભાળવાનું છે.
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે આટલી મોટી સંખ્યામાં કેન્દ્રીય દળોની તૈનાતી હોવા છતાં મોટા પાયે હિંસા કેમ થઈ?
વિપક્ષ ભાજપ, કૉંગ્રેસ અને સીપીએમનો આરોપ છે કે તૃણમૂલ કૉંગ્રેસ સરકારના ઇશારે કામ કરી રહેલા રાજ્ય ચૂંટણીપંચે સંવેદનશીલ વિસ્તારમાં એ જવાનોને તહેનાત કર્યા નથી.
જેના કારણે હિંસા થઈ હતી. પરંતુ રાજ્ય ચૂંટણી કમિશનર રાજીવ સિન્હાએ પત્રકારોને કહ્યું કે, "જો કેન્દ્રીય સુરક્ષાદળના જવાનો રાજ્યમાં થોડા વહેલાં પહોંચી ગયા હોત તો હિંસા પર કાબૂ મેળવી શકાયો હોત. શનિવાર બપોર સુધી કેન્દ્રીય બળોની માત્ર 660 કંપનીઓ જ રાજ્યમાં પહોંચી છે."
કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ બાદ પંચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે 822 કંપનીઓની માગણી કરી હતી.
રાજકીય વિશ્વલેષકોનું કહેવું છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દેખરેખ હેઠળ ચૂંટણી કરાવવાને લઈને કોર્ટમાં છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો. ચૂંટણીપંચે અગાઉ માત્ર 22 કંપનીઓની માંગણી કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં સરકાર અને પંચની અરજી ફગાવી દીધા બાદ તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે વધુ 800 કંપનીઓ મોકલવાની વિનંતી કરી હતી. પરંતુ તેમાંથી માત્ર 660 કંપનીઓ જ અહીં પહોંચી હતી.
શુક્રવારે મોડી રાત્રે કે શનિવારે મતદાન શરૂ થયા બાદ લગભગ 300 કંપનીઓ રાજ્યમાં પહોંચી હતી.
રાજકીય વિશ્લેષક પ્રોફેસર સમીરન પાલ કહે છે કે, "ચૂંટણીપંચ પર કેન્દ્રીય બળોની તહેનાતીની યોજનામાં વિલંબ થવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો."
"આ ઉપરાંત સંવેદનશીલ મતદાન કેન્દ્રોની ઓળખ છેલ્લી ક્ષણે પૂર્ણ થઈ ગઈ હતી. પરિણામે કેન્દ્રીય બળોની યોગ્ય તહેનાતી થઈ શકી નહોતી."

ક્યાં ક્યાં થઈ હિંસા?

ઇમેજ સ્રોત, ANI
જોકે, રાજ્યના તમામ વિસ્તારમાંથી હિંસા, બૂથ કૅપ્ચરિંગની ફરિયાદો સામે આવી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે સૌથી વધુ હિંસા સાત જિલ્લામાં થઈ છે. જેમાં મુર્શિદાબાદ ટોચ પર છે.
શુક્રવારે મોડી રાતથી અત્યાર સુધી અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં છે. તે ઉપરાંત કૂચબિહાર અને ખાસકરીને દિનહાટા વિસ્તાર બીજા ક્રમાંકે રહ્યો છે.
ત્યાં હિંસક અથડામણોમાં બે લોકોનાં મોત થયાં છે. એજ પ્રકારે કોલકાતાને અડીને આવેલા દક્ષિણ દિનાજપુર જિલ્લાના ભાંગડમાં પણ હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા એક ડઝન લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
માલદા અને પૂર્વ બર્દવાન જિલ્લામાં બે-બે લોકોનાં મોતનાં અહેવાલ સામે આવ્યા છે.
નદિયા જિલ્લામાં પણ ગોળીબારમાં બે લોકોનાં મોત થયાં છે.
અહીં તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે બૅલેટ બૉક્સને લઈને અથડામણ થતાં ભીડને વિખેરવા કેન્દ્રીય બળના જવાનોને હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.
હિંસા ઉપરાંત મોટા પાયે અગ્નિકાંડ, બૂથ કૅપ્ચરિંગ, બૅલેટ બૉક્સને લઈને ભાગી જવા અને બૅલેટ પેપર ફાડવાની અને સળગાવવાની તેમજ મોટાપાયે નકલી મતદાનની પણ હજારો ફરિયાદ આવી છે.

પરંપરા હિંસાની જ છે

ઇમેજ સ્રોત, SANJAY DAS
વિશ્લેષકોનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ચૂંટણી હિંસાના મૂળિયાં એટલાં પથરાયેલાં છે કે તમામ પગલાં લેવા છતાં તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવાનું શક્ય નથી.
વરિષ્ઠ પત્રકાર તાપસ મુખર્જી કહે છે કે, "બંગાળમાં ચૂંટણી હિંસાની પરંપરા ઘણી જૂની છે. 1980 અને 1990ના દાયકામાં જ્યારે બંગાળના રાજકીય પરિદૃશ્યમાં તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપનું કોઈ અસ્તિત્વ નહોતું, વામ મોરચા અને કૉંગ્રેસ વચ્ચે વારંવાર હિંસા થતી હતી."
તેઓ કહે છે કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે-જ્યારે સત્તાધારી પક્ષને વિપક્ષ તરફથી આકરા પડકારનો સામનો કરવો પડે છે, ત્યારે ચૂંટણી હિંસાની ઘટનાઓ ઝડપથી વધે છે.
પછી ભલે તે વામ મોરચાના સત્તામાં હોય કે કૉંગ્રેસ સાથે અથડામણ થાય કે પછી તૃણમૂલ કૉંગ્રેસ સાથે.
હવે ભાજપના મજબૂત ઉદય અને કૉંગ્રેસ-સીપીએમ ગઠબંધનના ખોવાયેલા મેદાનને પાછું મેળવવાના પ્રયાસ સાથે ઇતિહાસનું પાછું પુનરાવર્તન થઈ રહ્યું છે.

તહેનાતી પર સવાલ?

ઇમેજ સ્રોત, ANI
આ હિંસા પર આરોપ-પ્રત્યારોપનો દોર પણ ઝડપી બન્યો છે. સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસે વિપક્ષી બળો પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો મતદારોને યોગ્ય સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે.
રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી શશિ પાંજાએ સવારે ટ્વીટમાં કહ્યું હતું કે, "ગત રાતથી જ હિંસક ઘટનાઓના અહેવાલો આવી રહ્યા છે. ભાજપ, સીપીએમ અને કૉંગ્રેસે મળીને કેન્દ્રીય બળોની માગ કરી છે. ટીએમસીના લોકોની હત્યા થઈ રહી છે. તે લોકો (કેન્દ્રીય બળોના જવાન) ક્યાં છે?"
પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, "ટીએમસીના ગુંડાઓ ખુલ્લેઆમ બૂથ કૅપ્ચરિંગ અને મતદારોને ધમકાવવામાં વ્યસ્ત હતા. પક્ષે જનમતની ચોરી કરી છે."
સીપીએમના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે દાવો કર્યો છે કે હાઈકોર્ટના આદેશ છતાં કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને યોગ્ય રીતે તૈનાત કરવામાં આવ્યા ન હતા.
બીજી તરફ ભાજપે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી હતી.

ઇમેજ સ્રોત, SANJAY DAS
વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી કહે છે કે, “રાજ્ય પ્રશાસન અંતર્ગત મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી એક મૃગતૃષ્ણા છે. આવી ચૂંટણીઓ રાષ્ટ્રપતિ શાસન કે બંધારણની કલમ 355 અંતર્ગત જ શક્ય છે.”
શનિવારે સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં અધિકારીએ કહ્યું હતું કે રાજ્યપાલે રાજીવ સિંહાને ચૂંટણી કમિશનરના પદ પર નિયુક્ત કરીને સૌથી મોટી ભૂલ કરી છે.
ટીએમસીના ગુંડાઓએ અત્યાર સુધી 15થી વધુ લોકોની હત્યા કરી છે. કેન્દ્રએ બંધારણની કલમ 355 કે 356 દ્વારા આ મામલમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ.
હવે સવાલ એ છે કે આટલી ભારે હિંસા પછી પણ આખરે કોણ જીતશે?
તેનો જવાબ 11મી જુલાઈએ પરિણામ આવ્યા બાદ જ મળશે. પરંતુ રાજકીય વિશ્લેષકોના મતે આ પરિણામની અસર આગામી વર્ષે યોજાનારી લોકસભાની મહત્ત્વની ચૂંટણીઓ પર પડશે એ નક્કી છે.














